કથા-સપ્તાહ - શોધ-સંશોધન (કાળના ગર્ભમાં - ૧)

Published: 5th November, 2012 06:12 IST

મીઠા અવાજે લતાનું ગીત ગણગણતાં તેણે લગેજ પૅક કરવા માંડ્યો. જૂનાં ગીતો તેને ગમતાં, જૂની  ફિલ્મો આકર્ષતી, અમેરિકન પ્રેસિડન્ટ ઓબામાની ઇલેક્શન સ્પીચ કરતાં સ્વામી વિવેકાનંદે શિકાગોમાં આપેલા વ્યાખ્યાનના વિવરણમાં તેને વધુ રસ પડતો.


અન્ય ભાગ વાંચો


1  |  2સમીત (પૂર્વેશ) શ્રોફ

યે દિલ ઔર ઉનકી નિગાહોં કે સાયે...

મીઠા અવાજે લતાનું ગીત ગણગણતાં તેણે લગેજ પૅક કરવા માંડ્યો. જૂનાં ગીતો તેને ગમતાં, જૂની  ફિલ્મો આકર્ષતી, અમેરિકન પ્રેસિડન્ટ ઓબામાની ઇલેક્શન સ્પીચ કરતાં સ્વામી વિવેકાનંદે શિકાગોમાં આપેલા વ્યાખ્યાનના વિવરણમાં તેને વધુ રસ પડતો. વિદ્વાનો ભલે નવી પેઢીના કુસંસ્કૃતીકરણના પોકારો પાડે, તેને આર્ય-દ્રવિડ સંસ્કૃતિ સમજવામાં વધારે મજા આવતી. આશકા માટે કહેવાતું કે તે ભૂતકાળમાં જીવનારી વ્યક્તિ છે અને આશકાને એનું ખોટું પણ નહીં લાગતું! ઊલટું તે ગર્વભેર કહેતી : પુરાતત્વની સ્ટુડન્ટ તરીકે મને ગત ખંડ પ્રત્યે જ લગાવ હોવાનું વધુ શોભેને!

સામાન્યપણે મૉડર્ન એજ કન્યાને ફૅશનમાં રસ હોય, ડૉક્ટર-એન્જિનિયર બનવાનાં અરમાન હોય, તેને બદલે મુંબઈના ગર્ભશ્રીમંત ગુજરાતી પરિવારમાં જન્મેલી આશકાનો ઝુકાવ આર્કિયોલૉજી તરફ ઢળ્યો, એના ખુલાસામાં એટલું કહી શકાય કે સ્કૂલજીવનથી ઇતિહાસ તેનો પ્રિય વિષય હતો. ઇતર વાંચનમાં કપોળકલ્પિત નવલકથાઓને બદલે સંશોધનાત્મક પુસ્તકો વાંચવા ગમતાં. રામાયણની કથામાં સવિશેષ રુચિ આશકાને એ કાળને લગતા સંદર્ભગ્રંથો તપાસવામાં રહેતી. જવાહરલાલ નેહરુલિખિત ‘ડિસ્કવરી ઑફ ઇન્ડિયા’ તેનું મનગમતું પુસ્તક. ઉનાળુ અને દિવાળી વેકેશનમાં કૌટુંબિક પ્રવાસ ગોઠવાય ત્યારે તે જ્યાં જવાનું હોય ત્યાંનાં ઇતિહાસ-ભૂગોળ પહેલેથી જાણી લે!

આશકાના પેરન્ટ્સ દીકરીનાં

રસ-રુચિથી અજાણ નહોતાં. ભાતીગળ સંસ્કારથી આપતા મહેતા પરિવારમાં વ્યક્તિત્વને રૂંધી નાખનારા બંધનને બદલે એને ખીલવવાની મોકળાશ હતી. સત્યજિતભાઈ અને આનંદીબહેને જેમ દીકરા ઉમંગનો સ્ર્પોટ્સનો શોખ પારખ્યો એમ તેનાથી પાંચેક વરસ નાની આશકાની પસંદ-નાપસંદનો અણસાર પણ હોય જ. પ્રવાસ માટે આશકા વલ્ર્ડ હેરિટેજ સાઇટ ગણાતી જગ્યાઓ જોવાનો આગ્રહ સેવે એની નવાઈ ન લાગતી, ઊલટું, તેને ઇચ્છિત જગ્યાએ ફેરવી પ્રોત્સાહિત પણ કરતાં.

એમાં આઠેક વરસ અગાઉ

દિલ્હી-આગ્રાની ટૂર દરમિયાન કંઈક એવું બન્યું, જેણે આશકાની કારકિર્દીનો પથ તૈયાર કરી આપ્યો. આશકા હશે ત્યારે પંદરેક વરસની.

‘અભી આપ વિશ્વપ્રસિદ્ધ તાજમહલ દેખને કા સૌભાગ્ય પ્રાપ્ત કર રહે હૈ!’

નવેમ્બર મહિનો, દિવાળી પછીના દિવસો હતા. ઢળતી બપોરનાં સૂર્યકિરણોથી ઓપતો તાજ પ્રણયની પ્રતિકૃતિ જેવો બેનમૂન લાગ્યો. મીઠી જબાન અને લખનવી અંદાજમાં ગાઇડ મુરલી હિન્દીમિશ્રિત અંગ્રેજીમાં ગોખી રાખેલો તાજનો મહિમા વર્ણવી ગયો. શાહજહાંની પ્રેમગાથા, આરસના પથ્થર ક્યાંથી મગાવ્યાથી માંડીને તાજને ચણતાં થયેલાં વરસોના હિસાબી આંકડા તેને જાણે કંઠસ્થ હતા. ટૂરિસ્ટ્સ અભિભૂત થાય, વિશિષ્ટ ઍન્ગલમાં ફોટા પડાવી જિંદગીમાં કંઈક જોયાના સંતોષ સાથે વિદાય લે એવો મુરલીનો અનુભવ આશકાએ ખોટો પાડ્યો.

‘અંકલ, તમે કહ્યું કે તાજમહલ મુગલ રાજા શાહજહાંએ તેમની બેગમ મુમતાઝમહલની યાદમાં બનાવડાવ્યો,’ આશકાએ પ્રશ્નોત્તરી શરૂ કરી, ‘પરંતુ શું એ સાચું નથી કે આ મકબરો ખરેખર તો રાજપૂત રાજાએ બંધાવેલું શિવમંદિર હતું?’

હેં!

બધાં ચોંક્યાં, મુરલી હસી નાખવા ગયો, પણ આશકા ગંભીર હતી, ‘પપ્પા, દેશના જાણીતા આર્કિયોલોજિસ્ટ ડૉ. નારાયણ રાજલિખિત ‘બિહાઇન્ડ ધ તાજ’ પુસ્તકમાં પુરાવા સાથે તેમણે આ વિગતો સાબિત કરવાની કોશિશ કરી છે. તેમનો મુખ્ય આધાર મુગલકાળના ચીની પર્યટક વાગ શૂની ઐતિહાસિક નોંધ છે, જેમાં તાજ ઊભો છે એ જ જગ્યાએ અદ્ભુત શિવાલય હોવાનો ઉલ્લેખ છે. એ મંદિરનું શું થયું? શિવાલયનાં પ્રતીકો તાજમાં આજે પણ મોજૂદ છે! તાજમાં અમુક ખંડોને ભારત સરકારે વરસોથી બંધ રાખ્યા છે એ રહસ્યમય નથી?’

રણકાભેર બોલતી આશકાની દલીલોમાં માહિતીની ચોકસાઈ હતી. તેના શબ્દોએ અન્ય પ્રવાસીઓનું ધ્યાન ફંટાવ્યું ત્યારે સત્યજિતભાઈને સહેજ ટેન્શન થઈ ગયું : મુસ્લિમ મકબરાને હિન્દુ મંદિર ગણાવવાની આશકાની નાદાનિયત ક્યાંક તોફાન ન સર્જી દે!

‘શી ઇઝ રાઇટ’

સત્વર આશકાને સમર્થન સાંપડ્યું. સહેજ અલાયદો ઊભેલો ચાલીસેક વરસનો સોહામણો દેખાતો એક પુરુષ ધ્યાનથી આશકાને સાંભળતો હોવાનું ઉમંગે નોંધ્યું હતું.

‘માયસેલ્ફ અમરનાથ શાહ.’

સત્યજિત સાથે હસ્તધૂનન કરી અમરનાથે હેતથી આશકાના માથે હાથ ફેરવ્યો હતો,

‘છોકરી, આ ઉંમરે તેં ‘બિહાઇન્ડ ધ તાજ’ વાંચી હોય, સમજી હોય તો એ અચરજની ઘટના ગણાય...’

‘અમારી આશકાને તો શરૂથી આવાં થોથાં વાંચવામાં રસ છે.’ આનંદીબહેન બોલી પડ્યાં, બુક્સને માટે વપરાયેલાં થોથાં શબ્દે અમરનાથ મલકેલા,

‘આવાં થોથાંમાં જ તો માનવજાતની ઉત્ક્રાંતિનો, પ્રગતિનો ઇતિહાસ ભંડારેલો છે. આશકાને સાચે જ આમાં મોજ આવતી હોય તો તેને આર્કિયોલૉજિસ્ટ બનાવો.’

આશકાના દિમાગમાં શબ્દ ચીતરાઈ ગયો- પુરાતત્વવિદ.

‘હું પોતે આર્કિયોલૉજિસ્ટ છું. સિંધુ નદીના તટે પાંગરેલી સંસ્કૃતિનો અભ્યાસ મારું સ્પેશ્યલાઇઝેશન છે.’

ભીડ હવે વીખરાઈ હતી. સત્યજિતભાઈને પૂછવાનું સૂઝ્યું,

‘તો શું આશકાને કહ્યું એ સત્ય છે?’

તેમના પ્રશ્નમાં સભ્ય નાગરિકને થાય એવો ધ્રાસકો પણ હતો. તાજમહલ શિવમંદિર હોવાનો ઘટસ્ફોટ રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ જેવો જ સ્ફોટક નીવડેને!

‘વેલ, તમે એને સિક્કાની એક બાજુ ગણી શકો...’ અમરનાથે ઠાવકાઈથી જવાબ વાળેલો, ડૉ. રાજ તેમના સંશોધનમાં માસ્ટર હતા. દરેક પુરાવાને ઝીણવટથી તપાસનારા. કમનસીબે તાજમહલ પરનું તેમનું રિસર્ચ અધૂરું રહ્યું. સેમિનાર માટે યુરોપ ગયેલા ૫૩ વષીર્ય નારાયણ રાજ હોટેલની રૂમમાં મૃત મળ્યાં, પતિના દેહાંતને ભેદી ગણાવતાં મૃણાલદેવીએ એ અરસામાં આક્ષેપ પણ મૂક્યો હતો કે તાજનું સત્ય બહાર ન આવવાના ઇરાદે સરકારે જ તેમનું કાસળ કાઢી નાખ્યું!

પૉલિટિકલ મર્ડર, સાચા માણસને ચૂપ કરી દેવાની ઘટના કયા દેશમાં નથી બનતી?

‘એ ઘટનાને આજે તો પંદર-સત્તર વરસ થઈ ગયાં, આમ આદમીને એનું સ્મરણ પણ નહીં હોય! નિ:સંતાન મૃણાલદેવી પણ ગુજરી ચૂક્યાં. રહી ગયું પતિની નોંધના આધારે તેમણે મૃત્યુ અગાઉ પ્રકાશિત કરેલું પુસ્તક, જે તાજને સ્થળે શિવમંદિર હોવાનો નિર્દેશ અવશ્ય કરે છે, પણ પુરવાર કરી શકતું નથી,’ અમરનાથે સ્મિત વેર્યું, ‘હવે તો કોઈ નવેસરથી આ દિશામાં સંશોધન આદરે તો કંઈ નિષ્કર્ષ નીકળે! બાકી ત્યાં સુધી તાજને તાજ જ રહેવા દો!’

અમરનાથ હળવું હસીને આગળ વધી ગયા, પણ તેમના પડછાયામાં આશકાને પોતાનો જીવનપથ તૈયાર થતો લાગ્યો.

મુંબઈ પરત થઈ રોજિંદી ઘટમાળમાં પરોવાયા પછી બાકીના કદાચ તાજવાળો પ્રસંગ વીસરી ચૂક્યા હશે, જ્યારે આશકાનું ખેડાણ વધતું ગયું.

બેએક વરસ પછી ઉમંગ નૅશનલ લેવલની સ્વિમિંગ કૉમ્પિટિશનમાં પ્રથમ આવ્યો એની ખુશાલીની ઉજવણીમાં સત્યજિતે આશકાને પૂછ્યું હતું, ‘તારા ભાઈનું ડ્રીમ અચીવ થયું, આશકા હવે એમબીએ થઈ તે આપણો બિઝનેસ સંભાળવાનો... તારું કોઈ ડ્રીમ હોય તો કહે.’

આશકાને જવાબ હતો : મારે પુરાતત્વવિદ થવું છે, દફનાયેલા ઇતિહાસનાં કેટલાંક સોનેરી પૃષ્ઠો ફરી સજીવ કરવાં છે.

ઘરમાં સૌ આવું જ કંઈક ધારતા હતા, દીકરી ઇચ્છિત કેળવણી પામે એનો હરખ હોય જ... આનંદીબહેને જોકે શરત મૂકેલી : નાહક જીવ જોખમમાં આવી પડે એવું કંઈ જ તું કરીશ નહીં! નારાયણનો કિસ્સો સાંભળ્યો હોય એવો એમાં પડઘો હતો.

‘મા, તારા જીવને સંતાપ થાય એવું કશું જ નહીં કરું.’ આશકાના પ્રૉમિસમાં ડાહી દીકરીની સમજ હતી.

ઇતિહાસ વિષય સાથે ગ્રૅજ્યુએશન કરી આશકાએ ન્યુ દિલ્હીસ્થિત ઇન્સ્ટિટ્યુટ ઑફ આર્કિયોલૉજી દ્વારા સંચાલિત બે વરસના પીજી (પોસ્ટ ગ્રૅજ્યુએશન) ર્કોસમાં ઍડ્મિશન લીધું. દીકરી  દિલ્હી રહી ભણશે એ વાતે ચિંતિત આનંદીબહેનને સત્યજિતભાઈએ સમજાવેલું : આપણી કેળવણીમાં શ્રદ્ધા હોય તો દીકરી દિલ્હી શું, ફૉરેન ભણવા જાય એનો ખટકો પણ કેમ હોવો જોઈએ?

દિલ્હીનાં બે વરસો યાદગાર રહ્યાં. અઢાર વિદ્યાર્થીઓના બૅચમાં ત્રણ જ યુવતીઓ હતી. મોટા ભાગના સ્ટુડન્ટ્સ પઢાકુ હતા, કેટલાક વળી ગવર્નમેન્ટ જૉબ સહેલાઈથી મળી રહે એ આશાએ પુરાતત્વનું ભણતા હતા. આશકા જેવીને હૉસ્ટેલને બદલે પર્સનલ ફ્લૅટ પરવડતો એમ સ્કૉલરશિપના દમ પર ભણનારા પણ બે-ચાર વિદ્યાર્થીઓ હતા, આરવ આમાંનો એક.

કાનપુરનો રહેવાસી આરવ સાધારણ સ્થિતિનાં મા-બાપનો તેજીલો પુત્ર હતો. પુરાતત્વમાં તેને આશકા જેવો જ રસ. બન્ને નંબર વનની પોઝિશનનાં પાકાં દાવેદાર, સમાન શોખને કારણે બન્નેને ભળતુંય ખૂબ, ને દલીલો પણ એટલી જ થતી.

ઉમંગનાં લગ્ન્ામાં અને ત્યાર પછી પણ આશકાના મિત્રોનું મુંબઈ આગમન થતું રહેતું, સખી જેવી ઉજ્જવલા ભાભી નણંદને મીઠું ટકોરતી : મને તો આરવ જોડે તમારું ટ્યુનિંગ પરફેક્ટ લાગે છે! છોકરો પરપ્રાંતીય હોવ તો શું? કહો તો હું તમારા ભાઈને સિફારિસ કરું!

આશકા હસી નાખતી : તમે અમારી મજાકમસ્તી જોઈ છે, ઝઘડતાં નથી જોયાં...

આરવનું બીજું એક લક્ષણ પણ આશકાએ નોંધ્યું હતું : તેની મહત્વકાંક્ષા!

પહેલી વાર મુંબઈ આવેલો આરવ શહેરની ચમકદમક, આશકાના પિતાનો ધનવૈભવ જોઈ બોલી પડેલો : જીવનમાં મારેય આવી જાહોજલાલી ભોગવવી છે... ઍન્ડ આઇ વિલ, બાય હૂક ઑર કૂક!

આશકા સમક્ષ ઉચ્ચરેલાં આ વાક્યના પૂર્વાર્ધમાં કશું ખોટું નહોતું. લક્ષ્મીની ખેવના કોને નથી હોતી? પણ એનો ઉત્તરાર્ધ આશકાને ખટકેલો : શ્રીમંતાઈ કાજે ગમે એ કરવાની મનસા નાદુરસ્ત ગણાય! જોકે આ વિષયમાં તે ચર્ચા છેડવાનું ટાળતી : આરવના અંગત મંતવ્યમાં ચંચુપાત કરનાર હું કોણ! એ દૃષ્ટિએ આશકા સંબંધની મર્યાદા બાબત સભાન હતી, તેના હૈયાની પાટી કોરી હતી.

‘થઈ ગયું પૅકિંગ?’ આનંદીબહેન પ્રવેશ્યાં, ગીતની આખરી કડી લલકારતી આશકાએ હકારમાં ડોક ધુણાવી બૅગની ચેઇન બંધ કરી.

‘હાશ, હવે દિલ્હીનો આ છેલ્લો ફેરોને! ઑગસ્ટમાં થિયરીની પરીક્ષા પતી, પ્રોજેક્ટ રિપોર્ટનો વાઇવા (મૌખિક પરીક્ષા) આવતા અઠવાડિયે પતે એટલે કૉલેજ પૂરી, ખરુંને?’

વળી હા, ગયા મહિને રિપોર્ટ સબમિશન પછી વાઇવાની તૈયારી માટે મુંબઈ આવતી રહેલી, ખરેખર તો આખું ગ્રુપ પોતપોતાના ઘરે જવા વીખરાઈ ગયેલું. સંપર્ક, અલબત્ત, જીવંત હતો. આરવ જોડે મહત્તમ વાતો થતી, કેમ કે કૉલેજના અંતિમ ચરણનો પ્રોજેક્ટ જોડીમાં કરવો પડતો અને આશકાનો પાર્ટનર હતો આરવ. કયા ટૉપિકનું ડીટેલમાં કોણ કરશેથી માંડીને વાઇવા લેવા કોણ આવશે એની ચર્ચા ચાલતી.

આશકાનો વાઇવા લેવા બીજું કોઈ નહીં, અમરનાથ શાહ પધારવાના હતા. આ એક આગમન કોના માટે કેવું નીવડવાનું હતું એની કોને ખબર હતી?

 (ક્રમશ:)Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK