કથા-સપ્તાહ - મર્યાદા (વાંધોવચકો - 3)

Published: 20th September, 2012 06:37 IST

‘આવી છે મારી મા,’ અનુજે દેવયાનીબહેનનું શબ્દચિત્ર દોરી આપ્યું, ‘માની વાણીમાં કડવાશ હશે, તેના હેતમાં કચાશ નથી.’રાવી ધ્યાનથી સાંભળતી હતી.

‘આ બધી ચોખવટ એટલા માટે કરું છું, રાવી કે લગ્ન પછી તને ફરિયાદ ન રહેવી જોઈએ. મારાં ફોઈ, માસી, મામી ઘણી વાર મને માને સમજાવવાનું કહેતાં હોય છે, પણ ખબર નહીં, મને એની જરૂર જણાતી નથી. માના બરછટપણાને હું દોષ તરીકે નહીં, સ્વભાવગત મર્યાદા તરીકે જોઉં છું, જે દરેકમાં એક યા બીજા પ્રકારે વધતેઓછે અંશે હોવાની. મારામાં પણ હશે. જો મા મને એ મર્યાદા સાથે સ્વીકારી શકતી હોય તો દીકરા તરીકે મને તેની મર્યાદા શું કામ ખટકવી જોઈએ?’

રાવી અંજાઈ.

‘મારી જીવનસંગિની મારી માતાની મર્યાદા સમજી-સ્વીકારી ગૃહપ્રવેશ કરે એટલું જ હું ઇચ્છું છું.’

‘અનુજ...’

ડાબા હાથે જમણા હાથની બંગડી રમાડતી રાવી ટટ્ટાર થઈ. નેત્રસંધાન કર્યું.

‘મા આખરે મા! જેની મમતાને કોઈ મર્યાદા નથી સ્પર્શતી, તેના સ્વભાવને મૂલવનારાં આપણે કોણ?’

અનુજની આંખોમાં ખુશીનો ચમકારો ઊપસ્યો.

‘જોકે મર્યાદા વહુને પણ હોય.’

રાવી પોતાનું દુ:ખડું ઉખેળી બેઠી. મિત્ર સમક્ષ હૈયું હળવું કરતી હોય એવો એમાં ભાવ હતો.

‘હું ભાભીની બૂરાઈ નથી કરવા માગતી, પણ મરતી વેળા પપ્પા-મમ્મીને તેમના કારણે જ ખટકો રહ્યો હશે એ મારાથી ભુલાતું નથી. અરે, જીદ કરી મેં તેમને મલેશિયા મોકલ્યાં ન હોત તો તેઓ દુર્ઘટનાનો શિકાર બનત નહીં એમ વિચારી ખુદને માફ કરી શકું એમ નથી.’

રાવીનો કંઠ ભીંજાયો.

સાસુ-સસરાના અવસાનના ત્રીજા દિવસથી સ્વાતિએ જૉબ શરૂ કરી દીધેલી. ગામથી આવેલા સગાં-સંબંધીની હાજરીનોય મલાજો નહોતો રાખ્યો તેણે!

માતા-પિતાના અણધાર્યા દેહાંતથી ગમમાં ડૂબેલી રાવીથી આ ઉદ્ધતાઈ સહન ન થઈ. મારાં મા-બાપના નિધનનોય શોક નહીં? પુત્રીની પઝેસિવનેસ જાગી ઊઠી. બધાની વચ્ચે ચીસ જેવા સ્વરે તેણે ભાઈને પૂછેલું, ‘મોહિતભાઈ, તમારાથી ભાભીને ઇનકાર ન થયો? પાછાં રંગીન કપડાં પહેરીને ગયાં! ભાઈ, આપણાં મા-બાપ મયાર઼્ છે. મહોલ્લાનું કૂતરું નથી મર્યું!’

રાવીના આક્રંદમાં રોષ હતો.

મોહિતનું હૈયું હચમચી ઊઠ્યું. માવતરનું અચાનક ચાલ્યા જવું તેનેય હેબતાવી ગયું હતું. તેમના હેતનાં અનેક સ્મરણોમાં તે ભીંજાયો હતો. સ્વાતિની જોહુકમી તેમણે મારા સુખ ખાતર સહી એમ વિચારતો ત્યારે થતું, કાશ, સ્વાતિ મારા પેરન્ટ્સને સ્વીકારી શકી હોત! એમાં બહેનના રુદને પત્નીની ચેષ્ટા ખટકવા લાગી. સ્વાતિને ફોન જોડી તરત ઘરે આવી જવાનું ફરમાન અપાયું. રાવીને થયું, ભાઈમાં વ્યવહારુબુદ્ધિ આવી ક્યારે? પપ્પા-મમ્મી પાછાં થયાં ત્યારે! ખેર, દેર આયે, દુરસ્ત આયે! પતિના હુકમે સ્વાતિ પરત થઈ, સફેદ વસ્ત્રો ધારણ કરી બેસણામાં બેઠી ત્યારે રાવીએ માનેલું કે ભાઈનો કડપ કામ કરી ગયો. કેટલી મિથ્યા ભ્રમણા હતી એ!

રાત્રે બધાના સૂતાં પછી મોહિતને લઈ સ્વાતિ રાવીના કમરામાં આવી હતી. દરવાજો બંધ કરી અસલી રૂપ ઉઘાડ્યું હતું : રાવી, પપ્પા-મમ્મી જતાં જ તારું પોત પ્રકાશ્યું? મારા વરની ચડામણી બંધ કર! મારાં મા-બાપ મરશે ત્યારે હું તમને નથી કહેવાની કે સફેદ લૂગડાં પહેરી સોગિયું ડાચું કરી શોકસભામાં બેસી રહો, નો! તો પછી અત્યારે તમે મને શું કામ મજબૂર કરો છો? મોહિત, રાવી ભેગો તું પણ સેન્ટિમેન્ટ ફૂલ બની રહ્યો છે? અરે, રાવીના હૈયે ગિલ્ટ છે. એના પાપે તમારાં મા-બાપ મયાર઼્ છે...’

સ્વાતિનો સ્વર ધીમો હતો, પણ એમાં ફૂંફાડો તીવ્ર હતો. રાવીની દુખતી રગ પર તેણે હાથ મૂક્યો હતો.

‘એનો બોજ મને જિંદગીભર રહેશે, ભાઈ, પણ...’

‘હવે પણ-બણને અવકાશ જ નથી, રાવી! મેં કદી પપ્પા-મમ્મીનું અમંગળ ઇચ્છ્યું નહોતું, કદાચ તેંય નહીં ઇચ્છ્યું હોય, પરંતુ આજે એ બન્યું છે ત્યારે શોકનો દેખાડો કરવાનું મને નહીં ફાવે! મોહિત, બી પ્રૅક્ટિકલ. ગામથી આવેલાં સગાં તો પરવારતાં ગણાય. તેમના નામે કંપનીમાં રજા પાડી આર્થિક નુકસાન વેઠવામાં ફાયદો નથી! મારું માનો, મન પરોવેલું રાખવાના બહાને તમેય કાલથી ડ્યુટીએ ચડી જાવ!’

રાવીને મોહિતની નજર બદલાયેલી લાગી. ભાભીએ બદલવા માગતા ભાઈને ફરી બદલી નાખ્યો!

‘ભલે.’ મોહિતના એકાક્ષરી જવાબે રાવી આંસુ સારીને રહી ગઈ, બીજું થઈ પણ શું શક્યું હોત?

જીવન વહેતું રહ્યું. કૉલેજ, ક્લાસ, એક્ઝામ્સનાં રોકાણોએ રાવીને પૂર્વવત્ કરી, દર્દ હૈયે દબાવી દીધું. મહિના પછી આવતી દિવાળી પણ મોહિત-સ્વાતિએ ધૂમધામથી મનાવેલી, જ્યારે રાવીએ દીવા તળેના અંધારામાં મૃત માતા-પિતાની પુષ્ણસ્મૃતિમાં અશ્રુ વહાવેલાં.

રાવી ગ્રૅજ્યુએટ થતાં જ સ્વાતિએ તેને પરણાવવાની તજવીજ હાથ ધરી : દીકરીનાં લગ્નની આર્થિક વ્યવસ્થા પપ્પા પાર પાડી ચૂકેલા એ અનુસાર આપણે કશું કરવાનું રહેતું નથી. રાવી છે મિડલક્લાસ મણિબહેન જેવી, તેને એવી ટાઇપનો જ છોકરો ચાલશે! તેમણે મુરતિયા જોવા શરૂ કર્યા. દેવયાનીબહેન વિશે સાંભળ્યું હોય તોય રાવીને બ્રીફ નહોતી કરી.

ભાભીને નણંદનાં લગ્નની હોંશ ન હોય, પણ ભાઈનેય બહેનને વળાવવાનો ઉમંગ ન હોય એ કેવું? બન્ને માટે પોતે એક જવાબદારી હતી, જે પિતાની મૂડી થકી પાર પાડવાની હતી. બસ! અરે, એ પૈસા પર તેમની નજર ન બગડી એ જ ગનીમત. રાવીનું મન પિયરમાંથી ઊઠી ગયું. મનગમતા પાત્ર સાથે નવી કેડી કંડારવાની ઇચ્છા જાગી.

‘તમારી વેદના મને સ્પર્શે છે, રાવી.’

રાવીનું કથાનક સાંભળી અનુજે તેનો પહોંચો દબાવ્યો.

‘તમારા પેરન્ટ્સ સાથે જે બન્યું એ કેવળ અકસ્માત હતો રાવી, એની ગિલ્ટ અનુભવવાનું આ પળથી ત્યજી દે. હા, તેમની યાદમાં ક્યારેક આંખ ભીની કરતાં હું તને રોકીશ નહીં.’

રાવીને લાગ્યું, જાણે દૂઝતા ઘાની કોઈએ મલમપટ્ટી કરી. પછી અનુજના એકવચનનો ખ્યાલ આવ્યો.

‘હા રાવી, હું તારું એ મનગમતું પાત્ર બનવા માગું છું.’ અનુજના સ્વરમાં કેફ ઘૂંટાયો, ‘જો તારી મરજી હોય...’

રાવીના ચહેરા પર લજ્જાની રતાશ ફરી વળી.

* *  *

દેવયાનીબહેનને પણ કન્યા ગમી હતી. બન્ને પક્ષની ‘હા’ થતાં ગોળધાણા ખવાયા, વેવિશાળના દિવસે અનુજના કઝિન્સને મળી રાવી ખુશ થઈ : આખરે પોતાને એવો પરિવાર મળ્યો, જ્યાં સૌ એકમેકની ખુશી ઇચ્છતા હોય! ત્યાં...

‘અરે વહુ!’ દેવયાનીબહેન સ્ટેજ પર ચડી આવ્યાં, ‘તારા ચોલીસૂટની ઓઢણીનો છેડો તો ઠીક રાખ. એય તને શીખવવાનું?’

તેમના ઠપકાના તેવરે હાજર પરિવારજનોમાં હળવો સોપો સર્જી દીધો. ઘરની અન્ય વહુઓને ઠપકારતાં દેવયાનીબહેન પોતાની સગી વહુમાં

ભેદ કરશે એવું તો કોઈ માનતું નહોતું, પણ લગ્ન પહેલાં જ વરસી પડશે એવી ધારણા નહોતી, પણ...

‘તમારા જેવાં ટીચર હોય મમ્મીજી, તો હું ફરીથી એકડો ઘૂંટવા તૈયાર છું!’

મધ જેવું મીઠું મલકી સાસુજીને ગળે મળી રાવીએ વહાલ જતાવતાં દેવયાનીબહેનનો ગુસ્સો કપૂર થઈ ગયો.

વહુઓ અચંબિત થઈ, વડીલોએ મલકતાં અનુજ તરફ હાશકારો જતાવ્યો : દેવયાનીબહેનને વહુ પણ દીકરા જેવી જ ઠાવકી મળી!

 * *  *

‘ઍટ લાસ્ટ... તમારી બહેનનાં લગ્ન પત્યાં!’

વાડીએથી પરત થઈ સ્વાતિએ સોફામાં પડતું મૂક્યું. પ્રસંગ રંગેચંગે પાર પડ્યાની ખુશીમાં કંટાળો વધુ હતો.

‘બાપ રે. તમારી બહેનની સાસુ તો ભાઈ કમાલ છે! મારી સાસુ હોય એમ મારી બૅકલેસ ચોલીનો તેમને વાંધો પડ્યો - બોલ્યાંય કેવું તોછડાઈથી - ઘરની વહુ આવાં કપડાં પહેરે એ સારું લાગે? અલી બાઈ, મારે શું પહેરવું એ નક્કી કરવાવાળી તું કોણ?’

સ્વાતિના અસ્ખલિત વાક્પ્રવાહથી અલિપ્ત હોય એમ મોહિત ખુરસી પર માથું ઢાળી ગયો. ભીતર કંઈક વલોવાતું હતું, પણ એ શું છે એની સમજ નહોતી પડતી. થોડી વારે સ્વાતિનું ધ્યાન ગયું, ‘સૂઈ ગયો, મોહિત?’

મોહિતે એકદમ પત્નીના ખોળામાં માથું મૂક્યું.

‘રાવી આજે પારકી થઈ, સ્વાતિ. અહીં અમે કેટલું લડતાં, ઝઘડતાં અને રમતાં!’ તેણે નિ:શ્વાસ નાખ્યો, ‘પહેલાં પપ્પા-મમ્મી ગયાં, હવે રાવી... ઘર  સાવ સૂનું થઈ ગયું, સ્વાતિ!’ મોહિતને અશ્રુ ફૂટ્યાં.

સ્વાતિએ મોં મચકોડ્યું. લાગણીના અભાવમાં ઊછરેલી સ્વાતિને લાગણીનો ભાવ સમજાતો પણ નહીં ને પરખાતો પણ નહીં. મા-બાપનો સ્વભાવ ઝઘડાળુ, બાળકો પર એના શું સંસ્કાર પડશે એ જોવા-સમજવાની તેમની વૃત્તિ નહોતી. પરિણામે બન્ને બહેનો પોતાની મેળે, પોતાની રીતે જીવવા ટેવાયેલી. મોટી શિવાની એકલપટા બિઝનેસમૅનને પરણી બૅન્ગલોર સ્થાયી થઈ હતી. ભાગ્યે જ મુંબઈ ફરકતી. બૅન્કમાં જૉબ કરતી સ્વાતિએ મોહિતનું પોતાના પ્રત્યેનું આકર્ષણ પારખ્યું. ઇજનેર મોહિત બધી રીતે એલિજિબલ જણાયો, જેને કદાચ એ પ્રેમ સમજી.

છતાં પોતાના અને મોહિતમાં રહેલા મૂળભૂત તફાવતની તેને જાણ હતી. મોહિત તેની ફૅમિલીને ચાહતો. તેના રાજીપા ખાતર થોડો વખત તો તે મીઠાબોલી બનીને રહી, પણ એ તેનું સ્વભાવગત લક્ષણ નહોતું. મોહિત પોતાની કાયા-માયામાં રમમાણ થવાની ખાતરી થતાં તેણે નૈસર્ગિકપણે વર્તવાનું શરૂ કર્યું. કુટુંબમાં ધરતીકંપ મચ્યો, જેનું ફળ સ્વાતિને અનુકૂળ નીવડ્યું - મોહિત તેના પક્ષે રહ્યો.

હવે રહી-રહીને તેનામાં વિષાદના અંકુર ક્યાં ફૂટ્યા! પરિવારપ્રેમનો વાઇરસ ક્યાંક હજીયે સળવળી રહ્યો છે, શું એનું કોઈ મારણ નહીં હોય?

સ્વાતિએ થાક અનુભવ્યો. મોહિતને પોતાનો કરવા પોતે કેટલું મથી! મારાં શસ્ત્રો નકામાં હતાં કે મારી નીતિ?

જાતતપાસની સ્વાતિને ટેવ નહોતી. તે અક્કડ બની.

‘તમે બહેનના નામે રડો છો, મોહિત, પણ તે તો કેવી હરખભેર સાસરાની ગાડીમાં નીકળી ગઈ!’

‘ધૅટ્સ ઇટ,’ મોહિતને પજવણીનું મૂળ મળ્યું, ‘સાસરું ગમે એટલું સ્નેહાળ હોય, પિયરનું દ્વાર છોડતાં દીકરીને દુ:ખ થવાનું જ! રાવીને ન થયું એનો અર્થ એ કે અહીં તે ખુશ નહોતી, સુખી નહોતી! કેમ સ્વાતિ, કેમ?’

મોહિતની આદ્રર્તા સ્વાતિને પજવી ગઈ.

‘એ તમે જાણો ને તમારી બહેન જાણે! એટલું કહી દઉં કે મને આમાં જવાબદાર ઠેરવવાની કોશિશ ન કરતા!’

સ્વાતિ સડસડાટ રૂમમાં જતી રહી. મોહિતને સૂનકારો વધુ ચૂભ્યો. વિવાહથી લગ્નના ગાળામાં, સાચું પૂછો તો પોતે રાવીને કેટલો સમય ફાળવી શક્યો? ચેક આપવાથી જ મારી ફરજ પૂરી થઈ? અરે, લગ્નનું મોટા ભાગનું શૉપિંગ પણ રાવીએ અનુજકુમારની ભાભી-બહેનો ભેગું કર્યું હતું. તેની શું ઇચ્છા છે, તેને શું જોઈએ છે, અરે, અનુજ સાથે ખુશ છેને એટલુંય કદી મેં પૂછ્યું? કેમ ન પૂછ્યું!

‘લગ્નના નામે મને ઘરમાં કોઈ મહેમાન ન જોઈએ.’ સ્વાતિએ સ્પષ્ટ કહેલું ત્યારે રાવીએ માત્ર ખભા ઉલાળ્યા હતા. રસમ મેંદીની હોય, પીઠી ચોળવાની કે પછી સપ્તપદીની - સગી બહેનની શાદીનો ઉમળકો કેમ મારામાં ન ધબક્યો? હવે તે ગઈ ત્યારે... માણસની કિંમત તેની વિદાય પછી જ સમજાતી હશે?

‘હવે અંદર આવશો કે પછી બહેનના ગમમાં સંન્યાસ લઈ લેવો છે?’ બેડરૂમમાંથી સ્વાતિનો આકરો સ્વર પડઘાયો. નિ:શ્વાસ નાખી મોહિતે કદમ ઉપાડ્યાં.

* *  *

‘પધારો વહુરાણી!’

અનુજના ઘરે, મેનકાભાભીએ વરઘોડિયાની સ્વાગતવિધિ પતાવી. ગૃહપ્રવેશ કરતી રાવીના ચિત્તમાં પિતાની શીખ પડઘાઈ : જે ઘરમાં કંકુપગલાં પાડે એના ઉંબરની મર્યાદાની રક્ષા કરજે!

સંકલ્પ ઘૂંટતી રાવીને જાણ નહોતી કે પિતાને કારણે જ પોતે ઉંબર બહાર થવાના સંજોગો સર્જાવાના છે!

(ક્રમશ:)

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK