My Mulund - દિગંત ડાઘા
એડન રેડ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં એચ. આર. મૅનેજર તરીકે કાર્યરત દિગંતને કુદરત પ્રતિ વિશેષ આકર્ષણ છે અને તેનું એ આકર્ષણ તેને મુલુંડમાં સાર્થક થતું નજરે પડે છે. દિગંત પોતાની આ વાતને આગળ વધારતાં કહે છે, ‘ગીચતા અને પ્રદૂષણ ન હોય એવાં કેટલાં ઉપનગરો મુંબઈમાં હશે? કદાચ એક સ્ટેશન પાસે પાંચ-છ એરિયા એવા મળી જાય કે જ્યાં થોડી મોકળાશ હોય, ગ્રીનરી હોય; પણ મુલુંડની વાત જ જુદી છે. મુલુંડમાં દર એક કિલોમીટરના વિસ્તારમાં તમને એકાદ ગાર્ડન મળી રહેશે. મુલુંડથી જીવનભર જોડાયેલા રહેવા માટે આ એક સબળ કારણ મારી પાસે છે અને રહેવાનું.’
કચ્છના નલિયા નજીકના વરાડિયા ગામનો મૂળ વતની દિગંત મુલુંડ-વેસ્ટમાં એલબીએસ રોડ પર તેનાં માતા-પિતા, ભાઈ-ભાભી, પત્ની અને દીકરી સાથે સંયુક્ત પરિવારમાં રહે છે.
પોતાના મુલુંડ પ્રતિના પ્રેમનો બોલતો પુરાવો આપતાં દિગંત કહે છે, ‘હજી છ મહિના પહેલાં જ અમે ઘર બદલ્યું. પહેલાં લગભગ ૧૪ વર્ષ સુધી અમે મુલુંડના મુરાર રોડ પર રહ્યા હતા. પછી જગ્યાની સંકડાશને કારણે ઘર બદલવાનું વિચાર્યું. ત્યારે મુલુંડ સિવાયની કોઈ બીજી જગ્યાએ ઘર લઈએ તો કેમ એ વિચાર મનમાં હતો, પણ પછી મન ન જ માન્યું અને નવું ઘર પણ મુલુંડમાં જ લીધું.’
દિગંત ખાવાનો પણ ખૂબ શોખીન છે. તેનો આ શોખ પણ મુલુંડમાં મસ્ત રીતે પૂરો થાય છે. એ વિશે તે કહે છે, ‘તમારે મુંબઈની સ્પેશ્યલિટી ગણાતું સ્ટ્રીટ-ફૂડ ખાવું હોય કે ઇટાલિયન- મેક્સિકન જેવું ક્લાસિક ફૂડ ખાવું હોય, મુલુંડમાં એ તમને મળશે અને હા; ટેસ્ટ, કિંમત, ક્વૉલિટી, હાઇજીન એમ દરેક દૃષ્ટિએ બેસ્ટ તો ખરું જ. એમ. જી. રોડ પર મળતી પાણીપૂરી લઈ લો કે પછી દેવીદયાલ ગાર્ડન પાસે મળતા વલ્ર્ડ-ક્લાસ ઢોસાવાળાને મળી લો. આ ઢોસાવાળા પાસે ૫૦થી ૬૦ વરાઇટીના ઢોસા મળશે. ઉપરાંત મુલુંડ-વેસ્ટના પી. કે. રોડ પર આવેલી એગ્ઝૉટિક ફ્લેવર નામની રેસ્ટોરાંમાં તમને કોઈ પણ વિદેશી વાનગીનો સ્વાદ ચાખવા મળશે.’
મુલુંડને વેલ-પ્લાન્ડ સિટી તરીકે બિરદાવતાં દિગંત ઉમેરે છે, ‘મેં સાંભળ્યું છે કે એક જર્મન ડિઝાઇનરે મુલુંડ સિટીને ડિઝાઇન કર્યું હતું અને એ ડિઝાઇનને અનુરૂપ જ નગરની રચના થઈ છે જે તમે મુલુંડના રસ્તાઓ જોશો તો જણાશે. મુલુંડમાં બધું જ એકદમ ઑર્ગેનાઇઝ્્ડ છે. કંઈ જ અસ્તવ્યસ્ત નહીં દેખાય.’
વ્યક્તિગત ધોરણે પણ દિગંતને મુલુંડ પાસેથી ઘણુંબધું મળ્યું છે. દિગંત કહે છે, ‘એક બાહ્ય વ્યક્તિત્વને ઘડવા માટે જે સુવિધાઓ હોવી જોઈએ એ મુલુંડમાં હતી, જેમ કે મને ગિટાર વગાડવાનો શોખ હતો. ફાઇન આર્ટ્સમાં મારો ઇન્ટરેસ્ટ. એ બધું શીખવાની તક મને મુલુંડે આપી છે. અહીં ખરીદી માટે જઈએ તો લેટેસ્ટ વસ્તુઓ જ તમને જોવા મળે. અહીંના મારા મિત્રોએ મારા આંતરિક વિકાસમાં રોલ ભજ્વ્યો. એ ઉપરાંત અહીં ઊજવાતો પ્રત્યેક ઉત્સવ...
ઓહ ગૉડ! શું કહું તમને? તહેવારોની સાચી રોનક જોવી હોય તો તમારે એ દિવસોમાં મુલુંડ આવવું જ રહ્યું. પયુર્ષણ વખતે તો આખું મુલુંડ જાણે પયુર્ષણમય બની ગયું હતું. હવે નવરાત્રિ આવશે તો મુલુંડમાં પ્રવેશ કરશો ને મુલુંડની નવરાત્રિમયતા તમને સ્પર્શી જશે. તહેવાર સમયે મુલુંડની લાઇવલીનેસ ક્યારેય ક્યાંય મળી શકે એવું મને નથી લાગતું. ટૂંકમાં એકે હજારાની જેમ મુલુંડની સાથે જોડાયેલી આત્મીયતા વધુ ગાઢ બને એવાં અનેક કારણો પરિવર્તન સાથે મુલુંડે મારી સામે ધરી દીધાં છે.’
- રુચિતા શાહ
તસવીર : દત્તા કુંભાર
Deshraj: જાણો કેમ સોશિયલ મીડિયા પર ફૅમસ થઈ રહ્યા છે આ 74 વર્ષના આ ઑટો-ચાલક
27th February, 2021 12:39 ISTમહારાષ્ટ્ર બૉર્ડે 10 અને 12માં ધોરણની પરીક્ષાઓનું ટાઈમ ટેબલ જાહેર કર્યુ
27th February, 2021 10:20 ISTમુલુંડમાં કોરોનાની સાથે ફેક મેસેજનો પણ પ્રકોપ
27th February, 2021 10:19 ISTવ્યાપાર બંધ હમારા કર્મ નહીં, હમારી મજબૂરી હૈ
27th February, 2021 10:18 IST