કથા સપ્તાહ : તેરા ‌ઝિક્ર હૈ યા ઇત્ર હૈ... (5)

Published: May 31, 2019, 10:05 IST | મુંબઈ

ખુશી પણ હતી મનમાં અને ઘમંડ પોસાયાનો આનંદ પણ ઇર્શાદને થયો હતો. અમ્મીની વાત હજુ પણ ચાલુ જ હતી. ‘બહોત સારી ચીઝ લાયે હૈ... તેરે કમરે મેં રખી હૈ. કહા હૈ કિ કલ કરિશ્મા કો વાપસ ભેજ દેંગે ઔર બાદ મેં બડા ફંકશન ભી રખેંગે.’

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

‘તેરે સાસ-સસૂર આયે થે... રિશ્તેદારી આખિરકાર માન હી લી.’

ખુશી પણ હતી મનમાં અને ઘમંડ પોસાયાનો આનંદ પણ ઇર્શાદને થયો હતો. અમ્મીની વાત હજુ પણ ચાલુ જ હતી.
‘બહોત સારી ચીઝ લાયે હૈ... તેરે કમરે મેં રખી હૈ. કહા હૈ કિ કલ કરિશ્મા કો વાપસ ભેજ દેંગે ઔર બાદ મેં બડા ફંકશન ભી રખેંગે.’
કરિશ્માને લઇ ગયા???!!!

લઈ તો ગયા, પણ કરિશ્માએ કંઈ કહ્યું પણ નહીં. એક ફોન પણ નહીં અને એક મેસેજ પણ નહીં.
‘અમ્મી, કિતને બજે ગઈ કરિશ્મા?’

‘દોપહર કો... કરીબન ચાર બજે. ક્યું ક્યા હુઆ...’

પોતે એમ જ આ સવાલ પૂછયો એવો જવાબ આપીને ઇર્શાદ રૂમમાં આવી ગયો, પણ મનમાં ઘર કરી ગયેલી બેચેની ચહેરા પર પ્રસરી ગઈ હતી. રેડિયો પર વાગી રહેલું ગીત આ બેચેનીને વધારવાનું કામ કરી રહ્યું હતું.

તેરા ઝિક્ર હૈ યા ઇત્ર હૈ...

હા, રૂમમાં ક્યાંય કરિશ્મા નહોતી અને એ પછી પણ તેની ખુશબૂ રૂમમાં પ્રસરી ચૂકી હતી. ખુશબૂ પણ અને ખડખડાટ હસવાનો કરિશ્માનો અવાજ પણ. ઘરે આવ્યાને હજુ તો માંડ પાંચ મિનિટ થઈ હતી તો પણ કોણ જાણે કેમ અચાનક જ એવો અનુભવ થઈ રહ્યો હતો કે તે કરિશ્માથી કાયમ માટે દૂર થઈ ગયો છે. મનમાં થતું હતું કે તે ચીસો પાડીને અમ્મી પર ગુસ્સે થાય અને કહે કે મને પૂછયા વિના કેમ તેને મોકલવામાં આવી, પણ એ ચીસો પાડવાનો કોઈ અર્થ સરવાનો નહોતો. એક ઘટના ઘટી ચૂકી હતી અને એ ઘટનાએ તેનો નવો રંગ ઓઢવાનું શરૂ કરી દીધું હતું.

ટ્રીન... ટ્રીન... ટ્રીન...

ચોથી વખત પણ કરિશ્માએ ફોન રિસીવ ન કર્યો. આવું બને નહીં. ક્યારેય બને નહીં. અગાઉ એ કોઈ પણની સાથે બેઠી હોય તો પણ વાત કરતી. વાત ન કરી શકે એમ હોય તો તરત જ એક મેસેજ કરી દે, પણ આમ, આ રીતે, અગાઉ ક્યારેય બન્યું નહોતું. ઈર્શાદે ફરી એક વખત કરિશ્માને ફોન કર્યો.
નો રિપ્લાય.

‘પ્લીઝ, કૉલ અરજન્ટલી... ટેન્શન. વરિડ.’

મેસેજ ડિલિવર થયો અને ડિલિવરી રિપોર્ટ પણ આવી ગયો. એ રાત આખી ઇર્શાદે કરિશ્માના મેસેજની રાહ જોવામાં પસાર કરી. આંખ સામે એ ચહેરો વારંવાર આવી રહ્યો હતો જે ચહેરાને તે ઘરે મૂકીને ગયો હતો. પહેલાં ઘરના દરવાજેથી આવજો કહેવામાં આવ્યું હતું અને પછી ગૅલેરીમાંથી બાય કહેવાયું હતું. બાય પણ કહેવાયું હતું અને હોઠના ફફડાટ સાથે કોઈ સાંભળી ન જાય એમ કહેવાયું હતું: લવ યુ.

*****

‘અરે, બાબા કહા ના... ઘર મેં કોઇ નહીં હૈ. કાઇકો પીછે પડે હો.’ વૉચમૅને આછોસરખો ધક્કો માર્યો, ‘સા’બ આયેંગે તો મેસેજ દે દૂંગા.’
‘સા’બ કો નહીં, મૅડમ કોમિલના હૈ... કરિશ્મા મૅડમ કો.’

‘અભી કોઈચ નહીં હૈ...’

એ જ સમયે ગાડી આવી એટલે વૉચમૅન ઇર્શાદને ધક્કો મારીને દરવાજો ખોલવા ભાગ્યો. દરવાજો ખૂલ્યો અને ગાડી સડસડાટ અંદર ગઈ. મર્સિડીઝમાં અશોક હાંડા પાછળની સીટ પર બેઠા હતા. ઇર્શાદ તેમને મળવા માટે અંદરની તરફ ભાગ્યો, પણ સિક્યૉરિટી ગાર્ડે તેને પકડી લીધો અને બંગલાનો ગેટ બંધ કરી દીધો.
*****

‘મમ્મી, પ્લીઝ... એક વાર મને વાત કરવા દો. પ્લીઝ, એક વાર કરિશ્મા સાથે વાત...’

સામેથી ફોન કટ થઈ ગયો એટલે ઇર્શાદે ફરીથી ફોન લગાડ્યો, પણ ફોન રિસીવ કરવામાં ન આવ્યો. રાત સુધી ઇર્શાદે કરિશ્મા અને તેના મમ્મી-પપ્પાને ફોન ટ્રાય કર્યા કરી, પણ કોઈએ ફોનનો જવાબ આપ્યો નહીં. ઘરના નંબર પર સર્વન્ટ ફોન ઊંચકતા હતા અને બધા એક જ વાત કહેતા હતા કે ઘરમાં કોઈ નથી.
હવે કરવું શું?

જેની સાથે રહેવું છે, જીવવું છે એ અચાનક જ અલોપ થઈ ગઈ છે. કોઈ જાતના ખુલાસા વિના, કોઈ જાતની સ્પષ્ટતા વિના અને જ્યારે ખુલાસા કે સ્પષ્ટતા વિના જ સંબંધોની દિશા બદલાઈ જાય ત્યારે બદલાયેલી એ દિશાની સફર કાળમીંઢ બની જતી હોય છે. ઇર્શાદ અત્યારે કાળમીંઢ સફર પર હતો. માથું ફાટી રહ્યું હતું, શરીર તૂટી રહ્યું હતું અને હૃદય કોઈ પણ સમયે છાતી ફાડીને બહાર ધસી આવે એવી પરિસ્થતિ હતી. ઘરમાં જવા મળતું નહોતું, ફોન પર કોઈ આવતું નથી, મેસેજનો રિપ્લાય પણ કોઈ કરતું નથી.
કરવું તો કરવું શું?

‘બેટા, પોલીસ કો બતાતે હૈના... શાદી કી હૈ તૂને, કોઈ કુછ નહીં બિગાડેગા તેરા.’
અમ્મીની વાત ઇર્શાદને સાચી લાગી અને તે પોલીસ-સ્ટેશન પહોંચ્યો.

*****
‘હા સર...’ ઇર્શાદે પેનનું ઢાંકણું ખોલ્યું અને લખવાનું શરૂ કરવા માટે કાગળ નજીક ખેંચ્યો, ‘શું લખું?’

‘જે બન્યું છે એ બધું લખી નાખ... કોઈનાથી ડર્યા વિના. કોલકાતા પોલીસ તારી પાછળ જ છે.’

‘ઓકે...’

ઇર્શાદે કાગળની જમણી બાજુએ પોતાનું નામ સૌથી પહેલું લખ્યું.
ઇર્શાદ રહેમત દલ.

આંખો સામે આખો ભૂતકાળ આવી ગયો. ભૂતકાળ પણ અને ભૂતકાળની સાથે સંયોજન ધરાવતાં આંસુ પણ.
‘અરે, મારા ભાઈ... રોને કી કોઈ બાત નહીં હૈ.’ ઇન્સ્પેક્ટર ગગનદીપ ચૅર પરથી ઊભા થઈ ઇર્શાદ પાસે આવ્યા, ‘એક કામ કર, તું રહેવા દે. કમ્પલેન હું મારી રીતે બનાવી લઈશ. તું અહીંયાં સાઇન કરી આપ...’

એક, બે, ત્રણ અને ચાર.
કાગળ પર સહી થઈ.

‘સુબહ ફોન કરું કી તુરંત આ જાના...’ ગગનદીપે ઇર્શાદને રવાના કર્યો, ‘સીધા ચલે જાએંગે કરિશ્મા કે પાસ.’ ઇર્શાદે ગગનદીપ સામે સ્માઇલ કર્યું.
જિંદગીનું છેલ્લું સ્માઇલ.
*****

બેકારી અને ઘરના ઝઘડાથી ત્રાસીને ઇર્શાદે કર્યુ સુસાઇડ.

‘ધ હિન્દુ’ અખબારના સાતમા પેજ પર સિંગલ કૉલમના એક નાનકડા ન્યુઝ છપાયા હતા, પણ એ સિંગલ કૉલમમાં અનેક જિંદગી બરબાદ થઈ ગઈ હતી. ટ્રેન નીચે ઝંપલાવીને આત્મહત્યા કરનારા ઇર્શાદે મરતાં પહેલાં અશોક હાંડા અને કરિશ્માને ટેક્સ્ટ મેસેજ કર્યા હતા, જેમાં લખ્યું હતું કે એ દસ મિનિટમાં સુસાઇડ કરવાનો છે. એક વાર વાત કરવી હોય તો એ લોકો બન્ને કરી લે. જે સમયે તેણે મેસેજ કર્યો હતો અને એ સમયે અશોક અને કરિશ્માના મોબાઇલ સ્વિચ-ઑફ હતા એટલે મેસેજ ડિલિવર થયા નહીં અને ઇર્શાદે સુસાઇડ કરી લીધું. ઇર્શાદે કરેલી આત્મહત્યા માટે પોલીસ ડિપાર્ટમેન્ટ એક તારણ પર પહોંચ્યુ હતું કે મૅરેજ પછી હસબન્ડ-વાઇફને બીજા જ દિવસથી ઝઘડાઓ શરૂ થઈ ગયા હતા, જેને લીધે કરિશ્મા ફરીથી તેના પેરન્ટ્સને ત્યાં રહેવા આવી ગઈ હતી. ઇર્શાદ કરિશ્માને દહેજ માટે દબાણ કરતો હતો, જેના માટે કરિશ્મા તૈયાર નહોતી. કરિશ્માએ પોલીસ ફરિયાદની ધમકી આપી એટલે એ ડરથી ઇર્શાદે ટ્રેન નીચે ઝંપલાવીને સુસાઇડ કરી લીધું. થોકબંધ ટુકડા થઈ ગયેલી ઇર્શાદની લાશ પાસેથી પોલીસને સુસાઇડ નોટ પણ મળી હતી. સુસાઇડ નોટમાં
લખ્યું હતું: જઉં છું, બધાની માફી માગું છું. કરિશ્મા સાથે મૅરેજ કર્યા એમાં મારો સ્વાર્થ હતો, પણ ખુદા હવે મને એની સજા આપી દેશે. સૌની માફી માંગુ છું. કરિશ્માના ઘરે બધો સામાન પરત મોકલાવી દેશો. ખુદા હાફિઝ.

*****
‘એક બાર સા’બ કે દર્શન હો જાતે...’ ગગનદીપે એક કરોડ રૂપિયા ભરેલી બૅગ હાથમાં લીધી, ‘મન પ્રફુલ્લિત હો જાયેગા.’

‘મન તો મેરા તબ પ્રફુલ્લિત હોગા જબ તુમ પૂરી બાત બતાઓગે ગગનદીપ...’ મર્સિડીઝ કારની પાછળની સીટની વિન્ડોનો ગ્લાસ નીચે ઉતારી અશોક હાંડાએ ગગનદીપ સામે જોયું, ‘કૈસે કેસ ખતમ કિયા વો તો ઝરા બતાઓ...’

એક કરોડના વજન તળે દબાયેલા ગગનદીપે સહેજ લળીને સલામી આપી અને ભૂતકાળને રિવાઇન્ડ પણ કર્યો.

‘પ્રેમી પાગલ હોય છે અને પાગલ હોય એ બુદ્ધિના બ્રહ્મચારી હોય... કરવાનું શું હતું, ઇર્શાદે સામે ચાલીને કોરા કાગળ પર સહી કરી આપી, જેના પર સુસાઇડ નોટ બનાવી લીધા પછી એને લઈને હાઈવે પર રેલવે ક્રૉસિંગે પહોંચ્યા. કહ્યું કે તમે તેની સાથે વાત કરવા માટે આવો છો. છોકરાને વાંધો નહોતો. એ તો તમારી રાહ જોઈને ઊભો હતો. કલાક ઊભો રાખ્યો અને પછી લીબું સિકંજી પીવડાવીને કાયમ માટે સુવડાવીને ટ્રેક પર મૂકી દીધો. બાકીનું કામ ટ્રેને પૂરું કર્યું.’

‘લીબું સિકંજી મતલબ...’

આ પણ વાંચોઃ કથા સપ્તાહ : તેરા ‌જિક્ર હૈ યા ઇત્ર હૈ... (4)

 ‘કામ પાક્કું થવું જોઈએ એવું તમે કહ્યું હતુંને...’ ગગનદીપના ચહેરા પર રાક્ષસી હાવભાવ આવી ગયા હતા, ‘પહેલી વાર ઝેરથી માર્યો અને પછી ટ્રેન નીચે સુવડાવીને તેની લાશને પણ મારી નાખી...’

‘ગુડ...’

‘એક સવાલ પૂછું સાહેબ...’ સામેથી હકારમાં જવાબ ન આવે એવી શક્યતા હતી એટલે ગગનદીપે સીધો સવાલ પણ પૂછી લીધો, ‘દીકરીને બંદી બનાવીને રાખ્યા પછી રાતે ઊંઘ આવી જાય છે ખરી...’

જવાબ આપે એ પહેલાં જ અશોક હાંડાના ફોનની રિંગ વાગી. ફોનના સામેના છેડે ડૉ. વિક્રાંત દુબે હતા.
‘સર, વધુપડતા શૉટ આપવાથી મૅડમ મરી જશે.’

‘તો પણ વાંધો નહીં...’ અશોક હાંડાએ ગગનદીપ સામે જોયું અને પછી મર્સિડીઝની વિન્ડોનો ગ્લાસ બંધ કર્યો, ‘હેતુ તો એ જ છેને, તે જાગવી ન જોઈએ.’
પૈસો નાચી રહ્યો હતો અને ક્રૂરતા એ પૈસા સામે કથ્થક કરતી હતી.

કોલકાતા એ કથ્થકનું સાક્ષી હતું. કોલકાતાના બૅકગ્રાઉન્ડમાં ગીત વાગી રહ્યું હતું.

તેરા ઝિક્ર હૈ, યા ઇત્ર હૈ...
જબ જબ કરતા હૂં, મહેકતા હૂં...

સમાપ્ત

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK