૧૫ ડબ્બાની ટ્રેનો દોડાવવા ભાંડુપ થઈ રહ્યું છે સજ્જ

Published: 5th September, 2012 06:46 IST

પ્લૅટફૉર્મની લંબાઈ વધારવાનું કામ સપ્ટેમ્બરના અંત પહેલાં પૂરું કરવાનો ટાર્ગેટ

mulund-long-trainઅંકિતા સરીપડિયા

સેન્ટ્રલ રેલવેમાં ૧૫ ડબ્બાની નવી ટ્રેનો દોડાવવા માટે ભાંડુપ સ્ટેશનના પ્લૅટફૉર્મનું કામ પૂરપાટ ઝડપે ચાલી રહ્યું છે. એમાંથી ૬૦ ટકા જેટલું કામ પૂરું થઈ ગયું છે અને બાકીનું કામ સપ્ટેમ્બર મહિનાના અંત સુધીમાં પૂરું કરવામાં આવશે.

ભાંડુપના સ્ટેશન-માસ્ટરે નામ ન આપવાની શરતે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘ભાંડુપમાં પ્લૅટફૉર્મની લંબાઈ વધારવાનું કામ છેલ્લા બે-ત્રણ મહિનાથી જોરશોરથી ચાલી રહ્યું છે જે સપ્ટેમ્બરના અંત સુધી પૂરું થઈ જાય એવી શક્યતા છે. વચ્ચે થોડા દિવસ વરસાદ ન હોવાથી અમને કામમાં કોઈ પ્રકારની મોટી અડચણ નહોતી આવી. અમે આવતા વીસેક દિવસમાં કામ પૂરું કરવાના પ્રયત્નો કરી રહ્યા છીએ, જેથી સમયસર ટ્રેનો શરૂ થઈ જાય અને પ્રવાસીઓ આ સર્વિસનો લાભ લઈ શકે. પ્લૅટફૉર્મની લંબાઈ વધારવા ઉપરાંત સિગ્નલોમાં ફેરફાર કરવા જેવાં અનેક મહત્વનાં કામ બાકી હોવાથી અમે સપ્ટેમ્બરના અંત સુધીમાં આ કામ આટોપી લઈશું એવી અમને આશા છે. જોકે રજાના દિવસોમાં કામ વધુ ઝડપથી કરવામાં આવે છે એટલે અમે કામ સમયસર પૂરું શકીશું. ૧૫ ડબ્બાની નવી ટ્રેનો બધાં જ સ્ટેશનોનાં પ્લૅટફૉર્મર્નું કામ પૂરું થયા પછી ઑક્ટોબરમાં શરૂ થવાની શક્યતા છે.’

ભાડુંપથી કુર્લા રોજ પ્રવાસ કરતાં દિવ્યેશ વરાનીએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘૧૫ ડબ્બાની લોકલથી બધા પ્રવાસીઓને પ્રવાસમાં ખૂબ જ રાહત થશે તેમ જ પીક-અવર્સ સમયે સવારે અને સાંજે થતી ભીડ પણ ઓછી થવાની શક્યતા છે. અમે આ નવી ૧૫ ડબ્બાની ટ્રેન શરૂ થવાની રાહ જોઈ રહ્યા છીએ.’

નવા ૧૫ ડબ્બાની ટ્રેન વિશે મમતા કુલકર્ણી સાથે વાત કરતાં તેમણે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘હું છેલ્લાં ચાર વર્ષથી ખારથી ભાંડુપ પ્રવાસ કરું છું. જો સેન્ટ્રલ લાઇનમાં ૧૫ ડબ્બાની નવી ટ્રેન શરૂ કરવામાં આવશે તો મહિલાઓ માટે પણ એક કમ્પાર્ટમેન્ટ વધશે અને સમય પણ બચશે તેમ જ લોકોની હાડમારી ઓછી થશે.’

સીએસટી = છત્રપતિ શિવાજી ટર્મિનસ

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK