નિવૃત્ત જીવનને શ્રેષ્ઠ બનાવવા રામકથામાં મોરારીબાપુએ આપી પાંચ સુવર્ણસલાહ

Published: Jan 08, 2020, 17:38 IST | Rashmin Shah | Mumbai

વિચાર, ઉચ્ચાર, આહાર, વ્યવહાર અને વિહાર: જો આ પાંચ ર પર કાબૂ મેળવી લીધો અને સાચી રીતે જીવનમાં અપનાવી લીધા તો જીવનનો આ ઉત્તરાર્ધ સુખમય હશે એની ખાતરી રાખજો

મોરારીબાપુ
મોરારીબાપુ

પ્રખર રામાયણકાર મોરારીબાપુની રામકથા અત્યારે સિદ્ધહસ્ત કવિ અને સાહિત્યકાર ઉમાશંકર જોષીના જન્મસ્થળ બામણા નામના હિંમતનગર જિલ્લાના ગામમાં ચાલી રહી છે. આ રામકથાના ત્રીજા દિવસે મોરારીબાપુએ બહુ સરસ વાત કહી. બાપુએ કહ્યું કે જો જીવનને સર્વોચ્ચ દિશામાં લઈ જવું હોય તો પાંચ વાતનું ધ્યાન રાખવું જોઈએ. જો એ પાંચ પર કાબૂ આવી જાય, એ પાંચ પર સંયમ આવી જાય કે એ પાંચને લક્ષ્મણરેખામાં આંકી રાખવામાં આવે તો જીવન સુખમય બની જાય. મોરારીબાપુની આ સલાહમાં પાંચ ‘ર’ની વાત છે. બાપુએ ભલે જીવન આખાની વાત કરી પણ એ પાંચ ‘ર’ને જો જીવનના ઉત્તરાર્ધમાં સમાવી લેવામાં આવે, જો જીવનના અંતિમ ચરણમાં સામેલ કરી લેવામાં આવે તો નિશ્ચિત છે કે ઉત્તરાર્ધ સુખમય બની જાય. કોઈના માટે તમારી પાસે ફરિયાદ ન રહે અને કોઈને તમારા પ્રત્યે રાવ ન રહે અને આ જ જીવનનો હેતુ હોવો જોઈએ. કમ્પ્લેઇન્ટ બુકની જેમ જો સતત તમારી વિરુદ્ધ ફરિયાદ લખતાં રહેવાની હોય તો પણ ત્રાસ છૂટવા માંડે અને જો કોઈની બુકમાં સતત કમ્પ્લેઇન્ટ લખાવવા જવું પડે તો એ પ્રક્રિયા પણ અસહ્ય બની જાય. અસહ્ય પરિસ્થિતિનો અનુભવ ન કરવો હોય અને એકધારી ફરિયાદનો ત્રાસ સહન ન કરવો હોય તો માત્ર આટલું કરવાનું છે, પાંચ ‘ર’ પર નિષેધ લાવવાનો છે. આ પાંચ ‘ર’ પૈકી પહેલા નંબરે છે વિચાર.

શુદ્ધતા અને શુભ્રતા

વિચારોને શુદ્ધ રાખો, શુભ રાખો. નકારાત્મકતા મનમાંથી કાઢી નાખવી જોઈએ એવું તો અઢળક વખત કહેવાયું છે પણ જીવનના ઉત્તરાર્ધમાં તો આ વાત કમ્પલ્સરી બની જવી જોઈએ. યાદ રાખજો, હવે એટલું નથી જીવવાનું જેટલું તમે જીવી ગયા છો. ગણ્યાંગાંઠ્યાં વર્ષો બાકી બચ્યાં છે, જેમાં અગાઉનો બધો હિસાબ ચૂકવી દેવાનો છે અને પાટી કોરી કરી નાખવાની છે. યમદૂત આવે ત્યારે તે માત્ર તમને લઈ જતો હોય, તમારા બૅગેજને નહીં એનું ધ્યાન રાખવું એ તમારી પહેલી ફરજ છે. વિચારોમાંથી નકારાત્મકતા કાઢીને એને શુદ્ધતા બક્ષો અને સૌકોઈનું હિત વિચારો. શુભત્વ જો મનમાં હશે તો એ આચરણમાં આવશે. શુભત્વ જો વિચારમાં હશે તો એ વિચરણમાં આવશે અને શુભત્વ જો મસ્તકમાં હશે તો એ જીવનમાં આવશે. ભૂલતા નહીં, યાદ રાખજો; વિચાર જ વેરી છે અને વિચાર જ વૈરાગ્ય છે. તમે કઈ દિશામાં ચાલો છો એ તમારા વિચારો પરથી નક્કી થશે. વેર કરવાની ઉંમર રહી નથી અને વૈરાગ્ય લઈને વાનપ્રસ્થાશ્રમ સ્વીકારી શકાવાનો નથી એટલે મહત્વનું એ છે કે વિચારોને શુભત્વ બક્ષીને જીવનને જીવવા લાયક બનાવો.

હવે વાત આવે છે બીજા ‘ર’ની, ઉચ્ચાર.

વ્યાકરણ નહીં, વ્યાખ્યા ચોખ્ખી

ઉચ્ચારને શુદ્ધતા બક્ષો. મનમાં રહેલી કડવાશને કાઢવાનું એકમાત્ર માધ્યમ જિહવા છે પણ એનો ઉપયોગ હવે કડવાશ ઓકવા માટે નથી કરવાનો. એમાં મીઠાશ આવવી જોઈએ. વ્યાકરણ ખોટું હશે તો ચાલશે પણ બોલાયેલા શબ્દોની વ્યાખ્યા સ્પષ્ટ હોવી જોઈએ. વ્યાકરણ અશુદ્ધ હશે તો ચાલશે પણ ઉચ્ચારો શુદ્ધ હોવા જોઈશે. બોલીને વાત બગાડી નાખવાનું કામ જીવનના પૂર્વાર્ધમાં અઢળક વખત કરી લીધું, હવે એને ફરીથી આગળ નથી વધારવાનું. પાછળનું સુધારવાનું છે અને આગળનું કશું બગડે નહીં એનું ધ્યાન રાખવાનું છે. ઘણા વડીલો આપણે એવા જોઈએ છીએ જે ક્યાંય નડતર નથી હોતાં અને એમ છતાં તેમની જીભ કુહાડી કાપે એવી આકરી હોય છે. શબ્દોની તાકાત ત્યારે જ અકબંધ રહે છે જ્યારે વ્યક્તિ મૌનનું મૂલ્ય સમજી શકતો હોય છે. ન ગમે એવી પરિસ્થિતિમાં પણ ઉચ્ચારમાં ક્યાંય ભેળસેળ ન થાય એની ચીવટ રાખશો તો ઉત્તરાર્ધમાં ચોખવટ કે ખુલાસાઓ કરવાની નોબત નહીં આવે.

વિચાર, ઉચ્ચાર પછી આવે છે ત્રીજો ‘ર’ આહાર.

સ્વાસ્થ્ય બને સુખનું પ્રતીક

આહાર શુદ્ધ હશે તો સ્વાસ્થ્ય શુદ્ધ રહેશે અને સ્વાસ્થ્યમાં શુદ્ધતા હશે તો વિચારોમાં પણ ક્યાંય મેલ જોવા નહીં મળે. જતી જિંદગીએ જીભના સ્વાદને પકડવાને બદલે તંદુરસ્તીના માધ્યમને પકડી રાખશો તો એનો લાભ તમને તો મળશે જ પણ પરિવારના સભ્યોને પણ મળશે. સેવા ન કરાવે એવા વડીલો નવી પેઢીને કનડતા નથી. આહારની શુદ્ધિની આવશ્યકતા તંદુરસ્તી માટે જ છે એવું નથી, એનાથી સ્વાસ્થ્યની સાથોસાથ વિચારસરણી પણ નક્કી થતી હોય છે. મોરારીબાપુના શબ્દોમાં કહીએ તો મંથરા હજી પણ મરી નથી. આજે પણ તે સમાજમાં જીવે છે અને તે માત્ર સ્ત્રી સ્વરૂપમાં જ જોવા મળે એવું પણ નથી, પુરુષ દેહમાં પણ મંથરા અકબંધ છે.

મંથરા પ્રતીક છે ઈર્ષ્યાનું અને ઈર્ષ્યા આડપેદાશ છે આહારની. આહારમાં જો શુદ્ધતા હશે તો વિચારોની શુદ્ધતા અકબંધ રહેશે અને જીવનના ઉત્તરાર્ધમાં આ બન્ને શુદ્ધતા પરિવારને સુખમય બનાવવાનું કામ કરે છે.

વિચાર, ઉચ્ચાર, આહાર પછી ચોથા ‘ર’ના ક્રમે આવે છે વ્યવહાર.

સ્વને આપો નવું કેન્દ્ર

એક સમય હતો કે વ્યવહાર કરતી વખતે દરેક વાતમાં પરસ્પરના વ્યવહારને જોવામાં આવતો, પણ હવે જીવનના ઉત્તરાર્ધ સમયે એવા પરસ્પરના વ્યવહારને ફોકસ કરવાને બદલે તમારા સ્વને, તમારા અહંકારને એક બાજુએ મૂકીને વ્યવહારને શુદ્ધ કરો. કહેવત છે, જેવું રાખો એવું રહેશે. આ કહેવતને આજ સુધી ગણકારી નહીં, પણ ઉત્તરાર્ધમાં એનો અમલ કરવાનો સમય આવી ગયો છે. હવે એટલું નથી રહેવાનું જેટલું રહી લીધું છે. કઈ સવારે આંખ નહીં ખૂલે એની કોઈ ગૅરન્ટી નથી ત્યારે વ્યવહારમાં આવેલી શુદ્ધતા અઢળક લોકોને રાજીપો આપનારી રહેશે. પુષ્કળ લોકોને ખુશી આપવાનું કામ કરી જશે અને સાથોસાથ તમારા માટે પણ હકારાત્મકતા ફેલાવવાનું કામ કરશે. માણસે મોટા ભાગે જે કોઈ અંટસો ઊભી કરી હોય છે એમાં વ્યવહારે મહત્વનો ભાગ ભજવ્યો હોય છે. કજિયા પછી પણ વ્યવહાર એ મનભેદને વધારે પહોળા કરવાનું કામ કરે છે. જો વ્યવહાર આ કામ કરી શકે તો એ જ વ્યવહારને હવે હકારાત્મકતાનું આવરણ ચડાવીને જીવવાનું છે અને જે વ્યવહાર આજ સુધી શસ્ત્ર બનીને વાપર્યો હતો એ વ્યવહારને હવે શાસ્ત્રોક્ત વાઘા પહેરાવવાના છે. વ્યવહારમાંથી રાગદ્વેષ દૂર કરો અને વ્યવહારને મુક્ત બનાવીને સૌકોઈને આવકારો.

વિચાર, ઉચ્ચાર, આહાર અને વ્યવહાર

પછી પાંચમા અને અંતિમ ‘ર’ પર આવીએ.

આ ‘ર’ એટલે વિહાર.

મુક્તિ છે સર્વોત્તમ

વિહાર શબ્દ જૈનો સહજ રીતે સમજી જશે પણ અહીં વિહાર એ ભાવથી નથી કહેવાયું. વિહાર એવા સૂર સાથે કહેવાયું છે કે જે સમયે અંટસ ઊભી થતી દેખાય એ સમયે સાચા પડવાની જીદ પકડી રાખવાને બદલે, સામેની વ્યક્તિને ખોટી પુરવાર કરવાની રટ પકડીને બેસવાને બદલે અહમને મુક્ત કરી દો. જીવનનો આ અંતિમ પડાવ છે. સાચા નહીં પડો તો કંઈ લૂંટાઈ નથી જવાનું. જો તમે સાચા હશો તો તમારી ગેરહાજરીમાં પણ સૌકોઈને તમારી સચ્ચાઈનો અનુભવ થઈ જવાનો છે અને એવું જ ખોટા પડવાની બાબતમાં છે. સામેની વ્યક્તિ ખોટી હશે તો એક તબક્કે તેને સમજાઈ જવાનું છે. ધારો કે ન સમજાય તો પણ એ ભૂલવાની જરૂર નથી કે હવે જે તબક્કા પર જીવો છે એ સમયે તમે આ બધી જફામાં પડો. ના, જરા પણ નહીં. વિહાર કરીને, સૌને આવજો કહેતા નીકળવાનું છે, જે કરવા માટે તમારે હસતા મોઢે વિદાય થવાનું છે. વિહાર કરવાની આ જે અવસ્થા છે એ એકાંતથી તમને સાંપડી શકે છે. જાત સાથે રહેવાનું પસંદ કરો અને એ સમય દરમ્યાન ક્યાં-ક્યાં ખોટા હતા એ જોવાનું શીખો.

વિદાયની એ વેળા સમયે તમારા ચહેરા પર સ્મિત હોય અને સામે ઊભેલા સૌકોઈની આંખ ભીની હોય એનાથી ઉત્તમ સમય બીજો કોઈ હોઈ ન શકે, પણ એ ઉત્તમ સમય ત્યારે જ આવી શકશે જ્યારે પાંચ ‘ર’ને જીવનમાં અપનાવીને એમાં જરૂરી સુધારાવધારા કરશો. જો એ કરી ગયા તો ગંગાનાહ્યા, બાપ.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK