મીરા રોડના સૃષ્ટિ વિસ્તારમાં આવેલી ભક્તિ વેદાંત હૉસ્પિટલને ડિગ્નિટી ફાઉન્ડેશન અને સિનિયર સિટિઝન હેલ્થ ફોરમ ઑફ મીરા રોડ નામની સંસ્થાઓએ ૬૫ વર્ષથી ઉપરના સિનિયર સિટિઝનને ઓપીડી તપાસ માટે ૨૦ ટકા રાહત અને હૉસ્પિટલના મેડિકલ સ્ટોરમાં દવાઓ પર ૧૦ ટકા રાહત મળે એ માટે વિનંતી કરી હતી. સિનિયર સિટિઝનોની વિનંતીથી હૉસ્પિટલ-મૅનેજમેન્ટે ચર્ચાવિચારણા કરીને તેમની વિનંતીને માન્યતા આપી હતી. હૉસ્પિટલ-મૅનેજમેન્ટે ૬૫ વર્ષથી ઉપરના સિનિયર સિટિઝનને સવલત આપવાનો નિર્ણય લીધો અને એ શરૂ પણ કર્યું હતું. જોકે ત્યાર બાદ ખૂબ જ રાજકીય અને કેમિસ્ટ અસોસિએશનનું દબાણ આવતાં એકાદ મહિનામાં જ હૉસ્પિટલે આ સવલત બંધ કરવી પડી હતી.
શહેરના સિનિયર સિટિઝન હૉસ્પિટલના મેડિકલમાંથી ૧૦ ટકા સવલતે મળતી દવાઓ લેવા માંડ્યા હતા. આ બાબતની જાણ જ્યારે કેમિસ્ટને થઈ ત્યારે તેમણે હૉસ્પિટલને જઈને કહ્યું કે આ સવલતને કારણે અમારા ધંધા પર અસર પડી રહી છે એથી તમે આ સવલત બંધ કરો. હૉસ્પિટલ-મૅનેજમેન્ટે આ સવલત બંધ ન કરતાં મીરા-ભાઈંદર કેમિસ્ટ અસોસિએશને દવાઓનો પુરવઠો પૂરો પાડનારાઓનો સંપર્ક કર્યો. હૉસ્પિટલની બહાર જ ઊભા રહીને તેઓ દવાઓનો પુરવઠો અંદર લઈ જવાની મનાઈ કરતા હતા તેમ જ બધા દુકાનદારો (મેડિકલવાળા) દવાઓના પુરવઠાઓનો બહિષ્કાર કરશે એવી ચીમકી પણ આપી હતી. એને લીધે પુરવઠો પૂરો પાડનારાઓએ હૉસ્પિટલ-મૅનેજમેન્ટને આ સવલત બંધ કરવા વિનંતી કરી હતી.
જ્યારે સિનિયર સિટિઝન ફોરમનાં રૂપારેલીયાએ જણાવ્યું હતું કે ‘એક રીતે જોતાં આ તો કેમિસ્ટોની દાદાગીરી જ છે. આની તપાસ કરવી જરૂરી છે. આ સવલત સિનિયર સિટિઝન અને એ પણ ૬૫ વર્ષની ઉંમરના લોકો માટે છે અને મોટા ભાગના બધા રિટાયર હોય એટલે આવી સવલતથી તેમને રાહત મળતી હતી.’ હૉસ્પિટલના પ્રશાસકીય અધિકારી પ્રવીણ મૂળેએ આ વિશે કહ્યું હતું હતું કે ‘કેમિસ્ટ સંઘ રાજકીય પક્ષને ફન્ડ ઉપલબ્ધ કરી આપતું હોવાથી અમારા પર રાજકીય દબાણ આવ્યું હતું. કોઈ પણ પ્રકારની વાત આગળ વધે અને હૉસ્પિટલમાં કોઈ વિવાદ ઊભો થાય એ પહેલાં અમે આ સવલત બંધ કરી વિષય પૂરો કરી દીધો હતો.’
જ્યારે મીરા-ભાઈંદર કેમિસ્ટ અસોસિએશનના અધ્યક્ષે કહ્યું હતું કે આવી રીતે સવલત મળતાં અમારા ધંધા પર એની અસર થઈ રહી હતી એથી અમે યોગ્ય રીતે હૉસ્પિટલના સત્તાવાળાઓ સાથે વાતચીત કરી હતી.
મીરા-ભાઈંદરમાં શરૂ કરાશે સાઇકલ શૅરિંગ સિસ્ટમ
14th January, 2021 14:33 ISTમીરા રોડમાં એમડી અને કોકેઇન ડ્રગ્સ સાથે ચાર નાઇજિરિયનની ધરપકડ
12th January, 2021 10:14 ISTમીરા રોડમાં ઝવેરીને ત્યાં પડેલી ધાડમાં ૧ કરોડનો માલ ગયો
9th January, 2021 12:12 ISTમીરા-ભાઇંદરને નશીલા પદાર્થોથી મુક્ત કરવા નવા વર્ષે થયો નવતર પ્રયોગ
3rd January, 2021 12:24 IST