દમદાર રહ્યો ચાર દિવસનો મુલુંડ ફેસ્ટ

Published: 26th December, 2012 06:58 IST

બૉલીવુડ અને ટીવીજગતની અનેક સેલિબ્રિટીઓએ આપી હાજરીમુલુંડના કૉન્ગ્રેસના એમએલસી ચરણ સિંહ સપ્રાની સેવક નામની સંસ્થા દ્વારા ૨૧થી ૨૪ ડિસેમ્બર સુધી નિર્મલ લાઇફસ્ટાઇલ મૉલ, આર-મૉલ અને મુલુંડના અન્ય વિસ્તારોમાં ત્રીજા મુલુંડ ફેસ્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ચાર દિવસના ફેસ્ટિવલમાં સંગીત, ડાન્સ, સાહિત્ય, ક્રિકેટ, વિન્ટેજ કાર રૅલી, બૉડી-બિલ્ડિંગ, બૅડ્મિન્ટન, પેઇન્ટિંગ, ડ્રૉઇંગ, રંગોળી, મૅરથૉન, કુકરી સ્પર્ધા, સ્ટોરી-ટેલિંગ ઍક્ટિવિટી, ક્વિઝ સ્પર્ધા અને આવી અનેક ઇવેન્ટોનું બાળકોથી લઈને સિનિયર સિટિઝનો માટે આયોજન કરવામાં આવ્યું હતું. ફેસ્ટિવલના છેલ્લા દિવસે સોમવારે ૨૪ ડિસેમ્બરે મ્યુઝિક અને ડાન્સ ફિનાલે રાખવામાં આવી હતી. એમાં ફિલ્મ-ઇન્ડસ્ટ્રીના મ્યુઝિક-ડિરેક્ટર અનુ મલિક અને સૂફી ગાયક હંસરાજ હંસના પુત્ર નવરાજ હંસ જજ તરીકે હાજર રહ્યા હતા. એ સિવાય ચાર દિવસમાં યોજાયેલી બધી જ સ્પર્ધાઓનું પ્રાઇઝ-ડિસ્ટ્રિબ્યુશન સોમવારે કરવામાં આવ્યું હતું અને મુલુંડ બુક ઓફ રેકૉડ્ર્‍સની ટ્રોફી આપી ૯ જણને સન્માનિત કરવામાં આવ્યા હતા. છેલ્લા દિવસની ફિનાલેમાં દલેર મેહંદી, કોરિયોગ્રાફર ટેરેન્સ લુઇસ અને સિંગર અલી ક્વીલીએ પોતાના પર્ફોર્મન્સથી લોકોને ખુશ કરી દીધા હતા.

મુલુંડ ફેસ્ટના આયોજક ચરણ સિંહ સપ્રાએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘મુલુંડની અલગ-અલગ ટૅલન્ટને સ્પર્ધાઓ દ્વારા નવી તક આપવા અને બાળકોને પ્રેરણા આપવાના હેતુથી સતત ત્રણ વર્ષથી મુલુંડ ફેસ્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ચાર દિવસના આ ફેસ્ટિવલમાં ૨૦,૦૦૦થી વધુ લોકોએ ઉત્સાહથી ભાગ લીધો હતો. ફેસ્ટિવલમાં અલગ-અલગ પ્રકારની ૧૨ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ ૭૪૮૦ સ્પર્ધકોએ ભાગ લીધો હતો અને અંદાજે ૧૨૫ જેટલાં ઇનામોનું વિતરણ કરવામાં આવ્યું હતું.’

ફેસ્ટિવલના પહેલા દિવસે શુક્રવારે ૨૧ ડિસેમ્બરે યોજાયેલી વિન્ટેજ કાર-રૅલીમાં બૉલીવુડના ઍક્ટર અજય દેવગન દ્વારા ફ્લૅગ ફરકાવીને નિર્મલ લાઇફસ્ટાઇલ મૉલથી રૅલીની શરૂઆત કરવામાં આવી હતી. વિન્ટેજ કાર-રૅલીમાં બપોરે એક વાગ્યાથી ૧૬ વિન્ટેજ કાર ડિસ્પ્લેમાં રાખવામાં આવી હતી અને મુલુંડના મુખ્ય રાજમાર્ગો પરથી રૅલી પસાર થઈ હતી. એમાં મોટી સંખ્યામાં મુલુંડના લોકોએ હાજરી આપી હતી.’

શનિવારે ૨૨ ડિસેમ્બરે મુલુંડ-ઈસ્ટમાં આવેલા સુધરાઈના સંભાજી રાજે મેદાનમાં બૉડી-બિલ્ડિંગની સ્પર્ધા રાખવામાં આવી હતી, જેમાં ઍક્ટર મુકેશ રિશી ચીફ ગેસ્ટ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને તેમના હસ્તે વિજેતા કિરણ પાટીલને ૨૦,૦૦૦ રૂપિયાનું કૅશ પ્રાઇઝ તેમ જ ટ્રોફીથી સન્માન કરવામાં આવ્યું હતું. એ સિવાય સિન્ગિંગ, ડાન્સ, બાળકો માટે સ્ટોરી-રાઇટિંગ, સ્ટોરી-ટેલિંગ તેમ જ મુલુંડ-ઈસ્ટમાં આવેલા મરાઠા મંડળ હૉલમાં રંગોળી અને મુલુંડ-વેસ્ટમાં આવેલી એનઈએસ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ક્વિઝ સ્પર્ધા રાખવામાં આવી હતી.

ચાર દિવસના આ ફેસ્ટિવલમાં રવિવારે ૨૩ ડિસેમ્બરે ક્રિકેટ, કુકિંગ, પેઇન્ટિંગ, ડ્રૉઇંગ, સંગીત સાથે મૅરથૉન રનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આર-મૉલથી ફ્લૅગ ફરકાવી સવારે ૬ વાગ્યે મૅરથૉન રનની શરૂઆત કરવામાં આવી હતી. મૅરથૉન રનમાં ૨૧૦૦ જેટલા લોકોએ ભાગ લીધો હતો. મૅરથૉન રનનું ૮ કિલોમીટર, ૩ કિલોમીટર અને સિનિયર સિટિઝનો માટે ૧ કિલોમીટર એમ ત્રણ કૅટેગરીમાં આયોજન કરવામાં આવ્યું હતું. કુકિંગ સ્પર્ધા અને સંગીતસ્પર્ધા માટે ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’નો સોઢી પરિવાર કાર્યક્રમમાં હાજર રહ્યો હતો. મુલુંડ-વેસ્ટમાં આવેલા રેડવુડ ગ્રાઉન્ડમાં રમવામાં આવેલી ત્રણ દિવસની ક્રિકેટમાં ૨૫૦ ટીમોએ ભાગ લીધો હતો અને ત્રણ દિવસ સુધી કાલિદાસ બૅડ્મિન્ટન કોર્ટમાં ચાલેલી બૅડ્મિન્ટન સ્પર્ધામાં ૨૭૦ લોકોએ ભાગ લીધો હતો.

સોમવારે ૨૪ ડિસેમ્બરે નિર્મલ લાઇફસ્ટાઇલ મૉલમાં સાંજે સાડાછ થી સાડાદસ વાગ્યા સુધી ચાલેલા મ્યુઝિક અને ડાન્સ ફિનાલેના કાર્યક્રમમાં ૧૦,૦૦૦ જેટલી જનમેદની ઉભરાઈ હતી. છેલ્લા દિવસે પ્રાઇઝ ડિસ્ટ્રિબ્યુશન ઉપરાંત જેમણે પોતાની ટૅલન્ટ દ્વારા ગિનેસ બુક ઑફ રેકૉર્ડ્સ, લિમકા બુક ઑફ રેકૉર્ડ્સમાં સ્થાન મેળવ્યું છે એવા ૯ મુલુંડવાસીઓનું મહારાષ્ટ્ર પ્રદેશ કૉન્ગ્રેસના પ્રેસિડન્ટ માણિકરાવ ઠાકરે અને ઇશાન મુંબઈના એમપી સંજય પાટીલના હસ્તે મુલુંડ બુક ઑફ રેકૉડ્સર્‍ નામની ટ્રોફી આપી સન્માન કરવામાં આવ્યું હતું. મુલુંડ ફેસ્ટ ફિનાલેમાં બમન ઈરાની, ટીવી- સિરિયલોની ઍક્ટ્રેસ મેઘના મલિક (અમ્માજી), તુષાર કપૂર, વિનીત શર્મા, કૉમેડિયન રાજીવ નિગમ અને ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ના જેઠાલાલ જેવી સેલિબ્રિટીઓએ હાજરી આપી હતી.

એમએલસી = મેમ્બર ઑફ લેજિસ્લેટિવ કાઉન્સિલ

એમપી = મેમ્બર ઓફ પાર્લામેન્ટ

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK