Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > કથા-સપ્તાહ: વૈદેહી- (દિલ ઔર દુનિયા - 3)

કથા-સપ્તાહ: વૈદેહી- (દિલ ઔર દુનિયા - 3)

23 January, 2019 12:26 PM IST |
સમિત પૂર્વેશ શ્રોફ

કથા-સપ્તાહ: વૈદેહી- (દિલ ઔર દુનિયા - 3)

લઘુકથા - વૈદેહી

લઘુકથા - વૈદેહી


જમી પરવારતાં સહેજે નવ વાગી ગયેલા. ઊંધિયું-પૂરી ખરેખર સ્વાદિષ્ટ હતાં. વૈદેહીએ ૨સોડું ફટાફટ આટોપી લીધું એ જોઈને અક્ષત અચંબિત થયેલો, ‘દીદી, આટલું કામ કરતાં ભાઈ પૂરો કલાક લગાડે હોં!’

‘બેસ દોઢડાહ્યા. કાલથી તારે જ કરવાનું છે, જોઈ લે હવે.’



‘એના કરતાં દીદીને જ આપણે અહીં બોલાવી લઈએ તો?’


અક્ષતનો પ્રશ્ન જુવાન હૈયામાં ગલીપચી કરી ગયેલો. આરવનો નજરભાવ કળાતો હોય એમ વૈદેહીનું હૈયું ઉમડઘૂમડ થતું હતું.

‘અચ્છા, અક્ષુ તારી દીદી અહીં કાયમ માટે આવી જાય તો તને ગમે?’


ઓ મા. આ પ્રશ્નનો અર્થ અક્ષત ન સમજ્યો, પણ વૈદેહી એવી તો થથરેલી. આરવ મને હોટેલમાં પણ ડિનર કરાવી શકત. ઘરે તેડાવવાનો, મારી આટલી આવભગત કરવાનો તેમનો ઉમળકો જ લાગણીનું-અંતરનું પ્રતિબિંબ નથી?

‘દીદી આવી જાય તો કોને ન ગમે! જાણો છો ભાઈ, મને ભટકતો રોકવા વૈદેહીદીદીએ જે કર્યું એ જાણ્યા પછી મને તેમનામાં તમારો આભાસ થાય છે.’ ગંભીરપણે કહેવાયેલા વાક્ય પછી આરવે કશું પૂછવા-કરવાનું રહેતું નહોતું. વાત હવે કયો વળાંક લેશે એની નર્વસનેસ પજવતી હોય એમ વૈદેહીએ ઘરે જવાની રજા માગી તો આરવે કારમાં મૂકી જવા કહ્યું. જોડે અક્ષત તો હોય જ.

‘અમે એટલા અમીર તો નથી વૈદેહી. આ સ્મૉલ કાર લોન પર લીધી છે. બટ યસ, કાલે શું ખાઈશું એવી ચિંતા પણ નથી.’

પુરુષ પોતાની આર્થિક સ્થિતિનો ચિતાર સ્ત્રીને ક્યારે આપે? વૈદેહી પોતે બરાબર સમજી હતી અને સાચું જ સમજી હતી.

‘તારા પપ્પા તો રિટાયર્ડï છેને વૈદેહી?’

પપ્પા. વૈદેહી જાણે ધરતી પર પટકાઈ. ઘરનું અસલી ચિત્ર હજી આરવને ક્યાં કહેવાયું છે? તે તો ક્લાસમાં બીજા જાણે છે એટલું જ જાણે છે : મારા પપ્પા બૅન્કની સર્વિસમાંથી રિટાયર્ડ થયા છે, ઘરે મા છે, નાની બહેન છે. મા સાવકી છે અને બેવડું રૂપ ધરાવે છે એ વિશે ક્યાં કહી જ શકી છું?

વૈદેહીને અજંપો થયો. આજ સુધી મન આરવને ન કહેવામાં સલામતી શોધતું હતું, હવે છાનું રાખવા બદલ અસલામતી પજવવા માંડી. હવે કહીશ તો આરવ એમ તો નહીં માનેને કે મેં તેમને અંધારામાં રાખ્યા? જીવનની સૌથી વસમી પીડા ન દેખાડી શકનારી સહજીવનનો કૉલ શું નિભાવવાની! ના, ના, મારી આર્થિક સ્થિતિથી તે અજાણ નથી. મારી ફૅમિલી વિશે બધું જાણ્યા પછી આરવ મારી માનસ સ્થિતિ પણ સમજશે... હવે તેમને બધું કહેવામાં દેર નથી કરવી. કાલે જ તેમને મળીને ખુલાસો કરી લઈશ.

વૈદેહીએ નક્કી કર્યું ત્યાં મંઝિલ આવી ગઈ. કાર તેણે ગલી બહાર જ થંભાવી. પાર્ટી બદલ આભાર માનીને તે નીકળી.

‘શું થયું ભાઈ?’ આરવ કાર હંકારવાને બદલે ક્યાંય સુધી તેની દિશામાં તાકી રહ્યો એટલે અક્ષતને

મોડી-મોડી ટ્યુબલાઇટ થઈ, ‘દીદી તમને ગમે છે ભાઈ?’

‘બહુ જ.’ અસાવધપણે આરવથી બોલી જવાયું. એવો જ અક્ષત ઊછળ્યો, આરવનો ગાલ ચૂમ્યો : વાઉ બિગ બ્રધર! પછી ઇન્સિસ્ટ કર્યું, ‘ચલો, કાર અંદર લઈ લો... અહીં સુધી આવ્યા જ છીએ તો ભાભીના પેરન્ટ્સને મળી લો.’

આરવથી ઇનકાર ન થયો. હાસ્તો. શુભ કામમાં આજની કાલ શું કામ કરવી? વૈદેહીનું હૈયું પારખવામાં મેં થાપ નથી ખાધી. પ્રસ્તાવ તો મૂકી જ દઉં, પછી તેનો જે ફેંસલો હોય એ!

અને તેણે કાર ચાલીના કમ્પાઉન્ડમાં વાળી.

€ € €

‘મા, તમારી બત્રીસલક્ષીણી દીકરી આવી ગઈ.’ વૈદેહીએ રણકાવેલી ડોરબેલના જવાબમાં બારણું ખોલનારી ચેતનાએ દાઢમાં માને સાદ પાડ્યો, ‘પૂછો તેને ક્યાં રમી આવ્યા રાસ રે.’

આમાં નાના-મોટાનો મલાજો ક્યાંય નહોતો.

‘તુંય ચેતના, બેસ છાનીમાની.’ રૂમમાંથી આવતાં લલિતાબહેન પોતાની દીકરીને ઠપકારે એ અજબ લાગે, પણ પછીનું વાક્ય સાંભળો તો તેમની ગણતરીનો ફોડ પડે, ‘આ તારી મોટી બહેને આપણી આબરૂનો ધજાગરો કયોર્ એ ઓછો છે કે તું એનું ગામગજવણું કરવા બેઠી.’

આજુબાજુમાં સંભળાય એમ તો તે ખુદ બોલી રહ્યાં હતાં. ખરેખર તો આવા મોકા ઓછા મળતા. સાવકી દીકરીના ગુણ-ચારિત્ર્યમાં લલિતાબહેનને પોતાને તો ક્યારેય શંકા-વહેમ રહ્યાં નહોતાં, પણ એવું કબૂલવું જ શું કામ? બલકે નફ્ફટ બનીને વૈદેહીમાં ન હોય એવા અવગુણ ઊપજાવીને પ્રચાર કરવાનું તેમને ફાવી ગયેલું. ક્યારેક તો વૈદેહી થાકશે, ઝઘડશે ને એ બહાને તેને દરવાજો દેખાડી દેવાશે એવી ગણતરી સરી નહીં; કેમ કે વૈદેહી ઝઘડતી જ નહીં. એય પછી ફાવતું પડ્યું. પહેલાં ઘરનું વૈતરું અને પછી એ ઉપરાંત નોકરી કરતી થયેલી વૈદેહીને પરણાવવાની તેમની કોઈ મનસા નહોતી. એટલે તો કહેણ પોતે મૂકતા નહીં ને વરણાગીવાળી વૈદેહીની છાપ એવી જમાવી છે કે હવે તો પ્રસ્તાવ પણ આવતા અટકી ગયા છે. પછી લલિતાબહેન સાવકી દીકરીના ભાવિ બાબત નચિંત જેવાં બન્યાં હતાં - તેની આખી જિંદગી આપણી સેવામાં જ જવાની!

આજની જેમ નોકરીએથી આવવામાં વૈદેહીને ક્વચિત્ મોડું થઈ જતું. ક્લાસમાં ઓવરટાઇમ કરવો પડે તો તે ટેક્સ્ટ મેસેજ કરી દેતી. એની જોકે મા-દીકરીને દરકાર રહેતી નહીં. પણ આજનો મેસેજ જુદો હતો - મારે પાર્ટીમાં જવાનું છે એટલે મોડું થશે...

પાર્ટી શબ્દ ખળભળાવા પૂરતો હતો. પાર્ટી ક્યાં હશે, કોના તરફથી હશે, વૈદેહી કોની સાથે ગઈ હશે? થોડાક મહિનાથી તેનામાં ઝીણો-ઝીણો બદલાવ લાગે છે ખરો. ક્યારેક મીઠા સમણામાં ખોવાયેલી જણાય, કદી કામ ચીંધ્યે કંઈ ને તે કરી પાડે કંઈ. હાય-હાય. તેના પાર્ટીના ફણગાએ થાય છે તે કંઈ લફરું તો નથી કરી બેઠીને! પાર્ટીના જલસા કરાવે એવો પ્રોફેસર શોધી કાઢ્યો હશે કોચિંગ ક્લાસમાં કામ કરનારીએ? એક વાર તો એવુંય થયું કે તેને ફોન કરીને તાત્કાલિક ઘરે તેડાવી લઉં. તે વળી શાની પાર્ટી મનાવે! પછી થયું કે ના, એના કરતાં તેની ઉજાણીને વગોવવાનું વધુ એક સાધન કેમ ન બનાવવું!

એટલે જ મા-દીકરી શરૂ થઈ ગયાં હોય એ વૈદેહીને સમજાય એમ હતું, પણ રાબેતા મુજબ જવાબ આપીને વાત વધારવી નહોતી. આરવને ત્યાં પહેલી વાર ગયાનો ખુમાર નિરર્થક જીભાજોડીમાં શીદ ઓસરવા દેવો?

‘તારાં સગલાંઓ જોડે રખડવા જવાની હતી તો સવારે સાંજનું રાંધીને જવું જોઈએ... બધું મારે કરવું પડ્યું.’

‘પોતાના પેટનો ખાડો પોતે જ પૂરવાનો હોય.’ હોઠ સુધી આવેલો જવાબ વૈદેહી ગળી ગઈ.

‘જોઈ લો તમારી દીકરીનું ચારિત્ર્ય...’ લલિતાબહેને વધુ મોટા અવાજે રૂમમાં પોઢેલા પતિને સંભળાવ્યું, ‘અજાણ્યા મરદો ભેગી રખડતી હોય છે રાતભર. પછી કહેતા નહીં કે લલિતા, તું મારી લાડલીને નાહક વગોવે છે! મને તો લાગે છે કે તમારી પહેલી બૈરીના ધાવણમાં જ મિલાવટ...’

વૈદેહી આંખો મીંચી ગઈ. જુલમને, મેણાંનેય એની સીમા હોય. આ સ્ત્રીને કોઈ હદ સ્પર્શતી નથી?

એ જ વખતે ડોરબેલ રણકી.

‘જુઓ, આ આજુબાજુવાળા પણ તમારી દીકરીનો ભવાડો જોવા આવી ગયા...’ મોટેથી બોલતાં લલિતાબહેને જ દરવાજો ખોલ્યો. જોતાં જ આંખ ઠારે એવા જુવાન સાથે એવા જ તેજીલા કુંવરને ભાળીને હડપચીએ હાથ મૂક્યો, ‘તમે કોણ ભાઈ?’

અજાણ્યાના આગમને વૈદેહી ઊલટી ફરી. જોયું તો આરવ-અક્ષત! જાણે ક્યારથી બહાર ઊભા હશે. માના લવારા તેમણે સાંભળ્યા હશે? તેના વદન પર ક્ષોભ તરવયોર્. આવકારવા આગળ ન વધાયું.

‘જી, હું આરવ; વૈદેહીનો મિત્ર.’

‘મિ...ત્ર!’ લલિતાબહેને કીકી પહોળી કરી, ‘ઓહોહો. તે ભાઈ, આખી સાંજ રાસડા લીધા તોય ધરાયા નથી કે છોકરીના ઘર સુધી તણાઈ આવ્યા?’

‘જી...’ આરવ સહેજ ડઘાયો. વૈદેહીનું ઘર પૂછીને રૂમ આગળ આવ્યા ત્યારે અંદરથી પડઘાતાં વાક્યો અસ્વસ્થ કરી ગયેલાં. મા દીકરીને આમ વઢે? અક્ષત તો હેબતાઈ જ ગયેલો. ત્યાં પહેલી બૈરીના ધાવણનો ઉલ્લેખ થતાં કંઈક પલ્લે પડ્યું ને તેણે પાછા વળવાનો નિર્ણય બદલીને ડોરબેલ રણકાવી દીધી.... ધાર્યા પ્રમાણે ક્યારનું કડવું બોલતી કર્કશ સ્ત્રીએ અવળી વાણી જ કાઢી!

કંઈક કહેવા તેના હોઠ સળવળ્યા કે વૈદેહી ધસી આવી, ‘કંઈ જ ન કહો આરવ. બસ, શક્ય હોય તો મને આ નકïર્ની બહાર લઈ જાઓ!’

વૈદેહીનો સંયમ આખરે તૂટ્યો. વિનવણી કરતી તે અશ્રુભીની થઈ ગઈ. તેના વાક્યે, તેની હિંમતે સોપો સરજ્યો. રાજીવભાઈ રૂમમાંથી આવી પહોંચ્યા. ચેતના આભી બની, લલિતાબહેનને કળ વળે કે આરવ કંઈ બોલે એ પહેલાં અક્ષત ઉંબરો ઓળંગીને અંદર આવ્યો.

‘હવે ન રડો ભાભી...’ વૈદેહીનાં અશ્રુ લૂછીને તેણે તેનો હાથ થામ્યો, ‘ચાલો, આપણા ઘરે.’

વૈદેહીએ આરવ તરફ મીટ માંડી.

‘ભાભી? હું કહું પછી ભાઈને પૂછવાનું ન હોય. મારો બોલ ફાઇનલ.’

અક્ષતની લઢણે આરવ હસી પડ્યો, ‘મારો ભાઈ સાચું કહે છે વૈદેહી. ચાલ, આપણા ઘરે.’

અને રાત્રિમુરતમાં ભાભી દિયરનો હાથ પકડીને ઘરનો ઉંબરો ઓળંગી ગઈ એ દૃશ્ય લલિતાબહેન માટે વજ્રાઘાત સમું હતું : અબઘડી સુધી મારા દાબમાં, ધાકમાં રહેલી છોકરી આમ રાતોરાત ઘર છોડી ગઈ?

ગઈ તો ભલે ગઈ, પણ જે દિયરનો હાથ પકડીને ગઈ છે તેના જ હાથે સાસરેથી પણ બહાર ન કઢાવું તો મારું નામ લલિતા નહીં!

€ € €

આરવ વેડ્ઝ વૈદેહી.

પોતાનાં જ લગ્નની કંકોતરી પર હાથ પસવારતી વૈદેહીથી હજીયે જાણે મનાતું નથી.

‘આરવ, મને આ નર્કમાંથી બહાર લઈ જાઓ.’

ના, આમ તો મને સાવકીમાનાં મેણાંટોણાંની નવાઈ નહોતી, પણ અઠવાડિયા અગાઉની એ રાત્રિની પરિસ્થિતિ જુદી હતી.

એક તરફ આરવની પ્રીત ઘૂંટતું હૈયું, બીજી બાજુ તેની સાથે સાંજ ગાળ્યાનો રોમાંચ, ત્રીજા મોરચે આરવને મારા ઘરના વિશ્વની સચ્ચાઈ જણાવવાની તાણ અને તેમની પ્રતિક્રિયાનો અજંપો... ચારેકોરથી ભીંસાતા લાગણીતંત્ર પર મારી માના ધાવણનો વાર થયો ને એ ક્ષણે આરવની હાજ૨ીએ સંયમની પાળ એવી તૂટી કે પોતે આરવ તરફ ધસમસી ગઈ...

‘આ બધું શું હતું વૈદેહી?’ કારમાં અંધેરીના ઘરે પરત થઈ આરવે સ્વસ્થપણે ચર્ચા ઉખેળી હતી. જવાબમાં વરસોનું દર્દ મેં ઉલેચી નાખ્યું હતું... વૈદેહી વાગોળી રહી.

‘સારૂં થયું એ નજારો તમે જાતે જોઈ-સાંભળી લીધો આરવ... બાકી માનો બીજો ચહેરો પુરવાર કરવો કઠિન બન્યો હોત. ઊલટું મારી તેમણે એવી વગોવણી કરી છે કે...’

વૈદેહીના બયાને સ્તબ્ધ બનેલા - કેટલાક લોકો સાચે જ સમાજને છેતરવામાં માહેર હોય છે!

‘આઇ ઍમ સૉરી આરવ...’ વૈદેહીને ખ્યાલ આવ્યો, ‘તમને પૂછ્યા-મૂક્યા વગર હું તમારામાં મારો આધાર ખાળી બેઠી... આઇ મીન, તમને વાંધો હોય યા તમને વિચારવા માટે સમય જોઈતો હોય...’

‘શિશ વૈદેહી...’ પડખે ગોઠવાઈને આરવે તેનો હાથ હાથમાં લીધો, ‘ઊલટું મને થાય છે હું મોડો પડ્યો. કેમ આટલા દિવસ તને દર્દમાં સબડવા દીધી!’

‘ઓહ આરવ!’ વૈદેહી તેના ખભે માથું ઢાળી ગઈ. દરેક આશંકા, ભીતિ નર્મિૂળ થવાની એ ઘડી હતી.

બીજા દહાડે પોતે જોકે વર્કિંગ વુમન હૉસ્ટેલમાં રૂમ રાખી લીધી. લગ્ન પહેલાં સાસરે ક્યાં રહેવાય! આરવે જોશી પાસે કઢાવેલા મુરતમાં હવે માંડ અઠવાડિયું રહ્યું છે અને લગ્નની તૈયારી પુરજોશમાં છે!

અત્યારે કંકોતરી પસવારતી વૈદેહીએ વર્તમાનની કડી સાંધી : ફંક્શન અલબત્ત સાદાઈથી કરવાના છીએ. સોસાયટીની લૉનમાં જ શામિયાણો બંધાશે. આરવ-અક્ષતનાં નિકટનાં સગાં-મિત્રો-પરિચિતો અને મારા પક્ષે કરુણાનો સ્ટાફ. બધું મળી ૬૦-૭૦થી વધુ માણસો નહીં હોય. અલબત્ત, અક્ષતનો થનગનાટ ભારે, આરવનેય હોંશ પણ પોતે લગામ તાણેલી : મૅરેજ વિધિવત્ થાય એનું જ મહત્વ. બાકી ખોટા દેખાડા કરતાં એ રકમ અક્ષતના ફ્યુચર માટે ન વાપરીએ? અહીં MBBS થઈને તે વધુ અભ્યાસ માટે ફૉરેન જવા ઇચ્છે તો પૈસાની અગવડ ન નડવી જોઈએ.

‘વાઉ ભાભી, તમે કેટલું દૂરનું વિચારો છો!’ અક્ષત અભિભૂત થયેલો.

ભાભી. તેનું સંબોધન વૈદેહીને રોમાંચિત કરી ગયું. પિયરમાં પહેલી વાર તેણે ભાભી કહેતાં જાગેલો ખુમાર સળવળ્યો.

‘સાચે જ વૈદેહી, તારા હાથમાં મારું ઘર સોંપીને હું નચિંત બન્યો.’ આરવનું પ્રમાણપત્ર વષોર્ની તપસ્યાના ફળ જેવું મધુરું લાગ્યું હતું.

કરુણામાં પણ મારાં લગ્નની વાત છૂપી નથી. ‘બધું એકાએક થઈ ગયું?’ એમ કોઈ પૂછે ત્યારે બિરજુવાળી ઘટના કહીને વૈદેહી સાવકીમાનો ત્રાસ પણ વર્ણવી દેતી. હવે પડદો રાખવાનો શું અર્થ?

‘વૈદેહી, સાચે જ તારે પિયરમાં તેડું નથી મૂકવું? તારા પપ્પાને પણ નહીં?’ આરવ વારી-વારીને પૂછતો, પણ વૈદેહી સ્પષ્ટ હતી. સાવકી માની પરવાનગી વગર પપ્પા બિચારા આમેય આવી નહીં શકે. તેમને તેમના સંસારમાં રહેવા દો આરવ. તે કદી આપણા ભેળા નહીં થાય, મને એની જરૂર પણ નથી.

આ પણ વાંચો : કથા-સપ્તાહ: વૈદેહી- (દિલ ઔર દુનિયા - 2)

પોતાના શબ્દોમાં વૈદેહીને આજે પણ દ્વિધા નથી. બસ, હવે લગ્ન હેમખેમ પાર ઊતરે પછી જીવનમાં સુખની ક્યારેય કમી નહીં હોય.... જોકે શું થવાનું હતું એની કોને ખબર હતી?

Whatsapp-channel Whatsapp-channel

23 January, 2019 12:26 PM IST | | સમિત પૂર્વેશ શ્રોફ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK