Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ઈશ્વરોલૉજી - પ્રકરણ - 37

ઈશ્વરોલૉજી - પ્રકરણ - 37

29 December, 2019 03:34 PM IST | Mumbai
Dr. Hardik Nikunj Yagnik

ઈશ્વરોલૉજી - પ્રકરણ - 37

ઈશ્વરોલૉજી

ઈશ્વરોલૉજી


ગતાંક... પૃથ્વી પર સામાન્ય માણસ બનીને આવેલા ઈશ્વર સંજયને જુદી-જુદી રીતે ઈશ્વરોલૉજી શીખવાડી રહ્યા છે. હમણાં જ એક સ્વપ્ન આપી તેમણે શીખવાડ્યું કે તમે જેને બહાર શોધો છો તે ઈશ્વર તમારી અંદર જ છે. આ દરમ્યાન સંજયના ઘરમાં ચોરી કરવા આવેલો રઘલો નામનો એક ચોર તેમની વાત સાંભળે છે. ઈશ્વર એવી શબ્દજાળ ઊભી કરે છે કે રઘલાને લાગે છે કે ઈશ્વર કોઈ ખૂબ પૈસાદાર માણસ છે અને આ સંજયના ઘરમાં છુપાયેલા છે. રઘલો મનોમન ભગવાનને પ્રાર્થના કરીને જીવનનો સૌથી મોટો દાવ ખેલવા તૈયાર થાય છે.

હવે આગળ...



‘મોટા માણહ હથિયાર રાખે... તેમને બંદૂકનું લાઇસન્સ પણ હોય. એવાના ઘરે હાથ નાખતાં જરા હાચવવું...’ એક જમાનાના પ્રખ્યાત ચોર અને હાલમાં લગભગ રિટાયર થઈ નવા-નવા ચોરોને રસ્તો બતાડવાનું પુણ્યશાળી કામ કરતા રમણકાકા બોલ્યા.


રોજ સાંજે જમ્યા પછી વસ્તીની પાછળ આવેલા ભૂંગળા પાસે તાપણું કરીને સૌ ચોરીને પોતાનું કર્મ સમજનારા હાથચાલાકીના કીમિયાગર ભેગા મળતા. ઉંમર અને અનુભવમાં આ રમણકાકા સૌથી મોટા એટલે તેમની સાચી-ખોટી વાતો આ સૌ માટે વેદવાક્ય હતું. એમાંય રમણકાકા ક્યારેય ચોરી કરતા પકડાયા નથી એ વાત વસ્તીનું દરેકેદરેક જણ જાણે એટલે તેમને માટે એક ખાસ માન પણ સૌને ખરું. 

વસ્તીમાં રહેતા મોટા ભાગના ચોરો  ખાતર પાડવા જતાં પહેલાં ઘરે દીવો કર્યા પછી આ રમણકાકા બેઠા હોય ત્યાં જઈ પગે લાગીને જ નીકળે. એમ કહેવાતું કે આ રમણકાકાના દાદાએ બાર અમાસ સુધી કુવાડિયાના સ્મશાને જઈને વિધિ કરી હતી અને ચોરકપ્પો સાધ્યો હતો. તેમના પછી રમણકાકાના બાપા અને અત્યારે રમણકાકા પાસે એ ચોરકપ્પો છે. ચોરકપ્પો જેની પાસે હોય તે માણસની આંખ સામે ચોરી કરે તોય કોઈ તેને પકડી ન શકે.


રમણકાકાને કોઈ સંતાન નહીં એટલે વસ્તીના દરેક ચોરના મનમાં એક જ ઝંખના કે એક દિવસ આ ચોરકપ્પો રમણકાકા કોઈને તો આપશે. એક વાર એ ચોરકપ્પો હાથમાં હોય પછી તો પૂછવું જ શું?

ખરેખર આવી ચોરકપ્પા જેવી કોઈ વસ્તુ છે કે નહીં એ કોઈએ જોઈ નહોતી. રમણકાકા પણ ચોરકપ્પાની વાત આવે એટલે ખાલી સ્મિત કરીને ઉડાવી દે, પણ લોકો પોતાની પાસે એ ચોરકપ્પાને લીધે આવે છે એ વાતથી રમણકાકા સુજાણ એટલે એનો બધો ફાયદો લે. જાણે આખી ચોરોની વસ્તીના એ વગર ચૂંટાયેલા આગેવાન હતા.

રોજેરોજ રમણકાકા સૌકોઈને જુદી-જુદી માહિતી આપતા હતા અને સૌકોઈ મન લગાવીને તેમની વાત માની લેતા હતા. રમણકાકાએ કહ્યું એટલે સાચું જ હોય એ વાત એ સૌકોઈના મનમાં ઘર કરી ગયેલી વાત હતી.

આજે બીડીના ઠૂંઠાને ફૂંકતાં-ફૂંકતાં રમણકાકાએ જ્યારે બંદૂકની વાત કરી ત્યારે ટોળામાં સૌથી પાછળ બેઠેલો રઘલો સહેજ ગભરાયો. આજે ક્યારનોય તે તાપણે પહોંચી ગયેલો, પણ કશું બોલ્યા વગર એ ફક્ત પોતાના કિડનૅપના પ્લાનિંગમાં જ વિચારમગ્ન હતો. જેવી આ બંદૂકવાળી વાત રમણકાકાએ કરી એટલે તેનું ધ્યાન તૂટ્યું.

તેના અંધવિશ્વાસુ મગજને એમ થયું કે સઘળું જાણતા રમણકાકા જાણે પોતાના મનની વાત જાણી ગયા હોય અને આ વાત પોતાને ચેતવવા જ કરી હોય.

બે મિનિટ માટે થયું કે પોતાના પ્લાન વિશે તે અહીં વાત કરે જેથી પોતાના જેવા બીજા સાથીઓની મદદ મળી રહે અને કામ સરળ થઈ જાય. પછી મનમાં થયુ કે આમ કરવાથી તો જે માલ મળશે એ આ સૌને વહેંચવો પડે અને કદાચ જો આ લોકોમાંથી કોઈ ફૂટી જાય તો!

એટલે તે કશું જ બોલ્યા વગર બેસી રહ્યો. આખરે રાત જામી. સૌકોઈ પોતપોતાના કામધંધે નીકળ્યા. મોટા ભાગના ચોરો ઊભા થતી વખતે રમણકાકાને પગે લાગ્યા. રમણકાકા પણ જાણે બહુ મોટા તાંત્રિક હોય એમ આંખ બંધ કરીને બેઠા હતા. અચાનક એક જણનો હાથ પકડીને કહે, આજે ઘાબાજરિયું વધારે રાખજે. તો કોઈકની સામે જોઈને કહે આજે રોકડ મળે તો ન લેતો, ખાલી ઘરેણાં જ હોં અને હા, ઈંટનું ત્રિકોણ કર્યા વગર ઘરમાં ન જતો.

સૌકોઈ માટે આ રોજનું હતું. એમ કહેવાતું કે ચોરકપ્પાને કારણે રમણકાકામાં એ તાકાત હતી જ કે તેઓ ચોરીની ભવિષ્યવાણી કરી શકે.

જન્માક્ષરના ગ્રહોની સ્થિતિ જોઈને ભવિષ્ય કહેનાર ઘણા વિદ્વાન પંડિતો આ જગતમાં છે, પણ અહીં તો કોઈ ચોરકપ્પા જેવી વસ્તુ જેકોઈએ આજ સુધી જોઈ પણ નથી એ હોવાના દાવા સાથે એક સાવ મજૂર જેવો દેખાતો માણસ જેનું નામ પણ રમણલાલ જેવું સાદું છે એ ચોરોનો પંડિત ગણાતો હતો.

સૌકોઈ નીકળ્યા. જેના દીકરા કામધંધે વળગી ગયેલા એવા વડીલો પણ પોતપોતાના ઝૂંપડા તરફ જવા નીકળ્યા. છેલ્લો કશ લઈને બીડીનું  ઠૂંઠું એક તરફ નાખીને હાથ મસળીને બન્ને હથેળી આગ તરફ કરી શેકવા જાય ત્યાં રમણકાકાની નજર રઘલા પર પડી.

‘ચમ લ્યા... તારે આજે હાથફેરો નથ કરવાનો? તબિયત તો હારી છન?’ આમ પૂછતી વખતે રમણકાકાની આંખો સહેજ ઝીણી થઈ અને એ રઘલાના કપાળે કંઈક વાંચતા હોય એવું લાગ્યું.

રઘલો મનોમન ગભરાયો. તેને થયું કે જેના દાદાએ વૈતાળ સાધીને ચોરકપ્પો મેળવ્યો હોય એ માણસને તો હું કશું નહીં કહું તોય સઘળું ખબર પડી જશે, પણ જો હું કહી દઉં અને તે ના પાડી દે તો?

‘કંઈ નહીં કાકા, આજ જરા થાક્યો ઈટલે નહીં જઉં’ ખોટેખોટું હસતાં-હસતાં રઘલાએ ટૂંકમાં પતાવ્યું.

‘ઇમ તંઈ ઘેર ખજાનો ભરેલો હશે નઈ?’ ચોર ચોરી કરવા ન ગયો એ જોઈ જાણે પોતાના કર્મમાંથી વિમુખ થયેલો હોય એમ તે ચિડાયા.

‘ના કાકા, એવું કંઈ નથી... પણ...’ રઘલો અટવાયો.

‘પણ હું? ભસને તો ખબર પડે’. કાકાનો ચીડિયો સ્વભાવ તેમના શબ્દોમાં ડોકાયો.

‘કંઈ નહીં, જઉં સું’ એમ બોલી તે રમણકાકાના પગને અડક્યો ન અડક્યો અને ઊઠીને વસ્તી તરફ ગયો.

લગભગ દરેક ઝૂંપડાની બહાર કાથીનો ખાટલો મૂકેલો હોય અને એના પર ચાદર અને કાળો કામળો પડ્યો હોય. દરેક ખાટલાની બાજુમાં પાણીનો લોટો અને અડધી રાતતે બનાવેલો રોટલો અને લસણની ચટણી મૂકી હોય. મોટા ભાગે પરણેલા દરેક ચોરોની પત્ની અડધી રાતે આ બનાવીને મૂકે એટલે સવાર સુધીમાં કામથી થાકીને આવેલો પતિ કે પુત્ર આ જમીને સૂઈ જાય. આમ તો ઘરના દરવાજાની બહાર જ ઘાબાજરિયું પણ હોય એટલે કદાચ કૂદતાં કે પકડાઈ જતાં માર વાગ્યો હોય તો એમાં રાહત રહે.

રઘલાએ ઘરની બહાર મૂકેલા ખાટલામાં આવીને પડતું નાખ્યું. ઉપર આકાશમાં તારા ચમકતા હતા. તે નાનપણથી આકાશને જોતો ત્યારે તેને થતું કે પોતે સૌથી દૂર આવેલો નાનકડો અને નિસ્તેજ તારો છે. તેની નજર હંમેશાં મોટા અને સૌથી વધારે ચળકતા તારા પર જ રહેતી. મનોમન તે કહેતો કે એક દી એ આવો ચમકતો તારો થશે.

પણ આજે ચિંતા જુદી હતી. પોતે ચોર હતો. પરંપરાથી બાપદાદાનો આ ધંધો હતો. એમાં તેને મન કશું ખોટું નહોતું, પણ આ વખતે ચોરી કરવાની નહોતી. કોઈકને કિડનૅપ કરવાનું કામ ગુંડાઓનું હોય, પોતે તો ચોર કળાનો સાધક બાપદાદાની બનાવેલી અને રમણકાકાએ શીખવાડેલી સિદ્ધાંત સાથેની ચોરી જ કરી હોય એટલે મૂંઝાયો.

મૂંઝારો હતો કે આ કામ કરું કે નહીં. આમ તો એ કાળિયા ઠાકરનો ભગત. ચોરી નાનપણથી જ બહુ ગમે નહીં, પણ ઊછરેલો એ વાતાવરણમાં કે બીજું કશું તો આવડે પણ નહીં. એટલે જ તો ભગવાનને પ્રર્થના કરી હતી કે એવો કોઈ રસ્તો બતાવે કે એક હાથ મારે અને પછી કશું કરવું જ ન પડે.

ચોરી તેને આવડતી હતી, પણ માણસને કિડનૅપ કરીને પૈસા પડાવવા એ તેને માટે જીવનનો સૌથી પહેલો પ્રયત્ન હતો એટલે જ કેમ કરીને સઘળું થશે એ વિચાર તેને ઊંઘવા નહોતો દેતો.

એ પડખું વળ્યો અને ચમક્યો. ખાટલાની એક બાજુએ કાળી કામળી માથા સુધી ઓઢીને રમણકાકો બેઠો-બેઠો તેને ટગર -ટગર જોતો હતો.

‘ઓ કાકા તમ અહીંયાં...’ રઘલો ખાટલામાં સફાળો બેઠો થયો.

કાકા નીચેથી ઊભા થઈ ખાટલાના એક છેડે બેઠા અને પોતાના ખિસ્સામાંથી બીડી કાઢી તેની સામે ધરતાં કહ્યું ‘હું છે એ કે હવે ચલ, મન ખબર છે તારા મગજમાં કાંઈ મોટું ચાલે છે...’

રઘલાએ ધ્રૂજતા હાથે બીડી ખેંચતાં તૂટક અવાજે આખી ઘટના કહી દીધી. પોતે શું યોજના કરી છે અને હવે કઈ વાતની ગભરામણ છે એ પણ કહ્યું.

આખી યોજના સાંભળ્યા પછી રમણકાકાની ઘરડી આંખોમાં એક અજબની ચમક આવી. જાણે વર્ષો પછી કોઈ અલગ કામ કરવાની તેમને તક મળી હોય એમ તેમણે રઘલાને કહ્યું કે પોતે તેની જોડે છે અને બન્ને ભેગા મળીને એ માણસને કિડનૅપ કરીશું.

ચોરકપ્પાનો સાધક અને આખી ચોરોની વસ્તી જેને સંપૂર્ણ તજ્જ્ઞ માનતી એ માણસ હવે પોતાની સાથે છે એ વાતથી રઘલામાં જબરદસ્ત આત્મવિશ્વાસ આવ્યો.

બીજો દિવસ લગભગ આખો બન્ને જણે સંજયના ઘરની સામે આવેલી સાઇકલની દુકાનની પાછળ બેસીને કાઢ્યો. કિડનૅપ કરવાના અનેક પ્લાન રઘલાના મનમાં આવે અને દરેકમાં શું તકલીફ આવી શકે એ સમજાવી રમણકાકા એ પ્લાનને નકારી નાખે.

આખરે કંટાળીને રઘલાએ કહ્યું ‘તંઈ હવે, તમે જ કહોને કે કઈ રીતે તેને ઉઠાવવો?’

લગભગ ૨૦ મિનિટ સુધી કશું જ બોલ્યા વગર રમણકાકા જમીન તરફ એકીટશે જોતા રહ્યા. આ દરમ્યાન ઘણી બીડીઓ પણ ફૂંકી મારી. અચાનક કશુંક સ્ફુર્યું. હાથમાં રહેલી બીડી જમીન પર પછાડી, એને પગ વડે જોરથી દબાવતાં બોલ્યા..

‘રઘલા, મળી ગયું... એક કોમ કર... સત્યનારાયણનો શિરો બનાવો...’

સત્યનારાયણના શિરાને અને કિડનૅપને શું લાગેવળગે? એ ન સમજી શકેલ રઘલો ગૂંચવાયો.

આ તરફ સંજયના ઘરના બીજા માળે એક પગ પર બીજો પગ ચડાવી બેઠેલા ઈશ્વરલાલ ગગનવાસીના મોઢામાં આ સાંભળીને પાણી આવ્યું.

(વધુ આવતા અંકે)

Whatsapp-channel Whatsapp-channel

29 December, 2019 03:34 PM IST | Mumbai | Dr. Hardik Nikunj Yagnik

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK