૩૧ ઑક્ટોબરે રન ફૉર યુનિટી પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી પણ દોડશે

Published: Oct 23, 2014, 05:56 IST

દેશભરમાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીની ભવ્ય ઉજવણી થશે




૩૧ ઑક્ટોબરે ભારતના શિલ્પકાર લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીના અવસરે દેશભરમાં ‘રન ફૉર યુનિટી’નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી પણ ભાગ લેશે એમ કેન્દ્રના ઇન્ફર્મેશન ઍન્ડ બ્રૉડકાસ્ટિંગ મિનિસ્ટર પ્રકાશ જાવડેકરે કહ્યું હતું. મુંબઈમાં પત્રકારોને માહિતી આપતાં જાવડેકરે કહ્યું હતું કે ‘લોખંડી પુરુષે દેશમાં એકતા અને સુશાસનનો પાયો નાખ્યો હતો એ સંદેશો ફેલાવવાના હેતુથી આ મૅરથૉનનું આયોજન કરવામાં આવ્યું છે. ૩૧ ઑક્ટોબરે બે પ્રોગ્રામ સરકારે વિચાર્યા છે. સવારે દેશભરમાં વિવિધ સ્થળોએ એકતા દોડનું આયોજન કરવામાં આવશે જેમાં આબાલવૃદ્ધ અને મહિલાઓ સહિત સૌ દેશવાસીઓ ભાગ લેશે અને સાંજે દેશનાં તમામ મોટાં શહેરોમાં પોલીસ અને સુરક્ષા દળોની જાહેર પરેડ થશે.’

રાજ્યપાલ વિદ્યાસાગર રાવને આ બાબતે મળીને રાજભવનની બહાર આવેલા જાવડેકરે કહ્યું હતું કે રન ફૉર યુનિટીમાં પ્રાઇમ મિનિસ્ટર મોદી પણ દોડશે અને એ દિવસે રેડિયોના માધ્યમથી તેઓ દેશવાસીઓને સરદાર વલ્લભભાઈ પટેલનો પ્રેરક સંદેશો પણ આપશે અને દેશ માટે તેમણે કરેલાં કાર્યોને યાદ કરીને શ્રદ્ધાંજલિ આપશે.

રન ફૉર યુનિટીમાં દેશની તમામ જનતાને અને ખાસ કરીને યુવાનોને જોડાવાનું આહ્વાન જાવડેકરે કેન્દ્ર સરકાર વતી કર્યું હતું અને પ્રોગ્રામની માહિતી, રજિસ્ટ્રેશન અને અન્ય વિગતો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે એમ પણ જણાવ્યું હતું.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK