મોદી સરકારે પેટ્રોલ-ડીઝલની એક્સાઇઝ ડ્યુટીમાં લિટરે ૩ રૂપિયાનો વધારો કર્યો

Published: Mar 15, 2020, 11:30 IST | New Delhi

સસ્તા ક્રૂડનો ફાયદો ખુદ સરકાર ઉઠાવશે, પ્રજાને રાહતને બદલે ડિંગો ઃ પેટ્રોલમાં બેથી આઠ રૂપિયાનો ભાવવધારો થશે તો ડીઝલમાં ૪ રૂપિયાના વધારાની શક્યતા

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

ઓપેક દેશો વચ્ચે ક્રૂડ ઑઇલનું ઉત્પાદન ઘટાડવા સંમતિ ન સધાતાં સાઉદી અરેબિયાએ પ્રાઇસ-વૉરની શરૂઆત કરી દીધી છે. પ્રાઇસ-વૉરને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ ઘટવાને કારણે ભારતમાં પેટ્રોલ-ડીઝલ સસ્તું થવાની આશા પ્રજાએ રાખી હતી, પણ સરકારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં રાહત નહીં આપીને એક્સાઇઝ ડ્યુટી વધારવાનો નિર્ણય કર્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સરકારે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટીમાં પ્રતિ લિટરે ૩ રૂપિયાનો વધારો કર્યો છે જે ૧૪ માર્ચથી અમલમાં આવશે. પેટ્રોલ-ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટીના વધારાથી સરકારને વધારાની ૨૦૦૦ કરોડ રૂપિયાની આવક થશે એમ સૂત્રોએ જણાવ્યું હતું. દેશની ઑઇલ કંપનીઓએ ઈંધણના ભાવમાં હાલમાં ઘટાડો કર્યો છે. હવે જોવાનું એ રહેશે કે તેલ-કંપનીઓ આ વધારાનો બોજો ગ્રાહકને માથે મારશે કે પોતે વહન કરશે.

કોરોના વાઇરસથી પ્રેરિત મંદીના ભયને કારણે વૈશ્વિક બજારમાં તેલના ભાવમાં કડાકો બોલાયો હતો. ત્યાર બાદ ભારતમાં પણ પેટ્રોલ-ડીઝલ સસ્તું થયું હતું. વૈશ્વિક બજારમાં ક્રૂડ ઘટતાં દેશમાં પણ પેટ્રોલ-ડીઝલનો ભાવ ઘટવાની શક્યતા જોવા મળી રહી હતી. જોકે સરકારે એક્સાઇઝ ડ્યુટી વધારવાનો નિર્ણય લેતાં ક્રૂડની કિંમતોમાં થયેલા ઘટાડાથી સામાન્ય જનતાને રાહત મળવાની શક્યતા ઘણી ઓછી થઈ ગઈ છે.

અહીં નોંધનીય છે કે સપ્તાહ અગાઉ ઑઇલનું ઉત્પાદન ઘટાડવાના મુદ્દે ઓપેકના દેશો વચ્ચે સંમતિ સાધવામાં ન આવતાં બ્રેન્ટ ક્રૂડ ઑઇલનો ભાવ ૩૦ ટકા તૂટીને ૩૧ ડૉલર પ્રતિ બૅરલે પહોંચી ગયો હતો. ઓપેક દેશો વચ્ચે ક્રૂડ ઑઇલનું ઉત્પાદન ઘટાડવા સંમતિ ન સધાતાં સાઉદી અરેબિયાએ પ્રાઇસ-વૉરની શરૂઆત કરી હતી. ઓપેકના દેશો વચ્ચેની બેઠકમાં ઉત્પાદન ઘટાડવાના મુદ્દે રશિયા સંમત ન થતાં આ ક્રૂડનું ઉત્પાદન ઘટાડવાના મુદ્દે સંમતિ સાધી શકાઈ નહોતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK