મોટી ડંફાશો મારીને પછી કામ નહીં કરનારા સાથે પાલો પડ્યો છે ક્યારેય?

Published: 11th December, 2012 08:57 IST

જો નિરાશ ન થવું હોય તો કોઈના પર મદાર રાખતાં પહેલાં તેની ક્રેડિબિલિટી તપાસી લો


(મંગળવારની મિજલસ - તરુ કજારિયા)

હમણાં તો છાપાંઓમાં અને ન્યુઝ-ચૅનલોમાં ચૂંટણીની મોસમ બરાબર બેઠી છે. જ્યાં જુઓ ત્યાં ગુજરાત રાજ્યની ચૂંટણીના પ્રચાર-પ્રસારનાં ઢોલ-નગારાં સંભળાય છે. આમાં સૌથી ઇન્ટરેસ્ટિંગ બાબત જો કોઈ હોય તો એ વચનોની લહાણીની છે. ઘર, નોકરી, વીમાયોજના, શિક્ષણ, રોકડ મદદ, રસ્તા, પાણી, વીજળી... ઓહો, ચપટીમાં બધું હાથમાં! વાંચતાં અને સાંભળતાં જ મતદાતાના મનમાં આનંદની સરવાણી ઊગે. ચૂંટણીમાં ઝુકાવનારા રાજકારણીઓના હોઠ પરથી વચનોની જાણે વર્ષા થઈ રહી છે. પાંચ વરસે એક વાર આપવાનાં છેને! દીધે રાખો જેટલાં દેવાય એટલાં. પાંચ વરસ પછી નવાં આપીશું. મતદાતાઓ ક્યાં હિસાબ માગવાના છે કે જૂનાં કેટલાં પૂરાં થયાં ને કેટલાં બાકી છે! વચનેષુ કિમ્ દરિદ્રતા! આ સૂત્ર સાંગોપાંગ સાર્થક થયેલું દેખાય છેને! ઘણી વાર વિચાર આવે કે આટલા બધા લોકો એકસાથે આટલા ઉદાર કેવી રીતે થઈ જતા હશે કે આગલાં અધૂરાં વચનોને ભૂલીને કે નજરઅંદાજ કરીને ફરી રાજકારણીઓની વાતોમાં વિશ્વાસ મૂકતા હશે!

ખેર! આ બધા તો દૂરના કે બહારના લોકોની વાત છે, પરંતુ આપણી આસપાસ નજર દોડાવીશું તો વચનોની ખીંટીએ ટીંગાડનારા મિત્રો કે સગાં-સંબંધીઓના અનેક ચહેરા યાદ આવી જશે. એ જ રીતે જેમને આપણે એવાં ખોખલાં વચનો આપ્યાં હશે તેમને આપણા ચહેરા સાંભરી આવશે. આપણે કહ્યું એટલે આપણે એ કરવું જ જોઈએ એવી નૈતિકતા આજે કેટલા લોકો દાખવે છે? ઊલટું, પોતે બોલેલું પાળવામાં નિષ્ફળ જાય તો સામી જોરદાર દલીલ કરે કે બોલ્યા એટલે શું પથ્થરની લકીર થઈ ગઈ? અરે ભાઈ, જો પાળવાના નથી તો ખોટાં પ્રોમિસ શું કામ આપો છો? ક્યારેક કોઈ માણસને આપણે આશાથી કંઈક કામ સોંપીએ અને તે એકદમ વટથી કહે હા...હા, એ તો મારા માટે ડાબા હાથનો ખેલ છે. તમે ચિંતા નહીં કરો. તમારું કામ થઈ જશે. અરે થઈ ગયું સમજો! અને આપણે એકદમ નચિંત થઈ જઈએ કે હાશ, આપણું કામ થઈ જશે.

પરંતુ દિવસો વીતતા જાય અને તેમના તરફથી કંઈ હિલચાલ ન થાય. તેમને ફરીથી યાદ દેવડાવવા મન કૂદકા મારતું હોય, પણ જીભ ઊપડે નહીં. અને થોડા દિવસ એમ જ સંકોચ અને ક્ષોભમાં ભીંસાયા પછી આપણે માંડ-માંડ તેમને ફોન કરીએ અને આપણું કામ યાદ કરાવીએ ત્યારે આ પ્રકારના જવાબ મળે :  ‘અરે, હું તો ત્યારથી બહારગામ જ હતો, હજી કાલે જ આવ્યો છું. હવે કરી દઉં. એક કામ કરો, તમે ચાર દિવસ પછી મને ફોન કરોને.’ કાં તો કહેશે, ‘અરે, હા, મેં પેલા ભાઈને ફોન કર્યો હતો, પણ તે મળ્યા નહોતા!’

આમ લંગર નાખીને આપણને લટકાવ્યા કરે. તે વ્યક્તિ વાસ્તવમાં આપણા કામ માટે રિલાયેબલ જ ન હોય, કેમ કે ન તો તેને આપણી મદદ કરવામાં રસ હોય, ન તેની પાસે એવો ટાઇમ હોય. માત્ર પોતાની મોટાઈ અને વગ બતાવવા અને પોતાના બોલબચ્ચન સ્વભાવ પ્રમાણે તેણે આપણી સામે ડંફાસ જ મારી હોય, પરંતુ આપણે તેના બોલ પર એટલો ભરોસો મૂકી દઈએ છીએ કે જાણે ખુદ ભગવાન આવીને કહી ન રહ્યા હોય! અને પછી જ્યારે તે આપણું કામ ન કરી આપે અને આપણે કીમતી સમય વેડફી ચૂક્યા હોઈએ ત્યારે મનોમન કહીએ કે કામ નહોતું કરવું તો ખોટી ડંફાસ શું કામ હાંકતા હશે! પોતાના ગજા કરતાં વધુ મોટી વાતો શું કામ કરતા હશે?

એવી વ્યક્તિઓ પ્રત્યેની નારાજગી ભલે સહજ હોય, પરંતુ એ સ્થિતિમાં થોડા ઠપકાને પાત્ર તો આપણી જાત પણ હોય છે, કેમ કે તે વ્યક્તિએ આપણને સાંભળવા ગમે એવા શબ્દો કહ્યા એટલે આપણે તેનામાં વિશ્વાસ મૂકી દીધો અને પોતાના કામનો બોજ તેના ખભે નાખી દીધો! પણ ત્યારે આપણને સવાલ ન થવો જોઈએ કે આ વ્યક્તિની રિલાયેબિલિટી કેટલી? તેની વ્યસ્તતા કેટલી છે અને તેમાં મારું કામ કરવાનો તેને સમય મળશે? અને ધારો કે સમય મળે તો પણ તે પોતાના કૉન્ટૅક્ટ્સ કે વગનો મારા માટે ઉપયોગ શા માટે કરે? આ અને આવા કેટલાક પ્રશ્નો આપણને ત્યારે થવા જોઈએ, પણ આપણા સ્વાર્થની વાત હોય ત્યારે આપણું લૉજિકલ બ્રેઇન જાણે છુટ્ટી પર ઊતરી જતું હોય છે! કોઈના પર મદાર રાખતાં પહેલાં તેની ક્રેડિબિલિટી તપાસી લેવી જરૂરી છે.

એ સાથે જ આપણે પોતાના તે વ્યક્તિ સાથેના સંબંધ અને સહકારનો ટ્રૅક-રેકૉર્ડ પણ યાદ કરી લેવો જોઈએ કે આપણે તેને ક્યારેય આઉટ ઑફ ધ વે જઈને કામ લાગ્યા છીએ? જોકે આ બાબતમાં ઘણી વાર એવું થઈ શકે કે આપણે તેને મદદરૂપ થયા પણ હોઈએ; આમ છતાં તે આપણી મદદ કરશે જ એવી કોઈ ગૅરન્ટી નથી. ટૂંકમાં આપણે મદદ કરીએ ત્યારે આપણને એમાં આનંદ આવે છે, માટે કરવી, વળતરની અપેક્ષા ન રાખવી.

ભેદ પારખતાં શીખો


માત્ર ઠાલાં વચનો આપનારા લોકો આજકાલ ચારેય તરફ દેખાઈ રહ્યાં છે. ત્યારે એનો અર્થ શું એ થયો કે આપણે કોઈના પર વિશ્વાસ જ ન રાખવો? ના, પરિસ્થિતિ તદ્દન એ કક્ષાએ નથી ઊતરી હજી. આજે પણ આ દુનિયામાં એવા લોકો છે, આપણી આસપાસ પણ છે, જેમને પોતાના શબ્દની બહુ જ કિંમત છે, તેઓ સિન્સિયર છે, તેઓ બોલે છે એ પાળે છે અથવા તો પાળવાની તેમની નીયત હોય છે. અને એ માટે મહેનત કરે છે. આપણે એવા અને માત્ર ઉપરછલ્લા વચનો આપતા બોલબચ્ચનો વચ્ચેનો ભેદ પારખતાં શીખવાનું છે. આવી સિન્સિયર વ્યક્તિઓને બહુ બોલવાની કે ગા-ગા કરવાની આદત નથી હોતી એટલે ક્યારેક એવું બને છે કે આપણે તેમને ઓળખવામાં ભૂલ કરી બેસીએ છીએ, જેમ આપણે પેલા ડંફાસિયાઓ પર વિશ્વાસ મૂકીએ છીએ તેમ જ. તો આપણે એવી ગરબડ ન કરીએ એનું ધ્યાન રાખવાનું છે. કોઈ અકારણ કે સકારણ પણ બહુ વરસી પડે ત્યારે ચેતી જવું અને આપણે કોઈની અપેક્ષા રાખીએ ત્યારે પણ પેલી કહેવત યાદ રાખવી કે ગરજવાનને અક્કલ ન હોય!

Loading...
 

સંબંધિત સમાચાર

     
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK