ક્યારે હટશે કુમળાં બાળકોના આરોગ્ય સામેનું આ જોખમ?

Published: 21st November, 2012 07:23 IST

સ્કૂલો ને હૉસ્પિટલના પરિસરમાં મોબાઇલ ટાવર પર પ્રતિબંધ લાદવાની પાલિકાની જાહેરાત પર ક્યારે અમલ થાય છે એની રાહ જોઈ રહ્યા છે ભટવાડીના રહેવાસીઓરોહિત પરીખ


સુધરાઈએ તાજેતરમાં એવી જાહેરાત કરી હતી કે મોબાઇલ ટાવરના રેડિયેશનના વધી રહેલા જોખમને ધ્યાનમાં રાખીને હવે સ્કૂલ અને હૉસ્પિટલની આસપાસના વિસ્તારમાં મોબાઇલ ટાવર ઊભા કરવા પર પ્રતિબંધ લાદવામાં આવશે, પરંતુ ઘાટકોપરમાં તો રેડિયેશનનું સૌથી વધુ નુકસાન જેમને થવાની શક્યતા છે એવા બાળકોના આરોગ્ય સામે જ મોબાઈલ ટાવરના રેડિયેશનનું જોખમ રહેલું છે. ભટવાડીમાં આવેલી સ્કૂલની ટેરેસ પર લગાવવામાં આવેલા મોબાઈલ ટાવરને સુધરાઈ ક્યારે દૂર કરશે તેની રાહ જોવાઈ રહી છે.

મોબાઇલ ટાવરના રેડિયેશનને કારણે મોબાઇલ ટાવરની આસપાસ રહેતા રહેવાસીઓના માથાનો દુ:ખાવો, બ્લડપ્રેશર, ચક્કર આવવાં જેવી વિવિધ આરોગ્યવિષયક સમસ્યાની અનેક ફરિયાદો કરી હોવા છતાં અને ઘાટકોપર-વેસ્ટના મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વિધાનસભ્ય રામ કદમ અને વાલીઓની ફરિયાદો છતાં ઘાટકોપર-વેસ્ટની ભટ્ટવાડીમાં આવેલી જ્ઞાનપ્રકાશ વિદ્યાલય સ્કૂલની પર ઊભા કરવામાં આવેલા મોબાઇલ ટાવરને હટાવવા માટે સુધરાઈએ હજી સુધી કોઈ પગલાં લીધાં નથી. જોકે સુધરાઈ કહે છે, મુંબઈ  મહાનગરપાલિકાએ ૧૪૦ ગેરકાયદે ટાવર પર કાર્યવાહી કરી હતી, પરંતુ આખો કેસ હાઈ કોર્ટમાં જતાં તેના પર સ્ટે ઑર્ડર આવી જવાથી કાર્યવાહી અટકી ગઈ હતી. અમે સ્ટે ઑર્ડર ઊઠી જાય એની રાહ જોઈ રહ્યા છીએ.

આ સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓના વાલીઓએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘સુધરાઈ પહેલાં આંખ બંધ કરીને સ્કૂલ ટેરેસમાં ટાવર ઊભા કરવા દે છે અને ત્યાર પછી સુફિયાણી વાતો કરી કાર્યવાહી કરવાનું ટાળતી હોય છે. અમારી અનેક ફરિયાદો પછી પણ એનાથી તરફથી કોઈ કાયદેસરની કાર્યવાહી આ સ્કૂલ કરવામાં આવી હોય એવું અમને જાણવા મળ્યું નથી.’

ઘાટકોપર-વેસ્ટના વિધાનસભ્ય રામ કદમે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘મારી પાસે આ વિસ્તારના લોકોની અને વાલીઓની અનેક ફરિયાદો આવી છે. આ સંદર્ભમાં મેં સુધરાઈના ઍડિશનલ કમિશનર મોહન અડતાણીને ત્રણથી વધુ વાર ફરિયાદ કરવા છતાં તેમણે આ બાબતમાં કોઈ કાર્યવાહી કરી નથી.’

બાળકોના સ્વાસ્થ્ય માટે જોખમી હોવા છતાં સ્કૂલે તેમની ટેરેસમાં મોબાઇલ ટાવર કેવી રીતે ઊભો કરવા દીધો એ બાબતે મિડ-ડે LOCALએ સ્કૂલના પ્રિન્સિપાલ અને શિક્ષકો સાથે વાતચીત કરવાની કોશિશ કરી હતી, પરંતુ સ્કૂલના અન્ય શિક્ષકોએ કોઈ પણ જાતની આ સંદર્ભમાં વાતચીત કરવાનો ઇનકાર કર્યો હતો અને સ્કૂલનાં પ્રિન્સિપાલ વિજયા પ્રભાકરે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘આ બાબતમાં તમે જે કાંઈ જાણવું હોય એ સર્વિસ પ્રોવાઇડરને પૂછો અમને નહીં,’ પરંતુ સર્વિસ પ્રોવાઇડરને કોને પરવાનગી આપી એ બાબતમાં તેમણે ચૂપ રહેવાનું પસંદ કર્યું હતું.’

સુધરાઈનું શું કહેવું છે?


સુધરાઈના એક અધિકારીએ આ બાબતની કાર્યવાહીમાં તેઓ હાઈ કોર્ટનો સ્ટે ઊઠે એની રાહ જોઈ રહ્યા છે એમ જણાવતાં મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘મુંબઈ મહાનગરપાલિકાએ ૧૪૦ ગેરકાયદેસર ટાવર પર કાર્યવાહી કરી હતી, પરંતુ આખો કેસ હાઈ કોર્ટમાં જતાં તેના પર સ્ટે ઑર્ડર આવી જતાં કાર્યવાહી અટકી ગઈ હતી. હવે અમે હાઈ કોર્ટનો સ્ટે ઊઠે એની રાહ જોઈએ છીએ.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK