દુખ-સુખ થા એક સબકા, અપના હો યા બેગાના એક વો ભી થા જમાના, એક યે ભી હૈ જમાના

Published: Jan 15, 2020, 17:16 IST | Pankaj Udhas | Mumbai

મોરારિબાપુનું એ દિવસે મૌન હતું એટલે બાપુએ મને ઇશારો કરીને પાસે બોલાવ્યો અને પછી મારો વાંસો થાબડીને તેમણે પોતાની ખુશી વ્યક્ત કરી

યાદગાર ક્ષણ ઃ લોકભાગવત સમયની ઑડિટોરિયમની યાદગાર તસવીર, જેમાં પ્રથમ રોમાં મોરારિબાપુ બેઠા છે અને બાપુની એકદમ સામેની બાજુએ હું બેઠો છું.
યાદગાર ક્ષણ ઃ લોકભાગવત સમયની ઑડિટોરિયમની યાદગાર તસવીર, જેમાં પ્રથમ રોમાં મોરારિબાપુ બેઠા છે અને બાપુની એકદમ સામેની બાજુએ હું બેઠો છું.

(વાતની શરૂઆત એક નઝ‍‍‍્મથી થઈ અને એ નઝ‍‍‍્મ સાથે જોડાયેલી કેટલીક યાદગાર ઘટનાની વાત કરતાં-કરતાં આપણે વાત લોકભાગવતની કરી. બિરલા માતુશ્રી હૉલમાં યોજાયેલા એ કાર્યક્રમમાં કોકિલાબહેન અંબાણી, રામાયણકાર પૂજ્ય મોરારિબાપુ સાથે અનેક મહાનુભાવો હતા. વિદ્વાન વક્તા, કલાકાર અને લોકસાહિત્યના જીવતાજાગતા એન્સાયક્લોપીડિયા એવા મનુભાઈ ગઢવીની વાતો ચાલતી હતી અને એ વાતો દરમ્યાન તેમણે સ્ટેજ પર મને બોલાવ્યો. હું ગયો સ્ટેજ પર અને મેં વાત શરૂ કરી મારા ગામ ચરખડી અને ચરખડીમાં રહેલી અમારી જમીનના સાતીની. નામ તેમનું મોહનભાઈ. હવે વાત આગળ કરીએ...)

વેકેશનમાં અમે ચરખડી જઈએ એટલે હું સવારથી વાડીએ જવાની રાહ જોઈને બેસી રહું. બપોરે ૧૧-૧૨ વાગ્યે મોહનભાઈને ભાથું આપવા માટે કોઈ ને કોઈ જાય. આ મને ખબર એટલે ભાથું આપવાના સમયે હું ઘરમાં જ રહું. આજે મુંબઈની નવી જનરેશનનાં બાળકોને ભાથું શબ્દ નવો લાગે એવું બને. ભાથું એટલે આપણું ટિફિન. આપણા ટિફિનમાં અનેક વરાઇટી હોય, પણ એ સમયે ભાથામાં ચોક્કસ આઇટમો જ હોય. ગોળ, શાક અને રોટલો. ઉનાળાના દિવસો હોય તો દહીં આ ભાથામાં ઉમેરાય. મોહનભાઈ જમવા બેસે ત્યારે દહીંમાં પાણી નાખીને છાસ બનાવી લે કે પછી ઘોરવું એટલે કે ઘટ્ટ છાસ બનાવીને જમવામાં લે.

એ સમયે ઇલેક્ટ્રિક કે ડીઝલ પમ્પ તો હતા નહીં એટલે જૂની પદ્ધતિથી કોસ ભરવાના હોય. આ કોસ પણ આજે કોઈએ જોયા નહીં હોય. ચામડાની મોટી ટૅન્ક જેવી ૧૦૦-૨૦૦ લિટર પાણી ભરાય એવી થેલીને ગામડામાં કોસ કહે. આ કોસ દોરડા સાથે બાંધેલો હોય અને દોરડું બળદ સાથે જોડેલું હોય. બળદને પાછા પગે ચલાવવાનો એટલે દોરડા સાથે બાંધેલો કોસ કૂવામાં ઊતરે અને પછી પાણીમાં આખો ડૂબી જાય. પાણીમાં ડૂબે એટલે એમાં પાણી ભરાઈ જાય. સાતી ધ્યાનથી કૂવામાં જોઈને નક્કી કરે કે આખો કોસ ડૂબી ગયો અને એમાં પાણી ભરાઈ ગયું એટલે તે બળદને આગળની દિશામાં ચલાવે, કોસ પાણી ભરીને ફરીથી ઉપર આવવા માંડે. એક પૉઇન્ટ આવે એટલે પાણીની કોથળી એટલે કે પેલો કોસ ઊંધો થઈ જાય અને એમાં ભરાયેલું બધું પાણી બહાર આવે. બહાર આવેલા આ પાણીને પછી વાળવું પડે, જે વાડીમાં કૅનલ બનાવી હોય એમાં પાણી ફરી વળે. જેવો પાક એવું પાણી પીવડાવાની રીત. મગફળી વાવી હોય તો વધારે પાણી પીવડાવવું પણ, શાકભાજીને નિયમિત પાણી આપતા રહેવું પડે. ઘઉં અને બાજરી ઉગાડી હોય તો પાણી આપવાનું પ્રમાણ ઘટી જાય.

ચરખડીની વાડીએ જઈને હું અમારા સાતી મોહનભાઈ પાસે જીદ કરું કે મારે કોસ ભરવા માટે સાથે બેસવું છે. સમજાવે, મનાવે પણ હું માનું નહીં એટલે તેઓ છેલ્લે થાકી-હારી કે પછી કંટાળીને મને ખોળામાં બેસાડે અને અમે સાથે કોસ ભરીએ. આ આખી પ્રક્રિયા દરમ્યાન મને એમ જ થાય કે હવે પાકને પાણી પાવાનું કામ હું કરું છું.

વાડીમાં પાયેલા એ કોસથી લઈને આપણે ભણ્યાગણ્યા અને છેક એ સમયમાં આવી ગયા જ્યાં લૅપટૉપ, કમ્પ્યુટર અને ટૅબ્લેટ વાપરતા થઈ ગયા. એ દિવસે મેં કાર્યક્રમમાં કહેલી એક વાત મને ક્યારેય ભુલાશે નહીં. મેં કહ્યું હતું કે મારા જીવનનો અનુભવ જો મારે એક વાક્યમાં કહેવો હોય તો હું એમ કહી શકું કે કોસથી લઈને કમ્પ્યુટર સુધીની જિંદગી હું જીવ્યો છું.

મારા જીવનનો આ જ અનુભવ છે. એક વ્યક્તિ જે ગામડામાં કોસ ચલાવતો હોય, વાડીમાં પાણી પિવડાવ્યાનો આનંદ લેતો હોય અને ત્યાંથી નીકળીને એ આજે કમ્પ્યુટરનો ઉપયોગ કરવો, માઇક્રોસૉફ્ટ વર્ડ અને ફોટોશૉપ વાપરતો થઈ ગયો હોય. આ એક આખો ટ્રાન્ઝિશન પિરિયડ કહેવાય. ક્યાંથી શરૂ થઈને છેક ક્યાં સુધી એ પહોંચી ગયો.

આ વાત કહીને મેં એનું ઉદાહરણ આપતાં કહ્યું હતું કે આજે આ બધી વાત કરતી વખતે મને અત્યારે પ્રખ્યાત શાયર ઝફર ગોરખપુરીસાહેબની એક નઝ્‍મ યાદ આવે છે, જેમાં મારા જીવનના બધા પ્રસંગો શાયરે અદ્ભુત રીતે આવરી લીધા છે અને કહ્યું છે કે હું આ રસ્તેથી પસાર થયેલો છું, મારું જીવન આ રસ્તેથી પસાર થયેલું છે.

મેં બધાની પરવાનગી લઈને ઝફર ગોરખપુરીસાહેબની એ નઝ્‍મ તરન્નુમમાં સૌની સામે વાંચવાની શરૂઆત કરી.

દુખ-સુખ થા એક સબકા,

અપના હો યા બેગાના

એક વો ભી થા જમાના,

એક યે ભી હૈ જમાના

નઝ્‍મની સાથે જ ધીમે-ધીમે હાજર રહેલા બધા મહાનુભાવો એમાં લીન થવા માંડ્યા, એકરસ થઈ ગયા, કહેવાય કે બધા એકદમ કવિતામાં ડૂબી ગયા. મેં જ્યારે કવિતા વાંચવાની પૂરી કરી ત્યારે મને ઑડિયન્સ તરફથી ખૂબ જ સરસ રિસ્પૉન્સ મળ્યો, ખૂબ તાળીઓ પડી, જે હકીકતમાં તો ઝફરસાહેબ માટે પડી હતી. આ નઝ્‍મના શબ્દોને તમે ફરીથી એક વખત વાંચી જુઓ. તમે પણ એક વખત ધ્રૂજી જશો, એના મુખડામાં જ આ તાકાત છે.

દુખ-સુખ થા એક સબકા,

અપના હો યા બેગાના

એક વો ભી થા જમાના,

એક યે ભી હૈ જમાના

એનો અર્થ જુઓ, એનો ભાવ જુઓ. એક એવો સમય હતો કે કોઈ આપણું હોય કે પારકું હોય, પણ સુખમાં અને દુઃખમાં બધા એકબીજાના સહભાગી હતા. પારકાનું દુઃખ જોવા પણ કોઈ રાજી નહોતું અને અજાણ્યાના સુખે પણ સુખી થવાના એ દિવસો હતા. કોઈના સુખમાં ખુશ થવાની ભાવના બહુ મહત્ત્વની છે અને એથી પણ મહત્ત્વનું એ છે કે કોઈ દુખી હોય ત્યારે તેને સહકાર આપવા માટે સૌકોઈ આગળ આવી જાય. એક એ સમય હતો જ્યારે સૌકોઈ સાથે હતા, સૌકોઈ સહભાગી હતા. એક વો ભી થા જમાના, એક યે ભી હૈ જમાના. એ સમય જોનારાને જ્યારે આજનો આ સમય જોવાનો આવે ત્યારે એને ચોક્કસ બહુ પીડા થાય, દુઃખ થાય. તે સહન ન કરી શકે આજની આ પરિસ્થિતિ, આજના આ સંજોગો પણ એમ છતાં કહેવું પડે કે એક યે ભી હૈ જમાના...

નઝ્‍મ મેં પૂરી કરી એટલે મોરારિબાપુએ મને તેમની પાસે બોલાવ્યો અને મારો વાંસો થાબડ્યો. મોરારિબાપુને એ દિવસે મૌન હતું, જે મેં તમને ગયા વીકમાં કહ્યું હતું. મૌનવ્રતને કારણે તેમણે મને ઇશારો કરીને પાસે બોલાવ્યો અને પછી પીઠ થાબડીને પોતાની ખુશી વ્યક્ત કરી. હું ધન્ય થઈ ગયો, પણ ધન્યતાની સાચી ઘડી તો હજી બાકી હતી.

મોરારિબાપુએ ત્યાર પછી ફરીથી ઇશારો કર્યો મનુભાઈને અને ઇશારાથી જ કહ્યું કે માઇક લાવો. બધાને નવાઈ લાગી, પણ બાપુનો આદેશ હતો એટલે તેમની પાસે માઇક મૂકવામાં આવ્યું. બાપુએ કહ્યું કે આજે પંકજે જે કવિતા વાંચી અને પોતાની વાત કરી એ વાત, અંગત જીવનની કોસથી લઈને કમ્પ્યુટર સુધીની વાત સાંભળીને તેણે મને મૌનવ્રત તોડવા માટે મજબૂર કરી દીધો, હવે મારે બે શબ્દો બોલવા જ પડશે. પંકજે મને બોલવાની પ્રેરણા આપી દીધી આજે.

એ પછી મોરારિબાપુએ તેમની અસ્ખલિત વાણીમાં આપણી પ્રણાલી, સંસ્કૃતિ, રીતરિવાજ અને લોકસાહિત્ય વિશે

એટલી વાતો કરી કે વાતાવરણ આખું સ્થગિત થઈ ગયું. બે કલાક સુધી બાપુના શબ્દો બિરલા માતુશ્રી હૉલમાં ગુંજતા રહ્યા અને મારા કાનમાં બાપુ બોલ્યા હતા એ મારા માટેના શબ્દો ઃ પંકજે મને બોલવા મજબૂર કરી દીધો.

આ તાકાત છે નઝ્‍મ ‘ઇક્કીસવીં સદી’ની અને આપણે વાત કરવાની છે આ નઝ્‍મની. જે સમયે આપણે નવા વર્ષમાં દાખલ થઈ ગયા છીએ એ સમયે આ નઝ્‍મને અને એની સર્જનયાત્રાને નજીકથી જોવી જોઈએ એવું મને અંગત રીતે લાગે છે.

(નઝ્‍મ વિશે અને ઝફર ગોરખપુરીસાહેબ વિશે વધુ વાતો કરીશું આવતા બુધવારે)

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK