પેડર રોડ પર ફ્લાયઓવર નહીં તો મુંબઈમાં ક્યાંય નહીં : એમએનએસની ધમકી
Published: 7th December, 2011 09:45 IST
પેડર રોડનો ફ્લાયઓવર બનાવવા સામે અહીં રહેતાં લતા મંગેશકર અને તેમના ફૅમિલી-મેમ્બરોનો વિરોધ છે એટલે આ પ્રોજેક્ટ પડતો મૂકવામાં આવ્યું હોવાની જાણ એમએનએસ (મહારાષ્ટ્ર નવનિર્માણ સેના)ના નેતાઓને થતાં તેમણે એનું કામ જ્યાં સુધી શરૂ કરવામાં ન આવે ત્યાં સુધી મુંબઈમાં એક પણ ફ્લાયઓવર બનાવવા દેવામાં નહીં આવે એવી ધમકી મુખ્ય પ્રધાનને આપી છે.
સહ્યાદ્રિ ગેસ્ટહાઉસમાં ગઈ કાલે પૃથ્વીરાજ ચવાણ સાથે થયેલી મીટિંગ વિશે એમએનએસના નેતા બાળા નાંદગાંવકરે કહ્યું હતું કે ‘વિધાનસભ્યો અને નેતાઓનું કહેવું છે કે પેડર રોડ ફ્લાયઓવરનું કામ ટ્રૅક પર લાવવું જોઈએ એવી ડિમાન્ડ કરવામાં આવી હતી ત્યારે પૃથ્વીરાજ ચવાણે આ પ્રોજેક્ટના સ્ટેટસ બાબતે તેમને જાણ ન હોવાની વાત કરી હતી અને ફ્લાયઓવર ન બનાવવા બાબતે હજી કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો એમ કહ્યું હતું. પાલકપ્રધાન જયંત પાટીલે કહ્યું હતું કે આ પ્રોજેક્ટને બંધ કરી દેવામાં આવ્યો છે, પણ પૃથ્વીરાજ ચવાણને આ બાબતની ખબર નથી. અમે તેમને વૉર્નિંગ આપી હતી કે જો પેડર રોડ ફ્લાયઓવર ન બન્યો તો પાર્ટી દ્વારા મુંબઈમાં એક પણ ફ્લાયઓવર બનાવવા દેવામાં નહીં આવે.’
પેડર રોડનો ફ્લાયઓવર દક્ષિણ મુંબઈનો બધાની દૃષ્ટિએ એક મહત્વનો ભાગ છે અને અહીં કેન્દ્ર તથા રાજ્ય સરકારની ઑફિસો પણ આવેલી છે. આને કારણે આ જંક્શન પર ખૂબ જ ટ્રાફિક જૅમની સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે એટલે આ ફ્લાયઓવર બનાવવો ખૂબ જ જરૂરી છે. પેડર રોડના ફ્લાયઓવર બાબતે ગઈ કાલે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવાણે કહ્યું હતું કે ફ્લાયઓવર બાબતે કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો અને પબ્લિકનાં મંતવ્યો લેવામાં આવી રહ્યાં છે.
લતા મંગેશકર માટે કાયદો બદલાશે?
પેડર રોડનો ફ્લાયઓવર બનવો જ જોઈએ એવું ગઈ કાલે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના ચીફ રાજ ઠાકરેએ કહ્યું હતું. રાજ ઠાકરેએ કહ્યું હતું કે ‘લતા મંગેશકર અને તેમના કુટુંબના ફ્લાયઓવરના વિરોધને કારણે આ બ્રિજનું કામ કેટલાંક વર્ષોથી રખડી પડ્યું છે. લતા મંગેશકર અને તેમની ફૅમિલીને કારણે કાયદો બદલવામાં આવશે કે શું? શું સરકારે લતા મંગેશકરના વિરોધને માન આપીને પેડર રોડ પાસેના ફ્લાયઓવરનો પ્રસ્તાવ પડતો મૂક્યો છે?’
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK