સ્ટોરીલાઇન વિના ગીત ક્યારેય બનતાં જ નથી

Published: 26th November, 2014 05:37 IST

‘એ ગણપત ચલ દારૂ લા’ અને ‘ચાર બોતલ વોડકા...’ જેવાં મેં ગાયેલાં ગીતથી જેટલો ગણપત નામના માણસોને વાંધો નહોતો એટલો વિરોધ તો બીજા બધા લોકોએ કર્યો હતો.સ્પેશ્યલ કમેન્ટ - મીકા સિંહ, ખ્યાતનામ સિંગર

જુઓ, હું માનું છું કે મને જે ગીત ગાવાનું કહેવામાં આવે એ ગીત મારે ગાવું જોઈએ. જો કોઈ એવું માનતું હોય કે આ પ્રકારનાં ગીત મારે ન ગાવાં જોઈએ તો હું કહું છું કે એ વાત સિંગરને નહીં, ગીતકારને જઈને કહેવી જોઈએ અને તેમને સમજાવવા જોઈએ. આમ તો મારી આ દલીલ પણ અંગત રીતે મને યોગ્ય નથી લાગતી, પણ લૉજિક સાથે જોઈએ તો એવું ચોક્કસ કહી શકાય કે ગીતકાર જેવાં ગીતો લખે એવાં ગીતો સિંગર ગાય. બાકી મારું પર્સનલ માનવું તો એવું છે કે ‘ગણપત દારૂ લા’ કે ‘ચાર બોતલ વોડકા...’ જેવાં સૉન્ગ્સમાં કાંઈ ખોટું નથી. આજે પણ હું અનેક એવા ફ્રેન્ડ્સને ઓળખું છે જેઓ આ સૉન્ગ્સ આવ્યાં એ પહેલાં પણ શરાબ નહોતા પીતા અને એ સૉન્ગ્સ આવ્યાં એ પછી પણ દારૂ નથી પીતા. બીજું એ કે દારૂના પબમાં કે આઇટમ-ગર્લ સાથેનું જો કોઈ સૉન્ગ હોય તો એ કેવું હોય એનો ક્યારેય વિચાર કર્યો છે ખરો? ત્યાં શું ભજન વાગે કે પ્રભુભક્તિનાં ગીત વાગતાં હોય.

જુઓ, અમસ્તાં જ અને કારણ વિના ક્યારેય આવાં ગીતો બનતાં નથી. લોકોને ગમે છે અને યંગ જનરેશન આ સૉન્ગ્સ સાંભળે છે એ પછી પણ હું આ વાત કહી રહ્યો છું કે સૉન્ગ્સ ક્યારેય વગર કારણે નથી બનતાં. એને માટે સ્ટોરીલાઇન પણ બહુ મહત્વની છે. ગૅન્ગસ્ટર્સ મૂવી હોય તો ઑબ્વિયસલી એ મૂવીમાં બૅડ વર્ડ પણ આવવાના અને દારૂને લગતી વાત પણ થવાની. પ્રોસ્ટિટ્યુશન-રિલેટેડ સબ્જેક્ટ હશે તો એમાં એ પ્રકારની થોડી ખુલ્લી વાતો પણ આવશે અને એ આવે એની તૈયારી ન રાખતું હોય એવું ઑડિયન્સ હવે નથી રહ્યું. ઑડિયન્સને ખબર જ હોય છે કે એ કઈ અને કયા પ્રકારની ફિલ્મ જોવા જઈ રહ્યો છે. એ પછી પણ જો આ પ્રકારનાં સૉન્ગ્સનો વિરોધ થઈ રહ્યો હોય તો એ પ્રૉપર નથી એવું મને લાગે છે.

મારા આલબમ અને મારા સૉન્ગ્સ-વેરિયેશનમાં હું તો કોઈ જાતનો ખચકાટ કે રિસ્ટ્રિક્શન રાખતો નથી. યંગસ્ટર્સ અને ખાસ તો મારા ફૅન્સને જે પ્રકારનાં સૉન્ગ્સ ગમે છે એ મારે ગાવાં છે અને ગાતો રહેવાનો છું. અગર જો કોઈને વિરોધ હોય તો તે આ સૉન્ગ ન સાંભળે, મને કોઈ વાંધો નથી. દરેકની પોતાની પસંદ અને નાપસંદ હોઈ શકે પણ એક આર્ટિસ્ટ તરીકે તો હું લાર્જર લેવલ પર જ વિચારું અને એમાં કાંઈ ખોટું હોય એવું મને દેખાતું નથી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK