મોદી ઓચિંતા શ્રી શ્રી રવિશંકરને મળતાં અટકળોએ જોર પકડ્યું

Published: 31st October, 2011 01:57 IST

ગુજરાત આવેલા અને આણંદના આશ્રમમાં વિશ્રામ કરી રહેલા આર્ટ ઑફ લિવિંગના સ્થાપક અધ્યાત્મગુરુ શ્રી શ્રી રવિશંકરને મળવા માટે ગઈ કાલે મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી આણંદ ગયા હતા. મુખ્ય પ્રધાનની આ વિઝિટની કોઈ આગોતરી તૈયારી નહોતી.

 

કૉન્ગ્રેસના મહામંત્રી દિગ્વિજય સિંહે અણ્ણા હઝારે, બાબા રામદેવ અને ત્યારબાદ શ્રી શ્રી રવિશંકર પર બીજેપી સાથે સાંઠગાંઠ હોવાનો આક્ષેપ કર્યો હોવાથી આ મીટિંગ વિશે રાજકીય અટકળોએ જોર પકડ્યું છે. આશ્રમના પ્રવક્તા મનોજ શર્માએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બન્ને મહાનુભાવોની મીટિંગમાં કોઈ રાજકીય હેતુ કે મુદ્દા વિશે ચર્ચા નથી થઈ. ૨૦૧૩માં સ્વામી વિવેકાનંદની ૧૫૦મી બર્થ-ઍનિવર્સરી આવી રહી છે એ વિશે ચર્ચા થઈ હતી અને એ સેલિબ્રેશન ગુજરાતમાં કઈ રીતે ઊજવી શકાય એ વિશે વાતચીત થઈ હતી.’

સવારે સવાનવ વાગ્યે મુખ્ય પ્રધાન આણંદ પહોંચ્યા ત્યારે અધ્યાત્મગુરુ શ્રી શ્રી રવિશંકર ધ્યાનમુદ્રામાં હતા. મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી રવિશંકરની નિકટના લોકોની પરવાનગી લઈને તેમની સાથે મેડિટેશનમાં જોડાયા હતા અને વીસ મિનિટ સુધી મેડિટેશન કર્યું હતું. આ પછી બન્ને મહાનુભાવો વચ્ચે બંધબારણે મીટિંગ થઈ હતી. આ મીટિંગ વિશે ગુજરાત સરકારના પ્રવક્તા જયનારાયણ વ્યાસે કહ્યું હતું કે આ મીટિંગ માત્ર કર્ટસી-વિઝિટ હતી અને એમાં કોઈ પૉલિટિકલ એજન્ડા જોડાયેલો નહોતો.

શ્રી શ્રી રવિશંકરને સંઘ સાથે લિન્ક છે

નવી દિલ્હી: કૉન્ગ્રસના નેતા દિગ્વિજય સિંહે ગઈ કાલે શ્રી શ્રી રવિશંકર પર નવેસરથી હુમલો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ‘ધાર્મિક નેતા રવિશંકર અને આરએસએસ (રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ) વચ્ચે લિન્ક છે. શ્રી શ્રીએ બીજેપીના પ્રમુખ નીતિન ગડકરીના પુસ્તકનું લોકાર્પણ કર્યું હતું. એ વખતે અડવાણીજી અને સંઘના સુરેશ સોનીજી મંચ પર હતા. રવિશંકરે આઠમી ઑક્ટોબરે આ પુસ્તકનું લોકાર્પણ કરતાં રાજકારણનું આધ્યાત્મીકરણ કરવાની વાત કરી હતી. ‘વિકાસ કે પથ’ નામનું પુસ્તક અડવાણી અને સંઘના બીજા નેતાઓની હાજરીમાં લૉન્ચ કરવામાં આવ્યું હતું.’

દિગ્વિજય સિંહે શુક્રવારે ટ્વિટર પર લખ્યું હતું કે ‘અણ્ણા હઝારે અને બાબા રામદેવના ભ્રષ્ટાચાર સામેનું આંદોલન એ સંઘ-બીજેપીના પ્લાનનો ભાગ છે. રામદેવ સંઘ-બીજેપીનો ‘એ’ અને રામદેવ ‘બી’ તથા શ્રી શ્રી રવિશંકર ‘સી’ પ્લાન છે. હું રવિશંકર માટે ઘણો આદર ધરાવું છું અને મેં ૨૦૦૧માં મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન તરીકે તેમનો આર્ટ ઑફ લીવિંગનો ર્કોસ કર્યો હતો. તેમણે સંઘ-બીજેપીથી સાવધ રહેવું જોઈએ.’

 

 

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK