નવા ૪૦ ટકા વિધાનસભ્યો સામે ગંભીર ક્રિમિનલ કેસ

Published: 22nd October, 2014 02:42 IST

એમાંથી મોટા ભાગના ભારતીય જનતા પાર્ટીના છે


criminal politecianવિધાનસભાની ચૂંટણીનાં પરિણામો આવ્યા પછી નવા ચૂંટાયેલા વિધાનસભ્યોની ગુનાહિત પ્રવૃત્તિના રેકૉડ્ર્સની વિગતો મુજબ તેમની સામેના ક્રિમિનલ કેસોની યાદી ખાસ્સી લાંબી જણાઈ છે. આવો રેકૉર્ડ ધરાવતા વિધાનસભ્યોમાં મોટા ભાગના BJPના છે. ચૂંટણીમાં સિંગલ લાર્જેસ્ટ પાર્ટી તરીકે ઉપસ્થિત એવી BJPના આવા વિધાનસભ્યોમાં અનિલ ગોટે, રામ કદમ અને શિવાજી કાર્ડિલે સહિત કેટલાંક જાણીતાં નામોનો પણ વિશેષ સમાવેશ છે.

અસોસિએશન ઑફ ડેમોક્રેટિક રિફૉમ્ર્સે બહાર પાડેલા ડેટા અનુસાર ૫૭ ટકા વિજેતા ઉમેદવારો સામે ક્રિમિનલ કેસો પેન્ડિંગ છે. ચાલીસ ટકા નવા વિધાનસભ્યો ગંભીર કેસોમાં સંડોવાયેલા છે. ચૂંટણીમાં ઊભેલા ઉમેદવારોના ક્રિમિનલ રેકૉડ્ર્સની તુલનામાં વિજેતાઓના ક્રિમિનલ રેકૉડ્ર્સની ટકાવારી સહેજ વધારે છે. ગંભીર ક્રિમિનલ કેસો અને ગંભીર કેસોનું પ્રમાણ ચૂંટણીમાં ઊભેલા ઉમેદવારોમાં એકંદરે ૩૧ ટકા હતું અને જીતેલા ઉમેદવારોમાં ૨૧ ટકા છે.

BJPના ઘાટકોપર (વેસ્ટ)ના વિધાનસભ્ય રામ કદમ સામે અપહરણ, બેદરકારીને લીધે મૃત્યુ માટે કારણભૂત બનવું તથા સરકારી અધિકારીને ફરજ બજાવતાં રોકવા માટે તેમને ઈજા પહોંચાડવી વગેરે પ્રકારના ૧૨ કેસો પેન્ડિંગ છે. આમાંથી કોઈ પણ કેસ માટે તેમને સજા નથી થઈ, પરંતુ તેમની સામે આરોપો ઘડાઈ ચૂક્યા હોવાનું ચૂંટણી વેળાના ઍફિડેવિટમાં જણાવ્યું હતું. વિધાનભવનમાં પોલીસ-અધિકારી પર હુમલાના બહુજન વિકાસ આઘાડીના વિધાનસભ્ય ક્ષિતિજ ઠાકુર સામેના કેસમાં રામ કદમ કો-ઍક્યુઝ્ડ છે. વળી ક્ષિતિજના પિતા આઘાડીના વિધાનસભ્ય હિતેન્દ્ર ઠાકુર સામે આઠ ગંભીર કેસો નોંધાયેલા છે. આઠ-આઠ પેન્ડિંગ કેસો ધરાવતા વિધાનસભ્યોમાં ગંગાખેડના NCPના વિધાનસભ્ય મધુસૂદન કેન્દ્રે અને પાચોરાના વિધાનસભ્ય કિશોર પાટીલનો સમાવેશ છે. 

એવી જ રીતે ધુળે શહેરના BJPના વિધાનસભ્ય અનિલ ગોટે તેલગી સ્ટૅમ્પ-પેપર કૌભાંડમાં બે વર્ષનો જેલવાસ ભોગવી ચૂક્યા હોવા ઉપરાંત તેમની સામે સાત ગંભીર કેસો પેન્ડિંગ છે. માનખુર્દ-શિવાજીનગરના વિધાનસભ્ય અબુ આસિમ આઝમી સામે ખંડણી અને ક્રિમિનલ ઇન્ટિમિડેશન સહિત ૧૨ કેસો પેન્ડિંગ છે. અહમદનગરના રાહુરીના BJPના વિધાનસભ્ય શરદ કાર્ડિલે સામે ૧૧ ગંભીર કેસો પેન્ડિંગ છે.

જોકે ગુલાબરાવ દેવકર અને સુરેશ જૈન જેવા જળગાવ ઘરકુલ જેવાં મોટાં કૌભાંડોમાં સંડોવાયેલા નેતાઓ હારી ગયા છે, પરંતુ એકંદરે આ ચૂંટણીમાં કરપ્ટ નેતાઓનું પ્રમાણ મોટું રહ્યું હોવાનું અસોસિએશન ઑફ ડેમોક્રેટિક રિફૉમ્ર્સના અગ્રણી અજિત રાનડેએ જણાવ્યું હતું.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK