દહિસરમાં મચ્છરોનો ત્રાસ

Published: 30th December, 2011 08:27 IST

નાગરિકો પરેશાન અને સુધરાઈએ સોસાયટીઓને આપી ટેરેસની ટાંકીઓ સાફ રાખવાની ખાસ સૂચનાશહેરમાં શિયાળાની શરૂઆતની સાથે-સાથે મચ્છરોનો ઉપદ્રવ પણ વધી જાય છે. ખાસ કરીને એવા વિસ્તારો જ્યાં નાળાં કે ખાડી અથવા ઝાડી-ઝાંખરા હોય ત્યાં એનો ઉપદ્રવ વધુ જોવા મળે છે. નવેમ્બરથી ફેબ્રુઆરી સુધીના ચાર મહિનામાં ડેન્ગી, મલેરિયા વગેરે જેવા રોગો ફેલાવતાં મચ્છરો જે ન્યુસન્સ મચ્છર તરીકે ઓળખાય છે અને એની સંખ્યા ઘણી વધી ગયેલી જોવા મળે છે. ચોમાસા દરમ્યાન ભરાતાં ખાબોચિયાંઓ અને પાણીનો ભરાવો મચ્છરોનાં બ્રીડિંગ માટે મુખ્યત્વે જવાબદાર હોય છે.

મહેમાન રાત રોકાતા નથી

શહેરના પશ્ચિમી પરા દહિસરની વાત કરીએ તો દહિસર-ઈસ્ટમાં આનંદનગર અને કેતકીપાડા વિસ્તારના રહેવાસીઓએ આ દિવસોમાં મચ્છરોનો ભારે ત્રાસ સહન કરવો પડતો હોય છે. આનંદનગર વિસ્તારમાં રહેતા નૈનેશ જોશીએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘અમારા વિસ્તારોમાં મચ્છરોનો એટલોબધો ત્રાસ છે કે કોઈ મહેમાન અમારા ઘરે રાત્રે રોકાવા તૈયાર થતા નથી. જૉગિંગ પાર્ક ઘણો જ સરસ છે, પણ મચ્છરોના ત્રાસને કારણે એનો લાભ લઈ શકાતો નથી. અમારા ત્યાં ડુક્કર તથા ઉંદરોનો પણ ઘણો ત્રાસ છે.’

દવા-અગરબત્તી બિનઅસરકારક

દહિસર-વેસ્ટના કાંદરપાડા વિસ્તારની કચ્છનાર સોસાયટીમાં રહેતા ભાસ્કર જોશીએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘મચ્છરોને કારણે અમારે સાંજે પાંચ વાગ્યાથી ઘરનાં બારી-બારણાં બંધ કરી દેવાં પડે છે. અમે એના ત્રાસથી બચવા દવાના છંટકાવ અને અગરબત્તીઓનો ઉપયોગ કરીએ છીએ તો પણ એ મરતાં નથી.’

ખાડીને કારણે તકલીફ

આ સીઝનમાં મોટે ભાગે ડેન્ગી તથા મલેરિયાનાં મચ્છરો વધુ ફેલાતાં હોય છે. દહિસર વિસ્તારમાં મચ્છરોના નિયંત્રણ માટે કેવા પ્રકારનાં પગલાં લેવામાં આવે છે એ વિશે મુંબઈ સુધરાઈના આર-નૉર્થ વૉર્ડના પેસ્ટ કન્ટ્રોલ વિભાગના અધિકારી ગિરીશ મોરેને પૂછવામાં આવતાં તેમણે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘મીરા-ભાઈંદરની ખાડી દહિસરને લગીને આવેલી છે. ચોમાસામાં કિનારા વિસ્તારોમાં પાણી ભરાઈ રહેવાને કારણે તથા શિયાળા દરમ્યાન ખાડીનો કેટલોક ભાગ સુકાઈ જતો હોવાથી અહીં મચ્છરો મોટી સંખ્યામાં પેદા થાય છે. આ હકીકતને ધ્યાનમાં રાખી પેસ્ટ કન્ટ્રોલ વિભાગ દ્વારા ચોમાસા પૂર્વે અને દરમ્યાન મચ્છરોનો ઉછેર ન થાય એ માટે જરૂરી પગલાં લેવામાં આવે છે, પરંતુ એક મચ્છર ઓછામાં ઓછાં ૨૦૦થી ૨૫૦ ઈંડાં મૂકે છે. અમારો પ્રથમ ટાર્ગેટ ડેન્ગી તથા મલેરિયાનાં મચ્છરોને મારવાનો હોય છે.’

સુધરાઈ શું કરી રહી છે?

સોસાયટીની અગાસી પરની ખુલ્લી ટાંકીઓ, ખુલ્લા કૂવાઓ, ગળતરને કારણે પાણીનાં થતાં સંગ્રહસ્થાનો, બાંધકામ હેઠળની ઇમારતના સ્થળે થતા પાણીના ભરાવા વગેરે મલેરિયાનાં મચ્છરોનાં જન્મસ્થળો છે. આર-નૉર્થ વૉર્ડના પેસ્ટ કન્ટ્રોલ વિભાગના અધિકારી ગિરીશ મોરેએ કહ્યું હતું કે ‘પેસ્ટ કન્ટ્રોલ વિભાગના કર્મચારી દરેક સોસાયટીની નિયમિત મુલાકાત લે છે અને ટેરેસની ટાંકીઓ તપાસે છે. સુધરાઈના ધોરણ પ્રમાણે ટાંકીની જાળવણી કરાતી હોય તો એ વિશે સૂચના આપવામાં આવે છે. સુધરાઈની સૂચનાનું પાલન નહીં કરનારી સોસાયટી વિરુદ્ધ પગલાં પણ લેવામાં આવે છે.’

ડેન્ગી નથી

દહિસર વિસ્તારમાં ડેન્ગીનો હજી સુધી એક પણ દરદી નોંધાયો ન હોવાનો મુંબઈ સુધરાઈએ દાવો કરેલો છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK