આકૃતિ સિટી પ્રોજેક્ટના મહત્વના દસ્તાવેજો એમઆઇડીસી પાસે નથી

Published: 4th November, 2011 21:01 IST

અંધેરી (ઈસ્ટ)ના સૌ પ્રથમ સ્લમ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં ૩૯૬૦ ઝૂંપડપટ્ટીવાસીઓને જેના આધારે ઝૂંપડપટ્ટીવાસી જાહેર કરવામાં આવ્યા એને લગતા દસ્તાવેજો જ એમઆઇડીસી (મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કૉર્પોરેશન) પાસે નથી. આ દસ્તાવેજોમાં ઝૂંપડપટ્ટીવાસીનાં રેસિડેન્શિયલ પ્રૂફ તથા તેઓ ૧૯૯૫ પહેલાંથી ત્યાં રહેતા હતા એના પુરાવાનો સમાવેશ થાય છે. 

(વરુણ સિંહ)

મુંબઈ, તા. ૪


‘મિડ-ડે’ પાસે ઉપલબ્ધ દસ્તાવેજો પરથી એ સાબિત થાય છે કે એમઆઇડીસીના અધિકારીઓને છેક ૧૯૯૯થી આ દસ્તાવેજોની કોઈ જાણકારી નથી. મે ૨૦૦૮માં આકૃતિ સિટીએ એમઆઇડીસીને મોકલેલા એક પત્રમાં એવું જણાવ્યું છે કે સર્વે હાથ ધરવામાં આવ્યો ત્યારે એ દસ્તાવેજો તમારી સાયન ઑફિસને મોકલવામાં આવ્યા હતા.

આ પત્રના જવાબમાં એ જ મહિને એમઆઇડીસીએ આકૃતિ સિટીને એક પત્ર લખીને જણાવ્યું હતું કે આકૃતિ સિટી અને ઝૂંપડપટ્ટીવાસીઓ સાથે થયેલા ઍગ્રીમેન્ટના દસ્તાવેજો અમારી સમક્ષ રજૂ કરો.

ત્યાર પછી બે વર્ષ સુધી કશું ન બન્યું. એપ્રિલ ૨૦૧૦માં હાલના અધિકારીએ પોતાના પુરોગામી સાથે પત્રવ્યવહાર કરીને આ દસ્તાવેજો વિશે જાણકારી મેળવવાની કોશિશ કરી, પરંતુ કોઈ જ જાણકારી બહાર આવી નહોતી.

દરમ્યાન ઍડ્વોકેટ વાય. પી. સિંહે જણાવ્યું હતું કે જો એમઆઇડીસી દસ્તાવેજો સાચવી ન શકી હોય તો એણે પ્રાઇવેટ પાર્ટીને ગેરકાયદે મદદરૂપ થવાનું કામ કર્યું છે અને એ માટે એની સામે પ્રિવેન્શન ઑફ કરપ્શન ઍક્ટ, ૧૯૯૮ તથા અન્ય કાયદા હેઠળ એફઆઇઆર નોંધાવી શકાય.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK