તમારી બુદ્ધિપ્રતિભાને બહાર કાઢો

Published: 24th December, 2011 05:39 IST

ચાલો, આજે એક નાનકડી પ્રવૃત્તિથી શરૂ કરીએ. આ શબ્દો વાંચો : મહાત્મા ગાંધી, અમિતાભ બચ્ચન, શૅરબજાર, શિમલા-મ...(મની-પ્લાન્ટ-મુકેશ દેઢિયા)

ચાલો, આજે એક નાનકડી પ્રવૃત્તિથી શરૂ કરીએ. આ શબ્દો વાંચો : મહાત્મા ગાંધી, અમિતાભ બચ્ચન, શૅરબજાર, શિમલા-મ...
તમને કદાચ નવાઈ લાગશે કે હું તમને આ બધાં નામ શા માટે કહું છું. વેલ, આ દરેક નામ વાંચીને મને ખાતરી છે કે તમારાંમાના મોટા ભાગના લોકોને એ બાબતે તેમનું વ્યક્તિત્વ અથવા તો તેમણે બોલેલા ડાયલૉગ કે પછી તેમના કોઈ પણ પ્રકારના સમાચાર તરત જ યાદ આવી જશે, આંખ સામે ઊપસી જશે અને આ ચોથો શબ્દ શિમલા વાંચીને તો ઘણાએ મુંબઈ કે મૈસુર નહીં પણ મનાલી શબ્દ મૂકીને ઉપરની ખાલી જગ્યા પૂરી પણ દીધી હશે.

એવું કંઈ રીતે થયું? ફક્ત એક શબ્દમાત્રથી. એક જ પળમાં આ સંદર્ભોના કેટલા બધા ગુણોની કડીઓ મળી આવે છે. આવા ડેટા કમ્પ્યુટર પણ અમુક જ સેકન્ડમાં શોધી કાઢે છે.

જોકે ઘણી વાર આપણે કમ્પ્યુટર કરતાં પણ ઝડપથી થતી મગજની આવી શક્તિશાળી પ્રવૃત્તિઓની અવગણના કરતા હોઈએ છીએ. તો શું આ પ્રવૃત્તિ અથવા ટેક્નિક સાચે જ ભણતર, વેપાર કે બીજી સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં ઉપયોગી થાય છે ખરી? મારો જવાબ હા છે. એ કેવી રીતે શક્ય થઈ શકે? તમારા મગજને આ રીતે ટ્રેઇન કરીને આ વસ્તુ શક્ય છે. ગભરાઓ નહીં; તંદુરસ્ત રહેવા માટે જે રીતે આપણા શરીરને કસરતની જરૂર છે એવી જ રીતે આપણા મગજને પણ અમુક કસરત કે ટેક્નિકની જરૂર રહે છે જેને લીધે આપણું મન તેજસ્વી અને ધારદાર રહે છે. તમારા મગજને શાર્પન રાખી, સર્જનાત્મક બનાવીને અલગ-અલગ દૃષ્ટિકોણથી વિચારવામાં મદદ કરી શકે એવી સૌથી સરળ અને અસરકારક ટેક્નિકને માઇન્ડ મૅપિંગ કહેવાય છે.

માઇન્ડ મૅપિંગ શું છે?
માઇન્ડ મૅપિંગ એક એવી આવડત છે જે એક વાર શીખી જઈએ તો એ તમારી કાર્યશૈલી, વિચારધારા તેમ જ સર્જનશક્તિને ખીલવે છે. આપણું મગજ કમ્પ્યુટરની જેમ એક સીધી રેખામાં કે વારાફરતી વિચારો નથી કરતું. એ ઘણીબધી વસ્તુ એકસાથે જ વિચારે છે.

સૌથી પહેલાં તો આપણે મગજ વિશે જાણીએ. મોટા ભાગના લોકોનું માનવું છે કે કળાની ગુણવત્તા, સર્જનાત્મકતા, વિચારશક્તિ વગેરે જમણા મગજમાં રહેલી છે; જ્યારે લૉજિક, નંબર, ભાષા વગેરે વસ્તુ ડાબા મગજમાં રહેલી છે. જોકે મિત્રો એક વસ્તુ સમજી લો કે જ્યાં સુધી આપણે આપણાં બન્ને મગજનો વારાફરતી ઉપયોગ ન કરીએ ત્યાં સુધી આપણે આપણું કાર્ય વધુ અસરકારક રીતે ન કરી શકીએ.
આ વાત ઉદાહરણ સાથે સમજીએ : અમુક માણસોને લાગે છે કે તેઓ એક જ સમયે એકથી વધુ વસ્તુઓ કરી શકે છે અને એ પણ પાછી ખૂબ સારી રીતે. એક જ સમયે તેઓ ફોન પર વાત કરી શકે છે, ખાવાનું બનાવી શકે છે અને ટીવી પણ જોઈ શકે છે. ઘણાં યુવક-યુવતીઓને આપણે જોઈએ છીએ કે તેઓ પોતાનો અભ્યાસ સંગીત સાંભળતાં-સાંભળતાં કરતાં હોય છે અથવા ડ્રાઇવ કરતી વખતે તેઓ ફોન પર પણ વાત કરતાં હોય છે, પણ તેઓ ખરેખર પોતાનું કાર્ય એટલું ઉત્તમ કરી શકે છે? જવાબ ના હશે. મલ્ટિ-ટાસ્કિંગ જેવો કોઈ કન્સેપ્ટ જ નથી. એકસાથે આટલી બધી વસ્તુ સાથે કરવાને લીધે દરેક કામમાં સ્વાભાવિક રીતે જ તમારી આવડત ઓછી થઈ જાય છે.

માઇન્ડ મૅપિંગ એક એવું સાધન છે જે તમારાં બન્ને બાજુનાં મગજને કામ કરતી વખતે વધુ સર્જનાત્મક અને અસરકારક બનાવી પરિણામ આપે છે. માઇન્ડ મૅપિંગ તમારી વૈચારિક પ્રક્રિયાને તેમ જ રચનાત્મકતાના સ્તરને એની ઉચ્ચતમ ઊંચાઈ સુધી પહોંચાડે છે.

માઇન્ડ મૅપિંગ કેવી રીતે કરીશું?
માઇન્ડ મૅપિંગમાં એક વ્યક્તિએ વસ્તુ પરિસ્થિતિને જુદા-જુદા રંગો અને ધારણાઓનો ઉપયોગ કરીને વધુ સારી રીતે સમજવાની રહે છે અને યોજનાનું સર્જન કરવાનું રહે છે. એના માટે કોઈ લાંબાં-લાંબાં વાક્યોની જરૂર નથી, પણ દરેક પગલે એક શબ્દ જ મૂકવાનો છે જે વ્યક્તિના વિચારો અને મુદ્દાની ધૂંધળી રૂપરેખા આપે.

જે-તે પરિસ્થિતિની મુખ્ય યોજના અથવા મુદ્દો એક મોટા કાગળની વચ્ચે લખો (કોઈ ચિત્ર પણ ચાલે). લખેલી મુખ્ય યોજનાના ચિત્ર કે શબ્દમાંથી બીજી શાખાઓ દોરો. એક સૌથી મહત્વની વસ્તુ યાદ રાખજો કે એક પણ રેખા સીધી નહીં દોરતા, કારણ કે તમારા વિચારો એને લીધે મર્યાદિત થઈ જશે. એને બદલે તમે વાંકાચૂંકી રેખાઓ દોરજો. વચ્ચેના શબ્દ કે ચિત્રને મુખ્ય શાખાઓ સાથે જોડતી રેખાઓ ર્દોયા પછી તમે બીજી નવી રેખાઓ વિકસાવવા એની ઉપશાખાઓ દોરો, પણ મુખ્ય શાખાઓની વાંકાચૂંકી રેખાઓ કરતાં આ રેખાઓ થોડી વધુ પાતળી હોવી જોઈએ. આને લીધે આપણને શાખા અને ઉપશાખાઓના વિચારો તેમ જ યોજનાઓ વચ્ચેની સરખામણી કરવામાં મદદ મળશે. કોઈ પણ પ્રકારના વિચારો રોકશો નહીં. એને બદલે દરેક શબ્દ, વિચાર જે કંઈ તમારા મનમાં ઊગે એને નોંધી લેજો.

માઇન્ડ મૅપનો ઉપયોગ શા માટે કરવાનો?
માઇન્ડ મૅપિંગ એક અસરકારક પદ્ધતિ છે. કહેવાય છે કે હજારો શબ્દો કરતાં એક ચિત્ર ઘણું અસરકારક હોય છે. જુદા-જુદા રંગો અને ચિત્રના આધારે માનવમગજને કોઈ પણ પ્રકારનો ડેટા યાદ રાખવાનું સરળ થઈ પડે છે. આવી યોજના ઘડવાની તેમ જ નોંધવાની પ્રવૃત્તિઓ મનોરંજક સાબિત થાય છે અને ઓછામાં ઓછા શબ્દોનો ઉપયોગ કરવા છતાં તમારા વિચારો એકદમ સ્પષ્ટ રહે છે.

માઇન્ડ મૅપિંગ, સર્જનાત્મક અને તમે

જુદા-જુદા રંગો અને ધારણાઓ તમારી રચનાત્મકતાને પ્રોત્સાહન આપે છે. મુખ્ય વિચારને કાગળની વચ્ચોવચ રાખવાનો ઉદ્દેશ એ છે કે એને લીધે તમે તમારા વિષય પર સતત ધ્યાન કેન્દ્રિત કરી શકો અને સારો ઉકેલ પણ આણી શકો. એને લીધે તમે એ ઘટનાના તળ સુધી પહોંચી શકો અને સારું અથવા ખરાબ જે પણ પરિણામ આવે એ વિશે વિચારી શકો અને જો એ પરિણામ નેગેટિવ આવતું લાગે તો તમે એ બાબતનો પણ ઉકેલ વિશે વિચારી શકો.

સાર
આપણે એક માનવી તરીકે એક અરસાથી I Ageથી I Ageની સફર કરી રહ્યા છીએ અને એ છે Ice Ageથી Intelligence Age સુધીની. આજના સમયમાં અને આગળ જતાં મને લાગે છે કે માનવીના મગજની મહત્તા દરેક ડગલે ને પગલે વિકસતી ગઈ છે. કોઈ પણ ઑર્ગેનાઇઝેશનને સફળતાના માર્ગે લઈ જવાનું હોય તો તમારે એની સૌથી કીમતી જણસ એટલે કે માણસની કાળજી રાખવી જરૂરી છે. લોકો સારું અને સર્જનાત્મક તેમ જ ઉપયોગી વિચારે તો છેવટે તો એ ઑર્ગેનાઇઝેશનના વિકાસની જ તરફેણ કરે છે. એટલે માઇન્ડ મૅપિંગની પદ્ધતિ જો ઉપયોગમાં લઈએ તો મુશ્કેલ વસ્તુઓ વ્યવસ્થિત થઈ શકે અને પ્રાથમિકતાના આધારે એના પર કાર્યનું અમલીકરણ થઈ શકે. આ વિચારણા વિદ્યાર્થીઓના પાઠ્યક્રમને યાદ રાખવા માટે તેમ જ ઑર્ગેનાઇઝેશન સ્તરે પણ અદ્ભુત પરિણામો લાવી શકે છે.લો, બુદ્ધિમત્તા પર જીત મેળવીએ.

 

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK