વિધાનસભ્યની દીકરીનાં લગ્નના નામે જ્વેલર સાથે ૩૪ લાખની ઠગાઈ
Published: 21st December, 2011 08:48 IST
એમએનએસના બાળા નાંદગાંવકરના ઘરે મૅરેજ છે કહી સૅમ્પલનાં ઘરેણાં લઈને ફરાર થઈ ગયેલા ઠગની ધરપકડ
શિવડીના એમએનએસ (મહારાષ્ટ્ર નવનિર્માણ સેના)ના વિધાનસભ્ય બાળા નાંદગાંવકરના પર્સનલ અસિસ્ટન્ટના નામે એક જ્વેલર સાથે ૩૪ લાખ રૂપિયાની છેતરપિંડી કરનારા એક ગઠિયાની એલ. ટી. માર્ગ પોલીસે ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા મુજબ ગઠિયાએ ભુલેશ્વર જ્વેલર્સને કહ્યું હતું કે બાળા નાંદગાંવકરની દીકરીનાં લગ્ન છે એથી તેઓ કેટલીક જ્વેલરી ખરીદવા માગે છે. પોલીસે આરોપી વિલાસ રામનારાયણ સિંહની ધરપકડ કરી હતી તેમ જ ત્યાર બાદ તેની જામીનઅરજી પણ રદ થઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર વિલાસ સિંહ સોહન ક્રીએશન તથા ભુલેશ્વર જ્વેલર્સના પાર્ટનર વિમાન ભારામિલાનિયાને મળી વિધાનસભ્યની દીકરીનાં લગ્નનું કારણ બતાવી નેકલેસ સેટ તથા બંગડીઓ સૅમ્પલ પીસ તરીકે બતાવવા લઈ ગયો હતો. વળી જો વિધાનસભ્યને પસંદ પડશે તો વધુ જ્વેલરીની ખરીદી કરવાની લાલચ પણ આપી હતી. સી. પી. ટૅન્કના જ્વેલર નરેશ જૈને ઓળખાણ કરાવી હોવાથી વિમલ ભારામિલાનિયાને વિલાસ સિંહ પર ભરોસો હતો.
સૅમ્પલ લઈ ગયા બાદ જ્યારે પણ જ્વેલર દ્વારા વિલાસ સિંહનો સંપર્ક કરવામાં આવતો ત્યારે તેણે દિલ્હીમાં વ્યસ્ત હોવાનો તો ઘણી વાર છોટા રાજને ખંડણી માટે બોલાવ્યો હોવાની વાત કરી હતી તો કેટલીક વખત તો રાજ ઠાકરેના ર્કોટકેસમાં વ્યસ્ત હોવાનું બહાનું પણ બતાવ્યું હતું. છેવટે જ્વેલરે વિધાનસભ્યને મળીને તમામ વાતો કરતાં પોતે છેતરાયો હોવાની તેને જાણ થઈ હતી. પોલીસને આશંકા છે કે વિલાસ સિંહે વિવિધ રાજકારણીઓના નામે અન્ય કેટલાક જ્વેલરોને પણ છેતર્યા હશે.
મારી દીકરી તો ૯ વર્ષની જ છે : બાળા નાંદગાંવકર
બાળા નાંદગાંવકરે તેમની દીકરીના નામે થયેલી ૩૪ લાખની ઠગાઈ વિશે કહ્યું હતું કે મારી પુત્રી તો હજી ૯ વર્ષની છે તો કઈ રીતે તેનાં લગ્ન હોઈ શકે. આ કેસને ઉકેલવામાં જ્વેલરને તમામ પ્રકારની સહાય આપવાની વાત પણ તેમણે કરી હતી. આવા ધુતારાઓને જરૂર સજા થવી જોઈએ, પરંતુ જ્વેલરોએ પણ આટલી મોટી રકમના દાગીના આપતાં પહેલાં તમામ ચકાસણી કરી લેવી જોઈએ, કારણ કે આવા ધુતારાઓ લોકોને છેતરવા રાજકારણીઓના નામનો દુરુપયોગ કરતા હોય છે.
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK