આગળ વધવાનો ફન્ડા - મને કેટલું પણ કામ આપો, હું નહીં થાકું

Published: 3rd December, 2012 07:33 IST

કેટલાક લોકોને કશું કામ કર્યા વગર જ બીજાઓ આગળ પોતે ખૂબ કામ કરે છે એવો પ્રભાવ પાડવો હોય છે. એટલા માટે પોતાની સામે પડેલા કામકાજની યાદીનું રટણ કરે છે. આવાં જૂઠાણાંથી વ્યક્તિને ખુદને જ નુકસાન થાય છે
(મન્ડે-મંથન - રોહિત શાહ)

છલકાઈ જવું એ ખાબોચિયાની મર્યાદા છે અને મર્યાદામાં રહેવું એ સાગરની વિશેષતા છે. વરસાદનું જરાક અમથું ઝાપટું પડે તોય ખાબોચિયાં ઠેર-ઠેર છલકાઈ ઊઠશે, પરંતુ સેંકડો નદીઓનાં જળ પોતાનામાં સમાવ્યા પછીયે મહાસાગર કદી છલકાતો નથી!

શેખી વધારનારાં અને બડાશો મારનારાં ખાબોચિયાં માનવસમાજમાં પણ ઠેર-ઠેર અત્ર-તત્ર-સર્વત્ર જોવા મળે છે. વારંવાર છલકાઈ-છલકાઈને પોતાની ઓકાત પુરવાર કરવાની મથામણ એ કરતાં રહે છે.

ઑફિસમાં આવું હોય

ઑફિસમાં કેટલાક લોકો એવા હોય છે કે જેઓ સૌથી ઓછું કામ કરતા હોય છે, છતાં એ લોકો બડાશો એવી મારે છે કે જાણે ઑફિસનો સઘળો કારોબાર તેમના થકી જ ચાલતો હોય! એકેય કામમાં કશી ગતાગમ ન પડતી હોય તોય દરેક કામમાં ડહાપણ કરવા દોડી આવશે! કશું જ કામ કર્યા વગર બધો યશ પોતાના તરફ કેવી રીતે વાળી દેવો એની તેમને લુચ્ચાઈભરી ફાવટ હોય છે. અઠ્ઠાણું ટકા કામ બીજા કોઈએ કર્યું હોય, અને પોતે માત્ર બે ટકા જ કામ કર્યું હોય તોય સૌની આગળ એવી પ્રપંચજાળ પેદા કરશે કે જો તે પોતે ન હોત તો એ કામ અટકી જ પડ્યું હોત! બૉસ કે ઉપરી અધિકારી હાજર ન હોય ત્યારે ગામગપાટા મારવા, ઑફિસનો ફોન અંગત કામકાજ માટે વાપરવો,

ટેબલે-ટેબલે ફરીને ટાઇમ પાસ કરવો, કૅન્ટીનમાં જઈને પારકા પૈસે ચા-નાસ્તા કરવા વગેરે પ્રવૃત્તિઓ તે કરે છે.

જેવા બૉસ આવી જાય કે તરત સિરિયસ થઈને ખૂબ કામમાં હોવાનો ડોળ કરે છે. ખૂબ કામ કરીને થાકી ગયા હોવાનો દંભ કરવાનુંય પોતે ચૂકતા નથી. એમાંય જો તેમની પાસે કોઈ સામે ચાલીને સલાહ લેવા આવ્યું હોય તો-તો તેમને વટ મારવાનો વિશિષ્ટ મોકો મળી જાય છે.

ઘરના એદી

ઘરસંસારમાંય આવું જ ચિત્ર હોય છે. અમુક લોકોને કામ કરવાની દાનત હોતી જ નથી. દરેક કામ પેન્ડિંગ રાખે છે. દરેક ચીજ રખડતી રાખે છે. પછી સૌની આગળ વાતો કરે છે કે મારે હજી તો આટલાં બધાં કામ કરવાનાં છે. રોજિંદું કામ કરવું એમાં વળી નવાઈની શી વાત છે? રસોઈ કરવી, મહેમાનો માટે ચા-નાસ્તો કરવા કે ઘરની ચીજો યોગ્ય જગ્યાએ ગોઠવવી એ તો દરેક ગૃહિણી કરતી જ હોયને! કપડાં-વાસણ કે કચરા-પોતાં માટે તો નોકર હોય પછી બીજી તે શી ધાડ મારવાની હોય? તોય એદી માણસો આખો દિવસ પોતે થાકી ગયાની ફરિયાદ કરે છે. એ લોકોની ખૂબી તો એ છે કે જે કામ હજી તેમણે કર્યું જ નથી એનો પણ થાક પોતે ઍડવાન્સમાં અનુભવવા માંડે છે. અરેરે, હજી મારે આટલું બધું કામ કરવાનું છે! ઓહ, આટલાં બધાં કામ ક્યારે પતશે?

હું એકલા હાથે શી રીતે પહોંચી વળીશ? કામ શરૂ કર્યા પહેલેથી જ આવાં રોદણાં આલાપવા માંડે છે. ઉદ્યમી વ્યક્તિ તો કામ કરી લીધા પછીયે એના વિશે મૌન રહે છે. કોઈની આગળ બડાશો મારવા કે યશ ઉઘરાવવા જતી નથી. એદી વ્યક્તિ કામ કર્યા પહેલાંથી હોબાળા મચાવશે, કામ કર્યા વગર જ થાકી ગયાની ફરિયાદો કરશે અને એટલેથી અટકશે નહીં. કેવી તકલીફો વેઠીનેય પોતે એ કામ પાર પાડ્યું એની યશગાથાઓ લલકારશે.

એક કલા છે

તમે માર્ક કરજો. કેટલાક લોકોને તમે બહાર ફરવા લઈ જશો કે કોઈ હોટેલમાં જમવા લઈ જશો તો તરત તૈયાર થઈ જશે, પરંતુ જો તમે તેમને કોઈ નાનકડું કામ બતાવશો કે સામાન્ય જવાબદારી સોંપવા જશો તો તરત જ તેમની તબિયત બગડી જશે, કાં તો તેમને કમરદરદ થવા માંડશે, કાં તો પછી તેમને બેચેની લાગવા માંડશે. એ જ વખતે જો તેમને ડૉક્ટર પાસે લઈ જવાનું કહીશું તો તે બહાનાં બતાવીને વાત ટાળશે. એમ કહેશે કે આવું તો વારંવાર મને થાય છે. થોડો આરામ કરીશ એટલે મને મટી જશે! દવાની કે ડૉક્ટરની જરૂર નથી.

કંઈ જ કામ કર્યા વગર થાકી જવું એ કલા છે. આવી કલા કંઈ દરેક વ્યક્તિ પાસે નથી હોતી. એ માટે સૌપ્રથમ તો જૂઠું બોલતાં આવડવું જોઈએ. પોતાનું કામ બીજાઓ તરફ ધકેલતાં આવડવું જોઈએ. ગમે એટલાં કામ બાકી પડ્યાં હોય તોય જીવને ઉચાટ ન થવો જોઈએ. ટાઢા કાળજે એદી-પ્રમાદી બની રહેવું અથવા તો ફોન પર ગામગપાટા મારવામાં સમય પસાર કરવાનું આવડવું જોઈએ. કોઈ આપણી ભૂલ બતાવે તો સામે ઘુરકિયાં કરતાં આવડવું જોઈએ. બીજા કોણ-કોણ લોકો કામ નથી કરતા, એનું લિસ્ટ રજૂ કરીને પોતાની આળસને ઢાંકી દેતાં આવડવું જોઈએ. જ્યાં જશ મળવાનો હોય ત્યાં સૌથી આગળ ઊભા રહી જતાં આવડવું જોઈએ. જોનારને એમ જ લાગે કે આ વ્યક્તિ ન હોત તો આ કામ પાર પડ્યું જ ન હોત, એવી માયાજાળ રચતાં આવડે તો જ તમે સાચા કલાકાર ગણાવ.

કામ કરનારા ન થાકે

જે લોકો ખૂબ કામ કરે છે એ લોકો ભાગ્યે જ થાકી જતા હોય છે અને જે લોકો સૌથી ઓછું કામ કામ કરે છે કે બિલકુલ કામ નથી કરતા એ લોકો હંમેશાં થાકેલા-હાંફેલા અને હારેલા જેવા જ લાગે છે. ઘર અને ઑફિસ બન્ને જગ્યાની જવાબદારીઓ ઉત્કૃષ્ટ રીતે પાર પાડવા છતાં કેટલાક લોકો નમ્ર, નિખાલસ અને ઉત્સાહી રહે છે. તેઓ કોઈ પણ નવું કામ કે નવી જવાબદારી સ્વીકારવા તૈયાર રહે છે, પરંતુ એદી-પ્રમાદી માણસો તો તેમની ફરજનાં કાર્યો માટે પણ સજ્જ નથી હોતા, પછી નવી જવાબદારીઓ તો સ્વીકારે જ શાના?

મેં એક વાત હંમેશાં માર્ક કરી છે કે જે વ્યક્તિ એમ મોટાઈ કરતી હોય કે આ કામ મેં કર્યું અથવા મેં આટલાં બધાં કામ કયાર઼્ એ વ્યક્તિએ હકીકતમાં કંઈ જ કામ કર્યું હોતું નથી અને જે વ્યક્તિએ હાર્ડ-વર્ક કર્યું હોય, ગજબની કુનેહ દાખવી હોય, એવી વ્યક્તિઓ હંમેશાં ચૂપ રહે છે. કામના ઢગલા કર્યે રાખનારા અને કામનાં પલાખાં માંડનારા લોકો બદમાશ હોય છે. સારા અને સાચા લોકો તો ગમેએટલાં કામ હશે તોય નિપટાવવા માંડશે. થાક લાગી ગયાનાં ગાણાં ગાનારા લોકો મોટા ભાગે ભરોસાપાત્ર હોતા નથી.

Loading...
 

સંબંધિત સમાચાર

     
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK