કથા-સપ્તાહ-સત-અસત ( કિતને અજીબ કિસ્સે હૈં યહાં... - ૪)

Published: 18th December, 2014 05:53 IST

‘જેવી કરણી એવી ભરણી. બિચારા જુવાનને ધીબેડીને બેઉ બહેનો બહાદુર થવા ગઈ, પણ સચ ઓછું છૂપું રહે! બ્લૅકમેઇલર તરીકેની તેમની ઓળખ ખુલ્લી થતાં નાની બહેને ડરીને આપઘાત કર્યો ને દીકરીઓના પાપે બાપનું હાર્ટ-ફેલ થઈ ગયું. જીવતી રહેલી રજની પ્રત્યેય કોને સહાનુભૂતિ થાય?’ લોકો કહેતા. અન્ય ભાગ વાંચો

1  |  2  |  3  |  4  |  5  |‘ગવર્નમેન્ટે પણ અવૉર્ડની જાહેરાત પાછી ખેંચીને શાણપણનું કામ કર્યું. શ્યામવાળો વિડિયો બનાવટી નથી. શ્યામ ઉપરાંત અશોકના બયાને પોલીસને શક ન રહ્યો.’ પત્રકારો ઉમેરતા.

શંકા તો કદમને પણ રહી નહોતી. રાધર શંકા ન રહે એ માટે તપાસમાં થોડા ઊંડા ઊતરીને તેમણે બન્ને વિડિયો પોસ્ટ કરનારને શોધી કાઢ્યા હતા.

શ્યામવાળો વિડિયો મૂકનાર રઘુ શ્યામનો દોસ્ત નીકળ્યો. 

‘શ્યામે મને બહેનોની દાદાગીરી વિશે કહેલું. વિડિયો ઉતારીને બ્લૅકમેઇલ કરવાની તેમની ટીકા વિશે સાંભળીને થયું કે શા માટે વિડિયો વહેતો મૂકીને તેમનો ભાંડો ન ફોડવો! ત્યાં તો આવા જ એક વિડિયો દ્વારા તેમની બહાદુરીને શિરપાવ મળ્યો. પછી તો બેઉ બહેનો હવામાં ઊડવા લાગી. એની ગરમીમાં તેમણે શ્યામને ધીબેડ્યો, તેમના તરફથી ત્યારે વિડિયો નહોતો ઊતરી રહ્યો, પણ મેં તક ઝડપીય છેવટે યુટ્યુબ પર પોસ્ટ પણ કરી દીધો. શ્યામને પણ પછી જાણ થઈ.’

આમાં ઊલટતપાસનો ઝાઝો અવકાશ નહોતો. જોકે રઘુએ શક્યતા દર્શાવેલી એમ બહાદુરીવાળો વિડિયો બેઉ બહેનોએ સ્વયં નહોતો મુકાવ્યો. બલ્કે વિડિયો કૅપ્ચર કરનાર, અપલોડ કરનાર અક્ષ અવઢવમાં હતો- કંઈક ગરબડ છે. છોકરીઓ આટલી કપટી હોય એ માનવામાં નથી આવતું. 

‘કેમ નહીં? દરેક બયાન, દરેક સબૂત બેઉ બહેનો વિરુદ્ધ છે. અશોક પાસે બસની ટિકિટ છે, ચાર-પાંચ સહપ્રવાસીઓએ તેને ઓળખ્યો છે. સીટ માટે ઝઘડો શરૂ થયાની સાક્ષી સ્વયં એક મહિલાયાત્રીએ આપી છે. રજનીની એક્સ-એમ્પ્લૉયર યમુનાબહેને તેના ચારિત્ર પર આંગળી ઉઠાવી છે. અરે, સો-કૉલ્ડ છેડતીના દિવસે આ મામલે ઝઘડો થયાનો સાક્ષી તેમનો આખો સ્ટાફ છે.’

કદમે ભલે સ્વીકારી લીધું, અક્ષને ક્યાંક કશી અણખટ રહી જ. પોતે જેને હિરોઇન માની તે વૅમ્૫ નીકળી એટલે કદાચ મન હકીકત સ્વીકારવા તૈયાર નહીં થતું હોય? 

‘બહાદુરીએ ડંકો વગાડ્યો એમ બ્લૅકમેઇલિંગની બદનામીએ થૂ-થૂ થયું. એમાં લોકોએ પણ મર્યાદાભંગ કરીને બેઉ બહેનોના સંબંધ વિશે એલફેલ બોલ્યું-લખ્યું, જેના પરિણામે નાની બહેને આપઘાત કર્યો- એનું દુ:ખ અવશ્ય છે, પણ શુ થઈ શકે?’

કદમની ફિલોસૉફી અક્ષને પજવતી. બદનામીથી આત્મહત્યા કરનાર યુવતી સંવેદનશીલ ગણાય. તે પોતે બીજાને બદનામ કરવાનું કાવતરું ઘડી જ ન શકે! અંહ, સમથિન્ગ ઇઝ રૉન્ગ.

અક્ષને ધીરે-ધીરે એમ પણ થયું કે કાશ! મેં વિડિયો અપલોડ કરવાનો મોહ રાખ્યો ન હોત તો આમાંનું કંઈ ન બનત... કદાચ!

€ € €

‘હવે પસ્તાવો વ્યર્થ છે, અક્ષ.’ વિભુબહેન હજીયે નારાજ હતાં.

રજની નોધારી બનીને ત્રણ મહિના વીતી ચૂક્યા હતા. સમાજ કે મીડિયામાં હવે એ કિસ્સો કોઈ સાંભરતું પણ નથી. બિચારી પર દુ:ખનો ડુંગર તૂટી પડ્યો જાણીને ન્યાય મળ્યો હોય એમ ફરિયાદનું શું થયું એવું અશોક-શ્યામ પણ પૂછતા નથી. હા, કાપડિયા-ફૅમિલીમાં આનો ઓછાયો વતાર્‍ય છે ખરો. અક્ષે વિડિયો નેટ પર મૂક્યો જ ન હોત તો આમાંનું કંઈ ન થાત એ તર્ક સાથે વિભુબહેન સંમત છે. આમેય દીકરાએ બહેનોને બચાવવાને બદલે વિડિયો ઉતાર્યો‍ એની નારાજગી તો હતી જ. સત-અસતનો ગૂચવાડો તો સૌને હતો.

‘તારી માનો કહેવાનો મતલબ છે લાલા કે માત્ર પસ્તાવો કરીને બેસી રહેવાથી કંઈ નહીં વળે.’ ઘણા દિવસે દેવીમા બોલ્યાં, ‘રજનીને આશ્વસ્ત કરી, એના જીવનમાં ધબકારો પ્રેરી અણખટનું સમાધાન તો પામી જ શકીએ.’

અને અક્ષને એક ધ્યેય મળી ગયું.

€ € €

અક્ષ!

આ એક નામે રજનીમાં રોમાંચ સરી જાય છે. છોટી-પપ્પાની ચિરવિદાયના ત્રણ મહિના પછી અને આજથી ચાર મહિના અગાઉ જિંદગીમાં પ્રવેશેલો આજે તો હૃદયની કેટલો નિકટ લાગે છે!

‘રજની દવે અહીં રહે છે? મારે પાપડનો ઑર્ડર આપવાનો છે.’ એક સવારે ખોલીનો દરવાજો ખટખટાવી અક્ષ ખરેખર તો જીવનમાં પ્રવેશ્યો હતો.

ત્યાં સુધી તો પોતે જાણે લાશની જેમ શ્વસ્તી હતી. શિવાંગીના આપઘાત-પપ્પાના હાર્ટ-ફેલે તૂટી ચૂકેલી. અમારી બહાદુરીથી સ્તબ્ધ બનેલા ચાલવાળા બદનામીથી જોશમાં આવી ગયા હોય એમ નજરોથી, જુબાનથી વીંધતા રહ્યા. લેસ્બિયન હેાવાનું આળ છોટી ખમી ન શકી... તેનું કુમળું મન એવું ઘવાયું કે ગળાફાંસો ખાઈ લીધો ને એના આઘાતમાં પપ્પાએ જીવનલીલા સમેટી. બેવડા આઘાતથી જડ થયેલા મગજમાં અક્ષના આગમને ચેતન પ્રસરાવ્યું હતું. 

પાપડનો ઑર્ડર મૂકીને તેણે અહેસાસ કરાવ્યો કે જીવવા માટે કામ તો કરવું પડશે, પરંતુ કોના માટે જીવવું? શા માટે જીવવું?

‘સત્ય પુરવાર કરવા માટે.’  

અક્ષના શબ્દોએ રજની ટટ્ટાર થયેલી.

‘હું એટલું માનુ છું કે તમે બહાદુર છો તો બ્લૅકમેઇલર નથી.’

‘નથી જ, પણ સાબિત કેમ કરીશ?’

‘હું સાથ આપીશ.’

અને ખરેખર દર ત્રીજે દહાડે તે નવો ઑર્ડર દઈ, જૂના ઑર્ડરનો માલ લઈ જતો. કામનું ભારણ રજનીને વ્યસ્ત રાખતું. અક્ષે સમજાવેલું એમ લોકનજરથી તેણે નિસ્બત રાખી નહોતી.

‘આટલા બધા ઑર્ડરનું તમે કરો છો શું?’ તે પૂછતી.

‘હું તો એજન્ટ માત્ર છું, રજનીદેવી. તમારા જેમ અકિંચન, અનાથ. ચર્ની રોડની ચાલમાં રહું છું. સાંભળ્યા પ્રમાણે તમારાં પાપડ-અથાણાંની સાઉથ મુંબઈમાં બહુ ડિમાન્ડ છે.’

રજનીને સંતોષ થતો. સમયાંતરે સત્યને ઉજાગર કરવાની મથામણ તો ચાલુ જ હતી.

‘શ્યામે તમારી બહાદુરીમાં પંક્ચર પાડવા બ્લૅકમેઇલિંગનું ગાણું ગાયું, યમુનાતાઈએ એનો લાભ ઉઠાવીને બળતામાં ઘી હોમ્યું. વૉટ અબાઉટ અશોક?’

અશોક... રજની આંખો મીંચી જતી. કપાળે તાણ ઊ૫સતી. પછી નકારમાં ડોક ધુણાવતી, ‘અહી જ કશી ગરબડ છે અક્ષ. તમે જેને પીટ્યો તેનો ચહેરો યાદ કરવાની કોશિશ કરું છું. ધૂંધળું ચિત્ર ઊપસે છે, પણ એ રેખાઓનો અશોક સાથે મેળ નથી ખાતો.’

એ કેમ બને? અક્ષ પણ ગૂચવાયો. બસના અન્ય પૅસેન્જરો તેને ઓળખે છે. વિડિયો ઉતારતી વેળા મેં બહુ ધ્યાન નહોતું આપ્યું ને કમનસીબે વિડિયોમાં તેનો ચહેરો સરખો ઝિલાયો પણ નથી. શક્ય છે રજનીનું સબકૉન્શિયસ માઇન્ડ તે બદમાશની છબી ઉપસાવવા માગતું ન હોય.

‘થયું’તું શું એ તો કહે.’

‘એ તો મને બરાબર યાદ છે.’ રજનીએ આખો મીંચીને વાગોળવા માંડ્યું, ‘તમે તો જાણો છો અક્ષ, વાડીમાં વિઠ્ઠલ-યમુનાતાઈએ સર્જે‍લા તમાશાથી અપસેટ થઈને અમે બસ પકડી હતી. છોટી સહેમી ગઈ હતી. મને થયું, થોડી જગ્યા મળે તો તેને બેસાડી દઉં... મેં તે જવાનને વિનંતી કરી : તમે જરા સંકોચાઈને બેસો તો મારી બહેન બેસી જાય. શી ઇઝ અનવેલ. જવાબમાં તે ગંદું હસ્યો : તેને મારા ખોળામાં બેસાડી દો, આઇ ડોન્ટ માઇન્ડ. બેઠા પછી તમારી બહેન પણ માઇન્ડ નહીં કરે એની ગૅરન્ટી મારી!’

‘આ શું બદતમીજી છે.’ હું તેને વઢું છું. જવાબમાં તે વધુ ગંદું મલકે છે અને કહે છે, યા, બેને બદલે એકને બેસવાનું કહું એ બદતમીજી જ કહેવાય. તમે બેઉ બેસી જાઓ; આઇ કૅન હૅન્ડલ ટૂ ઍટ અ ટાઇમ! તેના બીભત્સ ઇશારે મારું ત્રસ્ત દિમાગ હટ્યું અને...’

રજની હાંફી ગયેલી, ‘મેં સીટ માગી એ સાચું, પણ ઝઘડો તો છેડતીના મુદ્દે જ થયો. મને લડતી જોઈને છોટીનેય જુસ્સો ચડ્યો... કાશ! આ જુસ્સો તેની બદનામી વેળા ટકાવી શકી હોત.’

રજની ઊનો નિસાસો નાખતી.

‘આજે થાય છે, બહાદુરીનો એ વિડિયો ફરતો થયો ન હોત તો વિઘ્નસંતોષીઓને સામો દાવ ખેલવાની પ્રેરણા ન મળી હોત, ને તો આજે હું આમ એકલી-અટૂલી ન હોત.’

આડકતરી રીતે રજની મારા પર આક્ષેપ મૂકી રહી છે! અક્ષ ઝંખવાયો. ક્યારેક તો રજનીને સચ્ચાઈ પરખાશે. ત્યારે શું થશે? અક્ષ જાણતો-સમજતો હતો કે રજનીને ધબકતી કરવાના  પ્રયાસમાં તે હૃદિયામાં વસી ચૂકી છે ને તેણે મને માણીગર માન્યો હોવા બાબત પણ દ્વિધા નહોતી.

અસત્યનું આવરણ સરીને સત્ય ઉજાગર થશે ત્યારે શું થશે? અક્ષ પાસે આનો જવાબ નહોતો ને તેના નામે રોમાચિંત થનારીને આવો પ્રશ્ન સ્ફુરે પણ કેમ!

€ € €

‘તમે ક્યુમાં ઊભા રહો, હું કાર મૂકીને આવ્યો.’ મૉમ-દેવીમાને સિદ્ધિવિનાયકના વળાંકે ઉતારીને અક્ષે પાર્કિંગની જગ્યા ખોળી.

રજની ત્યારે ઑલરેડી લાઇનમાં જોડાઈ ચૂકેલી. ઘણા વખતે પોતે ઘરની બહાર આ રીતે નીકળી. અક્ષનો ફોન લાગ્યો નહી, નહીંતર સજોડે જ આવવાનો ખ્યાલ હતો.  

સજોડે શબ્દ પર સહેજ શરમાતી રજની બીજી પળે ચમકી. રસ્તાની સામી બાજુ ફૂલ-હાર- પ્રસાદની દુકાનો વચ્ચે ન્યુઝપેપરનો સ્ટૉલ હતો જેમાં લટકતાં મૅગ્ોઝિન પ્ૌકી એકના કવરપેજ પર અછડતી નજર પડતાં ચમકારો અનુભવાયો, દિમાગમાં સળવળાટ થયો. આંખો બંધ કરતાં જ અત્યાર સુધી ધૂંધળો રહેલો ચહેરો સ્૫ષ્ટપણે ઉજાગર થઈ ગયો.

બિલકુલ કવરપેજ પર છે એવો જ એ ચહેરો!

અર્થાત્ અમે અશોકને નહીં, આ માણસને માર્યો હતો! કોણ છે તે? રજનીએ નજર કસી તો મથાળું વંચાર્યું : ઉત્સવ જયસ્વાલ જૉઇન્સ ધ બિઝનેસ હાઉસ!

આ જ આંખો, આ જ મોંફાડ... રજનીને ધોખો ન રહ્યો.

આઇ મસ્ટ ટેલ ધિસ ટુ અક્ષ.

અને પર્સમાંથી મોબાઇલ કાઢતી રજની સામેથી સાક્ષાત્ અક્ષને આવતો નિહાળીને અચંબિત થઈ. અક્ષને સહેજે અંદાજો નહોતો કે રજની અહીં આવી હોઈ શકે! પોતાની ધૂનમાં તે નાનીમા સાથે જોડાયો.

વૉટ ધ હેલ! અક્ષ તો કહેતો હતો કે તે સંસારમાં એકલો છે... તો પછી આ લેડીઝ કોણ છે?

પોતે પકડાય નહીં એ રીતે અક્ષનો પીછો કરીને રજનીએ જાણવાજોગ જાણી લીધું. દિલમાં ચીરો પડ્યો. અક્ષ ગરીબ નથી, અનાથ નથી. જેના પર મને સૌથી વધુ ભરોસો હતો એ જ આદમી બનાવટી નીકળ્યો? મારી સાથે છળ શું કામ, અક્ષ?

રજનીને એકાએક લાગ્યુ કે મારી આસપાસ અદૃશ્ય જાળ ગૂથાઈ છે. એના અંકોડા છોડીને દુશ્મન સુધી મારે જ પહોંચવું પડશે- પછી તે ઉત્સવ હોય કે અક્ષ!

(આવતી કાલે સમાપ્ત)

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK