કથા-સપ્તાહ - સાસુ-વહુ (સંબંધનાં તેજ-તિમિર - ૫)

Published: 28th November, 2014 05:19 IST

‘ન રો નિરાલી...’ પત્નીને કેમ આશ્વસ્ત કરવી એ આશ્લેષને સૂઝતું નહોતું.અન્ય ભાગ વાંચો

1  |  2  |  3  |  4  |  5  |


આખી ઘટનામાં સૌથી કફોડી સ્થિતિ આશ્લેષની હતી. જે બન્યું એ માની નહોતું શકાતું. પપ્પામાં વિકાર હોય જ નહીં. પણ એમ તો નિરાલી શું કામ જૂઠું બોલે! પોતાની આબરૂનો તમાશો કઈ સ્ત્રી થવા દે? મા-દાદી આવ્યાં ત્યારનાં રડે છે. કોર્ટ પપ્પાને જામીન આપતી નથી.

બીજી બાજુ તિલોત્તમા અગ્રેસિવ થઈ એ જ બપોરે નિરાલીને તેમના ઘરે લઈ ગયેલાં : તમારે ત્યાં મારી દીકરી સલામત નથી! મને તો લાગે છે કે તમારું સુખ તમારા ઘરનાથી ખમાતું નથી. અહીં આવું સાંભળવું પડતું તો મોડી રાત્રે ઘરે જતાં તિલોત્તમા નિરાલીને ચડાવે છે, આ તેની ચાલ છેનો મારો ચાલતો.. ઉફ્ફ! સાચું શું, ખોટું શું? આવતા વીકમાં કેસની તારીખ છે. વકીલના મતે નિરાલી ફરિયાદ પાછી ખેંચી લે તો જ પપ્પાને જેલમાં જતાં અટકાવી શકાય એમ છે... આખો દિવસ સાસરે આવી આશ્લેષ નિરાલી-તિલોત્તમાને કન્વિન્સ કરવા મથે છે, પણ મા-દીકરી ચળતાં નથી. શ્વશુરજી તો આમેય ઓછું બોલનારા.

‘એક શરતે નિરાલી ફરિયાદ પાછી ખેંચશે...’ આજે તિલોત્તમાએ કૂણાં પડતાં હોય એમ ઉપકાર જતાવાની ઢબે કહ્યું, ‘તમે જો તમારા ઘરનાથી અલગ થતા હો તો.’

હેં!

‘નૅચરલી, તમારા કામપિપાસુ પિતા ભેગી ફરી તો મારી દીકરી ન જ રહે. વરલીનો ફ્લૅટ તમારો છે આશ્લેષકુમાર. તમારા કહેવાતા વહાલેશરીઓને ત્યાંથી કાઢવાનું પાકું લખાણ કરો તો જ મારી દીકરી તમારે ત્યાં, તમારી થઈને રહે.’ ચોકસાઈ દાખવી તિલોત્તમા ગળગળાં બન્યાં, ‘બાકી તે તો તમને કેટલું ચાહે છે એ તમે જાણો જ છો.’

નિરાલીએ વળી ધ્રુસકું નાખ્યું. આશ્લેષ દ્રવી ઊઠ્યો. તિલોત્તમાને જીત પાકી દેખાઈ... ફરી એક વાર!

€ € €

‘આખરે નિરાલીની મનસા જાહેર થઈ ગઈ!’ ઘરે આવી સાસુની શરત કહીને મૂંગા થયેલા દીકરાને સોનલબહેને હલબલાવ્યો, ‘તારા સુખ ખાતર તારો જાકારો પણ વેઠી લઈએ દીકરા મારા, પણ તને એ કુલક્ષણીના હવાલે કેમ કરીએ?’

આશ્લેષે જવાબ ન વળ્યો. દેવકીબા તેના દેખાવે છળી ઊઠ્યાં. ચાર દિવસથી છાપામાં ચગેલા કિસ્સાને કારણે સગાં-મિત્રોએ જનકને દોષી સમજીને મોં ફેરવી લીધું ત્યારે મદદની અપેક્ષા હજીયે એક ફૅમિલી પાસે રાખી શકાય એમ છે...

અને તેમણે બીનલબહેનને ફોન જોડ્યો.

€ € €

‘સાચું-ખોટું તારવવાની એક કસોટી છે...’

આશ્લેષ અવિનને તાકી રહ્યો.

ગઈ રાત્રે દેવકીબાના એક કૉલે કલાકમાં બીનલબહેન-વૃંદા-અવિન આવી પહોંચેલાં : અમે તો માનતાં જ નથી કે જનકભાઈ દોષી હોય... આશ્લેષને ત્યારે સાસુ-વહુની ટૂર પાછળનો ભેદ ગળે ઊતર્યો, છતાં હૈયું નિરાલીના મોહમાંથી મુક્ત ન થયું. ‘કોઈક રસ્તો કાઢવા’નું આશ્વાસન દઈને રાત્રે છૂટા પડ્યા અને સવારના પહોરમાં તો અવિન કશીક યોજના વિચારીને હાજર પણ થઈ ગયો! શું હતી એ યોજના?

€ € €

નિરાલી બેહદ ખુશ હતી. માએ ચીંધેલો પ્લાન કામિયાબ રહેવાનો! સાસુ-સસરા-વડસાસુની જફા જાય કે અલો ને અલી સંસારમાં લહેર કરીશું... ગઈ કાલે માએ મૂકેલી શરત આશ્લેષ માની પણ ગયા. કલાક પહેલાં ઘરે આવી માને હકાર ભણી તેમણે રૂમના એકાંતમાં છેડખાની કરી : આજે મોં મીઠું નહીં કરાવે? જલદી મારા ફેવરિટ રસગુલ્લા લઈને આવ, હું રૂમમાં તારી રાહ જોઉં છું... સમાગમ માટે એવા અધીરા બન્યા હશે કે પૂછી લીધું - આવવામાં હજી કેટલી વાર? પપ્પા ઑફિસ છે, મારે માને આઘીપાછી કરવી પડશે...

પણ આ શું?

ખ્વાબ-ખ્યાલમાં અટવાતી નિરાલી ઘરના દરવાજે ટોળું જોઈને ચમકી, ભીડ ચીરતી અંદર પ્રવેશી તો ચોંકી જવાયું:

આશ્લેષ માત્ર અન્ડરવેઅરમાં ઊભા હતા, તેની ગરદન-છાતીએ લિપસ્ટિકનાં નિશાન હતાં. આ.. તો... માની લિપસ્ટિક! સોફા પર બેસી પડેલી માને જોઈ, સામે ધૂંધવાતા પિતાને નિહાળીને નિરાલીને તમ્મર આવ્યાં : આ બધું છે શું?

‘હુ તારી વેઇટ કરતો’તો નિરોલી...’ આશ્લેષે કહેવા માંડ્યું, ‘ત્યાં તારી મૉમ નૉક કર્યા વિના રૂમમાં આવી ચડી. મને આવા વેશમાં જોઈને જાણે શું થયું કે એકદમ મને બાઝી પડ્યાં...’

‘સ્ટૉપ યુ લાયર,’ તિલોત્તમા આવેશથી ધ્રૂજતી હતી. ખરેખર તો ‘મમ્મી... મમ્મી....’ની બૂમ પાડીને આશ્લેષે મને તેડાવી. તેના દીદારે હું ભડકી. ત્યાં અચાનક મને તેણે ભીંસી એમાં લિપસ્ટિકનાં નિશાન પડી ગયાં ને એ જ વેળા ડોરબેલ રણકતાં આશ્લેષ દરવાજો ખોલવા દોડી ગયો અને અચાનક આવી ચડેલા મહાદેવભાઈને એમ જ લાગ્યું કે મારી નજર જમાઈ પર બગડી!

‘લાયર? નિરાલી, તારા પપ્પા સમયસર ન પહોંચ્યા હોત તો અનર્થ થઈ જાત. મેં મોટા અવાજે તેમને વાર્યા એને સાંભળનારા સાક્ષી પણ છે...’

હેં! નિરાલીનાં નેત્રો ચકળવકળ થયાં. આશ્લેષ અમને અમારી જ દવાના ઘૂંટ પીવડાવી રહ્યો છે કે પછી મા...નો. નિરાલી ખમી ન શકી. બાળપણથી આજ સુધી જે મારા માટે આરાધ્યરૂપ રહી તેનામાં ખામી હોઈ જ ન શકે. આગળ વધીને તેણે આશ્લેષને તમાચો વીંઝ્યો, ‘મારી માનો તમાશો કરતાં શરમ નથી આવતી?’

આશ્લેષની આંખોમાં વેદના ઊપસી. નિરાલી તેનો વાર ખમી ન શકી. ‘વાય નિરાલી? તું મારા પપ્પા પર આક્ષેપ મૂકે એ મારે માનવાનો ને હું તારી માને દોષી ઠેરવું તો હું જૂઠો?’

‘ડોન્ટ ટચ મી,’ નિરાલીએ આશ્લેષને ઝાટકી નાખ્યો, ‘મારી માને સતાવનાર પ્રત્યે મને ઘૃણા આવે છે.’

નિરાલીનું આ રૂપ નિહાળ્યા પછી આશ્લેષને ન ગમ જાગ્યો, ન ટીસ ઊઠી. એકાએક તેણે છુટકારાની લાગણી અનુભવી.

‘ઘૃણા તો મને આવે છે નિરાલી તારી મા પ્રત્યે...’ મહાદેવભાઈની ગર્જનાએ સોપો સર્જી‍ દીધો. તિલોત્તમા થથરી ઊઠી.

‘ભલું થજો મને ફોન કરનાર અજાણ્યા શુભચિંતકનું... તેણે કહ્યું કે તમારી પત્નીની રાસલીલા જોવી હોય તો તત્કાળ ઘરે પહોંચો...’

(એ ફોન અવિને કર્યો હતો એટલું જ નહીં, મહાદેવભાઈનું અરાઇવલ નિહાળીને નીચેથી આશ્લેષને મિસ્ડ કૉલ મારી સિગ્નલ પાઠવી દીધું હતું અને ત્યાર બાદ આશ્લેષ હરકતમાં આવ્યો હતો!)

‘જે જોયું એ મારી આંખ ખોલવા કાફી હતું તિલોત્તમા... આજ સુધી હૈયે એક બોજ સાથે જીવ્યો, આજે કદાચ એ ઊતરે...’ તેમણે પત્નીના ખભે હાથ મૂ્ક્યો, ‘બોલ...’ કહેતાં આંગળાં ખભા પર કસ્યાં, ‘વરસો અગાઉ ગામના ઘરની મેડીએ ખરેખર બાપુજી તારા પર તૂટી પડેલા કે પછી...’ તેમના સ્વરમાં ધ્રુજારી વર્તાઈ, ‘તું બાપુજી પર લટ્ટé બની હતી - આજે આ આશ્લેષ પર બની એમ!’

હેં! નિરાલીને આજે આંચકા પર આંચકા મળી રહ્યા હતા. દાદા-દાદી સાથેના ભૂતકાળની ખૂટતી કડી, માએ જે કદી કહ્યું નહોતું એ રહસ્ય આજે ખૂલ્યું. દાદા અને મા વચ્ચે કંઈક... પણ પપ્પા આમાં માનો દોષ કાઢી જ કેમ શકે? 

‘તમે સમજતા કેમ નથી પપ્પા...’ પિતા જ માને વઢે એ નિરાલી માટે અસહ્ય હતું. ‘આ આશ્લેષનો ટ્રૅપ છે. માને તેડાવવી, તમને કૉલ કરીને તેડાવી રાખવા - જસ્ટ લાઇક વૉટ આઇ ડિડ, ડેમ ઇટ!’  

ઍટ લાસ્ટ... આશ્લેષ આંખો મીંચી ગયો. નિરાલીને એની પરવા નહોતી. મારે તો માની છબિ અખંડ રહેવી જોઈએ. પણ...

‘વૉટ?’ મહાદેવભાઈ ત્રાડ પાડી ઊઠ્યા, ‘યુ ડિડ... તેં જાણીને સસરાનું નામ બોળ્યું, ઘરમાં કલેશ સરજ્યો? અને હું ઈશ્વરને ફરિયાદ કરતો રહ્યો કે જેવું મારી પત્ની સાથે થયું એવું મારી દીકરી સાથે કેમ થવા દીધું તેં?’ થાક્યા હોય એમ બેસી પડ્યા મહાદેવભાઈ. ‘નાઓ... હવે બધું સ્પષ્ટ છે. તારે જૉઇન્ટ ફૅમિલીમાં નહોતું રહેવું - તારી માની જેમ રાઇટ? એટલે તેં પણ એ જ કર્યું જે...’ તેમણે તિલોત્તમા સામે નેત્રસંધાન કર્યું, ‘તારી મા વરસો અગાઉ કરી ચૂકેલી...’

હેં!

પતિની નજર દઝાડતી લાગી તિલોત્તમાને. જીરવી ન શકાઈ.  

સાચું, વરસો અગાઉ પોતે આવો જ દાવ અજમાવેલો. તિલોત્તમાને શરૂથી સ્વતંત્રતા ખપતી હતી - હું ને મારો વર, બીજા મારા માટે નકામા! પતિની માતૃ-પિતૃભક્તિ ખટકતી. એ આડખીલી દૂર કરવા એક વેકેશનમાં ગામ જવાનું બન્યું ત્યારે મેડીએ બાપુજીને તેડાવી પોતે બાઝ્યાં, હો-હા કરી મૂકી અને મહાદેવે મારો આરોપ સાચો માનીને બા-બાપુજી જોડે હંમેશ માટે છેડો ફાડ્યો! અલબત્ત, અમારા ચાર સિવાય પાંચમા કોઈને આની જાણ નહોતી એટલે ચિતાએ આગ મૂકવાનો વહેવાર નિભાવ્યો એ જ માપ. પિતાના ગુનાસર મહાદેવ સદા મારા વશમાં રહ્યા. અરે, મેં બાપુજીને સમાજમાં બદનામ ન કર્યા એનો અહેસાન માનીને જીવ્યા; પણ હવે...

‘ફટ છે મને...’ પત્નીના નજર ચોરવામાં મહાદેવભાઈને બધા જવાબ મળી ગયા, ‘વરસો હું આંધળાની જેમ રહ્યો... આજે થાય છે તિલોત્તમા કે મેં તારામાં એવું તે શું જોયું કે જન્મદાતાને ગુનેગાર માની બેઠો?’ તેમનાં નેત્રો ભીંજાયાં, ‘દીકરી તને સોંપી તો તેનો પણ ભવ તેં બગાડ્યો. પત્ની પર વિશ્વાસ રાખવો પતિની ભૂલ ગણાય? ’

આશ્લેષ માટે આ ફણગો અણધાર્યો હતો. નિરાલી સત્યના ઉજાગરે સ્તબ્ધ હતી. ત્યાં તો કમરપટ્ટો કાઢીને મહાદેવભાઈએ તિલોત્તમાને ઝૂડવા માંડી, ‘કમજાત...’

નિરાલી છટપટી. માએ દાદા સાથે જે કર્યું એ છેવટે તો અમારા-મારા સુખ ખાતર જને.

‘સુખ નહીં નિરાલી, તારી માને જોઈએ છે તમારી જિંદગી પરનો કમાન્ડ, સત્તાધીશપણું...’

આશ્લેષે દેખાડેલો આયનો સહ્યો ન ગયો.

‘બધું તમારા પ્રતાપે થયું...’ કહીને તે આશ્લેષ પર આક્રમણ કરવા ગઈ ત્યાં પિતાના ધબ્બાએ રાડ પડાવી દીધી.

‘હજીયે નિરાલી?’ તેમનો આઘાત છૂપો ન રહ્યો, ‘તુંય તારી મા જેવી જ નીકળી નિરાલી. દીકરી આવી હોય?’ મહાદેવભાઈની વ્યથા સૌને સ્પર્શી ગઈ.

‘તમે મારી આંખો ખોલી આશ્લેષ. હવે સિધાવો. પિતાની મુક્તિની તૈયારી કરો.’ મહાદેવભાઈએ મા-દીકરી તરફ જોયું, ‘આ નમૂનાનું શું કરવું એ હું બરાબર જાણું છું.’

- અને એક હાથે દીકરી ને બીજા હાથે પત્નીનો ચોટલો ઝાલી પુરુષ તેમને પોલીસમથકે તાણી જાય એ દૃશ્ય મુંબઈની સડકોએ તો પહેલી જ વાર જોયું!

€ € €

ઉપસંહાર : મહાદેવભાઈના પ્રયાસે જનકભાઈ નિર્દો‍ષ છૂટ્યા. તિલોત્તમા-નિરાલી પર સમાજે થૂ-થૂ કર્યું એમાં તેમને તો આજેય મહાદેવ-આશ્લેષનો જ વાંક દેખાય છે. બીનલબહેન કહેતાં એમ જેણે સુધરવું જ નથી તેને કોઈ સુધારી ન શકે! મા-દીકરીના સાથે જ ડિવૉર્સ થયા એ પણ કેવું! તિલોત્તમાને હજીયે થાય છે કે ભૂતકાળનું ઍક્શન રીપ્લે કરવાને બદલે નવો દાવ અજમાવ્યો હોત તો બાજી અમારા હાથમાં હોત! આવી માના ચીંધ્યે ચાલનારી નિરાલી ભવિષ્યમાં પણ સુખી થાય એવી કોઈ શક્યતા નથી.

ખેર, અહીંનો પથારો સમેટીને મહાદેવભાઈ વતન મૂવ થઈ ગયા. બા-બાપુજીના નામ પર ગામના ઘરે સખાવત શરૂ કરી છે.

વૃંદા પ્રેગ્નન્ટ છે. સૌ ખુશ છે. બીનલબહેન વહુની સારસંભાળમાં રહ્યાં. તોય જોકે ધારેલું એમ ઉનાળામાં સાસુ-વહુની સ્પેશ્યલ ટૂરનો ખાડો દેવકીબા-સોનલબહેનની જોડીએ પડવા ન દીધો, ટૂરના સૂત્રધાર થઈ!

અવિન જોડે આશ્લેષની મૈત્રી જામી ગઈ છે. કડવો અનુભવ ભૂલીને તે જીવનમાં આગળ વધવા માગે છે એની જનકભાઈને વિશેષ ખુશી છે. દેવકીબા વડસાસુની અને સોનલબહેન સાસુની પદવી ફરી પામવા ઉત્સુક છે, પણ એ તો વહુ ગુણિયલ હોય તો!

(સમાપ્ત)

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK