બીએમસીએ મધ્યમ વર્ગને આપ્યો વધારે એક ઝાટકો

Published: 20th January, 2021 11:29 IST | Prajakta Kasale | Mumbai

૫૦૦ ફુટથી નાના ઘરોના પ્રોપર્ટી ટૅક્સ માફ કર્યા બાદ ફરીથી ટૅક્સ વસુલ કરવાની પરવાનગી મળી જતાં પંદર દિવસમાં લાખો રહેવાસીઓને બિલ મોકલવામાં આવશે

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

આખરે મ્યુનિસિપલ કમિશનરે ૫૦૦ ચોરસ ફુટ કરતાં નાનાં ઘરો પાસેથી પ્રૉપર્ટી ટૅક્સ વસૂલવા માટેની મંજૂરી મંગળવારે આપી દીધી હતી. શિવસેનાએ નાનાં ઘરો માટે કરમુક્તિની હિમાયત કરી હતી, ત્યારે આ નિર્ણય વહીવટી તંત્ર દ્વારા લેવાયો હતો, કારણ કે છેલ્લાં બે વર્ષથી રાજ્ય સ્તરે આ અંગે કાયદામાં કોઈ સુધારો કરાયો નહોતો, એમાં મનપાની આર્થિક સ્થિતિ અસ્થિર થવા લાગી હતી. ‘મિડ-ડે’એ સૌપ્રથમ ૩ ડિસેમ્બર, ૨૦૨૦ના રોજ આ નિર્ણય વિશેનો અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો.

સુધરાઈના અસેસર ઍન્ડ ક્લેકશન ડિપાર્ટમેન્ટના ચીફ સંગીતા હસનાલેએ જણાવ્યા મુજબ, ‘નાનાં ઘરો પાસેથી કર વસૂલવાનો નિર્ણય વિભાગીય સ્તરે લેવાયો હતો, પરંતુ અમને મ્યુનિસિપલ કમિશનર પાસેથી મંગળવારે સત્તાવાર સંમતિ મળી હતી. પખવાડિયાની અંદર બિલો મોકલાવાશે.’

૨૦૧૯ના સરકારી ઠરાવ (જીઆર) અનુસાર, ૫૦૦ ચોરસ ફુટ કરતાં નાનાં ઘરો માટે પ્રૉપર્ટી ટૅક્સમાંથી માત્ર જનરલ ટૅક્સનો ભાગ જ માફ કરી શકાય છે. આથી, જનરલ ટૅક્સ કાપીને બિલો જારી કરવામાં આવશે, એમ બીએમસીના એક અધિકારીએ જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે પ્રૉપર્ટી ટૅક્સ એ બીએમસી માટે આવકનો બીજો સૌથી મોટો સ્રોત છે અને ડિસેમ્બરના અંત સુધીમાં એ માત્ર ૧૦ ટકા (૭૩૮ કરોડ રૂપિયા) જ વસૂલી શકાયો હતો. ૨૦૨૦-૨૧ના અંદાજપત્રના આંકડાઓ અનુસાર, બીએમસીને પ્રૉપર્ટી ટૅક્સ થકી ૬૭૬૮ કરોડ રૂપિયા મળવા જોઈએ, જે એની કુલ આવકના એક-ચતુર્થાંશ છે.

શહેરમાં ૪.૨૦ લાખ પ્રૉપર્ટી ટૅક્સ ચૂકવનારા લોકો છે, જેમાં સમાવિષ્ટ ૧.૩૬ લાખ કરદાતાઓનાં ઘરો ૫૦૦ ચોરસ ફુટ કરતાં નાનાં છે. બીએમસી નાનાં ઘરો પાસેથી ૩૫૦ કરોડ રૂપિયા વસૂલે એવી શક્યતા છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK