મ્યુચ્યુઅલ ફન્ડ્સ મારફત ડેટમાં રોકાણ કરવાના ફાયદાઓ

Published: 6th November, 2011 00:13 IST

પરંપરાગત રોકાણકારો તેમની મૂડીનું રક્ષણ કરવા માટે ડેટમાં રોકાણ કરવાનું પસંદ કરે છે. મૉડરેટ અને ઍગ્રેસિવ રોકાણકારો પણ તેમના ર્પોટફોલિયોનું જોખમ ઘટાડવા માટે ડેટમાં રોકાણ કરવાનો વિકલ્પ વધારે પસંદ કરે છે.

 

(મની-પ્લાન્ટ - મુકેશ દેઢિયા)

રોકાણકારો સામાન્ય રીતે ડેટની ગણતરી જેના મૂલ્યમાં મોટો ફેરફાર ન થતો હોય અને સાથે-સાથે જેમાં રોકાણનું ચોક્કસ પ્રમાણમાં વળતર મળી રહી તથા યોગ્ય સમયે રકમ પાછી મળી શકે એવી ઍસેટ તરીકે કરે છે, જ્યારે આપણે ડેટ મ્યુચ્યુઅલ ફન્ડની વાત કરીએ છીએ ત્યારે ઉપરની ધારણા સાચી સાબિત નથી થતી. આજે હું તમને ડેટ ફન્ડ્સ અને વ્યાજના દર વચ્ચેનો સંબંધ સમજાવાની સાથે-સાથે અત્યારની આર્થિક પરિસ્થિતિમાં દરેક વ્યક્તિએ ડેટ મ્યુચ્યુઅલ ફન્ડમાં રોકાણ શું કામ કરવું જોઈએ એનાં કારણો સમજાવાનો પ્રયાસ કરીશ.


ડેટ મ્યુચ્યુઅલ ફન્ડ્સ એવાં ફન્ડ્સ છે જેમાં સરકાર અને જાહેર ક્ષેત્રનાં બૉન્ડ્સ, કૉર્પોરેટ ડિબેન્ચર્સ, ફ્લોટિંગ રેટ્સ બૉન્ડ્સ, કમર્શિયલ પેપર્સ, ડિપોઝિટનાં સર્ટિફિકેટ્સ વગેરે રોકાણ કરે છે. ડેટ ઇન્વેસ્ટમેન્ટ્સમાં રોકાણ કરીને આ ફન્ડ્સ રોકાણકારોને ઓછા જોખમે નિયમિત આવક આપવાનો પ્રયાસ કરે છે. હાલના તબક્કે આ ફન્ડ દ્વારા મળતું અપેક્ષિત વળતર ૧૦થી ૧૦.૫ ટકા જેટલું છે.  જો આપણે અન્ય ખર્ચની ગણતરી કરીએ તો પણ ૯થી ૯.૫ ટકા જેટલા વળતરની અપેક્ષા રાખી શકીએ છીએ. અહીંયાં યાદ રાખવા જેવો મુદ્દો એ છે કે ડેટ મ્યુચ્યુઅલ ફન્ડ્સએ ફિક્સ ડિપોઝિટ અને પીપીએફ જેવા બીજા પરંપરાગત ડેટ વિકલ્પોની જેમ વળતરની ચોક્કસ ખાતરી નથી આપતું, કારણ કે એને વ્યાજના દરના રિસ્કનો ડર સતાવે છે. વ્યાજના દર અને ચોક્કસ વળતરની જોગવાઈએ વિરોધાભાસી અસર ધરાવે છે. બીજા શબ્દોમાં કહીએ તો જ્યારે અર્થતંત્રમાં સમગ્રપણે વ્યાજનો દર વધે છે ત્યારે આ ફન્ડમાંથી મળતા વળતરનું પ્રમાણ ઘટે છે અને વ્યાજનો દર ઓછો થાય છે ત્યારે વળતરનું પ્રમાણ વધે છે. આ પરિસ્થિતિને વ્યાજના દરનું રિસ્ક ગણવામાં આવે છે. આ સંજોગોમાં ર્પોટફોલિયોની એનએવી (નેટ ઍસેટ વેલ્યુ)ને માર્કેટ રેટના રિટર્ન પ્રમાણે સંતુલિત કરવાની પ્રક્રિયાને ‘માર્કિંગ-ટુ-માર્કેટ’ કહેવામાં આવે છે. ફન્ડ મૅનેજરે સતત તેમની એનએવીને માર્ક-ટુ-માર્કેટને આધારે ઍડ્જસ્ટ કરવી પડે છે. બીજા શબ્દોમાં કહીએ તો જ્યારે વ્યાજના દર વધે છે ત્યારે લાંબા ગાળાના ડેટની વૅલ્યુ ઘટે છે અને આનાથી વિરુદ્ધ પરિસ્થિતિમાં આ વૅલ્યુમાં વધારો થાય છે.


જ્યારે જોખમી પરિબળોની વાત થઈ રહી હોય ત્યારે દરેક વ્યક્તિએ આ વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે ડેટ મ્યુચ્યુઅલ ફન્ડમાં નગણ્ય પ્રમાણમાં થોડી ક્રેડિટ રિસ્ક પણ રહેલી છે. મ્યુચ્યુઅલ ફન્ડમાં જ્યારે સમયસર વ્યાજની કે મૂળ રકમની ચુકવણી વખતે સમસ્યા ઊભી થતા રકમની સુરક્ષાનો પ્રશ્ન ઊભો થાય છે. ૨૦૦૮ની મંદી દરમ્યાન કેટલા એફએમપી (ફિક્સ મૅચ્યોરિટી પ્લાન્સ)ને નાદારી નોંધાવી પડે એવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ હતી. જોકે રોકાણ કરતાં પહેલાં ફન્ડ્સ ર્પોટફોલિયોને સુરક્ષાના મુદ્દે અનેક એજન્સીઓએ આપેલાં રેટિંગ્ઝનો સારી રીતે અભ્યાસ કરીને પછી જ રોકાણ કરવાથી આ જોખમનું પ્રમાણ સાવ ઘટાડી શકાય છે.


હાલના તબક્કે આપણે આપણી આસપાસ ભારે નાણાકીય રીતે અસ્થિર પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છીએ. ભારતમાં જ નહીં, પણ વૈશ્વિક સ્તરે નાણાકીય બજારની હાલત અસંતુલિત છે. આપણા દેશમાં ૯ ટકા જેટલો ઊંચો ફુગાવાનો દર નોંધવામાં આવ્યો છે. રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (આરબીઆઇ)એ છેલ્લાં બે વર્ષમાં મહત્વના વ્યાજના દરોમાં સતત ૧૩ વખત વધારો કર્યો છે. તાજેતરમાં ૨૫ ઑક્ટોબરે આરબીઆઇએ ફરી વ્યાજના દરમાં ૨૫ પૉઇન્ટનો વધારો કર્યો છે. આ વ્યાજના વધેલા દરના કારણે વિકાસમાં અવરોધ ઊભો થઈ રહ્યો છે જેને કારણે દેશની આર્થિક સ્થિતિ કથળી શકે છે. નિષ્ણાતોને લાગે છે કે આ વ્યાજના દર એની ટોચ પર પહોંચી ગયા છે. એ થોડો વખત સ્થિર રહેશે અને પછી એમાં ઘટાડો થવાની શરૂઆત થઈ જશે. આરબીઆઇએ પણ વધી રહેલા વ્યાજના દરમાં સ્થિરતા આવશે એવી હિન્ટ આપી છે. જો વ્યાજના દરમાં ઘટાડો થશે તો એવી પરિસ્થિતિમાં ડેટ ફન્ડ્સ ૧૪થી ૧૫ ટકા જેટલું ઊંચું વળતર આપે એવી શક્યતા થશે. ડેટ ઉત્પાદનમાં ઇક્વિટી જેવું વળતર મળે એનાથી સારી પરિસ્થિતિ શું હોઈ શકે? વ્યક્તિએ આ પરિસ્થિતિનો ફાયદો ઉઠાવીને ડેટ મ્યુચ્યુઅલ ફન્ડમાં શક્ય એટલું રોકાણ કરવું જોઈએ.


આ રોકાણનો એક બીજો મહત્વનો ફાયદો ટૅક્સમાં બચતનો છે. ડેટ મ્યુચ્યુઅલ ફન્ડની આવક સમયાંતરે ડિવિડન્ડના સ્વરૂપમાં (જો રોકાણકારે ડિવિડન્ડ પૅમેન્ટ ઑપ્શન સ્વીકાર્યો હોય) અને કૅપિટલ ગેઇન્સ તરીકે જાહેર કરવામાં આવતી હોય છે. ઇન્ડીવિજ્યુ્યલ રોકાણકારને ડિવિડન્ડ પર ૧૩.૫ ટકાની આસપાસ ડિવિડન્ડ ડિસ્ટ્રિબ્યુશન ટૅક્સ (ડીડીટી)  લાગતો હોય છે (આ દર કંપનીઓ માટે અલગ છે).  ડિવિડન્ડ ડિસ્ટ્રિબ્યુશન ટૅક્સ કટ થયા પછી રોકાણકારોના હાથમાં ડિવિડન્ડ આવે છે. ડિવિડન્ડની આ રકમ ટૅક્સ ફ્રી હોય છે. (જેમ કે રોકાણકારો વતી સ્કીમ ચુકવણી કરે છે અને રોકાણકારને ડીડીટી બાદ થઈને ટૅક્સ મુક્ત ડિવિડન્ડ ચૂકવવામાં આવે છે).

કૅપિટલ ગેઇન્સ પર એક વર્ષ કરતાં ઓછા સમય માટે રોકાણ કરનારા રોકાણકારને પોતાના સ્લેબ રેટ પ્રમાણે ટૅક્સ લાગશે. અને એક વર્ષ કરતાં વધારે સમય માટે કરેલા રોકાણ પર ઇન્ડેક્સેશન બેનિફિટ સાથે ૨૦ ટકા અને આ ઇન્ડેક્સેશન બેનિફિટ વગર ૧૦ ટકા (બે માંથી જે ઓછું હોય એ પ્રમાણે) ટેકસની ચૂકવણી કરવાની હોય છે. રોકાણકારે ટૂંકા ગાળાના રોકાણ માટે ડિવિડન્ડ પૅમેન્ટ ઑપ્શનની અને એક વર્ષ કરતાં વધારે સમયના રોકાણ માટે ગ્રોથ ઑપ્શનની પસંદગી કરવી જોઈએ. ટૅક્સ દરેક રોકાણ માટે બધા ટૅક્સ બ્રેકેટમાં એકસમાન જ રહે છે. આનાથી સ્પષ્ટ છે કે ઊંચા ટૅક્સ બ્રેકેટના રોકાણકારો જો ડેટ ફન્ડમાં રોકાણ કરે તો તેમને વધારે ફાયદો થાય છે.


આમ ડેટ મ્યુચ્યુઅલ ફન્ડ સલામતી, ટૅક્સમાં ફાયદો અને વધારે લિક્વિડિટીની સાથે-સાથે રોકાણકારોને ઊંચા વળતરની શક્યતાનો લાભ પણ આપે છે. હું ડેટ મ્યુચ્યુઅલ ફન્ડમાં રોકાણ કરવાની સલાહ આપું છું અને એ અત્યારની આર્થિક પરિસ્થિતિમાં કોઈ પણ વ્યક્તિના ર્પોટફોલિયોનો હિસ્સો હોય એ બહુ જરૂરી છે, કારણ કે ચોક્કસ વળતર આપતા પરંપરાગત વિકલ્પો કરતાં વળતર અને લિક્વિડિટીના મામલામાં વધારે બહેતર છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK