Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > સપ્તાહના ખાસ > આર્ટિકલ્સ > ૧૭,૦૦૦ માવતરની ૧ દીકરી

૧૭,૦૦૦ માવતરની ૧ દીકરી

25 December, 2011 09:58 AM IST |

૧૭,૦૦૦ માવતરની ૧ દીકરી

૧૭,૦૦૦ માવતરની ૧ દીકરી




(એક્ટ્રા લાર્જ -રશ્મિન શાહ)

મહાત્મા ગાંધીએ ૧૯૧૭માં ગુજરાત સ્ત્રી કેળવણી મંડળ નામની એક સંસ્થાની સ્થાપના કરી હતી. સ્ત્રીઉત્થાન અને નારી-સ્વતંત્રતાની વિચારધારા સાથે શરૂ થયેલી આ સંસ્થા પ્રસંગોપાત્ત પોતાનું રૂપ બદલતી ગઈ અને હવે એ સમાજમાં રહીને એને વધુ ઉજ્જવળ બનાવી રહેલી નારીઓને સહકાર અને સહયોગ આપવાનું કામ કરી રહી છે. આ સંસ્થા દ્વારા દર વર્ષે સમાજોપયોગી કામગીરી કરવા બદલ અવૉર્ડ પણ આપવામાં આવે છે. આ
વર્ષે ગુજરાતમાં સર્વોચ્ચ સમાજોપયોગી કામગીરી કરવા બદલ આ અવૉર્ડ ભાવનગર (ઉત્તર)નાં ૪૮ વર્ષનાં ધારાસભ્ય વિભાવરી દવેને આપવામાં આવ્યો છે. અવૉર્ડની જાહેરાત થયા પછી સામાન્ય રીતે વખાણ અને વાહ-વાહ થતાં હોય છે, પણ પહેલી વખત એવું બન્યું છે કે આ અવૉર્ડ જાહેર થયા પછી પ્રખર રામાયણકાર મોરારીબાપુએ નિરાશાના ભાવ સાથે કહ્યું હતું કે પહેલી વખત એવું કહેવાનું મન થાય છે કે યોગ્ય વ્યક્તિને બહુ મોડું સન્માન મળી રહ્યું છે.

મોરારીબાપુ જેવી જ પ્રતિક્રિયા ગુજરાતની જાહેર જીવનની અન્ય વ્યક્તિઓની હતી. આવી પ્રતિક્રિયા કોઈની પણ હોઈ શકે, જો તે વિભાવરી દવેની કામગીરીથી વાકેફ હોય તો.વિભાવરીબહેનની સંસ્થા માવતરમાં ૧૭,૦૦૦થી વધુ એવા સભ્યો છે જે ૫૮ વર્ષથી વધુની ઉંમર ધરાવે છે. આ વૃદ્ધોને મન વિભાવરી દવે કોઈ સંસ્થાનાં સંચાલક કે પ્રમુખ નહીં પણ દીકરી બરાબર છે. અઢળક કિસ્સાઓમાં તો એવું પણ છે કે સગાં દીકરા-દીકરી કરતાં પણ આ વૃદ્ધ માબાપને મન વિભાવરીબહેનનું મૂલ્ય વધુ છે. દીકરો કે દીકરી અંગ્રેજી કાગળમાં સહી કરવાનું કહે તો એ કાગળ પર સહી કરવાને બદલે મા કે બાપ કે બન્ને વિભાવરીબહેનને કાગળ વંચાવે છે અને જો તેઓ કહે તો આંખ મીંચીને એ કાગળ પર સહી કરી આપે છે. આ પ્રેમ, લાગણી અને સન્માન વિભાવરીબહેનને એમ ને એમ નથી મળ્યાં. આ બધું મેળવવા માટે તેમણે પંદર વર્ષની તપશ્ચર્યા કરી છે. વિભાવરીબહેન સરતાજને કહે છે, ‘મેં કોઈ એવી ધારણાથી મારી ઍક્ટિવિટી શરૂ નહોતી કરી જેમાં મને એ ઍક્ટિવિટીનો ફાયદો ગણતરીમાં હોય. નાની હતી ત્યારે દાદા-દાદી અને નાના-નાની સાથે રહેવાનો જે ફાયદો થયો હતો એ મને રીતસર દેખાતો હતો. જૉઇન્ટ ફૅમિલીમાં હોવાથી મને જેટલો ફાયદો થયો એટલો જ ફાયદો મારા દીકરાને પણ થયો છે. તે નાનો હતો ત્યારે તેના બીજા ફ્રેન્ડ્સ મારા સસરા ડૉ. ઉપેન્દ્ર દવે પાસે વાર્તા સાંભળવા આવતા. એ વખતે મને પહેલી વાર વિચાર આવ્યો કે જે બાળકોને દાદા-દાદી કે નાના-નાની નથી મળ્યાં એ બાળકો તો આ રીતે બહાર ક્યાંક દાદા-દાદી શોધી લેશે, પણ એ દાદા-દાદીનું શું જેમને હવે પાછલી જિંદગીમાં શાંતિ નથી મળી. બસ, આ વિચારમાંથી જ માવતર સંસ્થા ઉદ્ભવી.’

માવતર સંસ્થાની શરૂઆત ૧૯૯૩માં થઈ. આ સંસ્થા કોઈ વિધિવત્ ફૉર્મેટ સાથે નહોતી. શરૂઆતમાં તો આડોશપાડોશના વૃદ્ધોને બોલાવીને તેમને બાળકો સાથે રાખવાના પ્રયાસરૂપે અલગ-અલગ કાર્યક્રમો કરવામાં આવતા હતા, પણ ચારથી છ જ મહિનામાં એવું બન્યું કે આડોશપાડોશના વૃદ્ધો પોતાના બીજા વૃદ્ધ-મિત્રોની સિફારિશ લઈને આવતા અને તેમને કાર્યક્રમમાં આવવા દેવાની રજા માગતા. વિભાવરીબહેન કહે છે, ‘એ બધાને પરવાનગી આપતાં-આપતાં ફલક વિસ્તરતું ગયું એટલે એક દિવસ મારા હસબન્ડ વિજયે જ મને કહ્યું કે તું અમારી ઑફિસમાં જ આવીને આ બધાં માવતરનું એક પદ્ધતિસરનું લિસ્ટ બનાવવાનું શરૂ કર તો તારું કામ આસાન થઈ જશે અને એ બધાને પણ રાહત રહેશે.’

શિપિંગ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા વિભાવરીબહેનના હસબન્ડે માત્ર પત્નીને આશ્વાસન કે સલાહ આપવા માટે જ આવું નહોતું કહ્યું. તેમણે ભાવનગરના કાળાનાળા વિસ્તારમાં આવેલી પોતાની ઑફિસમાં વિભાવરીબહેનને જગ્યા પણ કાઢી આપી એટલે માવતર સંસ્થા અહીંથી શરૂ થઈ. વિભાવરીબહેન કહે છે, ‘હું માનું છું કે દાદીના ખોળા વિના અને દાદાની આંગળી વિના મોટાં થયેલાં બાળકોમાં સંસ્કાર કે સંસ્કૃતિનું સિંચન નથી થતું. આ હકીકત હોવા છતાં સંસ્કાર અને સિંચન આપી શકે એવા આ વડીલોને હડધૂત કરવામાં આવતા હોય છે અને કાં તો તેમના મનમાં એવું ઠસાવી નાખવામાં આવતું હોય છે કે હવે તમારી ઉંમર થઈ ગઈ છે, તમે ધર્મધ્યાન કરો. માવતર દ્વારા અમે આ બન્ને બાબતો સામે લડવાનું શરૂ કર્યું એવું કહીએ તો એ યોગ્ય ગણાશે. હડધૂત થતાં મા-બાપ અને તેમનાં સંતાનોની વચ્ચે કાઉન્સેલિંગ કરીને એ બધાને એક કરવાનું કામ સંસ્થા દ્વારા થાય છે તો જે કોઈ માવતરને ડાયરેક્ટલી-ઇનડાયરેક્ટલી ધર્મધ્યાન તરફ વાળી દેવામાં આવ્યા છે એ બધાને અમે રીતસરની મોજમસ્તી કરાવીએ છીએ.’

વાત બિલકુલ સાચી છે. માવતર પોતાના આ વડીલસભ્યો માટે દર મહિને ભાવનગરના ટૉપ થ્રી મલ્ટિપ્લેક્સમાં ફિલ્મ શો રાખે છે. ‘બાગબાન’ ફિલ્મથી આ શિરસ્તો શરૂ થયો છે જે ‘બૉડીગાર્ડ’ સુધી અકબંધ રહ્યો છે. આ અઠવાડિયે રિલીઝ થયેલી ‘ડૉન ૨’ પણ માવતરના સભ્યો જોવાના છે. વિભાવરીબહેન કહે છે, ‘સંસ્થાની મેમ્બરશિપ ફી નથી એટલે અમારી પાસે તો કોઈ પૈસા નથી, પણ દાતાઓ મળી રહે છે. આ ઉપરાંત અમે મૉર્નિંગ શોમાં ફિલ્મ રાખીએ છીએ. ફિલ્મ રિલીઝ કરતી કંપનીને અને થિયેટરના માલિકને પણ સમજાવીએ એટલે તેઓ પણ પોતાનો નફો જતો કરી દે. હવે તો હું ધારાસભ્ય છું એટલે કલેક્ટરને પણ કહી શકું અને તેઓ પોતાની સત્તા વાપરીને મનોરંજન કર બાદ કરી આપે. પત્યું. અમારાહૃ માવતરને ફિલ્મની કાયમી મજા મળી ગઈ.’

બાળકોને મોટાં કરવા માટે ક્યારેય મનોરંજનની દિશામાં નહીં જોનારા વડીલો વૃદ્ધ થયા ત્યારે મનોરંજનનાં સાધનો વધ્યાં, પણ તેમને મનોરંજનની સુવિધા મળતી બંધ થઈ અથવા તો ઓછી થઈ. આ ફરિયાદ દૂર કરવાના ભાગરૂપે જ માવતર ઘરડા-બુઢ્ઢાઓને લઈને પિકનિક કરે છે. પિકનિકમાં પાછું નાના છોકરાઓની જેમ લિસ્ટ પણ આપવાનું કે આ બધું તમારે સાથે લઈને આવવાનું છે. વિભાવરીબહેન ચોખવટ કરતાં કહે છે, ‘આવું કરવાનો હેતુ એ હોય છે કે વડીલોને ઘરમાંથી બધા મદદ કરે. પિકનિક તો અમે છેલ્લાં બાર વર્ષથી કરવા લાગ્યા છીએ એટલે હવે એવું બને છે કે અમારી પિકનિક જવાની હોય ત્યારે વહુ અને પૌત્ર પણ દાદાની પિકનિકની તૈયારી કરવામાં લાગી જાય અને ઘરમાં એવો માહોલ થઈ જાય જાણે નાનું છોકરું પિકનિકમાં જતું હોય. બધા વડીલો પિકનિકમાં આ બધી વાતો કરે ત્યારે આંખના ખૂણા ખરેખર ભીના થઈ જાય.’

માવતરમાં ખરેખર મજા, મજા અને મજા કરાવવામાં આવે છે. ચિંતાની કોઈ વાત નહીં કરવાની. નો ટેન્શન, ઓન્લી ફન. મોટા ભાગનાં વષોર્ કાઢી નાખ્યાં છે એટલે હવે જલસા કરી લેવાના. કેટલીક વખત તો આ વડીલોને ખાવાપીવાની મનાઈ હોય એવી વસ્તુ ખાવાની પણ તેઓ જીદ પકડે. વિભાવરીબહેન કહે છે, ‘જો તેમના જીવને જોખમ ન હોય તો હું તેમને પ્રેમથી ખાવાનું આપી દઉં અને મારાં માવતર પણ પ્રેમથી જમે. અને એમાં કંઈ મોટી વાત નથી. આ તેમનો હક છે. પાણીપૂરી ચવાતી ન હોય તોય તેઓ જે રીતે પૂરીને ભાંગીને ખાવાની શરૂઆત કરે એ જોઈને થાય કે જીવતર લેખે લાગી ગયું. ઢોસા અને ભાજીપાંઉની ડિશ પર જે રીતે તેઓ તૂટી પડે એ જોઈને થાય કે તેમની બીમારી આપણે લઈ લઈએ.’

માવતર દર વર્ષે ખાલી વડીલો માટે જવાહર ગ્રાઉન્ડમાં દાંડિયા કરે છે. આ દાંડિયામાં ૮૦ વર્ષનાં માજીથી માંડીને ૮૪ વર્ષના દાદા સુધ્ધાં દાંડિયા રમે છે. આ દાંડિયા માટે અલગ-અલગ ઇનામો પણ હોય. દાંડિયા ઘરડાઓ માટે થતા હોવાથી ગ્રાઉન્ડ પર બે ડૉક્ટર અને એક ઍમ્બ્યુલન્સ પણ રાખવામાં આવે જેથી ઇમર્જન્સીમાં કોઈ તકલીફ ન પડે. જોકે ઈશ્વરની મહેરબાની છે કે ડૉક્ટર કે ઍમ્બ્યુલન્સનો ઉપયોગ કરવાની જરૂર હજી સુધી પડી નથી. વિભાવરીબહેન કહે છે, ‘શરૂઆતમાં બધા એવું કહેતા કે હું આવુંબધું કરીને ખોટું જોખમ લઈ રહી છું, પણ મારું મન કહેતું કે જો મારાં મા-બાપ હોય તો હું તેમને આમ જ રાખું એટલે મને બીજા શું કહે છે એની ચિંતા નહોતી. દાંડિયામાં પહેલા વર્ષે આવવા માટે વડીલો તો રાજી હતા, પણ તેમનાં બાળકોનું મન ઓછું હતું. મેં એક-એક ઘરે જઈને બધાને સમજાવ્યા કે જો તમને હાથ પકડીને તમારાં બા કે બાપુજી એક પણ વખત દાંડિયામાં રમવા લઈ ગયાં હોય તો આવતી કાલે તમે તેમનો હાથ પકડીને દાંડિયાના મેદાનમાં આવજો. બન્યું એવું જ. હવે અમારા દાંડિયા જોવા જેવા હોય છે. વડીલો રમતા હોય અને રમવાની સાચી ઉંમરવાળા હોય તેઓ બધા ઊભા-ઊભા આ દાંડિયા જોતા હોય.’

વડીલો માટે મૅગેઝિન
૨૦૦૨થી વિભાવરી દવેએ વડીલો માટેનું ગુજરાતી ભાષાનું પહેલું અને એકમાત્ર મન્થ્લી મૅગેઝિન ‘માવતર’ પણ શરૂ કર્યું છે. તેઓ કહે છે, ‘આપણે ત્યાં બાળકો, યુવાનો અને ફૅમિલી માટે મૅગેઝિન છે; મહિલાઓ માટે પણ છે અને પુરુષો માટે પણ બિઝનેસનાં મૅગેઝિન છે; પણ ઘરના વડીલો માટે ધાર્મિક મૅગેઝિન સિવાય કોઈ મૅગેઝિન નથી. આ જ કારણે અમે આ મૅગેઝિન શરૂ કર્યું છે જેમાં તેમના મનની વાત, બીમારીને લગતી જાણકારી અને આ ઉંમરે જાણવા જેવી બીજી બધી વાતો અમે સમાવી લઈએ છીએ.’

આટલું તો કર્યું હવે, વોટ નેકસ્ટ?
વિભાવરીબહેન ચોખવટ સાથે કહે છે, ‘વૃદ્ધાશ્રમ સિવાયનું બધું, કારણ કે વૃદ્ધાશ્રમની પ્રથા ભારતીય સંસ્કૃતિની વિરુદ્ધની છે. મારું ચાલશે તો હું ભાવનગરના વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધોને પણ ફરી ગૃહસ્થાશ્રમમાં પાછા લઈ આવીશ અને તેમને ફરીથી પગભર કરવા માટે મહેનત કરીશ. જો એવું થઈ શક્યું તો એ પછી હું ગામેગામ માવતર લઈ જઈશ અને ત્યાં પણ આ ઍક્ટિવિટી શરૂ કરીશ.’
સાચી વાત. આ માવતરની ખરેખર જરૂર છે.

સમાજસેવાથી રાજસેવા સુધી
એમકૉમ સુધી ભણનારાં વિભાવરી દવેના પપ્પા જી. એમ. આચાર્યનું મૂળ વતન લીંબડી, પણ ડેપ્યુટી કલેક્ટર હોવાથી વાંરવાર ટ્રાન્સફર થતી રહેતી. આ જ કારણે વિભાવરીબહેનનું બચપણ ગુજરાતનાં અલગ-અલગ કેટલાંય શહેરોમાં પસાર થયું, પણ પપ્પાનું રિટાયરમેન્ટ રાજકોટમાં થયું અને મૅરેજ કરીને તેઓ રાજકોટથી ભાવનગર આવ્યાં એટલે રાજકોટને પોતાનું વતન ગણે છે. મૅરેજ પછી વિભાવરીબહેને ભાવનગર આવીને માવતર સંસ્થા શરૂ કરી. આ સંસ્થાની ઍક્ટિવિટી જોઈને બીજેપીએ વિભાવરીબહેનને ભાવનગર કૉર્પોરેશનની ઇલેક્શનમાં ટિકિટ ઑફર કરી હતી. શરૂઆતમાં તો તેમણે ચોખ્ખી ના પાડી, પણ કેશુભાઈ પટેલે જ્યારે તેમને એવું કહ્યું કે તમારી સમાજસેવાને વેગ મળે એ માટે પણ આ ક્ષેત્રમાં રહેવું હિતાવહ છે ત્યારે તેઓ માની ગયાં. વિભાવરીબહેન કહે છે, ‘વાત મને સાચી લાગી એટલે મેં આ ઑફર સ્વીકારી અને હું ઇલેક્શન લડી.’
૧૯૯૫માં વિભાવરીબહેન ભાવનગરના સરદારનગર (દક્ષિણ) વિસ્તારમાંથી કૉર્પોરેશનનું ઇલેક્શન લડ્યાં, જેમાં તેમની સામેના તમામ હરીફોની ડિપોઝિટ જપ્ત થઈ હતી. આ જ ટર્મમાં તેમને ભાવનગરનાં ડેપ્યુટી મેયર અને પછી મેયર બનાવવામાં આવ્યાં. વિધાનસભાના ગયા ઇલેક્શનમાં ગુજરાતના મુખ્ય પ્રધાને તેમને ભાવનગર (ઉત્તર)ની વિધાનસભા બેઠકની ટિકિટ આપી, જેમાં તેઓ કૉન્ગ્રેસના ઉમેદવાર અરુણ મહેતાની સામે ૨૭,૬૦૦ વોટથી જીત્યાં. મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ વિભાવરીબહેનને રાજ્ય સરકારનાં બે અલગ-અલગ નિગમનાં ચૅરપર્સનપદની ઑફર કરી હતી, પણ એ બન્ને માટે તેમણે ગાંધીનગર સ્થાયી થવું પડે એમ હતું અને જો એવું કરે તો તેમની માવતર સંસ્થાને અસર થાય એમ હતી એટલે તેમણે ૧૯૯૫માં સાંભળેલી વાતને જરા અલગ રીતે રજૂ કરીને કહ્યું હતું કે ‘સમાજસેવા માટે રાજનીતિમાં આવી છું, રાજનીતિના ભોગે આ માવતરને છોડવી નથી.’વિભાવરીબહેન સ્વીકારે છે કે રાજકારણમાં આવ્યા પછી માવતર સંસ્થાના સભ્યોને ઘણો ફાયદો થયો છે.

બોલો, મા-બાપ દત્તક લેવાં છે?
વિભાવરી દવેની માવતર સંસ્થા આવતા વર્ષથી મા-બાપ દત્તક આપવાની કામગીરી શરૂ કરી રહી છે. સ્વાભાવિક છે કે દત્તક શબ્દ સાંભળીને કોઈને પણ એવો વિચાર આવે કે મા-બાપને પોતાના ઘરે લઈ જવાનાં, પણ અહીં એવું નથી. અહીં કોઈ આર્થિક જવાબદારી પણ સંભાળવાની નથી. મા-બાપને દત્તક લેનારાએ માત્ર તેનો સમય મા-બાપને ફાળવવાનો છે અને પોતાના ફુરસદના સમયે દત્તક લીધેલાં મા-બાપનું કામ કરી આપવાનું છે. વિભાવરીબહેન કહે છે, ‘આજે અનેક માવતર એવાં છે જેઓ એકલાં છે અને અશક્ત છે. આવાં માવતરને દવા કે બીજી કોઈ જરૂરી ચીજવસ્તુ લેવી હોય તો તેમણે બીજાની લાચારી કરવી પડે છે. આવું ન થાય એ માટે અમારી સંસ્થા મા-બાપને દત્તક લેવાની આ યોજના શરૂ કરવાની છે, જેમાં દત્તક લેવા ઇચ્છતા લોકોને અમે તેમના ઘરની આજુબાજુમાં રહેતાં માવતરને દત્તક લેવડાવી દઈશું. દિવસમાં એકાદ વાર ફુરસદના સમયે તમે એ માવતર પાસે જઈને તેમનાં કામ પતાવી આપો તો એ પણ તેમના પર ઉપકાર ગણાશે.’ માવતર દત્તક લેવાની આ યોજના નવા વર્ષથી અમલમાં મૂકવામાં આવશે.

માવતર આઇ-કાર્ડ?
વિભાવરી દવેએ માવતરના સભ્યો માટે આઇડેન્ટિટી-કાર્ડ બનાવ્યાં છે, જેની ખાસિયતો કંઈક આવી છે...
સ્વીટ્સ શૉપ અને ફરસાણવાળાને ત્યાં દસ ટકા ડિસ્કાઉન્ટ
પ્રાઇવેટ બસમાં દસથી પચીસ ટકા ડિસ્કાઉન્ટ
તમામ મેડિકલ સ્ટોરમાં સાત ટકા અને લાઇફ-સેવિંગ ડ્રગ્સ પર બાર ટકા ડિસ્કાઉન્ટ
લોકલ બસમાં વીસ ટકા ડિસ્કાઉન્ટ
તમામ પ્રાઇવેટ હૉસ્પિટલમાં ચેક-અપમાં પચીસ ટકા ડિસ્કાઉન્ટ
બ્લડ-લૅબોરેટરીનો રિપોર્ટ ઘરે પહોંચાડવાની સુવિધા ફ્રી
થિયેટરમાં સોમથી શુક્રવાર દરમ્યાન પૉપકૉર્ન ફ્રી


Whatsapp-channel Whatsapp-channel

25 December, 2011 09:58 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK