મોરારીબાપુની નવી રામકથા જલારામબાપાને

Published: 1st November, 2011 19:23 IST

આવતી કાલે જલારામ જયંતી છે. જલારામ જયંતીના અવસર પર મોરારીબાપુએ પોતાની આગામી રામકથા સંત શ્રી જલારામબાપાના વંશજોને આપી છે, જે ૧૦થી ૧૮ ડિસેમ્બર દરમ્યાન જલારામબાપાના વતન વીરપુર ગામે યોજવામાં આવશે.

 

(રશ્મિન શાહ)

રાજકોટ, તા. ૧

જલારામબાપાના પરિવારજનો પૈકીના જલારામ મંદિરના મહંત અને મુખ્ય સંચાલક જયસુખરામબાપાએ મોરારીબાપુ પાસે ગઈ કાલે રામકથા વિશે ચર્ચા કરી હતી. આ ચર્ચા પછી મોરારીબાપુએ વિચારવાનો સહેજ પણ સમય લીધા વિના તરત જ સંમતિ આપી દીધી હતી. મોરારીબાપુની સંમતિની સાથે તરત જ રામકથાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી. મોરારીબાપુએ આટલા ટૂંકા ગાળામાં રામકથા આપી હોય એવું છેલ્લાં પંદર વર્ષમાં પહેલી વાર બન્યું છે. સામાન્ય રીતે મોરારીબાપુ કથા અર્પણ કર્યા પછી એક વર્ષ પછીની તારીખ આપતા હોય છે, પણ સંત શ્રી જલારામ બાપાને અર્પણ કરવામાં આવેલી રામકથા માત્ર ચાલીસ દિવસની તૈયારીમાં શરૂ કરવામાં આવશે.

વીરપુરમાં યોજાનારી આ રામકથા મોરારીબાપુની ૭૦૪મી રામકથા છે. આ અગાઉ મોરારીબાપુએ ૨૦૦૧માં વીરપુરમાં રામકથા કરી હતી. સમયની દૃષ્ટિએ મોરારીબાપુ લગભગ એક દશકા પછી ફરીથી વીરપુરમાં રામકથા કરી રહ્યા છે. મોરારીબાપુની આ રામકથા સંતકથા તરીકે ઓળખાય એવી સંભાવના છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK