Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ઇન્ડિયાના ભોગે ભારતની અને ભારતના ભોગે ઇન્ડિયાની તરફેણ થવી નહીં જોઈએ

ઇન્ડિયાના ભોગે ભારતની અને ભારતના ભોગે ઇન્ડિયાની તરફેણ થવી નહીં જોઈએ

14 July, 2019 02:40 PM IST | મુંબઈ
મુકેશ દેઢિયા

ઇન્ડિયાના ભોગે ભારતની અને ભારતના ભોગે ઇન્ડિયાની તરફેણ થવી નહીં જોઈએ

ઇન્ડિયાના ભોગે ભારતની અને ભારતના ભોગે ઇન્ડિયાની તરફેણ થવી નહીં જોઈએ


મની-પ્લાન્ટ

હિન્દુસ્તાન = ભારત + ઇન્ડિયા. આપણા દેશની કંઈક આવી સ્થિતિ છે. રાજકારણીઓ જ જાણે છે કે ભારત ક્યારે મહત્ત્વનું હોય છે અને ઇન્ડિયા ક્યારે. એકની અવગણના કરીને બીજાને મહત્ત્વ આપવાનું અમુક હદ સુધી જ ચાલે. સંપૂર્ણ દુર્લક્ષ કરવાનું જરાય પાલવે એમ નથી. જોકે અનેક વખત એવું વર્તાય છે કે ભારત અને ઇન્ડિયા બન્ને તરફ ધ્યાન અપાઈ રહ્યું નથી. 



ચૂંટણીઓ નજીક આવે ત્યારે ‘ભારત’ મહત્ત્વનું બની જાય છે, કારણ કે મોટા ભાગના મતદારો ગ્રામીણ વિસ્તારના હોય છે. ચૂંટણીની તારીખ નજીક આવે ત્યારે સત્તાધારી પક્ષ મોટાં વચનો આપવાનું શરૂ કરી દે છે અને વિપક્ષો ફરીથી સત્તા પર આવવા માટે એનાથી પણ મોટાં વચનો આપવા લાગી જાય છે. એ વચન પૂરાં કરવા માટેનાં નાણાં ક્યાંથી આવે છે? એ આવે છે ‘ઇન્ડિયા’માંથી. એ નાણાં જ્યારે પૂરતા પ્રમાણમાં મળે નહીં ત્યારે બજેટમાં મોટી ખાધ રહી જાય છે.
વૃદ્ધિ દ્વારા ખાધ ભરી કાઢવાનો પ્રયાસ કરવામાં આવે છે, પરંતુ હવે એવો તબક્કો આવ્યો છે, જેમાં વધુપડતી ખાધ દેશને પોસાય એમ નથી. ખાધ ઘટાડવા સરકાર નવા બિઝનેસમાં રોકાણ આકર્ષવા કરવેરાના લાભ આપે છે તથા ૨૫૦ કરતાં વધુ ઉદ્યોગોને સાચવી લેનારા બાંધકામ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા ઘરની ખરીદી પર કરવેરાના લાભ આપે છે. રોકાણોને પ્રોત્સાહન આપવા માટે વ્યાજદરમાં ઘટાડો કરે છે અને વપરાશ વધે એ માટે ફુગાવો ઘટાડે છે. ટૂંકમાં, સરકાર ‘ઇન્ડિયા’ની તરફેણ કરે છે. સરકાર ‘ભારત’ના ભોગે ખાદ્યન્ન ફુગાવો પણ ઓછો રાખવા તૈયાર થઈ જાય છે.
અહીં સવાલ એ છે કે સરકાર વાસ્તવિકતાનો અને નાણાકીય તથા અન્ય પરિસ્થિતિઓનો સ્વીકાર કરીને આવશ્યક નીતિઓ ઘડવા પર કેમ ધ્યાન આપતી નથી? ગરીબોને મદદરૂપ થવાનું અગત્યનું છે, પરંતુ એની સાથે-સાથે વેપાર સાહસિકતા (ઑન્ટ્રપ્રનરનશિપ)ને ઉત્તેજન આપવાનું પણ અગત્યનું છે. ઑન્ટ્રપ્રનર જ રોજગારોનું સર્જન કરે છે, કરવેરા ભરે છે, બિઝનેસની પ્રતિકૂળતાઓનો સામનો કરે છે વગેરે વગેરે. આ બન્ને ‘ભાઈઓ’ની અપેક્ષાઓ સંતોષાય એવું સંતુલન રચવાની અને તેઓ એકમેકના પૂરક બની રહેવાનું પસંદ કરે એવું વાતાવરણ રચવાની જરૂર હોય છે. જો ઑન્ટ્રપ્રનર પર જ સતત ઊંચા કરવેરા લાદવામાં આવે, અનેક પરવાનગીઓ મેળવવી પડે એવું તંત્ર રચવામાં આવે, નીતિ-નિયમોમાં સ્પષ્ટતા તથા સ્થિરતા ન હોય એવા સંજોગોમાં એ લોકો દેશની બહાર જવાનું પસંદ કરવા માંડે છે.
રોજગારસર્જન કરવા અને વિકાસ સાધવા માટે રોકાણ અત્યંત જરૂરી છે. મૂડી ઓછી પડે ત્યારે વિદેશી રોકાણ લાવવાની જરૂર ઊભી થાય છે. એ મૂડીનું રક્ષણ થાય એવી કાનૂની વ્યવસ્થા પણ હોવી ઘટે. સાથે જ પ્રત્યક્ષ વિદેશી રોકાણ તથા ફૉરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ માટેની કરવેરાની તથા અન્ય નીતિઓ સ્પષ્ટ અને સ્થિરતાભરી હોવી ઘટે.
દેશમાં માથાદીઠ આવક ઓછી હોવાને કારણે વપરાશની કમી આવી હોય એવા વખતે સરકારે નિકાસ મારફત વધુ આવક રળવા પર લક્ષ આપવું જોઈએ. નિકાસ વધારવા માટે પૂરતી સવલત આપવી જોઈએ, કૌશલ વધારવું જોઈએ, ટેક્નૉલૉજીની મદદ કરવી જોઈએ તથા દેશની વિશિષ્ટ વસ્તુઓનું યોગ્ય રીતે માર્કેટિંગ કરવું જોઈએ. સરકારે આયાત ઘટાડવી પણ જરૂરી છે. એ માટે આયાતી વસ્તુઓના વિકલ્પો તૈયાર કરવા જોઈએ અને એ વિકલ્પો આપી શકે એવા ઉદ્યોગોને ઉત્તેજન આપવું જોઈએ.
એનાથીય વિશેષ તો એ કે દેશમાં ભ્રષ્ટાચારમુક્ત વ્યવસ્થા સ્થપાવી જોઈએ, જેનાથી દેશવાસીઓને રાહતની લાગણી અનુભવાય.
આજે અફસોસપૂર્વક કહેવાનું કે આપણે ફરી હતાશ થયા છીએ. વર્ષોથી આપણી સાથે રમત રમાઈ રહી છે. આપણે આટલાં વર્ષોમાં વિકાસ સાધ્યો છે એ વાત ખરી, પણ સવાલ એ છે કે શું આપણે આનાથી પણ વધારે વૃદ્ધિ કરી શક્યા હોત? આ સવાલનો જવાબ છે, ‘ચોક્કસ, આપણે આનાથી સારું કરી શક્યા હોત.’ હું આશવાદી છું અને પ્રભુને પ્રાર્થના કરું છું કે તમામ રાજકારણીઓને સદ્બુદ્ધિ આપે.
(લેખક CA, CFP અને FRM છે)


આ પણ વાંચો : જાણો આજ-કાલ શું કરી રહ્યા છે 'હમ પાંચ'ના કલાકારો?


Whatsapp-channel Whatsapp-channel

14 July, 2019 02:40 PM IST | મુંબઈ | મુકેશ દેઢિયા

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK