કૅન્સરને માથે ચડવા ન દો

Published: Aug 18, 2019, 11:12 IST | મુકેશ દેઢિયા - મની-પ્લાન્ટ | મુંબઈ ડેસ્ક

ઇન્ટરનેટ પર શોધખોળ કરતાં મને મળેલી કેટલીક આંચકો આપનારી વિગતો અહીં નોંધી છે.

મની-પ્લાન્ટ

તાજેતરમાં એવા સમાચાર વાંચ્યા કે આવતાં વીસ વર્ષોમાં કૅન્સરના કેસો બમણા થશે, પરંતુ મારી આસપાસ નવા કેસીસ જોતાં મને લાગે છે કે વીસ વર્ષથી વહેલાં કૅન્સરના કેસીસનું પ્રમાણ બમણું થઈ જશે. આ સમાચારને પગલે મને એ ઘાતક બીમારી વિશે વધુ વિગતો તપાસવાની ઇચ્છા થઈ. ઇન્ટરનેટ પર શોધખોળ કરતાં મને મળેલી કેટલીક આંચકો આપનારી વિગતો અહીં નોંધી છે.

- ભારતમાં મૃત્યુના કારણરૂપ બીમારીઓમાં બીજો ક્રમ (કાર્ડિયોવૅસ્કિયુલર ડિસીઝ પછી) કૅન્સરનો આવે છે.
-સ્તનોના કૅન્સરને કારણે મૃત્યુની સરેરાશ ઉંમર પશ્ચિમના દેશોની તુલનામાં ભારતમાં ૧૦ વર્ષ ઓછી છે.
-વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનની નોંધ મુજબ આ વર્ષે ભારતમાં કૅન્સરના ૧૧.૬ લાખ નવા કેસીસ નોંધાશે અને એમાંથી પચાસ ટકા કેસ મહિલાઓના હશે.

આયુષ્યમાં વૃદ્ધિ સાથે આપણે તબીબી સારવાર માટે વધારે ખર્ચનું પણ જોખમ હોય છે. ફુગાવામાં વૃદ્ધિના ડબલ ડિઝિટ રેટ (બે આંકડાના દર) સાથે તબીબી સારવારનો ખર્ચ પણ વધી રહ્યો છે. કૅન્સર જેવી ઘાતક બીમારીને કારણે ફક્ત શારીરિક કે માનસિક પરેશાની નહીં પણ આર્થિક બોજ પણ વધે છે. ખાસ કરીને પરિવારના મુખ્ય કમાતા સભ્યને આ બીમારી થાય તો માનસિક તાણ વધી જાય છે. કારણકે એ સ્થિતિમાં પરિવારની હાલની અને ભવિષ્યની આવક પર પ્રશ્નાર્થ ચિહ્ન મુકાઈ જાય છે.

આ સંજોગોમાં તાકીદની સ્થિતિ માટે અનામત રાખવામાં આવતી રકમ ડબલ ડિઝિટ રેટ પ્રમાણે વધે એ રીતે રાખવાની (આજના વખતમાં એ બાબત મુશ્કેલ મનાય છે) અથવા સારું કવરેજ આપતી હેલ્થ ઇન્શ્યૉરન્સ પોલિસી ખરીદવાની જરૂર છે. બૅઝિક હેલ્થ ઇન્શ્યૉરન્સ માટે ઊંચી રકમ કવર કરવાની જરૂર પડે તો પ્રીમિયમની રકમ પણ ભારે હોય છે. મોટા ભાગના મધ્યમ આવક જૂથો અથવા ઉચ્ચ મધ્યમ આવક જૂથના લોકો કદાચ ઇન્શ્યૉરન્સ કવર લેવા ન ઇચ્છે અથવા હેલ્થ ઇન્શ્યૉરન્સ કવર માટે એટલી મોટી રકમનું એમનું બજેટ ન પણ હોય. બીજો વિકલ્પ વિચારીએ તો આપણે ગંભીર બીમારીઓ સંબંધી હેલ્થ ઇન્શ્યૉરન્સ કવર્સ વિશે વિચારી શકાય. હેલ્થ ઇન્શ્યૉરન્સ/જનરલ ઇન્શ્યૉરન્સ કંપનીઓ ગંભીર બીમારીઓને માટે અલગ પોલિસી અથવા જીવન વીમામાં એ બીમારીની સારવાર સંબધી શરત સાથે પોલિસી ઉપલબ્ધ હોય છે. ઊંચી રકમનું હેલ્થ ઇન્શ્યૉરન્સ કવર લેવા કરતાં આ વિકલ્પ સારો છે. જોકે એમાં નોંધપાત્ર બાબત એ છે કે બીમારી અમુક તીવ્રતા સુધીની હોય તો જ આ કવર લાગુ પડે છે. કેસ ખરેખર અત્યંત ગંભીર હોય તો જ એ પોલિસીનો લાભ મળે છે.

કૅન્સર જેવી બીમારી પ્રારંભિક તબક્કામાં હોય ત્યારે જ એનું નિદાન થાય એવી શક્યતા હોય છે. ત્યાર પછી અનેક પ્રતિકારક સારવાર કરવાની હોય છે. પ્રારંભિક તબક્કામાં નિદાન થયું હોય તો ગંભીર બીમારીઓ માટેની વિશિષ્ટ પોલિસીમાં ક્લેઇમ મંજૂર કરવામાં આવતો નથી. આવા કેસમાં સ્પેશ્યલ કૅન્સર કૅર પ્લાન વિશે વિચારણા જરૂરી છે. લેખના આરંભમાં આપેલી વિગતો પર ફરી નજર કરીએ તો કૅન્સરની બીમારીના ઊંચા આંકડા જોતાં એ બીમારી થવાની શક્યતાનો આપણને ખ્યાલ આવે છે. એ સંજોગોમાં વ્યક્તિએ સ્પેશ્યલ કૅન્સર કૅર કવર પોલિસી ખરીદવાનું વિચારવું જોઈએ.

કૅન્સર ઇન્શ્યૉરન્સ પોલિસીના અનુસંધાનમાં બીમારીના વિવિધ તબક્કે સારવારનાં નાણાં ચૂકવાય છે. જેમકે સાધારણ, મોટી અને ગંભીર. દરેક સ્તરે ચૂકવવાપાત્ર રકમ હૉસ્પિટલાઇઝેશનના ખર્ચ પર આધારિત નહીં પણ નિશ્ચિત હોય છે. ટેક્નિકલ ભાષામાં એને ડિફાઇન્ડ બેનિફિટ પોલિસી કહેવામાં આવે છે. એથી આવા કિસ્સામાં હૉસ્પિટલાઈઝેશનના ખર્ચને કવર કરવા માટેના બેઝિક મેડિક્લેઇમ કરતાં વધારે રકમનો ક્લેઇમ કરી શકાય છે. બેઝિક હેલ્થ ઇન્શ્યૉરન્સમાં નવી સારવારને આવરી લેવાઈ ન હોય કે ક્લેઇમની મર્યાદા બાંધતી કલમો રાખવામાં આવી હોય એવું બની શકે. એ સંજોગોમાં સ્પેશ્યલ ડિફાઇન્ડ બેનિફિટ કૅન્સર પોલિસિઝ દ્વારા સારું બૅક અપ મળે છે. મોટા ભાગની પોલિસિઝમાં પ્રારંભિક તબક્કામાં કૅન્સરના નિદાન અને સારવાર પછી પ્રીમિયમ માફ કરવાનો લાભ મળે છે. પ્રથમ વખત નિદાન અને સારવાર પછી ઇન્સ્યૉરન્સ કવર બંધ થતું નથી. પોલિસીના કેટલાક પ્રકારોમાં અમુક શરતો અને જોગવાઈઓ પૂર્ણ કરાતાં માસિક આવકનો લાભ પણ મળે છે. કેટલીક પોલિસિઝમાં ક્લેઇમ બોનસ કે પ્રીમિયમ ડિસ્કાઉન્ટ ન અપાય એવું પણ બની શકે. છેલ્લે એ પોલિસિઝના ભરવામાં આવતા પ્રીમિયમ્સ પર ‘૮૦ ડી’ કલમ હેઠળ ટૅકસ બેનિફિટ પણ મળે છે. જોકે આપણે કોઈપણ પોલિસી ખરીદવા માટે કે ઇન્વેસ્ટમેન્ટ માટે ફક્ત ટૅક્સ બેનિફિટનું લક્ષ્ય રાખવાને બદલે મુખ્ય હેતુ પર ધ્યાન આપવું જોઈએ.

ચામડીના કૅન્સર અને સીધી કે આડકતરી રીતે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ બીમારીઓ, એચઆઈવી કે એઇડ્સને કારણે થતાં કૅન્સર્સ બાદ મોટા ભાગના કૅન્સર્સને આ પ્રકારના પ્લાન્સમાં આવરી લેવામાં આવે છે. અગાઉની શારીરિક વ્યાધિ, કોઈ જૈવિક કારણો, પરમાણુ પ્રક્રિયા કે રાસાયણિક પ્રક્રિયાને કારણે ઉપચાર કે સારવારના કોઈ સાધન સિવાયના માધ્યમથી કિરણોત્સર્ગના સંપર્કને કારણે થતાં કૅન્સરને પણ આવી પોલિસીમાં આવરી લેવાતું નથી. આ સર્વસામાન્ય રીતે કવરમાંથી બાકાત રાખવામાં આવતી સ્થિતિઓ છે. વીમાના જુદા જુદા પ્રોડક્ટ્સ-પોલિસિઝ મુજબ ચોક્કસ પ્રકારની કલમો અલગ હોઈ શકે છે. તમારી પોતાની સ્થિતિને માટે અનુકૂળ શ્રેષ્ઠ પોલિસી પસંદ કરવા માટે નિષ્ણાતોની સલાહ લેવાની હું સલાહ આપું છું.

આ પણ વાંચો : નીરવ બારોટ: જાણો આ લોકગાયકની સફળતાની કહાની

આ રીતે આપણને ખ્યાલ આવે છે કે તમે નાણાકીય દૃષ્ટિએ પણ જેટલા વહેલાં ઇન્સ્યૉરન્સ કવર ખરીદો એટલું સારું. હું એવું ઇચ્છું છું કે આપણામાંથી કોઈને આ પ્રકારની પોલિસી હેઠળ ક્લેઇમ માગવાનો વારો ન આવે અને આપણે સૌ સ્વસ્થ તથા આરોગ્યવાન રહીએ. પરંતુ સંજોગો માટે નાણાકીય જોગવાઈ રાખવી સારી રહે છે.

‘‘તબીબી દૃષ્ટિએ અને ભાવનાત્મક દૃષ્ટિએ આપણી પાસે બે વિકલ્પો હોય છે. આશા છોડી દો અથવા જબ્બર લડત આપો.’’ -લાન્સ આર્મસ્ટ્રૉન્ગ

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK