મોરારીબાપુ ફુલ ફૉર્મમાં

Published: 10th December, 2012 05:26 IST

તેમની ‘માન્સ કૅન્સર’ રામકથાના શ્રોતાજનો તેમના રાજકારણીઓ ને રાજકીય પાર્ટીઓ સામેના તીક્ષ્ણ માર્મિક કટાક્ષોથી મોજમાં આવી ગયા
અમદાવાદ: ‘ખબર નહીં ટિકિટો કેમ મળતી હશે?,’ ‘કૂતરાને ખબર છે કે પૈસો ખવાય નહીં.’ અમદાવાદમાં કર્ણાવતી ક્લબમાં આયોજિત ‘માનસ કૅન્સર’ રામકથામાં પૂ. મોરારીબાપુએ આ દાખલા ટાંકવાની સાથોસાથ ગુજરાતમાં આવેલી ચૂંટણી ટાંકણે આમ કહીને એક તબક્કે હિન્દી ફિલ્મનું ગીત લલકાર્યું,  સુન ચંપા, સુન તારા, ૨૦ તારીખે કોઈ જીતા, કોઈ હારા...

શિયાળાની ફુલગુલાબી ઠંડીમાં ગુજરાતમાં ચૂંટણીનો માહોલ ગરમાયો છે ત્યારે ગઈ કાલે પૂ. મોરારીબાપુએ અમદાવાદમાં કર્ણાવતી ક્લબ દ્વારા આયોજિત તેમની રામકથા દરમ્યાન દાખલા-ઉદાહરણો ટાંકતાં તેની સાથે સહજતાથી ચૂંટણીને સાંકળી લઈને કોઈનું પણ નામ લીધા સિવાય રાજકીય પક્ષો દ્વારા માણસો એકઠા કરવાથી લઈને ચૂંટણી-ફન્ડ, પૈસા ખાતા નેતાઓ-રાજકીય પક્ષો અને ચૂંટણીમાં ટિકિટોની વહેંચણીથી માંડી ચૂંટણી-પરિણામ સુધીના મુદ્દાઓને ઇશારાથી, બખૂબીથી આવરી લઈને રાજકારણીઓ, રાજકીય પાર્ટીઓ સામે માર્મિક કટાક્ષ કરીને મોઘમમાં ઘણું બધું કહ્યું હતું, જે સાંભળીને હજારો શ્રોતાજનો મોજમાં આવી ગયા હતા અને હસવું રોકી શક્યા નહોતા.

પૂ. મોરારીબાપુ સ્મશાન યાત્રાનો દાખલો આપી રહ્યા હતા ત્યારે કહ્યું હતું કે આપણે ત્યાં સ્મશાન યાત્રા નીકળે ત્યારે આગળ એક વ્યક્તિ કૂતરાને ગાંઠિયા-લાડવા અને પૈસા નાખતી હોય છે, પણ કૂતરા ગાંઠિયા ખાઈ જાય છે, પૈસા ખાતા નથી. કૂતરાને ખબર છે, પૈસો ખવાય નહીં. મોરારીબાપુ આમ બોલ્યા ત્યાં સભા મંડપમાં ઉપસ્થિત સો ભાવિકો હસવું રોકી શક્યા નહીં એટલે બાપુએ કહ્યું કે તમે દાંત કાંઢો છો? તમે વધુપડતું વિચારો છો.

એસ. ટી. બસની ટિકિટ વિશે વાત કરી રહ્યા હતા અને અચાનક મોરારીબાપુએ કહ્યું, ખબર નહીં ટિકિટો કેમ મળતી હશે? ફરી પાછા ભાવિકો હસ્યા એટલે બાપુએ કહ્યું કે વળી, પાછા દાંત કાઢ્યા?   હવે તો બધું પતી ગયું. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં રાજકીય પક્ષોમાં ચૂંટણીની ટિકિટોને લઈને બબાલો થઈ હતી.

મોરારીબાપુએ કર્ણાવતી ક્લબમાં રામકથા માટે જે મંડપ બાંધ્યો તેની સરાહના કરી રહ્યા હતા એ વખતે બાપુ બોલ્યા, રાજકીય માણસો ડોમ (મંડપ) કરે એ કથામાંથી શીખ્યા. આવો ડોમ કરીએ તો (માણસો) વધુ ભરાય અને પછી તરત જ બાપુએ ગીત લલકાર્યું સુન ચંપા, સુન તારા... વીસમી તારીખે કોઈ જીતા, કોઈ હારા....આમ ગીત બાપુએ ગીત ગાતાં જ સભામંડપમાં હાસ્યનું મોજું છવાઈ ગયું હતું. પછી બાપુએ કહ્યું, તે લોકો (રાજકારણીઓ) વ્યસ્ત હોય તો મને સાંભળેને આનંદ કરે.

મોરારીબાપુએ એક તબક્કે હૉસ્પિટલના સત્તાવાળાઓને સલાહ આપતાં કહ્યું કે ચૂંટણીવાળા લઈ જાય (સંપન્ન વ્યક્તિ પાસેથી) એના કરતાં કોઈ સારો (સંપન્ન) પેશન્ટ આવે તો સારો ચાર્જ લો અને પછી ૧૦૦ પેશન્ટમાંથી જરૂરિયાતવાળા ૧૦ પેશન્ટને બિલકુલ મફતમાં સારવાર કરો.

કર્ણાવતી ક્લબ દ્વારા રોજના ૧૦ હજાર ભાવિકો માટેનું રસોડું


સરખેજ-ગાંધીનગર હાઇવે ઉપર આવેલી કર્ણાવતી ક્લબ દ્વારા કૅન્સરપીડિતોના લાભાર્થે આયોજિત પૂ. મોરારીબાપુની રામકથામાં રોજના ૧૦ હજાર ભાવિકો માટેનું રસોડું થાય છે. જ્યારે ઉપવાસીઓ માટે ફરાળની પણ વ્યવસ્થા કરવામાં આવતાં ભાવિકો મોજમાં આવી ગયા છે.

મોરારીબાપુની કથામાં ચંપલ સાચવવા માટે પ્લાસ્ટિક બૅગ!


અમદાવાદ: ગુજરાતના અમદાવાદમાં આવેલી કર્ણાવતી ક્લબ દ્વારા આયોજિત પૂ. મોરારીબાપુની ‘માનસ કૅન્સર’ રામકથાનું  રસપાન કરવા આવતા હજ્જારો ભાવિકોને તેમના બૂટ-ચંપલ ચોરાઈ જવાની ચિંતા ટળી ગઈ છે, કેમ કે એક અનોખા પ્રયોગના ભાગરૂપે ક્લબના આયોજકો દ્વારા કથા સાંભળવા આવતા તમામ ભાવિકોને તેમના બૂટ-ચંપલ સાચવવા પ્લાસ્ટિકની બૅગ આપવામાં આવે છે.

સામાન્ય રીતે કથા કે અન્ય જાહેર ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લેવા આવતા મોટા ભાગના ભાવિકોને તેમના ચંપલ ચોરાઈ જવાની બીક સતાવતી હોય છે. ઘણા ભાવિકો સત્સંગમાં બેઠા હોય છે પણ ‘મન મંદિરમાં અને જીવ જોડામાં’ એવી સ્થિતિમાં હોય છે ત્યારે કર્ણાવતી ક્લબનો આ પ્રયોગ અનોખો છે અને કદાચ આવું ક્યાંય જોવામાં પણ નહીં આવ્યું હોય. તમે રામકથા સાંભળવા માટે મંડપની અંદર એન્ટ્રી લો એટલે તમને ગાર્ડ વિનમ્રતાપૂર્વક બૂટ-ચંપલ ઉતારવાનું કહેશે અને તેને તમે સાચવી શકો એ માટે એક પ્લાસ્ટિક બૅગ પણ આપશે. ભાવિકો આ પ્લાસ્ટિક બૅગમાં તેમના ચંપલ મૂકીને તેમની સાથે રાખી શકે છે. જ્યારે તમે કથા સાંભળીને બહાર નીકળો ત્યારે આ પ્લાસ્ટિકની બૅગ તમે ડસ્ટબિનમાં નાખી શકો છો અને એના માટે ડસ્ટબિન પણ તમામ ગેટ પર મૂકવામાં આવ્યા છે.

આ અનોખો કૉન્સેપ્ટ વિશે કર્ણાવતી ક્લબના માનદ્ મંત્રી ગિરિશ દાણીને પૂછતાં તેમણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે આ બૅગ આપવા પાછળનું કારણ એવું છે કે ઘણી વખત ચંપલ ખોવાઈ જતા હોય છે અને મુશ્કેલી ઊભી થાય છે એટલે તમે તમારા ચંપલ પ્લાસ્ટિકની બૅગમાં મૂકી દો અને સાથે રાખી શકો છો. આની પાછળનો અમારો હેતુ મંડપમાં પવિત્રતા જળવાય એ છે. આ આઇડિયા અચાનક સૂઝ્યો એટલે એને અમે અમલમાં મૂક્યો. તેમણે એમ પણ કહ્યું હતું કે અમે લગભગ ૫૦ હજાર પ્લાસ્ટિકની બૅગ રાખી છે.

એસ. ટી. = સ્ટેટ ટ્રાન્સર્પોટ

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK