કૉલમ :શું આપણે કર્કશિયો દેશ બની ગયા છીએ?

મુકેશ દેઢિયા | Mar 31, 2019, 13:34 IST

આપણને હંમેશાં બધું જોઈતું જ હોય છે; ક્યારેય સંતોષ થતો નથી. હંમેશાં ઈર્ષ્યા અને સ્વાર્થની વૃત્તિ આપણામાં દેખાતી હોય છે. આપણે શારીરિક નહીં, માનસિક વૃદ્ધિ કરવાની હોય છે.

કૉલમ :શું આપણે કર્કશિયો દેશ બની ગયા છીએ?

મની-પ્લાન્ટ

શું આપણે કર્કશિયો દેશ બની ગયા છીએ? બધાને ઝડપથી જવું છે, પરંતુ ક્યાં અને શું કામ જવું છે? તરતનો મુકામ તો ખબર હશે, પરંતુ છેલ્લો મુકામ કયો છે એની ખબર નથી હોતી. ગૂંચવાયેલી વ્યક્તિની આ સ્થિતિ હોય છે.

વાહન ચલાવતી વખતે કોઈક સિગ્નલ તોડીને જવા માગતું હોય છે, તો કોઈક સિગ્નલ લીલું થાય કે તરત જ મોટે-મોટેથી હૉર્ન વગાડવા લાગી જાય છે. આગળ અનેક વાહનો હોય છે અને તેમને પણ સિગ્નલ લીલું થતું દેખાયું હોય છે. તેઓ પણ વાહન ચાલુ કરીને આગળ વધવા લાગતાં જ હોય છે, પરંતુ જેમને ધીરજ ન હોય તેઓ કોઈ જંગલમાંથી આવ્યા હોય એવું વર્તન કરીને જોરજોરથી હૉર્ન વગાડવા લાગી જાય છે.

હાલ દેશ આખામાં ચૂંટણીનો માહોલ છે. રાજકીય પક્ષો મોટાંમોટાં વચનો આપતા હોય છે. ઘણા લોકો પણ તેમની વાતોમાં આવીને એવી ધારણા બાંધી લેતા હોય છે કે એ વચનો પૂરાં થશે અને દેશ સમૃદ્ધ બનશે. રાજકીય પક્ષોની આ વાયદાબાજી પણ દિમાગ વગરના લોકોની હૉર્ન વગાડવાની પ્રવૃત્તિ સમાન હોય છે.

હવે શિક્ષણ ક્ષેત્રનું ઉદાહરણ લઈએ. આપણી શિક્ષણવ્યવસ્થામાંથી ઘણા તેજસ્વી વિદ્યાર્થીઓ બહાર નીકળે છે, છતાં મોટા ભાગના સ્નાતકો રોજગાર માટે આવશ્યક કૌશલ્ય ધરાવતા નથી. બધી જ શૈક્ષણિક સંસ્થાઓ વિદ્યાર્થીઓને પોતાના તરફ આકર્ષવા માટે જાણે હૉર્ન જ વગાડતી હોય છે; અને વિદ્યાર્થીઓ એવું માની લે છે કે એ સંસ્થામાં ભણીને તેઓ પોતાને મનગમતી જૉબ મેળવી લેશે.

કમનસીબી એ છે કે આપણો દેશ ઘણો મોટો છે અને દરેકને નોકરી પૂરી પાડવાનું મુશ્કેલ છે. આવામાં વધુ ને વધુ ઑન્ટ્રપ્રનર તૈયાર થાય એની જરૂર છે. આમ કરવાને બદલે આપણે ત્યાં નોકરીવાંછુઓની ફોજ તૈયાર થાય છે. આપણા સમાજ અને દેશના મોભીઓની પાસે દૂરંદેશીનો અભાવ છે.

હવે જાહેર પરિવહન વ્યવસ્થાનો દાખલો જુઓ. ટ્રેન કે બસ આવે કે તરત જ લોકો અંદર પ્રવેશવા દોટ મૂકે છે. અંદરથી બહાર આવવા માગતા પ્રવાસીઓને ઊતરવા દેવાની ધીરજ પણ લોકોમાં નથી. મથક પર પહોંચી રહેલી ટ્રેન કે બસનું હૉર્ન આપણને કેમ આટલા બધા ઝટપટિયા બનાવી દે છે? આપણે કેમ લાંબો વિચાર કરતા નથી? આપણે કેમ હંમેશાં ભિખારીઓ જેવું કે ઝૂંટવી લેનારા લોકો જેવું વર્તન કરતા હોઈએ છીએ? શ્રીમંત ગણાતા લોકો પણ લાંબું વિચારતા નથી.

આપણને હંમેશાં બધું જોઈતું જ હોય છે; ક્યારેય સંતોષ થતો નથી. હંમેશાં ઈર્ષ્યા અને સ્વાર્થની વૃત્તિ આપણામાં દેખાતી હોય છે. આપણે શારીરિક નહીં, માનસિક વૃદ્ધિ કરવાની હોય છે. આપણે બીજાઓને નીચે ધકેલવાને બદલે ઉપર ચડવામાં મદદરૂપ થવું જોઈએ.

ઇક્વિટીમાં રોકાણનો સંબંધ છે ત્યાં સુધી કહેવાનું કે હૉર્ન વગાડનારા જેવું વર્તન કરવાનું ટાળવું જોઈએ અને લાઇનમાં પોતાની પહેલાં જેઓ છે તેમનું માન રાખવું જોઈએ. ઇક્વિટી રોકાણમાં પણ ધીરજ રાખવી જરૂરી હોય છે. એ રોકાણ કરતાં પહેલાં પૂરતું હોમવર્ક કરી લેવું જોઈએ. બીજાઓ કરતાં પહેલાં આગળ નીકળી જવાની લાહ્યમાં સટ્ટા ખેલવા નહીં. પોર્ટફોલિયો પર કેટલું વળતર મળવું જોઈએ એનો લક્ષ્યાંક બનાવવો, સ્ટૉક્સના ભાવનો પણ લક્ષ્યાંક નક્કી કરવો, જોખમ ખમવાની ક્ષમતા ચકાસી લેવી અને લાંબા ગાળાનું ધ્યેય રાખવું.

લાંબા ગાળાનું લક્ષ્ય હાંસલ કરવામાં ૨૦ને બદલે ૨૨ વર્ષ લાગી જાય તો ચિંતા કરવી નહીં. ટ્રેન એક કલાક મોડેથી દિલ્હી પહોંચે કે ન્યુ યૉર્કનું વિમાન ત્રણ કલાક મોડું પડે તો આકાશ-પાતાળ એક થઈ જતાં નથી.

આ પણ વાંચો : અહમ્ને પંપાળવાનું છોડીને સંબંધોને સાચવો

આથી જ કહેવાનું કે ધીરજ રાખો, વિચારપૂવર્કા વર્તો, લાંબા ગાળાનું લક્ષ્ય રાખો અને યોગ્ય આયોજન કરો. પ્લાન A કામ ન કરે તો પ્લાન B પણ તૈયાર હોવો જોઈએ. પોતે આગળ વધવા માટે બીજાઓને હડસેલવાનું કે પાછળ ધકેલવાનું યોગ્ય નથી.

નવા નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ની શુભેચ્છાઓ. નવા નાણાકીય વર્ષમાં તમારી સમૃદ્ધિ વધે એવી શુભકામના.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK