કથા-સપ્તાહ : જશન (અગનજ્વાળા - ૧)

Published: Jul 03, 2017, 06:25 IST

‘અનિકેત...’અન્ય ભાગ વાંચો

1  |  2  |


- સમીત (પૂર્વેશ) શ્રોફ

‘અનિકેત...’

‘યસ તર્જની...’ લૅપટૉપમાંથી નજર ઊંચકીને કેતુએ અદબ ભીડી, ‘શું હુકમ છે?’

કેવો આજ્ઞાંકિત બને છે! બાકી કેતુનાં તોફાનો કોઈ મને પૂછે... તર્જની રતુંબડી થઈ.

મુંબઈનો સૌથી બાહોશ, જુવાન પ્રાઇવેટ ગુનાશોધક અનિકેત દવે અને તેની મુખ્ય મદદનીશ તર્જની દવે એકમેકના ગળાડૂબ પ્રેમમાં હોવાનું જાણનારા જાણતા, પછી તે બન્ને ભલે જાહેરમાં એની અજાણવટ રાખીને બેઠાં હોય!

આડોશ-પાડોશમાં રહીને ઉછરનારાં કેતુ-તર્જનીએ બચપણની મૈત્રીને પ્રણયનું નામ આપ્યું હોય તોય ત્રીજા કોઈને કહ્યું નથી. જોકે વડીલોથી છૂપું ઓછું હોય! એ વિના લંડનમાં જાસૂસીની ટ્રેઇનિંગ લઈને પરત થયેલા કેતુએ ઓમ પ્રાઇવેટ ડિટેક્ટિવ એજન્સીનો પાયો નાખ્યો એમાં તર્જનીને મદદનીશનું સ્થાન મળ્યું હોય? 

એજન્સી ખોલ્યાનાં આ બે વરસમાં કેતુ-તર્જનીનું નામ એવું જામ્યું છે કે ઇન્ટરપોલ સુધ્ધાંએ તેમની મદદ માગ્યાના કિસ્સા બન્યા છે. ઝીરો ફેલ્યરની જાસૂસ બેલડીની સિદ્ધિને ભારત રત્ન લતાજી જાહેરમાં બિરદાવી ચૂક્યાં છે. પોતાની સફળતાની સઘળી ક્રેડિટ કેતુ-તર્જની તેમના નવલોહિયા સ્ટાફને આપે. પચીસનો થયેલો કેતુ પૂર્ણ પુરુષની પ્રતિકૃતિ જેવો છે તો તર્જની સાક્ષાત્ સૌંદર્યમૂર્તિ.

‘લાગે છે કે આજે હું એક્સ્ટ્રા હૅન્ડસમ દેખાઉં છું.’

કેતુના વાક્યે તર્જની ઝબકી. આવું કંઈક કહીને કેતુ તોફાની બની જતો ત્યારે સંયમ રાખવો કઠિન થઈ પડતો. એમ તો ક્યારેક તર્જની પણ કેતુને હંફાવી દેતી ખરી!

અત્યારે પણ કેતુ હરકતમાં આવે એ પહેલાં તર્જનીએ મૂળ ટ્રૅક પકડી લીધો, ‘કેતુ, રાજમાતાનો ફોન હતો.’

હિંમતગઢનાં રાજમાતા મીનળદેવીના ઉલ્લેખે અનિકેત ઝળહળી ઊઠ્યો. જમીનના એક સોદા અંતર્ગત સામી પાર્ટીની ચકાસણી માટે રૂપનગરનાં ઠકરાણાની ભલામણથી રાજમાતાએ કેતુ-તર્જનીને તપાસનું કામ સોંપ્યું ત્યારથી બંધાયેલો સંબંધ આજે તો આત્મીય બની ચૂક્યો છે. કેતુ-તર્જની રાજમાતાને નિજ સંતાન જેવાં વહાલાં છે તો જાસૂસ જોડી માટે મીનળદેવી ઘરનાં વડીલતુલ્ય છે.

મીનળદેવી હિંમતગઢનું સૌથી આદરપાત્ર નામ છે. નાની વયે વૈધવ્ય, બે કુંવરોના ઉછેર ઉપરાંત સ્ટેટની જવાબનારી... રાજમાતા દરેક મોરચે યશસ્વી રહ્યાં. પ્રજાહિત સદૈવ તેમના હૈયે રહ્યું. સિદ્ધાંતપ્રિય માતાનો સંસ્કારવારસો બન્ને પુત્રો સમીરસિંહ અને અજુર્‍નસિંહે સુપેરે જાળવ્યો. રાજમાતાને વહુઓ પણ એવી જ ગુણિયલ મળી. જાગીરનો વહીવટ, રાજપરિવારનાં સામાજિક સૂત્રો દીકરા-વહુઓને સોંપીને રાજમાતા પૌત્ર-પૌત્રીને રમાડવાનો આનંદ માણે છે. લોકકલ્યાણનાં કાર્યોમાં વધુ વ્યસ્ત રહેતાં મીનળદેવી આજેય એવાં જ મૂર્તિમંત લાગે છે. કેતુ-તર્જનીને હિંમતગઢ આવવાનું તેમનું કાયમી આમંત્રણ હોય છે. ખરેખર તો રાજમહેલમાં હરકોઈ તેમનું હેવાયું છે.

‘થોડા વખતમાં શ્રાવણના તહેવારિયા શરૂ થવાના. વીક-એન્ડ સાથે છુટ્ટીઓ ક્લબ કરીને હિંમતગઢ પધારવાનો રાજમાતાનો હુકમ છે.’

ઘણા વખતથી અમે હિંમતગઢ ગયા નથી એટલે રાજમાતા હુકમ જ છોડેને! તેમનો હુકમ કેમ ટળાય?

તર્જની-કેતુએ હિંમતગઢનો પ્લાન તો બનાવ્યો, પણ એ મિની વેકેશનમાં શું થવાનું હતું એની ક્યાં ખબર હતી?

€ € €

તર્જની સાથેની વાત પતાવીને રાજમાતા રોજિંદી દિનચર્યામાં પ્રવૃત્ત થયાં.

અગિયારેક વાગ્યે ત્રિકમગઢનું રાજચિહ્ન ધરાવતી મર્સિડીઝ હિંમતગઢના પૅલેસ કૉમ્પ્લેક્સમાં પ્રવેશી.

દાસીએ અદબથી મીનળદેવીને ખબર આપ્યા, ‘રાજમાતા, ત્રિકમગઢના રાજવી આપને મળવા આવ્યા છે.’

સાંભળીને રાજમાતાના કપાળે હળવી કરચલી ઊપસી : વિક્રમસિંહને મારું શું કામ પડ્યું હશે?

‘જોડે તેમનાં રાણી અને દીકરી પણ છે.’

ખબરના ઉત્તરાર્ધે‍ રાજમાતાના મુખ પર મુસ્કાન ઊમટી, ‘ઓહો, સૂર્યાવહુ સાથે તેમની પાંચ વરસની પ્રિન્સેસ પણ પધારી છે! શ્યામા, તેમને માનભેર મુલાકાત ખંડમાં બેસાડ અને જલપાનનો પ્રબંધ કર, હું આવી.’

ત્રીજી મિનિટે રાજમાતા મેળાપકક્ષમાં પહોંચ્યાં ત્યારે વિક્રમસિંહ-સૂર્યા અને બેબી ગહેના કેસરભીના પાણીથી કોઠો ટાઢો કરી રહ્યાં હતાં.

‘પ્રણામ રાજમાતા...’

તેમના આગમને અદબભેર ઊભા થઈને વિક્રમ-સૂર્યાએ મીનળદેવીના ચરણસ્પર્શ કર્યા. પગે લાગવા જતી ગહેનાને રાજમાતાએ છાતીસરસી ચાંપી, ‘કેવી ફૂલ જેવી પ્યારી છે. ખુશ રહે મારી બચ્ચી.’

‘આપનો હાથ મારી દીકરીના માથે ફર્યો, રાજમાતા હું ધન્ય થઈ.’ સૂર્યાના બોલમાં ખુશામતખોરી નહીં, અંતરનો ભાવ હતો. રાજમાતા પ્રત્યેના અહોભાવનો સ્વીકાર હતો.

‘આપને આમંત્રણ પાઠવવા આવ્યા છીએ રાજમાતા.’ વિક્રમસિંહે પત્રિકા ધરી, ‘દસ ઑગસ્ટે અમારી ગહેનાની પાંચમી વર્ષગાંઠ છે. એના જશનનું પહેલું નિમંત્રણ આપને પાઠવીએ છીએ.’

‘અરે વાહ!’ ખુશી જતાવતાં રાજમાતાએ પત્રિકા નિહાળીને અનુમાન ઉચ્ચાર્યું, ‘બહુ મોટા પાયે પ્રસંગનું આયોજન કર્યું લાગે છે.’

‘જી રાજમાતા, ત્રિકમગઢની પ્રિન્સેસનો જશન તેના પિતાની આન, બાન, શાનને અનુરૂપ જ હોયને!’

વિક્રમસિંહના વાક્યમાં જ તેનું ગુમાન છતું થયું હતું. રાજમાતા-સૂર્યાની નજર મળી, છૂટી પડી.

‘રાજમાતા, જાણું છું, સમજું છું કે વિક્રમના સ્વભાવની અમુક ખાસિયતો આપને નહીં રુચતી હોય...’

અલ્પાહાર પછી વિક્રમસિંહ વૉશરૂમ જતાં સૂર્યાએ રાજમાતાના પડખે ગોઠવાઈને લાચારભાવે કહ્યું, ગહેના રાજમાતાનાં પૌત્ર-પૌત્રીઓના કક્ષમાં ગઈ હોવાથી મળેલા એકાંતમાં થોડામાં ઘણાની જેમ કહી દેવાનું હતું, ‘વિરાજનગરની જાગીર બાબતના તેમના ફેંસલાથી પણ આપ નારાજ હશો...’

‘નહીં... નહીં...’ રાજમાતાએ ડોક ધુણાવી, ‘દાયકા અગાઉ વિરાજનગરના રાજવી પરિવારની કરુણાંતિકાથી આખા રાજપૂતાનામાં આઘાત છવાયેલો. ત્યાંના વંઠેલ રાજકુમાર પ્રત્યે કોઈને સહાનુભૂતિ નહોતી. એ સંજોગોમાં વિરાજનગરની પ્રૉપર્ટી અડધા દામમાં ખરીદવાની વિક્રમની વેપારી કુનેહથી તારે તો હરખાવું જોઈએ, એથી નારાજ થનારી હું કોણ!’

‘વેપારી કુનેહ!’ કડવું હસતી સૂર્યાએ નિ:શ્વાસ નાખ્યો, ‘મને તો હવે ભીતિ રહે છે રાજમાતા કે માબાપનાં પાપ સંતાનને તો કનડે નહીંને?’

પાપ. રાજમાતા ટટ્ટાર થયાં. જે કહેવાનું છે એ સૂર્યા કહી નથી શકતી એવું મને લાગે છે? તેણે વિરાજનગરની જાગીરનો ઉલ્લેખ કર્યો‍, પણ એ તો દાયકા જૂનો કિસ્સો. ત્યારે તો સૂર્યાનાં લગ્ન પણ ક્યાં થયાં હતાં? જાગીર વેચાયા ૫છી વિરાજનગરનો રાજકુમાર ૫ણ ક્યાં ગયો કોણે જાણ્યું?

‘ઘણુંબધું એવું છે રાજમાતા જે હું કહી નથી શકતી...’ સૂર્યાનો કંઠ સહેજ રૂંધાયો, ‘મહિનોમાસથી મારી નીંદ ઊડી ગઈ છે. સાચું શું, ખોટું શું સમજી નથી શકતી. હૈયાનો બોજ ગમે ત્યાં ફેંકી શકું એમ નથી. તમે જ મારા માર્ગદર્શક બનો રાજમાતા.’

એવાં જ તેણે પાંપણે બાઝેલાં અશ્રુબિંદુ લૂછ્યાં. જમાનાનાં ખાધેલ રાજમાતાએ નિ:સ્પૃહતા દાખવી. કોઈનો પગરવ સંભળાયો ને બીજી પળે વિક્રમસિંહે દેખા દીધી.

‘રાજમાતા, હવે અમે નીકળીશું. બધાએ સપરિવાર આવવાનું છે. જરા અમારી ખાતિરદારી પણ માણી તો જુઓ.’

માણસના નિમંત્રણમાં પણ આત્મપ્રશંસા હોય એ કેવું! પણ વિક્રમસિંહ આવો જ છે. તેનો સ્વભાવ રાજપૂતાનામાં ક્યાં કોઈથી અજાણ્યો છે? સામા પક્ષે સૂર્યા એટલી જ ગુણડાહી. સાતેક વરસ અગાઉ તેમના સગપણનું સાંભળ્યું ત્યારે જ જરાતરા નવાઈ લાગેલી. વીરગઢની કુંવરી તરીકેની સૂર્યાની લાયકાત રાજમાતાથી છૂપી નહોતી, પણ પેલું કહે છેને કે રાણીને ગમ્યો એ રાજા! વળી વિક્રમનો સ્વભાવ ગમે એવો હોય, દેખાતો તે ફાંકડો અને વિરાજનગરની જાગીર લેનારું રજવાડું ખમતીધર પણ ગણાય...

વિક્રમને પરણીને સૂર્યા દુ:ખી થઈ હોય કે મૂંઝાતી હોય એવું કદી લાગ્યું નહોતું. છએક મહિના અગાઉ સોશ્યલ ગૅધરિંગમાં અલપઝલપ મળવાનું બન્યું ત્યારે પણ તે ખુશખુશાલ લાગી હતી, પણ તેના કહેવા પરથી લાગે છે કે પાછલા મહિનોમાસમાં જરૂર કંઈક બન્યું. આવી અસંબદ્ધ વાતો તો તેણે પહેલી વાર કરી.

‘હું તો જશનમાં ખાસ તમારું આગમન પાકું કરવા આવી છું, રાજમાતા.’ પતિનો વાંક વાળતી હોય એમ સૂર્યાએ સાચવી લીધું, ‘તમારે આવવાનું જ છે અને વહેલા આવી રહેજો. તમારી સાથે ઘણી વાતો કરવાની છે.’

વિક્રમસિંહને આમાં ભેદ ન લાગ્યો, પણ બાકીના બે તો વાક્યનું મોઘમ બરાબર સમજ્યાં હતાં!

અરજ ગુજારતી સૂર્યાની આંખો ક્યાંય સુધી રાજમાતાના ચિત્તમાં રમ્યા કરી.

€ € €

ઊંચી ટેકરી પર બેઠેલો તે વિરાજનગરના રાજમહેલના ગુંબજને તાકી રહ્યો.

એક સમયે આ મહેલની કેવી રોનક હતી. પૅલેસના લોકો તો હતા જ અનેરા...

મહારાજા રણવીરસિંહનો સ્વભાવ ભલે દુર્વાસા જેવો, પણ નીતિમત્તા અને શિસ્તના અતિઆગ્રહી. મહારાણી સુલક્ષણાદેવી પરગજુ. તેમનાં બે સંતાનોમાં નાની દીકરી સુવર્ણાકુંવરી રૂપાળી, મેધાવી અને મોટો દીકરો...

હળવો નિ:શ્વાસ સરી ગયો તેના મુખમાંથી.

ના, મોટો દીકરો આર્જવસિંહ કદી તો ગુણોના ભંડાર સમો હતો.

કોઈ ત્રાહિત વ્યક્તિની કથા વાગોળતો હોય એમ આર્જવ સાંભરી રહ્યો:

‘મારો આર્જવ તો વિરાજનગરનું ગૌરવ છે!’ પિતાનું અભિમાન બોલી ઊઠતું. મા ઓવારણાં લેતી. બેની તેના વીરાની આરતી ઉતારતી. કેટલો લાડલો હતો આર્જવ સૌને! અને આર્જવ હતો જ પાણીદાર. સત્તરમા વરસે તેણે ગુરુકુળમાં અવ્વલ ક્રમ મેળવ્યો હતો. ભણવામાં હોશિયાર, રમતગમતમાં અવ્વલ, મૂલ્યોમાં આદર્શવાદી.

‘ઉચ્ચ અભ્યાસ માટે લંડન મોકલું છું આર્જવ. વિદેશની ધરતી પર આપણા સંસ્કાર ભૂલીશ નહીં, અભડાવીશ નહીં.’

રાજવી કુળમાં રૉયલ સ્કૂલ-કૉલેજનો મહિમા પેઢીઓથી છે. આર્જવનું સ્કૂલિંગ રણવીરસિંહે નજીકના ગુરુકુળમાં જ કરાવ્યું, કેમ કે સંસ્કારસિંચન માટે પુત્રને નજર સામે રાખવો આવશ્યક હતો. જોકે કૉલેજ માટે લંડન મોકલવાનો ખંચકાટ નહોતો, બલ્કે એને જરૂરી સમજતા : ત્યાં તારા વ્યક્તિત્વને રાજવીની આભા મળશે...

ત્યારે ક્યાં ખબર હતી કે કૉલેજનાં ત્રણ વરસ આર્જવને ધરમૂળથી બદલી નાખશે, હોનહાર પ્રિન્સને બદલે તે વંઠેલ રાજકુમાર તરીકે પંકાઈ જશે! વિદેશી કન્યાના મોહમાં અંધ બનીને તે ચારિhય ગુમાવી ચૂક્યો હતો, ડ્રગનું બંધાણ થયું અને જુગારની લતે મહેલ ગિરવી મૂકવો પડે એ હદનું દેવું થઈ ગયેલું. આવી વાતો પાછી છૂપી ક્યાં રહે છે?

‘તારા પાપે હું પૂવર્‍જોની આબરૂની હરાજી થતી નહીં જોઈ શકું, મહેલ છોડવા કરતાં હું મોત વહાલું કરીશ.’

દીકરાનાં કરતૂતે ક્રોધિત, વ્યથિત બનેલા પિતા કહેતા રહ્યા; પણ આર્જવને તો એમ જ કે એમ કંઈ મરવું સહેલું છે!

‘ખોટી ધમકી ન આપો પિતાજી.’ આર્જવે વાણી પરનો વિવેક તો લંડનમાં જ ગુમાવી દીધો હતો, ‘લિઝા સાથેનો મારો પ્રણયસંબંધ તમને મંજૂર નથી, દીકરાનું દેવું ચૂકવવામાં તમે માનતા નથી. બાપ છો કે સાપ?’

માએ કપાળ કૂટ્યું. બહેન રડવા બેઠી. ક્રોધને બદલે વ્યથિત હૈયે મહારાજ દીકરાને નિહાળી રહ્યા.

‘તેં આજે છેવટની મર્યાદા પણ વળોટી કાઢી આર્જવ... હવે તું પણ જોઈ લે, હું શું કરી શકું એમ છું.’

આમાં પડકારથી વધુ વેદના હતી. જવાબમાં આર્જવે દાખવેલો તુચ્છકાર ભોંઠો પડે એવું કંઈક તે કરી ગયા...

આજથી દસેક વરસ અગાઉની એ રાતે પત્ની-પુત્રીને આગ ચાંપીને રણવીરસિંહે પોતે પણ અગનપિછોડી ઓઢી લીધી.

મહેલ વેચવાની નાલેશી જીરવવી નહોતી ને મર્યા પછી વંઠેલ દીકરો અગ્નિદાહ આપે એ મંજૂર નહોતું. એ માટે રણવીરસિંહે જીવતેજીવ આગ ચાંપી, સાથે પત્ની-પુત્રીનેય લેતા ગયા! હાસ્તો. તેમને કોના ભરોસે છોડવા? દીકરો તો કોને ખબર, તેમને પણ વેચી નાખે...

ભડભડ બળતા ત્રણ દેહો નજર સામે તરવરતા હોય, તેમની કાળજું ચીરતી ચીસો અત્યારે પણ વાતાવરણમાં ગૂંજતી હોય એમ આંખો મીંચીને કાને હાથ દાબી દીધો આર્જવે.

(ક્રમશ:)

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK