મુલુંડ-વેસ્ટમાં આવેલી સ્મશાનભૂમિમાં રહેલી અનેક પ્રકારની અગવડોનો પર્દાફાશ મિડ-ડે Local દ્વારા કરવામાં આવ્યા બાદ બીજેપીના યુવા મોરચાએ દુર્દશા દૂર કરવા માટે આપેલી એક અઠવાડિયાની મુદત પૂર્ણ થયા બાદ ગાંધીગીરીનો માર્ગ અપનાવતાં હાથમાં ઝાડું લઈને સ્મશાનભૂમિની સફાઈ કરી હતી. આ ઉપરાંત તેમણે અન્ય અગવડોને દૂર કરવા માટે સિગ્નેચર કૅમપેન કરવાનો પણ નિર્ણય લીધો છે.
પહેલી વખત સ્માશાનની હાલતનો ચિતાર ચોથી ઑક્ટોબરે મિડ-ડે Localમાં આપવામાં આવ્યો હતો જેને પગલે ૧૮ ઑક્ટોબરે બીજેપીના યુવા મોરચાએ એક સપ્તાહની મુદત સ્મશાનભૂમિની હાલત સુધારવા માટે સુધરાઈ અને મુલુંડ સ્મશાનભૂમિનું સંચાલન કરતી મુલુંડ નાગરિક સભા સંસ્થાને આપી હતી. આ સમયગાળામાં સુધરાઈએ સ્મશાનભૂમિનું સર્વેક્ષણ કરીને સંચાલક ટ્રસ્ટને નોટિસ ફટકારી હતી અને સંચાલક ટ્રસ્ટે પણ આ સમયગાળામાં આવશ્યક જગ્યાએ શેડ લગાવવાનું કામ આદરી દીધું હતું.
સ્મશાનભૂમિની કથળી ગયેલી હાલત માટે બીજેપીના યુવા મોરચા-ઈશાન મુંબઈએ સુધરાઈ સહિત સંચાલક ટ્રસ્ટને સાત દિવસની મહેતલ આપી હતી જે પૂરી થઈ ગયા બાદ ગંદકી દૂર કરવા કોઈ પગલાં લેવામાં આવ્યાં ન હોવાથી રવિવારે સ્મશાનભૂમિની સફાઈ કરવા બીજેપીના યુવા મોરચાના કાર્યકર્તાઓ ત્યાં પહોંચી ગયા હતા. આ બાબતે બીજેપીના યુવા મોરચા-ઈશાન મુંબઈના સેક્રેટરી વિરલ શાહે મિડ-ડે Localને કહ્યું હતું કે ‘સ્મશાનની દયનીય બાબતે અમે મહાનગરપાલિકાને એક આવેદનપત્ર આપીને આવ્યા હતા અને તેમને સાત દિવસનો સમય આપ્યો હતો, પણ સફાઈ માટે કોઈ યોગ્ય પગલાં લેવામાં ન આવતાં અંતે અમે જાતે જ સફાઈ કરવાનું નક્કી કર્યું હતું. રવિવારે સાંજે અમારા કાર્યકર્તાઓ હાથમાં ઝાડું લઈને ત્યાં પહોંચી ગયા હતા અને હવે જ્યાં સુધી સુધરાઈ તથા સંચાલક સંસ્થા સફાઈનો ભાર નહીં ઉપાડે ત્યાં સુધી અમે સ્મશાનભૂમિ સાફ કરતાં રહીશું. ગાંધીજી પણ સાબરતી આશ્રમમાં સાવરણી લઈને વાળવાનું કામ કરતા જ હતાને!’
આગામી આંદોલનની વ્યૂહરચના વિશે માહિતી આપતાં વિરલ શાહે કહ્યું હતું કે ‘હવે સ્મશાનની હાલત સુધારવા માટે અને જનજાગૃતિ લાવવા માટે સિગ્નેચર કૅમપેન હાથ ધરવામાં આવશે જેનાથી સુધરાઈ અને સંચાલક ટ્રસ્ટ પર કામ ઝડપથી કરવાનું દબાણ આવશે. સંચાલક ટ્રસ્ટે શેડ બાંધવાનું કામ ચાલુ કરીને થોડો સકારાત્મક પ્રતિસાદ દાખવ્યો છે એટલે અમે તીવ્ર આંદોલનને બદલે ગાંધીગીરીનો માર્ગ અપનાવ્યો છે.’
શું સમસ્યા છે?
મુલુંડ-વેસ્ટમાં આવેલા એકમાત્ર અને મુલુંડ નાગરિક સભા સંસ્થા દ્વારા સંચાલિત સ્મશાનમાં ચોતરફ ગંદકી તથા ચિતાને બાળવા માટેનાં લાકડાં ચોમાસા દરમ્યાન ઉઘાડાં પડી રહેતાં ભીનાં થઈ જવાથી એને બળવામાં વધુ સમય લાગે છે અને સ્મશાનમાં લાઇટ-પંખા બરાબર ચાલતાં ન હોવાથી નાગરિકોને હાલાકી વેઠવી પડે છે. બેસવા માટે પ્રૉપર જગ્યા પણ નથી. પીવાના પાણીની પણ યોગ્ય વ્યવસ્થા નથી.
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK