Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > કથા-સપ્તાહ: વૈદેહી- (દિલ ઔર દુનિયા - 2)

કથા-સપ્તાહ: વૈદેહી- (દિલ ઔર દુનિયા - 2)

22 January, 2019 12:36 PM IST |
સમિત પૂર્વેશ શ્રોફ

કથા-સપ્તાહ: વૈદેહી- (દિલ ઔર દુનિયા - 2)

લઘુકથા - વૈદેહી

લઘુકથા - વૈદેહી


અક્ષત શાહ. કેટલો બ્રિલિયન્ટ સ્ટુડન્ટ!

‘મારા નાના ભાઈએ મેડિસિનમાં જવું છે...’



હજી ગયા વર્ષે અક્ષત સાથે તેનો મોટો ભાઈ આરવ અંધેરીથી ક્લાસિસની તપાસ અર્થે આવેલો. વૈદેહીને બરાબર યાદ છે.


ટેન્થમાં ઊંચો સ્કોર કરનાર નાના ભાઈની કારર્કિદી માટે આરવમાં પડઘાતો ઉત્સાહ અનેરો હતો. અત્યંત સોહામણા બે ભાઈઓ વચ્ચે વયભેદ પણ ખાસ્સો. લગભ મારા અને ચેતના જેટલો. એન્જિનિયર થઈને મલ્ટિનૅશનલમાં જૉબ કરતા આરવ વહેજે ૨૫-૨૬ના હશે. અક્ષત તેમનાથી ૮-૯ વર્ષ નાનો.

‘અક્ષત મારા જીવનનું સારસર્વસ્વ છે. માતા-પિતાના દેહાંત બાદ અમે બે જ એકબીજાનો આધાર છીએ. મારાં મમ્મીની પણ બહુ ઇચ્છા હતી કે અક્ષુ ડૉક્ટર બને. હવે તે ખુદ પણ ઇન્ટરેસ્ટેડ છે એટલે આઇ વૉન્ટ ટુ પ્રોવાઇડ હિમ ધ બેસ્ટ કોચિંગ...’


વૈદેહી તેને કન્વીન્સ કરી શકેલી. તેના નિયમિત અપડેટ્સથી આરવ નચિંત રહેતો. અક્ષતને કરુણામાં ફાવી ગયું. એક્ઝામ્સમાં તે મોટા ભાગે ટૉપ કરતો. ૧૭ના ઉંબરે ઊભેલો છોકરો તેજસ્વી દેખાતો એમ તેના વ્યક્તિત્વમાં રહેલું નિર્દોષપણું સ્પર્શી જતું. બીજા છોકરાઓની જેમ આવતાં-જતાં વૈદેહીને ‘નમસ્કાર દીદી’ કરે એમાં નાનકડો ફેર રહેતો.

‘દીદી, ભાઈએ તમને યાદ આપી છે.’ ખાસ તો દિવાળી કે ન્યુ યરના વાર-તહેવારે અક્ષત સંદેશો પાઠવવાનું ચૂકે નહીં. ક્યારેક વૈદેહીની ડેસ્ક પર ગૂંજતું લતાનું ગીત સાંભળીને બોલી જાય - આ સૉન્ગ તો મારા આરવભાઈનુંય ફેવરિટ છે.

મારા આરવભાઈ. મારો અક્ષત. બે ભાઈઓને કેવું બને છે! આખરે લોહીનો સંબંધ.

‘તમે જરા તેનું ધ્યાન રાખજો હોં...’ હજી છ મહિના અગાઉ નવા સત્રની ફી ભરવા આવેલા આરવે ખાસ ભલામણ કરી હતી, ‘ગયું વર્ષ તો સારું રહ્યું. આ જ સ્પિરિટ અને ફ્લો અક્ષતમાં આ વરસેય જળવાઈ રહેવો જોઈએ... આમ તો અક્ષુ કમિટેડ છે, બટ સ્ટીલ... ચડતું લોહી ક્યારે રાહ ભુલાવે કોણ કહી શકે? એટલે તો મેં ઘરમાં ટીવી સુધ્ધાં કઢાવી નાખ્યું છે. મોબાઇલથી તો તેને છેટો જ રાખ્યો છે. તેના ભલા માટે મારે સ્ટિÿક્ટ થવું પડે તો થવું પડે, ખરુંને?’

નાના ભાઈને શિસ્તમાં રાખવા મથતો મોટો ભાઈ ખરેખર તો કેવા કૂણા હૃદયનો છે એ આ એક પ્રશ્નમાં છતું થતું હતું.

વૈદેહી અભિભૂત થયેલી, ‘નચિંત રહેજો, અક્ષતની હું પૂરતી કાળજી રાખીશ.’

વૈદેહી ખરેખર અક્ષતના પ્રોગ્રેસ-ચાર્ટ પર વિશેષપણે નજર રાખતી થઈ. આમાં ચિંતાનું બીજું તો ખાસ કારણ નહોતું, પણ પાછલા બે-એક મહિનાથી શેડ્યુલ ટેસ્ટ્સમાં અક્ષતનો પર્ફોર્મન્સ ગબડી રહ્યો હતો, હાજરીમાં અનિયમિત બનતો ગયો છે. આરવને રિપોર્ટ કરતાં પહેલાં મારે મૂળ તો જાણવું જોઈએ.

વૈદેહીએ આંખ-કાન ખુલ્લાં રાખ્યાં ને આજે પુરાવો મળી પણ ગયો!

સામે વડાપાંઉની લારી આગળ ઊભો અક્ષતથી બે-ત્રણ વરસ મોટો છોકરો (બિરજુ) જ કરામતી લાગ્યો. બેઉ વચ્ચે કશીક લેતીદેતી થઈ અને અક્ષત ક્લાસમાં આવવાને બદલે ભળતે જ જવા નીકળી ગયો...

નહીં, આટલું જાણ્યા પછી ચૂપ બેસાય નહીં! તેણે આરવનો મોબાઇલ જોડ્યો.

€ € €

‘ઓ માય ગૉડ!’

ત્રણ દિવસ પછી એ જ દૃશ્ય વૈદેહીની ઑફિસમાંથી જોઈને આરવ આઘાત પામ્યો.

‘ટપોરી જેવો છોકરો વીસેક વર્ષનો બિરજુ છે.’ વીત્યા દિવસોમાં પોતે વડાપાંઉની લારીવાળા હરનામ પાસેથી મેળવેલી વિગત વૈદેહી કહેતી ગઈ, ‘નજીકમાં જ ક્યાંક રહે છે. એક ક્લાસના ટૉપર્સને ડિસ્ટ્રેક કરવા બીજી ક્લાસવાળા આવાં ન્યુસન્સ તત્વોને હાથો બનાવીને મોકલતા હશે? ઑનેસ્ટલી, કરુણા આવું કંઈક કરે છે કે નહીં હું નથી જાણતી, બિરજુ કોઈનો હાથો બન્યો છે કે કેમ એની ભાળ નથી; પણ તેણે અક્ષતને પૈસા લઈને મોબાઇલ ગેમ્સના રવાડે ચડાવ્યો એ હકીકત તો તમે પણ જોઈ. અક્ષતને મોબાઇલ ગેમનો ચસકો લાગ્યો છે. ક્લાસને બદલે નજીકના ગાર્ડનમાં જઈને રમત રમતો રહે છે.’

આરવને આઘાત પચાવતાં વાર લાગી. હા, હમણાંનો અક્ષતનો પર્ફોર્મïïન્સ નીચો ગયો હતો. ક્લાસમાં તેની હાજરી અનિયમિત હોવાનું વૈદેહી મેસેજથી જણાવતી, પણ સામે અક્ષતે ઑલરેડી કહી રાખ્યું હોય : હવેના ટૉપિક્સ બહુ અઘરા છે, પૂરતું હોમવર્ક કરીને ટેસ્ટ આપવી છે એટલે ઘરે જ વાંચું છું!

‘હું હોઉં ઑફિસે. અક્ષુ મને કહીને ગેરહાજર રહેતો હોય એટલે ક્રૉસ ચેક કરવાની સૂઝ પણ કેમ પડે! ખરેખર તો તે ઘરેથી નીકળી મોબાઇલમાં રત થઈ જાય છે એ હવે જાણ્યું.’ આરવના સોહામણા મુખ પર રોષ છવાવા માંડ્યો, ‘થોડા દિવસોથી ઘરમાં રહેતી કૅશમાં ઘટ વર્તાય છે એનું રહસ્ય હવે પકડાયું. અક્ષત, અક્ષત, તેં મને છેતયોર્!’ આવેશમાં તેણે મુઠ્ઠી પછાડી, ‘હમણાં બે અડબોથ ઠોકીને તેની સાન ઠેકાણે આણું છું.’

‘ગુસ્સાથી વાત વણસી જશે આરવ.’ વૈદેહી અથરા અવાજે બોલી ગઈ, ‘કળથી કામ લો. જોરજુલમ અક્ષતનું માનસ ડહોળી નાખશે. છ મહિનામાં એક્ઝામ્સ છે. અક્ષતને કંઈ કહેવા કરતાં એનું મૂળ જ વાઢી નાખો તો?’

ધીરે-ધીરે આરવના દિમાગમાં પ્રકાશ પથરાયો.

€ € €

ત્રીજા દહાડે હજી તો અક્ષત બિરજુનો મોબાઇલ લઈ નીકYયો જ કે...

‘આ કેવો ધંધો તેં શોધ્યો, હેં?’

અક્ષતે દીધેલા પૈસા પૅન્ટના ગજવામાં મૂકવા જતા બિરજુના હાથ પર રાઠોડી પંજાની મજબૂત ગિરફ્ત પડી, તે ચોંક્યો. સિવિલ ડ્રેસમાં આવેલો જુવાન પોલીસ તો નથીને? કસાયેલા બાંધાના આકર્ષક જુવાનની નજરો કરડતી હોય એમ તેણે પોતાની નજર ફેરવી તો તેની પડખે ઉભેલી બાઈ તો તરત ઓળખાઈ ગઈ : આ તો પેલી સામેના ક્લાસની રિસેપ્શનિસ્ટ! તે આ પોલીસવાળાને લાવી છે?

‘બોલ, કોના કહેવાથી તેં મારા ભાઈ અક્ષતને મોબાઇલના રવાડે ચડાવ્યો?’

અ...ક્ષ...ત... બિરજુને ગડ બેઠી. ત્યારે તો આ પેલા અક્ષતનો ભાઈ છે! તેણે ક્યાંથી જાણ્યું? ચોક્કસ આ ચાવળીએ ચુગલી કરી હશે...

બાકી આ બિઝનેસ કસવાળો હતો. જાગરૂક પેરન્ટ્સ છોકરાઓને મોબાઇલ નથી આપતા. સાયન્સના ક્લાસમાં ભણતા સ્ટુડન્ટ્સ પર તો આવી પાબંદી સહજ છે અને મોબાઇલની ગેમ્સ પણ એવી કે ભલભલાને એનું બંધાણ થઈ જાય. કોચિંગ ક્લાસ પર વડાપાંઉ-ભેળપૂરીની લારી કે ગલ્લા આગળ ઊભા રહીને મોબાઇલ મચડ્યા કરવાનો. ગેમમાં રમમાણ હોવાનો ડોળ કરતાં ખરેખર તો કોણ કેવું લલચાય છે એ જોવાનું. તેને પહેલાં લંચ-ટી બ્રેકમાં મફતમાં મોબાઇલ દઈ ગેમની આદત પાડવી. પછી તો લાલચનો માયોર્ તે મોંમાગ્યા રેન્ટ પર મોબાઇલ લઈ જાય. બે નંબરના ધંધામાં બેઈમાની ચાલતી નથી એની જાણ હોય એમ આજ્ઞાંકિતપણે મોબાઇલ પાછો આપી પણ જાય... આસપાસના એરિયામાં ચાલતા જુદા-જુદા કોચિંગ ક્લાસમાં આ કસબ ખાસ્સો કામિયાબ રહ્યો. ક્યાંયથી કોઈ ફરિયાદ કરવા નથી આવ્યું. અક્ષતનો ભાઈ પહેલો નીકYયો!

‘બોલ...’ આરવની ત્રાડે બિરજુ ઝબક્યો, હાથ છોડાવા મથ્યો, ‘તારા ભાઈએ માગ્યો તો આપ્યો.’

‘તને જાણ નથી કે અઢારથી નાની ઉંમરનાને મોબાઇલ ન અપાય?’ આરવે પાધરકો લાફો ઠોક્યો.

પછી તો જોણું થઈ ગયું. ધડાધડ આરવ તેને ધીબેડતો ગયો. બિરજુની હામ નહોતી કે આરવનો પ્રતિકાર કરે. વૈદેહીએ આરવને વારવો પડ્યો : સ્ટૉપ ઇટ આરવ. કાયદો હાથમાં લેવાને બદલ તેને પોલીસને હવાલે કરવાનો છે આપણે. ફરિયાદ હું નોંધાવીશ...

પોલીસના નામે બિરજુના પેટમાં તેલ રેડાયું. દોઢડહાપણ ડહોળનારી વૈદેહી પર કાળ ચડ્યો.

‘ઊભો થા...’ આરવે ફસડાઈ પડેલા બિરજુનો કૉલર પકડી બેઠો કયોર્ કે તેણે આરવના પગ પકડીને કરગરવા માંડ્યું : ભૂલ થઈ મારા સાહેબ! પોલીસનું લફરું શું કામ કરો છો? આ લો અક્ષતે આપેલા રૂપિયા. મારો મોબાઇલ પણ તમે રાખી લેજો બસ!

આરવ-વૈદેહીની નજરો મળી,

છૂટી પડી.

‘ઠીક છે, કાલથી તું અહીં દેખાવો ન જોઈએ. ફૂટ!’

કપડાં પરની ધૂળ ખંખેરતો બિરજુ ભાગ્યો.

€ € €

‘ભૈયા, વો બિરજુ દિખતા નહીં હૈ...’ ત્રણેક કલાક પછી બિરજુનો મોબાઇલ પરત કરવા આવેલો અક્ષત હરનામને પૂછે છે.

‘તે હવે અહીં નહીં દેખાય.’

પીઠ પાછળથી આવેલા જવાબે અક્ષત ચોંક્યો. આ તો ભા...ઈનો અવાજ! ઊલટા ફરતાં સાચે જ આરવભાઈને ભાળીને સહેમી જવાયું. હાથમાં પકડેલો મોબાઇલ છુપાવવો કે ફગાવી દેવો એય નક્કી ન થઈ શક્યું.

‘મારી આંખોમાં જો...’ ભાઈના સત્તાવાહી સ્વરે કંપન પ્રસરી ગયું. જિંદગીમાં પહેલી વાર ભાઈની

બીક લાગી.

બાકી આરવભાઈ તો કેવા પ્રેમાળ. મારી પ્રોટેક્શન-વૉલ જેવા. પપ્પા-મમ્મીનેય કદી મને વઢવા ન દે. સંઘમાં જાત્રાએ ગયેલાં માતા-પિતા બસ-અકસ્માતમાં મૃત્યુ પામ્યાં ત્યારે હું તો હજી તેર વરસનો. આજે સમજાય છે કે

ભાઈએ વિષમ પરિસ્થિતિમાં ટકવા ઓછો સંઘર્ષ નથી વેઠ્યો; પણ કદી એની ગંધ, એનો તાપ મને સ્પર્શવા દીધો નથી. પપ્પા-મમ્મીની ચિરવિદાય પછી તો મારા માટે તે મા-બાપ-મિત્ર બધું બની ગયા. તેમની ઓથે મને સદા નિશ્ચિતતા બક્ષી. આજે હું તેમની સાથે નજરો નથી મેળવી શકતો! મેં ખોટું કર્યું એટલે જને? પણ મોબાઇલ ગેમની લત જેવીતેવી હતી? રિસેસમાં અહીં બિરજુને રમતા જોઈને મન એવું લલચાયું કે...

‘...કે તું ઘરે ચોરી કરતો, મને જૂઠું કહેતો થઈ ગયો!’ આરવના અવાજમાં ક્રોધ નહોતો, પીડા વર્તાઈ એટલે તો વધુ દુખ થયું.

‘એના કરતાં તેં મારી પાસે મોબાઇલ જ માગ્યો હોત તો?’

હેં! ભાઈ મજાક નથી કરતા, સાચે જ મને નવો મોબાઇલ ધરી રહ્યા છે એ માનવામાં ન આવ્યું.

‘લે આ તારી ગિફ્ટ. વિચારેલું કે તારી એક્ઝામ પતે પછી આપીશ, પણ તને સ્ટડી કરતાં ગેમ વધુ વહાલી હોય તો મને શું વાંધો હોય?’

‘બસ ભાઈ, બસ...’ અક્ષત રડી પડ્યો. દોડીને ભાઈને કોટે બાઝ્યો, ‘આઇ ઍમ સૉરી! ફરી આવું નહીં કરું... હું નાદાનીવશ ભટકી ગયો હતો ભાઈ...’

આરવનું હૈયું ટાઢું થયું. અક્ષતને પોતાની ભૂલ સમજાઈ. હવે તે રાહ નહીં ભૂલે એટલું તો ચોક્કસ! કુનેહથી કામ લેવાની શીખ બદલ મારે વૈદેહીને પણ થૅન્ક્સ ન કહેવા જોઈએ?

આરવે નજર ઑફિસ-બિલ્ડિંગ તરફ ઘુમાવી. બારીએથી બે ભાઈઓનું મિલન જોતી વૈદેહી ભીની પાંપણ લૂછતી દેખાઈ. આરવે થમ્બ અપ કયોર્. તેણે પણ એ જ સંજ્ઞાથી ખુશી ઉછાળી : આખરે આપણે પાર ઊતર્યા, અક્ષત વેળાસર જળવાઈ ગયો!

€ € €

‘....ત્યારની પેન્ડિંગ ટ્રીટનું મુરત આજે નીકળ્યું છે.’ છ મહિના પછી આરવ પહેલી વાર પોતાના ઘ૨ે પધારેલી વૈદેહીને આવકારતાં કહે છે, ‘મારો અક્ષુ સુખરૂપ તેની પરીક્ષા આપી શક્યો તો એ તારા કારણે.’

અક્ષતથી આ સત્ય છૂપું નહોતું. દીદીએ ભાઈને ન ચેતવ્યા હોત તો હું ભટકી ગયો હોત, કળથી કામ લેવા સમજાવ્યા ન હોત તો જાણે આવેશમાં ભાઈએ કેવી પ્રતિક્રિયા પાઠવી હોત... બિરજુવાળા બનાવ પછી વૈદેહીએ અક્ષતની ગતિવિધિ પર બાજ નજર રાખી હતી. આ બધાને કારણે અક્ષતના પર્ફોર્મન્સે ફરી ઊધ્ર્વગતિ ભણી હતી. ગઈ કાલે કૉમ્પિટિટિવ એક્ઝામ પણ પૂરી થતાં આરવે વૈદેહીને ટ્રીટ માટે ઘરે ઇન્વાઇટ કરી. વૈદેહીથી ઇનકાર ન થયો. ક્યાંથી થાય?

ખરેખર તો વીત્યા છ માસમાં દર એકાંતરે આરવ-વૈદેહીની ટેલિટૉક થતી. અક્ષતના ખબરઅંતર પૂછી અનાયાસ તેમની વાતો લતાનાં ગીતોથી મોસમની ચર્ચામાં ફેલાઈ જતી. વિસ્તારથી વાતો થઈ શકે એ માટે તો લંચઅવરમાં ફોન જોડાતો. નિકટતા ઘૂંટાતી, આત્મીયતા ગંઠાતી. આ પળોમાં સંબંધને જાણે નવી ધરી મળતી. આરવ માટે આ સ્પંદન નવાં હતાં, એટલાં જ વૈદેહી માટે પણ.

બાકી વૈદેહીની જિંદગી તો રાબેતા મુજબની હતી. ઘર-બહારનાં બે વિશ્વોમાં વહેંચાયેલી. ક્યારેક થતું કે આરવ સમક્ષ મારું અંગત ઉઘાડી દઉં... તેમનાથી શું પડદો હોય? પછી ડર લાગતો - આરવ ક્યાંક મને ગલત ન સમજી લે, હું તેમની સહાનુભૂતિ જીતવા માગું છું કે એવું કંઈક. અને તે ટાળી જતી.

આજે પણ આરવના નિમંત્રણે પોતે દોડી આવી. જમીને જઈશ એટલે ઘરે મોડી પહોંચીશ તો મા જાણે શું

કહેશે-કરશે! આમ તો પોતાને વહેલું-મોડું થાય એની દરકાર મા રાખતાં નથી; પણ ભલું પૂછવું, આજે સ્ત્રી વિનાના ઘરમાં પાર્ટી માટે ગયાનું જાણીને વાગ્બાણ છોડે પણ ખરાં!

‘છોડતાં હોય તો છોડવા દે. તેમને કારણે સરસમજાની સંધ્યા શીદ ગુમાવવી?’ વૈદેહી મૂડમાં આવી.

આરવે ફ્લૅટ દેખાડ્યો. સ્ત્રીના સ્પર્શ વિનાનો બે બેડરૂમનો ફ્લૅટ એકદમ સુઘડ લાગ્યો. માના અવસાન બાદ આરવે કેટલી સૂઝપૂર્વક ઘર સંભાળ્યું એનો પડઘો આટલામાં જ વર્તાઈ ગયો.

‘આમ તો કૂક કમ મેઇડ છે જે

સવાર-સાંજ આવી જાય, પણ આજે ડિનર મેં બનાવ્યું છે. ’

‘ઍન્ડ બિલીવ મી; ભાઈના હાથમાં જાદુ છે, ચૂમી લેવાનું મન થાય એવો.’

આ પણ વાંચો: કથા-સપ્તાહ: વૈદેહી- (દિલ ઔર દુનિયા - 1)

અક્ષતના વાક્યે વૈદેહી લજાઈ. આરવ મુગ્ધપણે તેનું રૂપ નિહાળી રહ્યો. પાર્ટી માટે આવવાનું હોવા છતાં વૈદેહીએ ઠાઠ-ઠઠારો કર્યા નથી. તેની એ સાદગી જ વધુ ગમતીલી નથી? જવાબ આરવના ચહેરા પર સાફ વંચાય એમ હતો - હા, હા, હા!

Whatsapp-channel Whatsapp-channel

22 January, 2019 12:36 PM IST | | સમિત પૂર્વેશ શ્રોફ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK