કથા-સપ્તાહ-સત-અસત ( કિતને અજીબ કિસ્સે હૈં યહાં... - ૩)

Published: 17th December, 2014 06:04 IST

‘સૌ સારું જેનું છેવટ સારું.’અન્ય ભાગ વાંચો

1  |  2  |  3  |  4  |


શુક્રની સવારે અખબારમાં બહાદુર બહેનોના થનારા સન્માનના સમાચાર વાંચી નવનીતનાથે હરખ જતાવ્યો,

‘છોકરીઓનું યથાયોગ્ય સન્માન થવામાં તું નિમિત્ત બન્યો, અક્ષ એનો આનંદ.’

અક્ષે જોયું તો મા મૂંગી હતી. 

મંગળની રાત્રે દીકરાએ મૂકેલો વિડિયો નેટ પર વાઇરલ થયાનો ઉમંગ પતિ-દેવીમા માણતાં હતાં ત્યારે વિભુબહેને જુદું જ કહેલું, ‘આયૅમ શેમ ઑફ યુ, માય સન!’ તેમનો આઘાત છૂપો ન રહ્યો, ‘એક જુવાન બે છોકરીઓની છેડતી કરે છે, બન્નેએ તેનો પ્રતિકાર જરૂર કર્યો; પણ તું તેમની મદદમાં દોડી જવાને બદલે વિડિયો ઉતારે છે? તારો હાથ જુવાન પર ઊઠવાને બદલે મોબાઇલની સ્ક્રીન પર ફરે છે એ જ સૂચવે છે કે તારા માટે વાઇરલ થઈ શકનારો વિડિયો કૅપ્ચર કરવાનું વધુ મહત્વનું છે નહીં કે છેડતીની ગંભીરતા.’ વિભુબહેને આકરાં વેણ ઉચ્ચારેલાં, ‘આ કેવી માનસિકતા? મેં આવા સંસ્કાર આપ્યા છે તને?’

‘લાલા’ હંમેશાં દોહિત્રની તરફદારી કરનારાં દેવીમાએ પણ તથ્ય સમજી દીકરીના સૂરમાં સૂર પુરાવ્યો, ‘તારી મા સાચું કહે છે. ફરી વાર આવું ન થવું જોઈએ.’ 

જોકે હવે તો એ વિડિયો બહાદુર બહેનોને ફળ્યો ગણાય, તો પણ મા ચૂપ કેમ છે?

‘આઇ સેઇડ ના મૉમ, ફરી આવી ગલતી નહીં થાય.’

ત્યારે વિભુબહેને મુખ મલકાવ્યું, ‘બસ, મને આટલું જ જોઈએ.’

€ € €

ઇન્સ્પેક્ટર કદમના કપાળે કરચલી ઊપસી : જુવાન આ શું કહી રહ્યો છે ?  

‘બિલીવ મી સર, આ છોકરીઓ બહાદુર નહીં; માથાફરેલ છે. તેમણે બેસવા જગ્યા માગી. સૉરી ટુ સે, સ્ત્રીદાક્ષિણ્ય એની જગ્યાએ; બસ-ટ્રેનમાં એમ ઓછું બૈરાને જોઈ ઊભા થઈ જવાય! મેં સૉરી કહેતાં તેમણે દાદાગીરી કરવા માંડી - કહે કે ઊભો થા, નહીં તો ધબેડી નાખીશું! ને ખરેખર મારો તમાશો સરજી દીધો..’ જુવાનની આંખોમાં પાણી ભરાયાં. ‘એ તો સારું થયું કે વિડિયોમાં મારો ચહેરો બરાબર ઝિલાયો નથી નહીંતર મારે પ્ોરન્ટ્સને મોં દેખાડવાનું ભારે પડત... દોસ્તોમાં હાંસીપાત્ર બની જાત, લગ્નની વાતો ચાલે છે એમાં ભંગાણ પડત...’ 

‘તો પછી હવે કેમ તમે ફરિયાદી બની સામેથી જાહેર થવા માગો છો? ’ 

‘તમારો પ્રશ્ન બિલકુલ સાચો સાહેબ.’ જુવાને મક્કમતા દર્શાવી, ‘વિીડયો વાઇરલ થવા છતાં મારી ગંધ ન આવી એની રાહત હતી. જોકે છોકરીઓને બહાદુર ઠરાવાઈ એનો ચોક્કસ ત્રાસ થયો. ત્યાં વળી સરકાર પણ તેમને સન્માનિત કરવાની.

ઇટ્સ રૉન્ગ. મારું માન છીનવનારનું સન્માન શાનું? જનતાનો ભ્રમ ભાંગવો મને જરૂરી લાગ્યો. આઇ રિક્વેસ્ટ ટુ નોટ માય કમ્પ્લેઇન્ટ.’

જેને બહાદુરીનું પ્રમાણપત્ર મળવાનું છે, લોકોમાં જેની હિંમતની ચર્ચા છે તેના વિરુદ્ધ એ જ બાબતમાં ફરિયાદ આવે તો શું કરવું? આધેડ વયના કદમને થયુ, થોડું કુનેહથી કામ લેવું પડશે. 

‘રિલૅક્સ....’ કદમે નામ યાદ કર્યું, ‘મિ. અશોક... મને થોડો સમય આપશો?’

€ € €

બીજી સવારે કદમે રજનીને થાણામાં તેડાવી.

દીકરીઓની બહાદુરીનો વિડિયો પિતાથી હવે છૂપો નહોતો. સરકાર સન્માન કરવાની જાણી તેમની છાતી ગજ-ગજ ફૂલી. સમારંભમાં પ્રધાનશ્રીને મળી દીકરીઓને સરકારી નોકરી મેળવી આપવાની અરજ મૂકવાનુંય મનોમન વિચારી રાખેલું. વિડિયો વહેતો કરનારનો આભાર તો વારંવાર માનતા.

પોલીસના તેડાએ ઘરમાં સૌએ એમ જ માન્યું કે સરકારી પ્રોગ્રામ બાબતે સિક્યૉરિટીની ગાઇડલાઇન આપવા રજનીને નિમંત્રી હશે.

પણ વાત જુદી નીકળી.

‘તમે આને ઓળખો છો?’

કદમે ધરેલો ફોટો નિહાળતી રજનીની પાંપણ સહેજ તંગ થઈ.

‘ચેક્સવાળું શર્ટ અને જીન્સ પૅન્ટ... પોશાક પરથી પણ ઓળખાણ ન પડી?’

રજની સમજી. ફોટોવાળા જુવાને પોશાક તો એ જ પહેર્યો છે જે અમે જેને માર્યો’તો તેણે પહેરેલો. વય પણ લગભગ સરખી છે. સ્માર્ટ છે, ડૅશિંગ છે.. રજની ગૂંચવાઈ.

‘આણે જ તમારી છેડતી કરી’તી, રાઇટ?’ 

રજનીએ ડોક ધુણાવી : આઇ ડોન્ટ થિન્ક સો...

‘તો શું તમારી છેડતી નહોતી થઈ?’ કદમના અવાજમાં ધાક ભળી.

રજનીને સમજાતું નહોતું મામલો શું છે.

‘ટેલ મી, બેસવાની જગ્યા માટે તમારો ઝઘડો થયો?’ 

રજની સહેમી ઊઠી. ગળે શોષ પડ્યો.

‘જી. થયું એવું કે..’

‘નો મોર સ્ટોરીઝ. યુ મે ગો.’ 

પોલીસખાતામાં પોલીસ સામે દલીલ કરવાની રજનીની હામ ન થઈ. કશું પલ્લે પડતું નહોતું. ચૂપચાપ તે નીકળી ગઈ.

સમથિંગ ઇઝ રૉન્ગ વિથ ધિસ ગર્લ... અશોક સાચું કહેતો’તો - વાંક છોકરીનો છે એટલે હવે તે મારી ઓળખાણ પણ પાકી નહીં ઠેરવે... રજની-શિવાંગીને તો બગાસું ખાતાં પતાસું મળ્યું. હવે દૂધ-પાણી જુદાં કરવામાં અમને શું રસ હોય? ઝઘડો સીટમાંથી થયો એટલું તો રજનીએ સ્વીકાર્યું, જે અશોકના બયાનને પુરવાર કરવા કાફી ગણાય...

હવે તો લાગે છે આ વિડિયો ફરતો કરવાનો પ્લાન પણ છોકરીઓનો જ હોવો જોઈએ. પોતાની જબરદસ્તીને કેવી સિફતથી તેમણે બહાદુરીમાં ફેરવી કાઢી. 

કદમને અંગતપણે છોકરીઓ સાથે દુશ્મની નહોતી. છેડતી કરનારને સખત સજા આપવી જોઈએ એવું તે દૃઢપણે માનતો. એમ છેડતીનો દેખાવ ઊભો કરી કાયદાનો ગેરલાભ લે એ પણ થવું ન જોઈએ. રજની-શિવાંગીના વિડિયોના આધારે છેડતી કરનારની તપાસ તો અમારે કરવાની જ હોય, ત્યાં તેણે જ સામેથી આવી ખુલાસો કર્યો. મને હતું કે પોતાના બચાવમાં તેણે વાર્તા ઘડી કાઢી, પણ રજનીને મળ્યા પછી અશોકની વાતોમાં વધુ વિશ્વાસ બેસે છે...

અને કદમનો વિશ્વાસ દૃઢ થાય એવા ખબર સાંજે મળ્યા :

‘સર, આ વિડિયો જુઓ તો-’ સહાયકે નેટ પર મુકાયેલી ક્લિપિંગ દેખાડી જેમાં રજની-શિવાંગી અન્ય એક જુવાનને ધબેડતી હતી!

સાથે કમેન્ટ પણ હતી : આ બહેનો બહાદુર નહીં, બ્લૅકમેલર છે! ચોરીછૂપી આવો વિડિયો ઉતારી તેને ફેરવવાની ધમકી આપી પૈસા પડાવે છે... નૅચરલી, પોતે છોકરીના હાથે પિટાયો છે એ જાહેર થવા દેવા કયો પુરુષ રાજી થાય?

બન્ને બહેનોનો આ વિડિયો પણ વાઇરલ થયો.

€ € €

‘શ્યામ- ’

રાત્રે નવના સુમારે રજની ચાલની બહાર અડિંગો જમાવી ઊભેલા આવારા છોકરાઓ તરફ ધસી.

તેનું દિમાગ ફાટ-ફાટ થતું હતું. એક તો સવારે ન જાણે ઇન્સ્પેક્ટર કદમે કયા કારણે બોલાવી, શું અસ્ટમ-પસ્ટમ સવાલો કર્યા.... પોતે ગુનેગારને ઓળખી ન શકી એ માટે જાત પર ચીડ ચડી. શિવાંગીને સાથે લઈ ગઈ હોત તો સારું થાત. ખેર, હવે તેને કે પપ્પાને કંઈ નથી કહેવું.... બપોરે ઑર્ડરનું કામ પતાવ્યું. સાંજે બેઉ બહેનો બજારથી પાછી ફરતી હતી ત્યાં આ શ્યામે રસ્તો આંતરેલો. ચાલમાં રખડુની છા૫ ધરાવતા શ્યામની વાસના રજનીથી છૂપી નહોતી. શિવાંગીને તો તે આવા નમૂનાથી આઘેરી જ રાખતી.

આજે તેણે રસ્તો આંતરતાં થોભવું પડ્યું, ‘શું છે?’

‘તારો વિડિયો જોયો... શું સૉલિડ માર્યો છે બિચારાને. મને એક વાતની તો ખાતરી થઈ ગઈ રજની -’

રજનીનાં ભવાં સંકોચાયાં : શું?

‘કે તને મરદોમાં રસ નથી નહીંતર તેં કોઈકને તો ભાવ આપ્યો હોત! તું લેસ્બિયન છેને? આઇ મીન, યુ બોથ સિસ્ટર્સ..’ કહી તે ગંદું હસ્યો.

પત્યું. રજની-શિવાંગીનો આપો તૂટ્યો. બ્હાદુર ઠર્યા પછી હામ વધી હોય એમ આંખોથી સંતલસ કરી તેમણે શ્યામને લબડધક્કે મારવા માંડ્યો.

ત્યારે જાણ નહોતી કે આ એક ટ્રૅપ છે. અમારો વિડિયો ઊતરી રહ્યો છે ને અમારી બહાદુરી શકના દાયરામાં આવી જાય એ રીતે બ્લૅકમેલર ઠેરવવાનો દાવ છે... થોડી વાર પહેલાં ટીવી પર વાઇરલ થયેલા વિડિયો વિશે જાણ્યું ત્યારે ખબર પડી.

વિડિયોમાં શ્યામનો ચહેરો સ્પક્ટ દેખાતો હતો. અરે, ચૅનલ સાથેની ટેલી ટોકમાં એનો અવાજ સંભળાયો : હું એમનો પડોશી છું ને આ ટેપ છુ૫ાવાના રૂપિયા આપી ચૂક્યો છું, એથી વિશેષ મારે કંઈ નથી કહેવું.

પપ્પા સ્તબ્ધ હતા. શિવાંગી રડતી હતી ને હતપ્રભ બનેલી રજની અત્યારે શ્યામ સાથે ઝઘડવા આવી હતી.

‘તારી આ મજાલ? મરદનો બચ્ચો હોત તો તારી ધુલાઈ થઈ એનું કારણ પણ વિડિયોમાં આવવા દીધું હોત... તેં મને ક્યારે રૂપિયા આપ્યા?’ રજનીએ તેનો કાંઠલો પકડ્યો, ‘આટલું જૂઠ?’

‘અત્યારે આપણો વિડિયો નથી ઊતરતો એટલે બેધડક કહું છું જા, મેં જાણીને બધું કર્યું. તું મને ભાવ નહોતી આ૫તી એનો મેં બદલો લીધો. થાય એ કરી લે.’

તેના જોડીદારો હસ્યા. કાન દાબી રજની ત્યાંથી દોડી ગઈ.

પડતા પર પાટુ મારતાં હોય એમ યમુનાતાઈ ટીવી રિપોર્ટરને કહેતાં જણાયાં: છોકરીની ચલગત સારી નહોતી. મારા પતિ પર તેનો ડોળો હતો...

એ રાત્રે ઘરમાં કોઈને નીંદર ન આવી.

સવારે શિવાંગી પ્રાત:ક્રિયા માટે લેવેટરી ગઈ ત્યારે દરેક દીવાલ પર ચોકથી લખાયું હતું : તમને ખબર છે, રજની-શિવાંગી લેસ્બિયન છે?

એ બપોરે શિવાંગીએ ગળાફાંસો ખાધો એમાં આઘાતમાં સુધીરભાઈએ સાંજે પ્રાણ ત્યજ્યા. ઘડી-બેઘડીમાં રજનીની દુનિયા વેરાન થઈ ગઈ ને ત્યારે અક્ષ હજી સમજી નહોતો શક્યો : એક વિડિયો બહેનોને બહાદુર બતાવે છે, બીજો બ્લૅકમેલર...

આમાં સાચું શું, ખોટું શું?

(ક્રમશ:)

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK