મિલન સબવેના રોડઓવર બ્રિજનું કાર્ય ઝડપભેર શરૂ

Published: 9th December, 2011 08:18 IST

રેલવે પાસેથી મંજૂરી મેળવતાં છ મહિના લાગી ગયા, હવે માર્ચ ૨૦૧૨ સુધીમાં કાર્યરત થઈ જવાનો અંદાજમહિનાઓની ચર્ચાવિચારણા બાદ છેવટે વિલે-પાર્લે અને સાંતાક્રુઝ વચ્ચે આવેલા મિલન સબવેના રોડઓવર બ્રિજ (આરઓબી)ના કામકાજમાં થોડીક ગતિ આવી છે અને એમએમઆરડીએ (મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી)એ રેલવે-ટ્રૅક પર બનનારા બ્રિજનું કામ શરૂ કર્યું છે. એક સપ્તાહ પહેલાં જ ઑથોરિટીએ ચર્ચગેટ તરફ જતી લાઇન તથા પાંચમી લાઇન વચ્ચે જગ્યા વધારવાના કામની શરૂઆત કરી હતી. ત્યાર બાદ એણે ઈસ્ટથી વેસ્ટ તરફ જતા રોડઓવર બ્રિજના પાયા નાખવાનું મહત્વનું કામકાજ શરૂ કર્યું છે.

એમએમઆરડીએના એક અધિકારીએ કહ્યું હતું કે રેલવે પાસેથી મંજૂરી લેવામાં અમને છ મહિના લાગ્યા હતા. આ આરઓબી ફેબુઆરી-માર્ચ ૨૦૧૨ સુધીમાં કાર્યરત થઈ જશે એવો અંદાજ છે. હાલ તો પિલર માટેના સળિયા બાંધવાનું કામ ચાલુ છે. રાતે બારથી સવારના ૫ાંચ વાગ્યા સુધી મહત્વનું કામ પૂરું કરવું પડે છે, કારણ કે આ સમય દરમ્યાન ટ્રેનની સ્પીડ મર્યાદિત હોય છે. વેસ્ટર્ન રેલવેએ એમએમઆરડીએને આ મંજૂરી આપવામાં ઘણી જ ચીવટ રાખી હતી, કારણ કે એનાથી ટ્રેનસર્વિસ પર ઘણી અસર થાય એમ છે. વેસ્ટર્ન રેલવેના ડિવિઝન રેલવે-મૅનેજર (મુંબઈ ડિવિઝન) જી. પિલ્લેના મત મુજબ જ્યારે પણ આ કામ માટે બ્લૉક જોઈતો હશે ત્યારે આપવામાં આવશે. આ કામનો સૌથી મહત્વનો તબક્કો ફેબ્રુઆરીમાં આવશે જ્યારે બન્ને છેડાને જોડતો ૬૦ મીટર લાંબો ગર્ડર બાંધવો પડશે. એ સમયે ટ્રેનસર્વિસ પર અસર થશે. જોકે આ કામ મોટે ભાગે રવિવારે કે રજાના દિવસે જ કરવામાં આવશે. મિલન રોડઓવર બ્રિજને આ વર્ષે વરસાદની સીઝન પહેલાં જ શરૂ કરવાની યોજના હતી, પરંતુ એની ડિઝાઇન તેમ જ ૧૨૦૦ સ્ક્વેરફૂટની મદરેસાના પુનવર્સનને લઈને મોડું થયું હતું. આ પ્રશ્ને શિવસેના-બીજેપી તથા કૉન્ગ્રેસ વચ્ચે વિવાદ પણ થયો હતો. આ ફ્લાયઓવરની નીચે મદરેસા બનાવવા સિવાય અન્ય કોઈ વિકલ્પ પણ એમએમઆરડીએ પાસે બચ્યો નથી.
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK