કથા-સપ્તાહ-સત-અસત ( કિતને અજીબ કિસ્સે હૈં યહાં... - ૫)

Published: 19th December, 2014 06:02 IST

મારી સાથે છળ શું કામ, અક્ષ? રજની પાસે જવાબ નહોતો, પણ જવાબ ક્યાંથી મળી શકે એ છેવટે સૂઝ્યું ખરું.અન્ય ભાગ વાંચો

1  |  2  |  3  |  4  |  5  |


અક્ષની ફૅમિલી વૈષણવ છે એટલે હવેલીએ ઘરની મહિલાઓ તો જતી જ હશે એવી રજનીની ધારણા સાચી ઠરી. બીજી સવારે દર્શન કરીને નીકળતાં મા-નાનીમાને તેણે હવેલીના છેલ્લા પગથિયે આંતરી લીધાં. પોતાની ઓળખ આપવી ન પડી, વિભુબહેન તરત ઓળખી ગયાં : ર...જ...ની તું! ત્યારે દેવીમા પણ ચમક્યાં : આ છોકરી અહીં ક્યાંથી!

બેઉનાં અચરજ-આંચકામાં પુરવાર થયેલા બ્લૅકમેઇલર પ્રત્યે હોય એવો કુન્સિત ભાવ નહોતો, બલ્કે કરુણા નીતરતી જોઈને રજનીને સુકૂન સાંપડ્યું : સ્ત્રી થઈ, મા થઈને તમે મને નહીં છેતરો એવી મને શ્રદ્ધા છે. તમારો લાડકવાયો અક્ષ મને અકિંચન અનાથ બનીને મળે છે. શું કામ એનો જવાબ મને ખપે છે.

વિભુબહેને મૂક સંમતિ દર્શાવીને રજનીનો હાથ પકડ્યો, ‘ ચાલ પેલા બાંકડે બેસીએ.’

€ € €

હેં!

રજની સ્તબ્ધ બની : બસમાં અમારો વિડિયો ઉતારનાર અને પોસ્ટ કરનાર અક્ષ હતો?

‘તમારી બહાદુરી બિરદાવાઈ એથી અમે ખુશ હતાં, ત્યાં તારા વિઘ્નસંતોષીઓએ બાજી એવી પલટી કે અક્ષને થયું, મેં વિડિયો મૂક્યો ન હોત તો આમાંનું કંઈ ન બનત!’

વાત તો સાચી... રજનીએ શ્વાસ ઘૂંટ્યો.

‘મારો લાલો પારાવાર પસ્તાયો છે.’ દેવીમાએ રજનીની પીઠ પસવારી, ‘તું નિરાધાર બન્યાનું અમને પણ એટલું જ દુ:ખ છે.’

તેમની હમદર્દીમાં મિલાવટ નહોતી.

‘આજકાલ જે-તે વિડિયો પોસ્ટ કરવાની ફૅશન બની ગઈ છે. મારો અક્ષ તોય વિવેક જાળવતો. તમારો વિડિયો અપલોડ કરતી વેળા તેનો ઇરાદો તો તમારી હિંમતને બિરદાવવાનો જ હતો. પછી જે બન્યું એ તેના બસની વાત નહોતી, રજની. એમાં તેનો વાંક પણ નહોતો, છતાં એના પ્રાયશ્રિત્તરૂપે તારા જીવનમાં ધબકાર પ્રેરવા તેણે હામ ભીડી. તેનું સચ સાંભળી તું ત્યારે કદાચ વીફરી હોત, આજે શાંત ચિત્તે વિચારી જો. થોડી બનાવટ દાખવ્યા વિના તે તારો હમદદર્‍ બની શક્યો હોત?’

રજનીનો રોષ શોષાતો ગયો.

‘તું કદાચ નહીં જાણતી હો, ઇન્સ્પેક્ટર કદમ અક્ષ સુધી પહોંચેલા. બીજું કોઇ હોત તો કેસની વિક્ટિમથી, કેસના લફરાંથી દૂર રહ્યો હોત. અક્ષે એવું ન કર્યું. તેને તારી ફિકર હતી રજની, તારા બ્લૅકમેઇલરના રૂપમાંય તેને સંદેહ હતો. તારા પર મૂકવામાં આવેલું આળ જો જૂઠ હોય તો એને દૂર કરવું હતું... થોડામાં ઘણાની જેમ એટલું સમજી જા રજની કે જે આપણને ચાહતું હોય તેનામાં વિશ્વાસ રાખીએ.’ અક્ષ અને રજનીના સંબંધનો આમા આડકતરો સ્વીકાર હતો. સાંભળીને સહેજ લજાતી રજનીને થયું, આ ઘડી જોવા છોટી-પપ્પા હોત તો! ‘જનારાને પાછા તો આણી ન શકાય, દીકરી.’ નાનીમાએ માથે હાથ ફેરવ્યો, ‘પરંતુ તેમની ખોટ તને વર્તાવા નહીં દઈએ.’

€ € €

અક્ષને બધું સ્વપ્નવત્ લાગતું હતું. ઘરનાથી અક્ષની રજની માટેની ચાહત છૂપી નહોતી, પણ હવેલીએ ગયેલાં નાનીમા જોડે રજની પરત થાય, ને એય ઘરની વહુના રૂપમાં એ અચરજની અવધિસમું હતું. રજનીની નજરમાં પોતે દોષી નથી જાણીને રહ્યોસહ્યો  અપરાધભાવ ઓસરી ગયો,

રહ્યો માત્ર પ્રેમ.

અને એનો ઊભરો શમ્યા પછી રજનીને સૂઝ્યું, ‘ અક્ષ, અસલી ગુનેગારની પહેચાન થઈ ગઈ. બસમાં અમારી છેડતી કરનારો અશોક નહોતો... ઇટ્સ ઉત્સવ જયસ્વાલ.’

હેં! રજનીની વિગત સાંભળીને અક્ષ વિચારમાં પડ્યો.

 ‘જયસ્વાલ ગ્રુ૫ ઑફ ઇન્ડસ્ટ્રીઝ મોટું નામ છે. અવધેશ જયસ્વાલ જોડે પપ્પાને ઓળખ ખરી. તેમનો ચિરંજીવી ઉત્સવ હમણાં જ બિઝનેસમાં જૉઇન થયો. તેની પાર્ટીમાં પણ અમે ગયા છીએ. ત્યારે જો ખબર હોત તો...’

અક્ષનાં જડબાં તંગ થયાં. પછી સૂઝ્યું, ‘બટ આર યુ શ્યૉર રજની? આવડા મોટા ઇન્ડસ્ટ્રિયલિસ્ટનો દીકરો બસમાં શું કામ ટ્રાવેલ કરે!’

‘કેમ? નવનીતનાથ કાપડિયાનો દીકરો બસમાં ફરી શકતો હોય તો ઉત્સવ જયસ્વાલ કેમ નહીં?’

રજનીની દલીલમાં તથ્ય હતું.

‘ગૉડ. પોતે આટલા વગદાર કુટુંબનો વારસ. મારી આમ ધુલાઈ થઈ ને મને પીટનારી બહાદુર તરીકે સન્માન પામે એની ચોટે ઉત્સવનો અહમ્ એટલો ચકનાચૂર થયો હશે કે વિડિયોમાં વિક્ટિમનો ચહેરો સાફ દેખાતો ન હોવાનો લાભ લઈને તેણે પાત્ર જ બદલી કાઢ્યું!’ અક્ષે ચપટી વગાડી, ‘અને અશોકના બયાન પર વિશ્વાસ બેસે એ માટે શ્યામ ઍન્ડ પાર્ટીને પણ તેણે જ હાયર કરી હોય.’

અક્ષની ગણતરી સાવ સાચી હતી.

‘તેની પાસે પૈસો છે, કામ કરનાર તંત્ર છે... મિનિસ્ટર કે પોલીસની ફેવર વિના કેટલી સિફતથી તેણે બદલો લીધો.’ અક્ષે રજનીને નિહાળી,  ‘હવે વાર કરવાનો આ૫ણો વારો.’

€ € €

નરીમાન પૉઇન્ટ ખાતેના ત્રેવીસમા માળના જયસ્વાલ ટાવરમાં સીધી ટૉપ ફ્લોર પર જતી ડિરેક્ટર્સ માટેની ઑટો લિફ્ટમાં પ્રવેશતો ઉત્સવ સહેજ અચકાયો.

અંદર ઑલરેડી મોજૂદ યુવતીએ મૃદુ સ્મિત ફરકાવ્યું. આ તો રજની... તે અહીં ક્યાંથી! ઉત્સવ સચેત બન્યો.

એ દિવસે ટેનિસ-કોર્ટ આગળ કાર બગડતાં જોશમાં ને જોશમાં પોતે ડાઉન માર્કેટ જેવી બેસ્ટની બસમાં ચડી બેઠો... રજનીએ જગ્યા માગતાં તેની મશ્કરી કરવાનું મન થયું. ઉત્સવ જયસ્વાલ ઈઝ નૉટી, યુ નો! પણ તેય બિચારી સ્ટ્રેસમાં હશે. તે રણચંડીની જેમ તૂટી પડી, સાથે તેની બહેન જોડાઈ! હાઉ શેમફુલ. ઉત્સવે છોકરીઓના હાથે મેથીપાક ખાધો. સમાચાર પ્રસરે તો હાઈ સોસાયટીમાં મારું માન શું રહે! મોં છુપાવીને બસમાંથી ભાગ્યો ત્યારે ઘટનાને ભૂલી જવાનો ઇરાદો હતો.

પણ કોઈ કમબખતે આનો વિડિયો લીધો હશે. એ વાઇરલ થતાં ધ્રુજારી છૂટી : છેડતીનો રેલો મારા સુધી પહોંચ્યો તો! વિડિયો જોતાં ધ્યાન ગયું કે આમાં મારો ચહેરો તો ક્યાંય દેખાયો જ નહીં. બસ, કાચી સેકન્ડમાં શયતાની પ્લાન દિમાગમાં ઘડાઈ ગયો :

દુનિયામાં બે બહેનોની બહાદુરી ગાજતી હોય ત્યારે પોલીસ-ચોકીમાં હાજર થઈ વિક્ટિમ એમ કહે કે મેં છેડતી નહોતી કરી, ઝઘડો સીટ માટે થયેલો... ને એના થોડા કલાકમાં બેઉ બહેનનો વિડિયો ઉતારીને બ્લૅકમેઇલિંગના ધંધામાં પાવરધી હોવાનું આળ મુકાટ તો તેમનો કેસ લૂલો થઈ જવાનો! રજની-શિવાંગી અશોકને ઓળખી ન શકે, એમાં પણ પોલીસને તેમને સ્વાર્થ જ દેખાવાનો!

મૅનેજર બસુ ખટપટિયો છે. ચ૫ટી વગાડતાં તેણે આખો ખેલ ઊભો ક્રી દીધો. ભાગ લેનાર ક્લાકારોને મારી ગંધ નથી. પાણીની જેમ રૂપિયા વેર્યા, બટ ઇટ્સ વર્થ. અશોકની તરફેણમાં બનાવટી સાક્ષી પણ ઊભા કરી દીધા. બસુ યમુનાતાઈને પણ શોધી લાવ્યો. કોઈ કચાશ ન રહી ને ગવર્નમેન્ટે જાહેર કરેલું સન્માન ન આ૫વાની ઘોષણા કરી એ હદ સુધીની સફળતાએ મારા તૂટેલા ગુરૂરને સાંધ્યું. ૫લા શ્યામે બહેનોને લેસ્બિયન ચીતરીને વધુપડતું કર્યું, પરંતુ છેવટે તો રજનીના દુ:ખમાં આપણે સુખી!

બિઝનેસમાં લૉન્ચ થવામાં પોતે સાચું પૂછો તો આખો કિસ્સો વિસરીયે ગયેલો. એવામાં આજે રજનીની લિફ્ટમાં મોજૂદગી. જોકે મારે તેને ઓળખવી પણ શું કામ જોઈએ? તેણે જો કોઈ રમત માંડી હશે તો ભૂલ ભારે પડવાની.

‘મને ન ઓળખી? હું રજની- તમારે મને બસમાં ખોળામાં બેસાડવી હતી.’ ઉત્સવ મોં ખોલે એ પહેલાં રજનીએ ઝડપથી ઉમેર્યું, ‘આજે આખ્ખેઆખી તમારામાં સમાઈ જવા આવી છું. આજ સુધી કબૂલ્યું કે દેખાડ્યું નથી, પણ સાચું કહું તો લંગડા બાપ ને નાની બહેનની જવાબદારીથી હું કંટાળી હતી. આ બધું થયું એમાં એટ લીસ્ટ હું છૂટી... તેં શું માન્યું? તારા જેવા હૅન્ડસમ રિચને હું ઓળખતી નહીં હોઉં! તોય તારું નામ લીધું? અશોકની ઓળખ વિરુદ્ધ કંઈ બોલી? તારી મહેરબાની પામવા, જાનમ!’

રજનીનાં અડપલાંએ ઉત્સવ ભાનભૂલ્યો. રેશમી ગાઉનમાં રજની બેહદ મારકણી લાગી રહી હતી. તેના વાક્યો કૅફપ્રેરક હતાં, અદામાં આહ્વાન હતું.

બસ, હવે ઉત્સવનું મોં ખૂલવું જોઈએ. લિફ્ટ દસમો માળ વટાવી ચૂકી હતી. રજનીને દાવ એળે જતો લાગ્યો ત્યાં-

‘રિયલી!’ ઉત્સવને થયું રજનીનો ઇરાદો ગમે એ હોય સિંહની બોડમાં આવીને શિકાર કરવા જેટલી સવલત તેને ન હોય. જયસ્વાલ ટાવરમાં મારી મરજી વિરુદ્ધ શું થઈ શકે! તો ૫છી ઉઠાવ ફાયદો.

‘આજે હું તને ટચ કરું તો બસમાં સર્જેલો એવો તમાશો નહીં સર્જેને?’

‘તમે એ માર ભૂલ્યા નથી!’ રજની મશ્કરીભર્યું હસી. પંદરમો માળ ગયો.

‘અરે, એને ખાતર શું ન કર્યું એ પૂછ.’

અને સ્પાયકૅમેરાથી એનું રેકૉર્ડિંગ ઝિલાતુ ગયું. મૅનેજરની મદદથી અશોકનું પ્યાદું ઊભું કરવું, નવો વિડિયો ઉતારવા શ્યામને હાયર કરવો...

કબૂલાત કરી ઉત્સવ રજનીને ચૂમવા ગયો કે તે સિફતથી સરકી ગઈ, ‘જુઓ તમારું ડેસ્ટિનેશન આવી ગયું.’

અને લિફટનું દ્વાર સરકતાં ઉત્સવ થીજી ગયો.

કૅમેરાનું રેકૉર્ડિંગ મોબાઇલમાં નિહાળી ચૂકેલા અક્ષના પડખે ઇન્સ્પેક્ટર કદમ હાથકડી લંબાવીને ઊભા હતા!

દાંત ભીંસીને રજનીએ ઉત્સવના ગાલે તમાચો વીંઝ્યો ને એ દશ્ય પણ ઝીલીને અક્ષે વિડિયો પોસ્ટ કરી દીધો.

€ € €

વાઇરલ થયેલા વિડિયોભેગી અક્ષે નેટ થ્રૂ ઝુંબેશ ઉપાડી : અસત્યનું આવરણ ચીરી સત્ય સામે છે. રજની શું ડિઝર્વ કરે છે- અ૫માન કે સન્માન? એક તો જયસ્વાલે તેની છેડતી કરી, ઉપરથી નોધારી બનાવી. આવા નરપિશાચને છોડવો જોઈએ કે સજા થવી જોઈએ?

ઉત્સવની વિરુદ્ધ અને રજનીની તરફેણમાં એવો પ્રચંડ લોકજુવાળ ઊમડ્યો કે પૈસો, વગ, સત્તાનું કંઈ ચાલ્યું નહીં. ઉત્સવની ધરપકડ સાથે તેના મૅનેજર અશોકને પણ અરેસ્ટ કરવામાં આવ્યો.

ચાલમાં આવીને પોલીસ શ્યામને હાથકડી પહેરાવતી હતી ત્યારે ન જાણે ક્યાથી પોસ્ટર્સ ફરવા લાગ્યાં.

ગલીગલી મેં ચર્ચા હૈ

શ્યામબાબુ છક્કા હૈ!

ગરદન ઝુકાવીને નીકળી જવું પડ્યું બિચારાએ. આબરૂ એક વાર ગઈ એટલે ગઈ ! છક્કાનું લેબલ જિંદગીભર રહેવાનું... શું થાય! પૅમ્ફ્લેટ અક્ષે વહેંચ્યાં હતાં. એટલાથી સંતોષ ન થતો હોય એમ રજની અચાનક શ્યામ સામે ધસી, થૂંકી. છોટીએ સ્વર્ગમાં તાળી પાડી હોય એવું લાગ્યું.

દરમ્યાન યમુનાતાઈને પણ પરચો મળી ગયો. સ્ટાફની બાઈ સાથે મસ્તી માણવા જતાં વિઠ્ઠલનો વિડિયો ફરતો થયો ને તાઈની રજની બાબતની જુબાની આ૫ોઆ૫ ખોટી ઠરી. આ કામ અક્ષનું જ.

દરેક ઘટના રજનીના જખમ રૂઝતી હતી. સરકારે તાત્કાલિક તેને ગૌરવ પુરસ્કાર આપ્યો, છોટીને મરણોત્તર. ગુનેગારોને ઘટતી સજા થઈ.

અને હવે છેવટે અક્ષ અને  રજની પરણી ગયાં એવું તમે ધારી લીધું હોય તો તમે બિલકુલ સાચા છો! તેમનાં લગ્નમાં નાનીમાએ રાપ્ચિક

ડાન્સ કરેલો.

એ વિડિયો તમે જોયો કે નહીં?

(સમાપ્ત)

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK