પરિપક્વ પારિવારિક બિઝનેસમાં સ્પષ્ટ સંવાદ અગત્યની ભૂમિકા ભજવે છે

Published: May 12, 2019, 13:21 IST | મુકેશ દેઢિયા - મની-પ્લાન્ટ

સમાજને પણ તેનાથી ફાયદો થવો જોઈએ,’ એવું વિચારનાર માણસ બિઝનેસની પ્રગતિ કરી શકે છે. પારિવારિક બિઝનેસની સફળતા માટે એ જરૂરી છે.

મની-પ્લાન્ટ

પારિવારિક બિઝનેસમાં પ્રોફેશનલિઝમના મહત્વ વિશે આપણે ગયા વખતે વાત કરી હતી. આજે આપણે જોઈશું કે સંવાદ, સુવહીવટ અને અનુગામીની વરણી પારિવારિક બિઝનેસની સફળતામાં કેવી ભૂમિકા ભજવે છે.

સંવાદ: ફૅમિલી બિઝનેસમાં સંવાદનો અભાવ કે ઊણપ હોય ત્યારે અંગત અને વ્યવસાયી વિખવાદ જન્મે છે. પરિવાર એ વિખવાદને દૂર કરવા માટે જે પગલાં ભરે છે એના પરથી તેની પરિપક્વતા અને ભાવનાત્મક આરોગ્ય જોઈ શકાય છે. સંવાદ એટલે માહિતીનો પ્રસાર કે આદાનપ્રદાન નથી હોતાં. એ તો સંસ્થાની નાડ પારખવાની શક્તિ અને ક્ષમતા હોય છે.

કોઈ પણ પ્રકારનો સંવાદ સંબંધોથી જ થતો હોય છે. આપણને સંવાદ વિશે અલગથી કોઈ કેળવણી આપવામાં આવી ન હોય તો આપણામાંથી મોટા ભાગના લોકો પોતપોતાના પરિવારમાં શીખેલી સંવાદની શૈલીનો ઉપયોગ કરતા હોય છે અને કામકાજના સ્થળે પણ એ જ શૈલી સાથે આવે છે.

સંબંધોમાં આવેલી ખટાશ દૂર કરવાની હોય કે પછી પડકારોનો સામનો કરવાનો હોય, વિખવાદોને દૂર કરવાના હોય અથવા અનુગામીની વરણી કરવાની હોય, સંવાદ અસરકારક હોય તો દરેક સ્થિતિને યોગ્ય રીતે સંભાળી શકાય છે અને સમજદારીપૂર્વક સર્વાંગી રીતે કામ લઈ શકાય છે. હંમેશાં સ્પક્ટ, રચનાત્મક સંવાદ કરવાનું વલણ અપનાવવું જોઈએ.

સુવહીવટ: પરિવારનો બિઝનેસ અને બિઝનેસનો બિઝનેસ એ બન્ને સરખા મહત્વના હોય છે, પરંતુ બન્નેમાં તફાવત હોય છે. તેનું કારણ એ કે બિઝનેસના કામકાજના સિદ્ધાંતો પરિવારના કામકાજના સિદ્ધાંતો કરતાં અલગ હોય છે.

પારિવારિક બાબતોમાં ક્યાંય ગેરસમજ હોય તો બિઝનેસને વચ્ચે લાવ્યા વગર તેને પદ્ધતિસર રીતે દૂર કરી શકાય છે. પારિવારિક માળખામાં પ્રવેશના અને બહાર નીકળી જવાના માપદંડ, વળતર અને શિરપાવના માપદંડ, વારસાના માપદંડ, કામગીરીનું મૂલ્યાંકન કરવાના માપદંડ વગેરે સ્પષ્ટ હોય છે.

પારિવારિક સમૂહમાં સ્પક્ટ સંવાદ દ્વારા સંબંધો મજબૂત બને છે અને મુશ્કેલીના વખતમાં બધાનો સાથ મળી રહે છે.

ઘણી ફૅમિલી બિઝનેસમાં ઔપચારિક માળખું રાખવાનું લોકોને કદાચ ન ગમે. તેમાં કદાચ એવું પણ થાય કે સંચાલકોની ટુકડીની સાથે સાથે અનેક ઔપચારિક માળખાં અસ્તિત્વ ધરાવે, જેમાં બોર્ડ ઑફ ડિરેક્ટર્સ, પારિવારિક સમૂહ અને પારિવારિક ઑફિસનો સમાવેશ થતો હોય.

આ રીતે કામ કરવામાં ભલે મુશ્કેલી લાગતી હોય, પરંતુ બિઝનેસ પરિપક્વ થયો છે એવું આ બધા દ્વારા જ જોઈ શકાય છે.

અનુગામીની વરણી: પારિવારિક બિઝનેસ નિષ્ફળ જાય તેમાં સૌથી મોટું કારણ વારસાની સોંપણી કરાઈ ન હોય એ હોય છે. મોટા ભાગે બિઝનેસ ચલાવવા પર ધ્યાન અપાય છે, પરિવારને લગતી ઝીણી ઝીણી બાબતોનો ખયાલ રાખવામાં આવતો નથી.

પારિવારિક બિઝનેસમાં અનુગામીની વરણીનો નિર્ણય ભાવનાત્મક હોય છે. સંપત્તિની સોંપણી માટેનો લેખિત પ્લાન હોય તો શંકા-કુશંકાઓ, ગેરસમજો અને વિખવાદોની શક્યતા ઘણી ઘટી જાય છે.

વળી, એ પણ ધ્યાન રાખવું જોઈએ કે પારિવારિક બિઝનેસમાં કોઈને સરળતાથી પ્રવેશ આપી શકાય નહીં. સત્તાની સોંપણીને લગતા માપદંડ પહેલેથી નિશ્ચિત હોવા જોઈએ અને તેની જાણ નવી પેઢીના દરેક સભ્યને તથા પરિવારના બીજા બધા સભ્યોને કરવામાં આવેલી હોવી જોઈએ. આમ કરવાથી નવી પેઢી પાસેની અપેક્ષાઓનો ખયાલ આવે છે અને એ બધા સભ્યોને બિઝનેસમાં કેવી રીતે સંકળાવું તેનો અંદાજ મળે છે.

કાબેલ સભ્યને નિષ્પક્ષ રીતે પારિવારિક બિઝનેસનાં સૂત્રો સોંપવામાં આવે તો પરિવારમાંથી ઉત્તમ ગુણ ધરાવતી વ્યક્તિનો બિઝનેસમાં સરળતાથી પ્રવેશ થઈ જાય છે. એમ કરવાથી પારિવારિક વિખવાદોની શક્યતા ઘટી જાય છે અને નવી પેઢીના સભ્યો બિઝનેસ પ્રતિ વધુ ગંભીરપણે વિચારતા થાય છે.

આ પણ વાંચો : કૉલમ: પારિવારિક બિઝનેસમાં પ્રોફેશનલિઝમનું મહત્વ

કુટુંબના દરેક સભ્યમાં નેતૃત્વનો ગુણ હોવો જોઈએ. ‘હું જે કંઈ કરું છું એ બધું બિઝનેસના હિતમાં છે, મારે તો ફક્ત સંચાલન કરવાનું છે. મારે તો પોતાની જવાબદારી નિભાવીને નવી પેઢીને સારામાં સારી સ્થિતિમાં બિઝનેસ સોંપવાનો છે. વળી, સમાજને પણ તેનાથી ફાયદો થવો જોઈએ,’ એવું વિચારનાર માણસ બિઝનેસની પ્રગતિ કરી શકે છે. પારિવારિક બિઝનેસની સફળતા માટે એ જરૂરી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK