ચંદ્ર આપણો મામો નહીં પણ ભાઈ છે

Published: 16th October, 2011 18:42 IST

‘ચંદા હૈ તૂ મેરા સૂરજ હૈ તૂ’ અને શરદપૂનમની રાતે રમાતા દાંડિયા-રાસ પછી આરોગવામાં આવતા દૂધપૌંઆ. ભારતીય સમાજમાં આવાં ગીતોને અને પરંપરાને આકાશમાં ઝળહળતા ચંદ્ર સાથે સીધો અને મજબૂત સંબંધ રહ્યો છે. આપણા ભારતીય સમાજમાં ચાંદામામાના આ પ્રેમાળ સંબંધની કડી છેક રામાયણના એક સરસ પ્રસંગ સાથે જોડાયેલી હોવાનો ઉલ્લેખ મળે છે.

 

(સાયન્સ પ્લીઝ - જગદીશચંદ્ર ભટ્ટ)

એક દિવસ બાળસ્વરૂપ શ્રીરામને માતા કૌશલ્યા ઘોડિયામાં હિંચકાવતાં હતાં. ઘોડિયામાં હીંચકતાં-હીંચકતાં રામે આકાશમાં ચંદ્ર જોયો. સુંદર, આકર્ષક અને ગોળ થાળી જેવા ચંદ્રમાને નિહાળીને તેને એને હાથમાં લઈને રમવાની ઇચ્છા થઈ. બસ, રામ ઘોડિયામાં રડવા લાગ્યા. આકાશ તરફ જોતા જાય અને રડતા જાય. માતા કૌશલ્યાએ દીકરાને મનાવવા-સમજાવવા બહુ પ્રયાસ કર્યા, પરંતુ શ્રીરામે બાળહઠ ન મૂકી. છેવટે માતા કૌશલ્યાએ એક તરકીબ કરી. તેમણે એક મોટી થાળીમાં પાણી ભર્યું અને એને ખુલ્લા આકાશ નીચે મૂકી. ચંદ્રનું સીધું પ્રતિબિંબ પેલી પાણીની થાળીમાં પડયું એટલે તરત જ દીકરા રામને દેખાડ્યું. બાળરામે થાળીમાં ચંદ્રમા સાવ નજીકથી જોયો અને રાજીના રેડ થઈ ગયા. હસવા-રમવા લાગ્યા. રામાયણના આ પ્રસંગને ધ્યાનમાં રાખીને ભારતીય ખગોળશાસ્ત્રીઓ થાળીમાં પાણી ભરીને એમાં આકાશી પિંડ બતાવવાના પ્રયોગને વિશ્વનું સૌપ્રથમ ટેલિસ્કોપ ગણે છે. ઉપરાંત પોષી પૂનમ અને કડવાચોથ જેવાં વ્રતો સાથે પણ ચંદ્રનો સંબંધ રહ્યો છે. ગામડાંઓમાં તો આજે પણ માતા તેનાં

દીકરા-દીકરીને ‘જો બેટા, આકાશમાં ચાંદામામા કેવા ચમકે છે’ એમ કહીને રમાડતી હોય છે. હજી હમણાં જ ગયેલા શરદપૂર્ણિમાના તથા ગઈ કાલે ઊજવાયેલા કરવા ચૌથ ઉત્સવની ઊજળી રાતે ઘણા લોકોએ આકાશમાં જોઈને મનોમન ચાંદામામાને નમસ્કાર કર્યા હશે.

ચંદ્ર કાંઈ પૃથ્વીવાસીઓના મામા નથી

જોકે હકીકત એ છે કે ભારતીય સમાજનો ચાંદામામા સાથેનો સંબંધ સામાજિક સગપણ અને ખગોળશાસ્ત્રના નિયમો મુજબ સાચો નથી. વળી, વિશ્વના અન્ય કોઈ દેશમાં ચંદ્રને મામા (મૅટર્નલ અન્કલ) કહેવાતા નથી. હા, મધર અર્થ એટલે કે પૃથ્વી માતા એવો ઉલ્લેખ થાય છે જે સાચો છે.

આજે આપણે ચંદ્રને શા માટે મામા ન કહેવાય, ખગોળશાસ્રના નિયમો ઉપરાંત સામાજિક સગપણ મુજબ પૃથ્વી અને ચંદ્ર વચ્ચે સાવ સાચકલો સંબંધ કયો છે એની મજેદાર અને રસપ્રદ માહિતી જાણીએ.

ખગોળશાસ્રના નિયમો શું કહે છે?

સૌપ્રથમ આપણે ખગોળશાસ્રના નિયમો મુજબ સમજીએ તો આપણી પૃથ્વી સહિત મંગળ, બુધ, ગુરુ અને શનિ વગેરે ગ્રહો વિરાટ સૂર્યમાંથી છૂટા પડ્યા છે. આ નિયમ મુજબ સૂર્ય આ બધા ગ્રહોના પિતા ગણાય અને પૃથ્વી, મંગળ, બુધ અને શનિ વગેરે એકબીજાના ભાંડુઓ ગણાય. હવે ચંદ્ર સૂર્યમાંથી છૂટો નથી પડ્યો એટલે એ કાંઈ સૂર્યમંડળના ભાંડુઓનો સભ્ય ન ગણાય. સરળ રીતે સમજીએ તો આપણી પૃથ્વીનો ભાઈ ન કહેવાય. હકીકત એ છે કે ચંદ્રમા આપણી પૃથ્વીમાંથી છૂટો પડ્યો છે એટલે એ પૃથ્વીનો ઉપગ્રહ છે. આમ પણ ગુરુ, શનિ, યુરેનસ અને નેપ્ચ્યુન વગેરે ગ્રહોને એના ઉપગ્રહો છે. ખગોળવિજ્ઞાનના નિયમ મુજબ મૂળ ગ્રહમાંથી છૂટા પડેલા આકાશી પિંડને ઉપગ્રહ કહેવાય. આમ ચંદ્ર ખરેખર આપણી પૃથ્વીના ગર્ભમાંથી છૂટો પડ્યો હોવાથી એનો ભાઈ નહીં પણ પુત્ર કહેવાય.

સામાજિક સગપણ શું કહે છે?

આ સમગ્ર બાબતને સામાજિક સગપણની રીતે પણ સમજીએ તો મામા એટલે માતાનો ભાઈ. હવે આપણી માતા પૃથ્વીના ભાઈઓ તો મંગળ, બુધ, ગુરુ અને શનિ વગેરે કહેવાય; કારણ કે આ બધાં સૂર્ય નામના પિતાનાં સંતાનો છે. જ્યારે ચંદ્ર તો પૃથ્વીના ગર્ભમાંથી છૂટો પડ્યો હોવાથી એનો દીકરો છે. કહેવાનો અર્થ એ છે કે ચંદ્રમા ખગોળશાસ્ત્રના નિયમો અને સામાજિક સંબંધ મુજબ એમ બન્ને રીતે આપણા પૃથ્વીવાસીઓના મામા નથી જ નથી, પણ ભાઈ છે. આમ ખરેખર તો આપણે બધાએ ચંદ્રને ચાંદામામા નહીં પણ ચાંદભાઈ અથવા ચંદ્રભાઈ કહેવા જોઈએ. આપણો ચંદ્ર સાથેનો આ જ સાચકલો સંબંધ છે.

ચંદ્રમાની અજીબોગરીબ વિશિષ્ટતાઓ

  • ચંદ્ર પર દિવસે પણ તારા દેખાય : ગુજરાતી ભાષામાં ‘ધોળે દિવસે તારા દેખાડ્યા’ એવી મજેદાર કહેવત છે. આ જ કહેવતને ચંદ્ર સાથે પણ અજીબોગરીબ સંબંધ છે. સરળ રીતે સમજીએ તો આપણી પૃથ્વી પર છે એવું વાયુમંડળ ચંદ્રમા પર નથી. પરિણામે ત્યાં દિવસે સૂર્યનારાયણ સાથે તારલા પણ ટમટમતા દેખાય. આકાશમાં કોઈ મોટા હીરા ફરતે નાના-નાના હીરા જડ્યા હોય એવું નયનરમ્ય દૃશ્ય લાગે. વળી ચંદ્રમા પર ૧૫ દિવસ સુધી અજવાળું અને ૧૫ દિવસ સુધી અંધકાર રહે છે.
  • પ્રવાહી અને ખાદ્ય પદાથોર્ તાજાં રહે, સડે નહીં: ચંદ્ર પર વાયુમંડળ જ નહીં હોવાથી ત્યાં વિષાણુ કે બૅક્ટેરિયાનું અસ્તિત્વ જ ન હોય. પરિણામે કોઈ પણ પ્રવાહી કે ખાદ્ય પદાથોર્ ઘણા લાંબા સમય સુધી તાજાં રહે; એમાં જરાય સડો ન થાય કે એ બગડે નહીં. ધારો કે કોઈ પૃથ્વીવાસીએ ૨૦૧૧ની ૧૫ ઑક્ટોબરે ચંદ્રની ધરતી પર દાળ, ભાત, શાક, રોટલી, મીઠાઈ, દહીં અને પાણી સાથેની ભોજનની થાળી મૂકી. હવે એ જ પૃથ્વીવાસી બરાબર પાંચ વર્ષ બાદ એટલે કે ૨૦૧૬માં ફરીથી ચંદ્ર પર જઈને જુએ તો તેની પેલી ભોજનની થાળીમાંની બધી જ વાનગીઓ જેમની તેમ એટલે કે સંપૂર્ણ તાજી જ હશે, એમાં જરાય સડો નહીં થયો હોય. ચંદ્રની આ જ વિશિષ્ટતાને કારણે એને ‘નૅચરલ વૅક્યુમ રેફ્રિજરેટર’ એવું ખાસ ઉપનામ અપાયું છે. બીજી બાજુ આપણી પૃથ્વી પર વાયુમંડળ હોવાથી ચારેબાજુ બૅક્ટેરિયા અને વિષાણુઓ હોય છે. પરિણામે અહીં પ્રવાહી અને ખાદ્ય પદાર્થો સડી જાય છે.
  • હૃદયરોગનાં ઑપરેશન સરળ-સફળ થાય: ચંદ્રમા પર ગુરુત્વાકર્ષણબળ ઘણું ઓછું હોવાથી હૃદયરોગના દરદીઓનાં ઑપરેશન બહુ સરળતાથી અને સફળતાથી થઈ શકે, કારણ કે ઓછા ગુરુત્વાકર્ષણબળથી હૃદય પર દબાણ બહુ ઓછું આવે.
  • ચંદ્ર દિવસે ફૂલે અને રાતે સંકોચાય : આ પૃથ્વીપુત્રની ધરતી પર દિવસે પ્લસ ૧૨૩ ડિગ્રી સેલ્સિયસ જેટલું અતિઉગ્ર તાપમાન હોય છે, જ્યારે રાત્રે ઘટીને માઇનસ ૨૨૩ ડિગ્રી સેલ્સિયસ જેટલું થઈ જાય. જરા વિચારો, આવા ભારે જોખમી ઉષ્ણતામાનમાં ભલા કોઈ જીવ રહી શકે ખરો? ના. સરળ રીતે સમજીએ તો ચંદ્ર પર મૂકેલી લાકડાની કે લોખંડની પેટી રાતે પ્રચંડ ધડાકા સાથે ફાટી જાય.
  • સતત અને ભયાનક ઉલ્કાવર્ષા થતી રહે: શુક્લપક્ષની પૂનમે દૂધ જેવા ઊજળા અને મોટી થાળી જેવા લાગતા ચંદ્રની ધરતી પર સતત ૨૪ કલાક આકાશમાંથી ઉલ્કાવર્ષા થતી જ રહે છે એટલે કે આકાશમાંથી ભારે-ભરખમ પથ્થરો ચાંદની ધરતી પર પડતા રહે. આ જ ઉલ્કાવર્ષાથી ચંદ્રની ધરતી પર ઠેર-ઠેર મોટા-મોટા ઉલ્કાકુંડો બની ગયાં છે.
  • ચંદ્ર રૂપકડો, સોહામણો કે ઊજળો નથી: પૂનમની રાતે આકાશમાં ચમકતા ચંદ્રને નિહાળીને આપણે એને રૂપકડો અને સોહામણો કહીએ છીએ, પણ ચાંદ નથી સોહામણો કે નથી ઊજળો. ખરી વાત એ છે કે આ પૃથ્વીપુત્ર અતિકાળો અને કુબડો છે.

 

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK