ઈશ્વરોલૉજી - પ્રકરણ 29

Published: Nov 03, 2019, 13:51 IST | નવલકથા ડૉ. હા‌ર્દિક ‌નિકુંજ યાજ્ઞિક | મુંબઈ

ગતાંક - ટેમ્પરરી ઈશ્વર બનેલા સંજયે એવો આદેશ આપ્યો કે દુનિયામાં જે કોઈ અત્યારે પ્રાર્થના કરે છે તેમની પ્રાર્થના દેવો પૂર્ણ કરે. તેને ખબર ન પડી કે તેણે શું ખોટું કર્યું હતું?

ઈશ્વરોલૉજી
ઈશ્વરોલૉજી

ગતાંક - ટેમ્પરરી ઈશ્વર બનેલા સંજયે એવો આદેશ આપ્યો કે દુનિયામાં જે કોઈ અત્યારે પ્રાર્થના કરે છે તેમની પ્રાર્થના દેવો પૂર્ણ કરે. તેને ખબર ન પડી કે તેણે શું ખોટું કર્યું હતું? નારદમુનિએ તેને પૃથ્વી ઉપર એક માણસ બતાવ્યો જે તેની પ્રાર્થનાને કારણે મૃત્યુ પામ્યો હતો. ચિત્રગુપ્તે જણાવ્યું કે માણસ ગમેતેટલી પૂજા-અર્ચના કે મોટા-મોટા યજ્ઞો કરે એ પૂરતું નથી. ખરેખર તો કોઈ માણસ કશું બહુ જ ઈશ્વર જોડે માગે અને તેને ન મળતું હોય તો તેણે સમજવું કે એ વસ્તુ તેના ભાગ્ય માટે સારી નથી એટલે જ કદાચ ઈશ્વર તેને એ આપતા નથી. આ સાંભળી સંજયે ઈશ્વરની સિસ્ટમ સમજાવવા ચિત્રગુપ્તને વિનંતી કરી.
હવે આગળ...
ચિત્રગુપ્તે કહ્યું કે ‘તમને કોણે કહ્યું કે સ્વર્ગ કે નર્ક ઉપર છે?’
સંજય વધારે મુંઝાયો. તેના મોં પર રહેલા પ્રશ્નને સમજીને ચિત્રગુપ્તે જણાવ્યું કે હા, ખરેખર તમને કોણે કહ્યું કે સ્વર્ગ અને નર્ક ઉપર છે?
સંજય જવાબ આપવામાં મુંઝાયો, કારણ કે અત્યાર સુધી સ્વર્ગ અને નર્ક જેવી કાલ્પનિક વાતો તેણે ફિલ્મોમાં કે પછી કોઈ ને કોઈના મોંએ સાંભળી હતી, પણ નક્કર કશી ખબર નહોતી. તેણે મગજ ઉપર જોર વધાર્યું. અચાનક યાદ આવ્યું કે જ્યારે તેને પહેલી વાર આસ્તેય ઉપર લઈ આવ્યો હતો ત્યારે તેણે સ્વર્ગ અને નર્ક જેવી વિવિધ જગ્યાઓ જોઈ હતી, પણ અંદર જવા મળ્યું નહોતું.
તેણે તરત જ કહ્યું કે મેં જાતે એ જોયું હતું જ્યારે આસ્તેય મને ભૂલથી લઈ આવ્યો હતો. આ સાંભળતાં જ ચિત્રગુપ્ત અને નારદમુનિ બન્ને એકબીજાની સામે જોઈ મલકાયા. સંજયને સમજણ ન પડી.
નારદમુનિએ કહ્યું કે ‘ચાલો, કામચલાઉ ઈશ્વર, તમને સ્વર્ગ અને નર્કની મુલાકાત કરાવીએ.’
સંજય વધારે મુંઝાયો. તેને હજી પણ સમજણ પડી નહોતી કે ખરેખર સ્વર્ગ અને નર્ક છે કે પછી એનું અસ્તિત્વ જ નથી? કારણ કે સામે રહેલા બન્ને જણ તેને વધારે મૂંઝવતા હતા. ઘડીમાં કહેતા કે સ્વર્ગ અને નર્ક ઉપર છે જ નહીં અને ઘડીમાં કહે છે કે ચાલો તમને સ્વર્ગ અને નર્કની મુલાકાત કરાવીએ. આખરે મનને સમજાવ્યું કે ચાલો જોઈએ તો ખરા, જે થશે એ જોયું જશે.
નારદમુનિ અને ચિત્રગુપ્ત સંજયને પેલા મોટા દરવાજા પાસે પાછા લઈ આવ્યા જ્યાંથી નારદમુનિ તેને વૈકુંઠ લઈ આવ્યા હતા. વૈતરણી પાર કરીને આવેલા અનેક જીવો ત્યાં અંદર જવા જુદી-જુદી લાઇનમાં લાગ્યા હતા.
ચિત્રગુપ્તે સમજાવવાનું શરૂ કર્યું, ‘આટલી સમજણ તો તમને પડી ગઈ હશે કે જીવ મર્યા પછી સીધો ત્યાં સામે પાર આવે છે. પછી પોતાના જીવનભર કરેલા પુણ્યની મદદ લઈ વૈતરણી તરે છે. ત્યાર બાદ આ દરવાજા પાસે આવીને લાઇનમાં ઊભો રહે છે.’
સંજયે કહ્યું, ‘એ સઘળું તો હું જાતે અનુભવી ચૂક્યો છું, પણ હવે આગળ શું?’
નારદમુનિએ કહ્યું, ‘બહુ ઉતાવળા તને તો. એ જ તો બતાવવા લાવ્યા છીએ તમને. આમ આગળ ચાલો.’
બન્ને જણ સંજયને લઈને એ દરવાજામાં દાખલ થયા. સામે એક મોટા સિંહાસન પર ચિત્રગુપ્તને બેઠેલા જોઈ સંજય ચમક્યો. બાજુમાં ઊભા રહેલા ચિત્રગુપ્ત અને સામે બેઠેલા ચિત્રગુપ્ત અદ્દલ એકસરખા જ હતા. તેની જોડે ઊભા રહેલા ચિત્રગુપ્તે એક સ્મિત આપી ઇશારાથી ચારે તરફ જોવા કહ્યું તો ત્યાં આજુબાજુ દરેક જગ્યાએ અનેકાનેક ચિત્રગુપ્ત બેઠેલા જોવા મળ્યા. સંજય
વધારે મૂંઝાયો.
એ દરેક ચિત્રગુપ્તની સામે વિશાળ ચોપડો હતો. જેમ-જેમ ચોપડાનાં પાનાં ફરતાં એનો રંગ પણ બદલાતો. હાથમાં રહેલી મોરપીંછ લગાડેલી કલમથી ચિત્રગુપ્ત સામે ઊભેલા જીવ પર નજર કરી તરત જ ચોપડામાં માથું નાખી દેતા. બસ, બે ક્ષણમાં તો હિસાબ પૂરો થઈ જતો અને પછી ચિત્રગુપ્ત કાં તો મનુષ્ય એમ બોલતા કાં પ્રાણી કે જીવજંતુ એમ બોલતા. બસ, આ સાંભળતાની સાથે જ એ જીવ જ્યાં ઊભો હોય ત્યાંથી જ નીચે જોરદાર ઝડપથી સરકી જતો.
નારદમુનિએ સંજયને આભો બનેલો જોઈ પૂછ્યું, ‘શું સમજ્યા કામચલાઉ ઈશ્વર?’
સંજયે કહ્યું, ‘કશું જ નહીં.’
નારદ મુ‌િન‌એ કહ્યું, ‘એનો મતલબ એટલો જ કે કરેલાં કર્મોના હિસાબે નવો જન્મ કાં તો મનુષ્ય યોનિમાં, કાં પશુ, પંખી કે પછી બીજું કંઈ.’
સંજય એ તરત જ કહ્યું, ‘તો એનો મતલબ કે અમે બધા મનુષ્યો એમ વિચારીએ છીએ કે મર્યા પછી સ્વર્ગમાં જઈશું અને ત્યાં અમારી સેવા થશે, સુંદર મજાની અપ્સરાઓ હશે, આ બધાનું શું? તમારે ત્યાં તો આવી કોઈ સિસ્ટમ જ નથી બૉસ?’
નારદમુનિ બોલ્યા, ‘પાછી ઉતાવળ કરી. અમે ક્યાં કહ્યું કે સ્વર્ગ-નર્ક નથી અહીં. બોલો એક પણ વાર હું કે ચિત્રગુપ્ત મહારાજ બોલ્યા કે એવું કંઈ નથી? બોલો-બોલો.’
સંજય મનોમન અકળાયો કે આ શું મજાક માંડી છે આ લોકોએ?
નારદમુનિએ મનની વાત પકડી, ‘મજાક નથી પ્રભુ. મજાક નથી. સ્વર્ગ અને નર્ક બન્ને છે. ચાલો એમાં એક ડોકિયું કરીએ.’
ત્રણે જણ આગળ ચાલ્યા. એક બીજો મોટો દરવાજો આવ્યો, જેની ઉપર સંસ્કૃતમાં કશું લખ્યું હતું. ચિત્રગુપ્ત મહારાજ એની સામે જઈ ત્રણ વાર પગે લાગી કોઈ મંત્ર બોલ્યા અને બીજી જ ક્ષણે એ તોતિંગ દરવાજો ખૂલી ગયો.
સંજયને થયું કે ચાલો તેણે જે સાંભળ્યું હતું કે સ્વર્ગ અને નર્ક ઉપર છે એ સાચું છે અને હવે એ જોવા મળશે.
અંદર દાખલ થતાં જ તેણે જોયું તો એક વિશાળ બગીચો હતો. પણ ત્યાં કોઈ કરતાં કોઈ જોવા ન મળ્યું. સંજયને થયું કે પાછી આ શું નવી મજાક છે? તે કશું બોલે એ પહેલાં નારદમુનિએ ઇશારો કરીને જણાવ્યું કે આ જમણી બાજુનો જે ભાગ દેખાય છે એ સ્વર્ગ અને આ ડાબી બાજુનું નર્ક. જોઈ લો...
એક જ જેવા બગીચામાં, જેમાં કોઈ કરતાં કોઈ માણસ નહોતો તેને આ લોકો સ્વર્ગ અને નર્ક કહી રહ્યા હતા. સંજયને થયું કે બન્ને જણ મજાકના મૂડમાં છે અને સાચી વાત કહેવી નથી એટલે ટાઇમપાસ કરી રહ્યા છે.
નારદમુ‌િનએ તરત જ કહ્યું, ‘કામચલાઉ તો કામચલાઉ પણ તમે ઈશ્વરની જગ્યાએ આવ્યા છો એટલે તમારી જોડે અમારી ઇચ્છા હોય તોય મજાક ન થાય, પ્રભુ.’
આ દરેક વખતે કામચલાઉ શબ્દ બોલતી વખતના લહેકામાં પોતાના પ્રત્યેનો ભારોભાર ગુસ્સો સંજયને અનુભવાતો. પણ તેને મન એ વાજબી હતો. પોતે ઈશ્વર થવાને લાયક છે જ નહીં એ વાતથી તે તદ્દન સુજાણ હતો. એટલે તેણે નારદજીને હાથ જોડીને કહ્યું, ‘પ્રભુ, સમજાવવું જ હોય તો કંઈ સમજ પડે એવું સમજાવો, આ રીતે તો કન્ફ્યુઝન વધે છે.’
નારદમુનિએ ચિત્રગુપ્તની સામે જોયું અને ચિત્રગુપ્ત મહારાજે હવામાં કોઈ મંત્ર બોલી આમતેમ હાથ હલાવ્યા અને આ સાથે જ એ બગીચામાં અનેકાનેક ચિત્રગુપ્ત દેખાયા. આ દરેક જણ નીચેની તરફ ધારી-ધારીને કશું જોતા હોય એમ લાગ્યું. બેઠેલા અનેક ચિત્રગુપ્તમાંથી અચાનક કોઈ ચિત્રગુપ્ત એક ચિઠ્ઠી બનાવીને નીચેની તરફ નાખતા અને તરત જ તે ડાબી કે જમણી બાજુ સરકી જતા. આમ નીચે તરફ જોઈને ચિઠ્ઠીઓ નાખી વિવિધ જગ્યાએ સરકી જતા અનેક ચિત્રગુપ્તોને જોઈને સંજય ચકરાવે ચડ્યો.
પોતે સાંભળેલી કે વિચારેલી સ્વર્ગ કે નર્કની વ્યાખ્યામાં ક્યાંય આવું કશું તો હતું જ નહીં.
ચિત્રગુપ્તે કહ્યું, આ દરેક જણ પૃથ્વી પર રહેલા જીવોનાં કર્મોનો હિસાબ રાખે છે અને કર્મો પ્રમાણે જ સ્વર્ગ અને નર્કની ચિઠ્ઠીઓ મોકલે છે. જ્યારે સ્વર્ગની ચિઠ્ઠી મોકલી હોય ત્યારે સરકીને જમણી બાજુએ જાય છે અને નર્કની મોકલી હોય ત્યારે ડાબી બાજુ.
સંજયને કંઈક સમજાય છે. તે પૂછે છે કે ‘તો પછી એનો મતલબ કે સ્વર્ગ અને નર્ક ભોગવવાનું પૄથ્વી ઉપર જ છે?’
નારદમુનિ તરત જ વાત પકડે છે, ‘બીજું નહીં તો શું? અહીં તો આવ્યા એની સાથે ફેંસલો. કાં નવો જન્મ કાં મોક્ષ. બીજી કોઈ વાત જ નહીં...’
સંજયે સ્વભાવ મુજબની કાઉન્ટર આર્ગ્યુમેન્ટ કરી, ‘એનો મતલબ કે બધું એવું સમજાવવામાં આવે છે કે ૨૮ જાતનાં નર્ક છે અને એમાં કરેલાં ખરાબ કર્મોની સજા અપાય છે એ બધું ખોટું?’
ચિત્રગુપ્તે ફરી કહ્યું, ‘એવું અમે ક્યાં કહ્યું? હોય જ છે તામિસ્ત્રથી લઈને
સુચિમુખ સુધીના દરેક નર્ક હોય છે અને એમાં મનુષ્યે એના કરેલા પાપની સજા ભોગવવી જ પડે છે.’
સંજયને થયું કે હવે બહુ થયું. દરેક ક્ષણે જુદી વાત કરીને આ બન્ને જણ સાબિત શું કરવા માગે છે?
નારદમુનિ એનો જવાબ આપવા મોં ખોલે એ પહેલાં સંજયે જ કહ્યું, ‘બસ. તમારી આ કન્ફ્યુઝિંગ વાતો હું આંખ મીંચીને માનીશ જ નહીં. કામચલાઉ કહો છોને મને. સારું તો આ તમારા કામચલાઉ ઈશ્વર તમને કહી રહ્યા છે કે મને અત્યારે ને અત્યારે આ નર્ક ક્યાં છે અને કેવી રીતે કામ કરે છે એ બતાવો.’
નારદમુનિ બોલ્યા, ‘તો ચાલો પ્રભુ. નર્ક અને સ્વર્ગના સાચા સ્થાને જઈએ.’
સંજયને મનમાં થયું કે પોતે ઈશ્વર નથી અને આમ સાચા દેવર્ષિ ઉપર કે મનુષ્યનાં કર્મોના હિસાબ કરનાર ચિત્રગુપ્ત ઉપર ગુસ્સો કરવાનો કોઈ જ અ‌િધ‌કાર તેને છે જ નહીં. એટલે મનોમન તેણે માફી માગી.
નારદમુ‌િન‌એ તેની સામે જોઈ ખાલી એક સ્મિત આપ્યું. હવે એ વ્યંગમાં હતું કે ખરેખર એની સમજણ સંજયને ન પડી. અને તે ફરી બબડ્યો, ‘હે ભગવાન. મેં ઈશ્વર બનવાનું તો તારી જોડે ક્યારેય નહોતું માગ્યું. આ ક્યાં ફસાવ્યો છે મને...’
આગળ તે વિચારે એ પહેલાં...
(વધુ આવતા અંકે)

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK