મુંબઈ: કોરોનાને નેગેટિવ કરવા પૉઝિટીવ રહેવું જરૂરી, જાણો દર્દીની આપવીતી

Updated: May 24, 2020, 12:37 IST | Shilpa Bhanushali | Mumbai

દર્દીમાં સામાન્ય લક્ષણો હોય અને તે ઘરે ક્વોરેન્ટાઇન થઇ શકે તેમ હોય તો પુરતી તપાસ બાદ એમ કરાશે. આ જાહેરાત બાદ એવો પહેલો કેસ જેને હોમ ક્વોરેન્ટાઇન કરાયો હતો તે સંપુર્ણ રીતે સાજો થયો છે.

નીતિન ભાનુશાળી અને ડૉ. પ્રદીપ મ્હાત્રે
નીતિન ભાનુશાળી અને ડૉ. પ્રદીપ મ્હાત્રે

દેશમાં સૌથી વધારે કોરોનાનાં કેસિઝ મહારાષ્ટ્રમાં છે અને મુંબઇ, દેશની આર્થિક રાજધાની તેના ભરડાની આકરી પકડમાં છે. આ તરફ મેડિકલ સવલતો, હૉસ્પિટલ બેડ્ઝની સંખ્યાનો સંઘર્ષ પણ ચાલતો રહે છે. મુંબઇ મહાનગર પાલિકા દ્વારા જાહેરાત થઇ હતી કે જે દર્દીમાં સામાન્ય લક્ષણો હોય અને તે ઘરે ક્વોરેન્ટાઇન થઇ શકે તેમ હોય તો પુરતી તપાસ બાદ એમ કરાશે. આ જાહેરાત બાદ એવો પહેલો કેસ જેને હોમ ક્વોરેન્ટાઇન કરાયો હતો તે સંપુર્ણ રીતે સાજો થયો છે.

સાકીનાકામાં રહેતા, 31 વર્ષનાં નીતિન ભાનુશાળીને 6મેનાં રોજ જાણ થઇ કે તેનો રિપોર્ટ પૉઝિટીવ છે. તેમને સતત આખી રાત તાવ આવ્યો તે પછી તેમણે રિપોર્ટ કરાવ્યો. જાણ થઇ તે પછી સંજોગો એવા હતા કે તેમને ક્યાંય ઝડપથી એડમિટ કરી શકાયા નહીં કારણકે તેમનાં લક્ષણ તિવ્ર નહોતા મુંબઇ મહાનગર પાલિકાનાં L વૉર્ડનાં હેલ્થ વિભાગમાં કાર્યરત ડૉ. પ્રદિપ મ્હાત્રેને આ કેસ અંગે માહિતી મળી. ગુજરાતી મિડ-ડે. કોમ સાથે વાત કરતાં તેમણે જણાવ્યું કે, “મને જે દિવસે રાત્રે નવ વાગ્યે નીતિન ભાનુશાળીનાં રિપોર્ટ મળ્યા, સાથે કોન્ટેક્ટ નંબર અને સરનામું પણ. હું તે જ રાતે સાડા દસ વાગ્યે તેમનાં ઘરે પહોંચ્યો. મેં સૌથી પહેલા તો તેમને તપાસ્યા અને મને લાગ્યું કે આ લક્ષણો મેજર નહોતા.” ડૉ.મ્હાત્રે ત્યાં ગયા ત્યારે દર્દીને કફ, ગળામાં ખરાશ અને તાવ હતા. તેમણે કહ્યું કે, “મારી બીજી જવાબદારી હતી તેમના ઘરમાં યોગ્ય ચોખ્ખાઇ છે કે નહીં તે તપાસવું કારણકે તો જ હું તેમને હોમ ક્વોરેન્ટાઇન થવાની સલાહ આપી શકું. માર્ગદર્શિકા જાહેર થયા પછી આ પહેલો કેસ હતો જેને જો યોગ્ય સગવડ હોય તો હોમ ક્વોરેન્ટાઇન થવાની સલાહ આપી શકાય. મેં તમામ પરિસ્થિતિ જોઇ અને મેં ક્લિનકલી નિર્ણય લીધો કે તેમને હોમ ક્વોરેન્ટાઇન કરવામાં વાંધો નથી.”

આ સ્થિતિ તપાસ્યા બાદ ડૉ.મ્હાત્રેએ તેમને દવાઓ આપી, આઇસોલેશનમાં રહેવા કહ્યું અને ઘરમાંથી કોઇ એક જ વ્યક્તિએ તેમની સાથે સંપર્ક રાખવો તેવી કડક સુચના આપી. ઘરનાં લોકોને પણ ઇમ્યુનિટી બુસ્ટર્સ અપાયા, જેથી તેમની રોગ પ્રતિકારક શક્તિ બહેતર હોય તો તેમને ચેપ લાગવાની શક્યતાઓ ન રહે. ડૉ.મ્હાત્રેએ કહ્યુ કે, “દર્દીને દસમા દિવસે ટેસ્ટ કરાવવાનો હતો, પણ તે ન થઇ શક્યું.જો કે 14મા દિવસે તેમણે ટેસ્ટ કરાવ્યો રિપોર્ટ નેગેટિવ આવ્યો. હળવા લક્ષણો હોય તેની ઘરે સારવાર કરી શકાય તેવી જાહેરાત બાદ આ પહેલો કેસ હતો જેમાં અમને સફળતા મળી.” ડૉ.મ્હાત્રેએ દર્દીને ફ્રુટ્સ, ઇલેક્ટ્રોલ પાવડર, જ્યૂસ અને હાઇ પ્રૉટિન ડાએટ લેવા સુચન આપ્યું હતું. 

Dr. Pradip Mhatre

પૅનિક ન થાવ
“લોકોમાં બહુ ડર છે કે ક્યાંક મને તો કોરોના નહીં હોય ને? બધાંને ટેસ્ટ કરાવવામાં રસ છે પણ હું એક ડૉક્ટર તરીકે કહીશ કે સાવચેતી રાખો, તમે બીજાને ચેપ ન લગાડી બેસો તેનું ધ્યાન રાખો. આ વાઇરસ દરેક વ્યક્તિ પર જુદી રીતે અસર કરે છે, તેના લક્ષણો અલગ હોય છે અને તે પ્રમાણે સારવાર પણ જુદી જ હોય છે. આ માટે તકેદારી સૌથી અગત્યની છે. લોકોએ વધુ પ્રવાહી લેવું, તાજા ફળો ખાવા, ઘરનું સાદું ભોજન લેવુ, સરખી ઉંઘ લેવી જેથી રોગ પ્રતિકારક શક્તિ બહેતર થઇ શકે. આ એક પ્રકારનો ફ્લૂ છે તેનાથી ડરવાની જરૂર નથી. ”ડૉ.પ્રદીપ મ્હાત્રે

91 વર્ષનાં સાસુ જીવી ગયાં પણ 65 વર્ષનાં પુત્રવધૂએ જીવ ગુમાવ્યો
બીએમસીમાં જોડાયા પહેલાં છ વર્ષ જે જે હૉસ્પિટલમાં કાર્યરત રહેલા ડૉ.મ્હાત્રેએ સંક્રમણને વય સાથે લેવા-દેવા નથી તેમ કહ્યું. તેમણે એક કિસ્સો ટાંકતા કહ્યું કે, “L વૉર્ડમાં જ એક 91 વર્ષનાં મહિલા એડમિટ થયા હતા અને તેમને કફ હતો. તેમનાં પુત્રવધુ 65 વર્ષનાં હતા જેમને મેજર લક્ષણો હતા. 91 વર્ષનાં મહિલા તો ટૂંક સમયમાં સાજા થઇ ગયાં પણ તેમનાં પુત્રવધૂ જેમને ડાયાબિટીસ હતો તે દસ દિવસની સારવાર બાદ પણ ગુજરી ગયા.”  ડૉ.મ્હાત્રેનાં મતે કોરોના સામે લડવામાં હકારાત્મક મનોબળ અને રોગપ્રતિકારક શક્તિ સૌથી મોટું કામ કરે છે. નીતિન ભાનુશાલીને પણ તેમના હકારાત્મક વલણે કોરોના પૉઝિટીવમાંથી નેગેટિવ થવામાં ખૂબ જ મદદ કરી છે.

દર્દી નીતિન ભાનુશાળીએ રાખ્યો હકારાત્મક અભિગમ
નીતિન ભાનુશાળીએ મિડ-ડેને જણાવ્યું કે, "મને પહેલેથી જ કોરોનાનાં લક્ષણો વિશે માહિતી હતી અને મેં એવું કોઇપણ કામ નહોતું કર્યું કે મને તાવ આવે કે થાક લાગે તેમ છતાં રાત્રે લગભગ બે વાગ્યે મને 104 જેટલો તાવ આવ્યો તેથી હું સવારે 8 વાગ્યે જ 7 હિલ્સ હૉસ્પિટલ ગયો અને ટેસ્ટ કરાવ્યો. રિપોર્ટ 48 કલાક પછી આવવાનો હતો તેથી આ વાતની જાણ મેં ઘરમાં પણ કોઇને કરી નહોતી. આ ટેસ્ટ કરાવવા ગયો ત્યારે ડૉક્ટરે મને જણાવ્યું કે શક્ય છે કે તારો રિપોર્ટ પૉઝિટીવ આવે તો તે માટે માનસિક રીતે તૈયાર રહેજો. માત્ર માહિતી ખાતર બૅડ્ઝ વિષે પુછતાં મને ખ્યાલ આવ્યો કે મુંબઇની પ્રાઇવેટ કે BMCની કોઇપણ હૉસ્પિટલમાં બેડ્ઝ નથી.” સાવચેતી રૂપે તે ઘરમાં અલગ રૂમમાં તો રહેવા જ માંડ્યા હતા અને રિપોર્ટ પૉઝિટીવ આવ્યો પછી ડૉક્ટરની મુલાકાત બાદ તે જાણતા હતા કે 14  દિવસ બહુ ધ્યાન રાખવાનું છે. ડૉક્ટરે તેમની સાથે એક વ્યકિતના સંપર્કની એટલે કે જરૂરિયાતની વસ્તુ આપ-લે કરવાની પરવાનગી આપી હતી. તેમણે પોતાના રૂમની બહાર એક નાનું ટેબલ મુકાવ્યું જેથી કોઇ રૂમમાં અંદર ન આવે. જે પણ ચીજની આપ-લે થાય તે આ ટેબલ પર મુકીને જ થતી હતી, પછી તે જમવાની થાળ હોય કે કંઇ બીજું.

જો કે આ જેટલું સરળ લાગે છે તેટલું નહોતું. ક્વોરેન્ટાઇન થયા તેના બીજા જ દિવસે તેમને છાતીમા દુઃખાવો થયો, સાથે શ્વાસ લેવામાં પણ તકલીફ થવા લાગી. તેમણે યોગાસન શરૂ કર્યા. તેમના રૂટિનમાં યોગ સાથે, લગભગ આઠ ગ્લાસ ઉકાળો, 6 લીટર પાણી, મનોરંજન, આધ્યાત્મિક પુસ્તકોનો સમાવેશ થતો હોતો.

દર્દીનું ડાયટ અને ડેઇલી રૂટિન

સવારે 7.30 વાગ્યે 1 ઉકાળો( ગિલોય, હળદર, કાળાંમરી, લવિંગ અને તુલસીના પાનથી બનેલો)

8 વાગ્યે 1 લિટર ગરમ પાણી

8.30 વાગ્યે ગરમ પાણીની બાફ અને કોગળાં

8.45 વાગ્યે પ્રાણાયામ, યોગ તથા ધ્યાન

10 વાગ્યે ફરી એક લિટર ગરમ પાણી

10.30 ગરમ પાણીથી નાહવું

11.15 વાગ્યે નાસ્તો અને દવાઓ (મલ્ટીવિટામિન ટેબલેટ્સ)

12. વાગ્યે ફરી એક લિટર સૂંઠવાળું ગરમ પાણી

1.30 વાગ્યે બપોરનું જમવાનું અને ત્યાર બાદ રૂમમાં જ 10-15મિનિટનું વૉક

5 વાગ્યે એક લિટર ગરમ પાણી, બાફ અને કોગળા

6 વાગ્યે સૂંઠવાળું ગરમ પાણી

6.30 વાગ્યે જ્યૂસ અને ફળો અને થોડીવાર પછી યોગા

7.30 વાગ્યે ગરમ પાણી

9 વાગ્યે રાતનું ભોજન અને દવાઓ

10.30 વાગ્યે ઉકાળો અને પછી સૂંઠ

મજબુત મનોબળ બહુ જરૂરી છે
“લોકોને ખબર પડે એટલે સતત ફોન આવે, લોકો સવાલ કરે પણ મેં એક સમય પછી તેમને જવાબ ન આપવા તેવું નક્કી કર્યું. હું રોજ સાંજે 8.00 વાગ્યે ફેસબુક પર લાઇવ ગિટાર વગાડતો, વાંચતો, ફિલ્મો જોતો, મિત્રો સાથે વાત કરતો એટલે મને બધા સાથે કનેક્ટેડ ફિલ થાય. મારો સમય પસાર થઇ જતો હતો. મેં મક્કમ રીતે નક્કી કર્યું હતું કે આ વાઇરસ હું જાતમાંથી કાઢીને જ રહીશ અને તે મનોબળે મને બહુ મદદ કરી. અફકોર્સ  મારા પરિવારે મને બહુ ટેકો આપ્યો અને વીડિયો કૉલ પર હું તેમની સાથે સંપર્કમાં રહેતો. એટલું જ નહીં ભાનુશાલી સમાજ અને ડૉક્ટર્સ પણ ખૂબ જ હેલ્પફુલ છે તેમાંના જ એક એવા ડૉક્ટર કરસન રવજી ભાનુશાલીએ પણ મને દરેક બાબતે ખૂબ જ મોટિવેટ કર્યા છે અને તેમના સલાહ સૂચનો પણ ખૂબ જ મહત્વના રહ્યા છે તે બદલ તેમનો પણ આભારી છું. આ લડતમાંથી બહાર નીકળવું એટલે જાણે બીજો જન્મ લેવો એમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી." – નીતિન ભાનુશાળી

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK