તમે જ્યાં નાણાં રોકો છો એની સ્થિતિ સતત તપાસતા રહેવાની જરૂર શા માટે?

Published: Aug 11, 2019, 16:06 IST | મની-પ્લાન્ટ - મુકેશ દેઢિયા | મુંબઈ

આજે હું સૌને માટે સીક્રેટ મિલ્યનેર્સ ક્લબ રચવા ઇચ્છું છું.

કરન્સી
કરન્સી

આજે હું સૌને માટે સીક્રેટ મિલ્યનેર્સ ક્લબ રચવા ઇચ્છું છું.

આવી પ્રતિષ્ઠિત ક્લબમાં પ્રવેશ મેળવવા માટે કેટલાક સિદ્ધાંતોને ખ્યાલમાં રાખીએ.

૧. બચત વિરુદ્ધ ખર્ચ : કહેવાય છે કે એક પૈસાની બચત એક પૈસાની કમાણી છે. ધારી લો કે તમે દર મહિને ૫૦,૦૦૦ રૂપિયાની કમાણી કરો છો અને કાંઈ પણ બચત કરતા નથી. બીજી બાજુ મિસ્ટર બી દર મહિને ૧૫,૦૦૦ રૂપિયાની બચત કરે છે. મિસ્ટર બી જીવનનાં ૪૦ વર્ષ (૨૫ વર્ષથી ૬૫ વર્ષ) કામ કરીને કમાણી કરી શકે છે, એવું ધારી લઈએ તો તેઓ ૧૦ વર્ષમાં ૧૮ લાખ રૂપિયા, ૨૦ વર્ષમાં ૩૬ લાખ રૂપિયા, ૩૦ વર્ષમાં ૫૪ લાખ રૂપિયા અને ૪૦ વર્ષમાં ૭૨ લાખ રૂપિયાની બચત કરશે.  બચત કરેલાં નાણાંમાં વાર્ષિક ૮ ટકાની વૃદ્ધિ થતાં ૧૦ વર્ષની રકમ ૨૭.૧૯ લાખ રૂપિયા, ૨૦ વર્ષની રકમ ૮૫.૮૯ લાખ રૂપિયા, ૩૦ વર્ષની રકમ ૨.૧૨ કરોડ રૂપિયા અને ૪૦ વર્ષની રકમ ૪.૮૬ કરોડ રૂપિયા થાય. જો મિસ્ટર બી તેમની બચતની રકમ દર વર્ષે ૧૦ ટકા વધારે અને સાદી ગણતરી પ્રમાણે ધારી લઈએ કે તેઓ દર વર્ષના અંતમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે. એ સંજોગોમાં તેમની પાસે  ૧૦ વર્ષે ૩૯.૧૩ લાખ રૂપિયા, ૨૦ વર્ષે ૧.૮૫ કરોડ રૂપિયા, ૩૦ વર્ષે ૬.૬૪ કરોડ રૂપિયા અને ૪૦ વર્ષે ૨૧.૧૮ કરોડ રૂપિયા ભેગા થશે. ખરેખર આશ્ચર્યજનક બાબત છે નહીં! ‘ખર્ચ કર્યા પછી જે બચે એની બચત ન કરો, બચત કર્યા બાદ જે રહે એનો ખર્ચ કરો.’

૨. વિલંબની કિંમત ઘણી આકરી હોય છે. ઉપરના ઉદાહરણ પરથી તમે સમજી શકો છો કે તમે જો બચત કરવામાં ૧૦ વર્ષનો વિલંબ કર્યો હોત તો તમારી પાસે એકઠી થયેલી રકમ ૨૧.૧૮ કરોડ રૂપિયાને બદલે ૬.૬૪ કરોડ રૂપિયા થઈ હોત. ફક્ત પચીસ ટકા વિલંબને કારણે તમારી સંપત્તિમાં ૭૦ ટકા ઓછો લાભ મળે છે. ૫૦ ટકા વિલંબ કરો તો ફક્ત ૧.૮૫ કરોડ રૂપિયા ભેગા થાય એટલે કે ૯૧ ટકા ઓછો લાભ મળે છે. 

૩. કિંમત વિરુદ્ધ મૂલ્ય ઃ આ બે બાબતો વચ્ચેનો તફાવત સમજવો અનિવાર્ય છે. તમને જે પ્રાપ્ત થાય એ મૂલ્ય છે અને જે ચૂકવો એ ‌કિંમત છે. ચૂકવાતી કિંમત અને મૂલ્ય બન્ને સરખાં હોય એવું જવલ્લે જ બને છે. ક્યારેક કિંમત વધારે હોય તો ક્યારેક મૂલ્ય વધારે હોય છે. ઇક્વિટી માર્કેટ્સ ઠંડી હોય ત્યારે મૂલ્ય કરતાં કિંમત ઓછી હોય છે. ઇક્વિટી માર્કેટ્સ તેજીમાં હોય ત્યારે કિંમત મૂલ્ય કરતાં વધારે હોય છે. સામાન્ય રીતે આકર્ષક ખરીદ મૂલ્યના સમયગાળામાં ઇક્વિટી એકઠી કરી શકો અને કિંમત વધારે હોય ત્યારે એ ઇક્વિટી વેચીને હળવા થઈ શકો. ઉદાહરણરૂપે હાલમાં તમને ચૂકવવી પડતી કિંમત કરતાં વધારે મૂલ્ય પ્રાપ્ત થઈ રહ્યું છે. આવા સમયગાળામાં જે ઇક્વિટીની ખરીદી કરવામાં આવે એનું વળતર સારું મળે છે. આ વાત જુદી રીતે કહીએ તો તમારો પોર્ટફોલિયો નિગેટિવ રિટર્ન્સ એટલે કે ઓછું વળતર બતાવતો હોય તો એ ખરીદવાનો વખત ગણાય અને જો પોર્ટફોલિયો સારું વળતર બતાવતો હોય તો ઇક્વિટી વેચવાનો વખત ગણાય. જોકે બીજી બાજુ પોર્ટફોલિયોમાં સારી વૃદ્ધિ હોય ત્યારે લોકો ઉમેરો કરવાની માનસિકતા ધરાવતા હોય છે.

૪. તમારી સંપત્તિ અને ભાવિ કમાણીનો વીમો ઉતારો ઃ કારનો અને ઘરનો વીમો ઉતારવો સહેલો છે, પરંતુ પરિવારના કમાતા સભ્યના સંતોષકારક રકમના જીવન વીમા દ્વારા ભાવિ કમાણીનો વીમો ઉતારવો પણ મહત્ત્વપૂર્ણ છે. આખા પરિવારના સંતોષકારક રકમના મેડિક્લેમ દ્વારા સંપત્તિનો વીમો રાખવો મહત્ત્વપૂર્ણ છે. જો કોઈ ગંભીર બીમારી થઈ હોય તો ડૉક્ટરો, હૉસ્પિટલો અને દવાઓનાં બિલ ભરવા માટે લોકોને ઝવેરાત અને ઘર વેચવાની નોબત આવે છે. 

૫. કરકસરી બનો ઃ જરૂર હોય ત્યારે જ ખર્ચ કરો. વૉરેન બફેટ કહે છે કે ‘તમે જો જરૂરી ન હોય એવી વસ્તુઓ ખરીદતા રહેશો તો વહેલી તકે જરૂરી હોય એવી વસ્તુઓ વેચવાનો વારો આવશે.’

૬. તમારાં જોખમો વિશે જાણકારી રાખો ઃ તમે જે કરી રહ્યા છો એની જાણકારીના અભાવમાંથી જોખમ ઊપજે છે. જોખમ અને લાભ બન્ને એક સિક્કાની બે બાજુ છે. લોકોનું ધ્યાન લાભ તરફ હોય છે, પરંતુ વ્યક્તિએ જોખમ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. લાભ આપોઆપ મળશે.

આ પણ વાંચો : પશુઓનું હવે આવી બન્યું છે

તમે ઉપરના નિયમોનું ચોકસાઈથી પાલન કરશો તો તમને શ્રીમંત તથા સીક્રેટ મિલ્યનેર્સ ક્લબનો હિસ્સો બનતાં કોઈ રોકી નહીં શકે. 

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK