બાળદિન ઊજવીએ પરંતુ બાળસાહિત્યની ગુણવત્તા ન સુધારીએ એ કેમ ચાલે?

Published: 14th November, 2011 10:00 IST

વૈચારિક પ્રદૂષણ ફેલાવતાં અને વાહિયાત વ્યક્તિપૂજા કરતાં પુસ્તકો પાછળ જેટલો ખર્ચ થાય છે એટલો જ ઉત્કૃષ્ટ બાળસાહિત્ય માટે કેમ નથી કરવામાં આવતો?(મન્ડે-મંથન - રોહિત શાહ)

ગુજરાતી સાહિત્યમાં શિષ્ટ બાળસાહિત્ય તો મબલક લખાયું છે, પરંતુ વિશિષ્ટ બાળસાહિત્ય ખૂબ ઓછું જોવા મળે છે. એનું કારણ કદાચ એ છે કે બાળસાહિત્યની ચોવીસ કૅરેટની વિભાવના આપણને મળી જ નથી. એટલે પરીકથાઓ, પશુકથાઓ, પંખીકથાઓ, રાક્ષસકથાઓની આસપાસ જ આપણે ચક્કર મારતા રહ્યા છીએ. એટલું જ નહીં, આવી બીબાઢાળ કથાઓમાંય ખાસ મૌલિકતા તો ભાગ્યે જ જોવા મળશે. હિતોપદેશ અને પંચતંત્રની મૂળ કથાઓની આસપાસ આપણા બાળસાહિત્યના સર્જકો તાતાથૈયા કરતા રહે છે. બત્રીસ પૂતળીઓની કથાઓ અને ઇસપની કથાઓની પણ આપણા કેટલાક બાળસાહિત્યકારો આરતી ઉતારતા રહ્યા, પરંતુ એ બધી મૂળ કથાઓની તોલે આવી શકે એવી નમૂનેદાર અને નકશીદાર બાળકથાઓ તો પછી બહુ ઓછી મળી.

બાળસાહિત્યનું બાળમરણ

સારા બાળસાહિત્યના અભાવે આપણે ત્યાં બાળસામયિકોનું પણ સતત બાળમરણ થતું રહ્યું છે. કંઈક નવું કરી બતાવવાના થનગનાટ સાથે ઘણાં નવાં બાળસામયિકો શરૂ થયાં. બે-ત્રણ અંક સુધી એમાં થોડાક નવા પ્રયોગો અને વૈવિધ્ય પણ જોવા મળ્યાં, પણ ઉત્કૃષ્ટ સામગ્રી ન મળવાને કારણે કાં તો એમનું બાળમરણ થયું કાં તો પછી નાભિશ્વાસ પર એ નભતાં રહ્યાં.

આજનું બાળક કમ્પ્યુટરયુગનું બાળક છે, હવે તેનાં રસ-રુચિ ખૂબ બદલાયાં છે. જૂની ઘરેડની વાહિયાત તરંગી કથાઓમાં આજનાં બાળકોને કશી દિલચસ્પી નથી રહી. નવી જનરેશનને સાહસકથાઓ ગમે છે, પરાક્રમકથાઓ પસંદ છે. પોતાનો આઇક્યુ (ઇન્ટેલિજન્સ ક્વોશન્ટ) ઊંચો આવે એવું બાળસાહિત્ય તેને જોઈએ છે. આજના બાળકનું દિમાગ તેજ બન્યું છે. તેને તાજી ચીજો ખપે છે. વાસી વાચનસામગ્રીથી તેને કશો રોમાંચ થતો જ નથી.

અંગ્રેજી માધ્યમમાં ભણવા જતા આજના બાળક સમક્ષ વિશ્વનું શ્રેષ્ઠ બાળસાહિત્ય ઉપલબ્ધ થવા માંડ્યું છે ત્યારે ગુજરાતી ભાષાનું નબળું બાળસાહિત્ય તેને શી રીતે આકર્ષી શકશે? આપણે છાશવારે માતૃભાષા બચાવવાના ઝંડા લઈને બૂમબરાડા પાડવા નીકળી પડીએ છીએ, પરંતુ એ માટે ઉત્કૃષ્ટ બાળસાહિત્યનું વ્યાપક સર્જન થવું જોઈએ એ

સત્ય આપણને નથી સમજાતું.

ટીવી-ચૅનલોએ આજના બાળક સામે ડિઝનીલૅન્ડની માયાવી દુનિયા હૂબહૂ ખડી કરી દીધી છે. ઍનિમેટેડ ફિલ્મોએ આજનાં બાળકોના કુતૂહલને સુંદર મેક-અપ કરવાનું પુણ્યકાર્ય કર્યું છે. ગુજરાતી બાળસાહિત્યકારોએ પોતે જ હવે પોતાની કૃતિઓનું કદ માપવા માટે નવી ફૂટપટ્ટી ખરીદવી પડશે.

ડામાડોળ ભવિષ્ય

ગુજરાતી બાળસાહિત્યનો ભૂતકાળ તો ભવ્ય પણ છે અને સમૃદ્ધ પણ છે, પરંતુ એનો ભવિષ્યકાળ ખૂબ ધૂંધળો અને ડામાડોળ લાગે છે. ગુજરાતી બાળસાહિત્યનાં કેટલાક પાત્રો અમર બની ચૂક્યાં છે. મિયાં ફૂસકી, તભા ભટ્ટ, અડુકિયો-દડુકિયો, બકોર પટેલ, ગલબો શિયાળ, સોટી-પોઠી જેવાં કાલ્પનિક પાત્રોની સાથે-સાથે ક્યારેક બિરબલ અને મુલ્લા નસરુદ્દીન વગેરે પાત્રોના નામે ચઢેલી-ચઢાયેલી કલ્પનાકથાઓ પણ મળતી રહી છે. રસ-છલોછલ શૈલી, આકર્ષક ચિત્રો અને નયનરમ્ય મલ્ટિકલર પ્રિન્ટિંગવાળાં થોડાંક નવાં પુસ્તકો અવશ્ય મળ્યાં છે; પરંતુ કલાત્મક સર્જનાત્મકતા ધીરે-ધીરે ઘસાતી જતી દેખાય છે. પ્રકાશકો પણ ક્વૉલિટી સાથે કૉમ્પ્રોમાઇઝ કરીને વેપાર કરવાનું જ પસંદ કરે છે. પુસ્તકો ખૂબ મોંઘાં પડશે તો નહીં વેચાય એવી બીકે ઘણા પ્રકાશકો બાળસાહિત્યને પણ સોગિયું અને શોકગ્રસ્ત મુદ્રામાં પ્રગટ કરે છે. નવી જનરેશન એવાં થર્ડ ક્લાસ પુસ્તકોથી દૂર ભાગે એમાં તેનો કશો વાંક ખરો?

અલ્પજીવી સફળતા

આપણે ત્યાં અવારનવાર ધાર્મિક પુસ્તકોનાં પ્રદર્શનો યોજાતાં રહે છે. સાહિત્યિક પુસ્તકોના મેળાઓ, પ્રદર્શનો, લોકાર્પણ-સમારોહો પણ યોજાતાં રહે છે; પરંતુ બાળસાહિત્યની એવી રૂડી માવજત ભાગ્યે જ થાય છે. કેટલાક પાખંડી સાધુઓ દ્વારા લખાયેલાં વૈચારિક પ્રદૂષણો ફેલાવતાં અને વ્યક્તિપૂજાની ચરણચંપી કરનારાં પુસ્તકોના પ્રકાશન માટે દાતાઓ મળી જાય છે, ખરીદનારા મળી જાય છે. એકસામટાં ઢગલાબંધ પુસ્તકો ખરીદીને એની લહાણી કરનારા પણ ઠેર-ઠેર જોવા મળે છે. વહેમ-ચમત્કાર કે વ્યક્તિપૂજાનાં એવાં વાહિયાત પુસ્તકો ગમે એટલાં મોંઘાં થાય તો ભોટ ભક્તોને વાંધો નથી આવતો, લેકિન બાળસાહિત્ય પાછળ જો એટલો ખર્ચ થાય તો તેમને બળતરા થાય છે. એક વાત આપણે યાદ રાખવી જ પડશે કે જે બાળકને બાળપણથી જ વાંચનનો શોખ-વારસો નહીં મળ્યો હોય તેનો બહુમુખી વિકાસ નહીં થાય. જો આપણે આજના બાળકને આવતી કાલના નાગિરકો સમજતા હોઈએ અને રાષ્ટ્રનો આધારસ્તંભ માનતા હોઈએ તો તેને શિષ્ટ-વિશિષ્ટ બાળસાહિત્યની સાહ્યબી આપવી જ પડશે. પ્રકાશકોએ પણ બાળકોને વાંચવાની ગરજ પેદા થાય એવાં નમૂનેદાર-ભપકાદાર છતાં સાત્વિક બાળસાહિત્યનાં પુસ્તકોનું પ્રકાશન કરવું પડશે. એક પરમ સત્ય છે કે જે-જે વિષયમાં સફળતા પામવા માટે છીછરા ઉધામા કરવામાં આવે છે એમાં મળેલી સફળતા અલ્પજીવી હોય છે. એનાં પરિણામો કદી શાશ્વતરૂપે નથી મળતાં.

બાળસાહિત્યના સોગંદ

ઘણી વખત કોઈ દુ:ખદ ઘટનાના સાક્ષી બનવાનું દુર્ભાગ્ય વેઠવું પડતું હોય છે. તાજેતરમાં એવા દુર્ભાગ્યમાંથી પસાર થવાનું બન્યું. એક મૉલમાં અમે ખરીદી માટે ગયેલા. ત્યાં એક બાળક પુસ્તકોના વિભાગમાંથી એક અંગ્રેજી પુસ્તક જોઈને એ ખરીદવા માટે તેની મમ્મી સામે જીદ કરતું હતું. આ દૃશ્ય તો સુખદ હતું, પરંતુ એનો અંત દુ:ખદ હતો. તે બાળકની મમ્મીએ કહ્યું, ‘બેટા, ખોટી જીદ નહીં કરવાની. બુક લઈને તારે શું કામ છે? ચાલ, આગળ જઈને હું તને સરસ ટૉય અપાવીશ.’

બાળક બોલ્યું, ‘મને ટૉય નથી જોઈતું. મને આ બુક અપાવ, મમ્મી!’

પણ મમ્મી તેના બાળકને સમજાવી-પટાવીને આગળ ખેંચી ગઈ.

વાલીઓએ પણ હવે સમજવું પડશે કે બાળક માટે રમકડું જેટલું મૂલ્યવાન છે એટલું જ મૂલ્યવાન પુસ્તક પણ છે. હવેથી જે વાલીઓ પોતાના મન્થ્લી ખર્ચના બજેટમાં બાળસાહિત્યનાં પુસ્તકોની ખરીદી માટે થોડીક રકમ ન ફાળવે તેમને ગુજરાતી બાળસાહિત્યના સોગંદ છે.

આપણી જવાબદારી

પંડિત જવાહરલાલ નેહરુનો બર્થ-ડે ૧૪ નવેમ્બર છે. આ દિવસ આપણે બાળદિન (ચિલ્ડ્રન્સ ડે) તરીકે ઊજવીએ છીએ. જવાહરલાલ નેહરુને બાળકો ખૂબ પ્રિય હતાં એટલે તેમના બર્થ-ડેને બાળદિન તરીકે ઊજવવામાં આવે છે. પંડિત નેહરુને એમ તો ગુલાબનું ફૂલ પણ ખૂબ પસંદ હતું. ૧૪ ફેબ્રુઆરીએ આપણે વૅલેન્ટાઇન્સ ડે તરીકે ઊજવીએ છીએ. આ દિવસે પ્રેમીજનો પરસ્પરને ગુલાબનું ફૂલ આપીને આઇ લવ યુ કહે છે. બાળકના જન્મ માટે નવ મહિનાનો ગર્ભાવસ્થાનો તબક્કો હોય છે. ૧૪ ફેબ્રુઆરી (વૅલેન્ટાઇન્સ ડે) અને ૧૪ નવેમ્બર (ચિલ્ડ્રન્સ ડે) વચ્ચે પણ બરાબર નવ મહિનાનું અંતર છે. આપણાં ફૂલગુલાબી બાળકોનું જીવન સુગંધમય બને એ માટે તેમને શ્રેષ્ઠ બાળસાહિત્યની સોબત કરાવવાની જવાબદારી આપણા સૌની છે.
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK