કથા-સપ્તાહ - સાસુ-વહુ (સંબંધનાં તેજ-તિમિર - ૩)

Published: 26th November, 2014 05:11 IST

‘અરે વાહ!’ કાશ્મીરી શાલના પોત પર હાથ ફેરવતાં દેવકીબાએ રાજીપો દાખવ્યો, ‘માગસરની ઠંડીમાં દાદીને કામ લાગે એવી ગિફ્ટ લાવી તું દીકરા!’


અન્ય ભાગ વાંચો

1  |  2  |  4  |


દીવાનખંડમાં બૅગ ખોલી નિરાલી ઉત્સાહભેર શૉપિંગ દેખાડતી હતી.

રવિની ગઈ બપોરે પરત થયા પછી સાંજ, રાત આરામ ફરમાવી આશ્લેષે આજથી ડ્યુટી રિઝ્યુમ કરી હતી. તેનો ઇરાદો તો ગઈ કાલે જ બૅગો ખોલી ગિફ્ટ દેવાનો હતો, પણ નિરાલી માની નહોતી : કાલે નિરાંતે હું વહેવાર પતાવી દઈશ... મા માટે કશું લેવાયું નહીં એટલે મને તો શૉપિંગ દેખાડવાનો ઉમંગ જ નથી રહ્યો!

પત્નીના પસ્તાવાને આશ્લેષે સાચો માની લીધેલો : તને મૉમનું આટલું દાઝે છે એ પૂરતું છે મારા માટે અને ખુદ મૉમ માટે પણ. ગિફ્ટની તેને પડી નહીં હોય...

ત્યાં જ તમે ભૂલો છો આશ્લેષ! બીજા બધા માટે ગણી-ગણીને ઉપહાર લાવનારી વહુ પોતાના માટે કંઈ ન લાવે એ કોઈ પણ સાસુને ખટકવાનું જ!

આશ્લેષના નીકળ્યા બાદ સાસુ, સસરા, વડસાસુને ડ્રૉઇંગરૂમમાં ભેગાં કરીને નિરાલીએ ખરીદી બતાવવાનો જે ઉત્સાહ દાખવ્યો એ આશ્લેષે જોયો હોત તો ચકરાઈ જાત!

‘પપ્પાજી માટે વૂલન સ્વેટર, આ હૅટ... આશ્લેષનું જૅકેટ, મારા માટે ડ્રેસિસ, ચંપલ, ઇમિટેશન જ્વેલરી... દાદી, બજારમાં એટલી બધી વરાઇટી હતી કે શું લઈએ ને શું ન લઈએ!’

કહેતાં તેણે સામાન સમેટવા માંડ્યો ત્યારે સોનલબહેનની ધીરજ ખૂટી. ‘મમ્મી માટે કંઈ નહીં લાવ્યા?’

તેમનો પ્રેમ સમજવા છતાં નિરાલીએ ઊંધા અર્થમાં જવાબ વાળ્યો, ‘યા, લેવું તો હતું મમ્મી માટે, આશ્લેષે કહ્યું પણ ખરું. પપ્પા માટે પણ આવું સ્વેટર ખરીદવું હતું, પણ બૅગમાં જગ્યા હોવી જોઈએને!’

સોનલબહેન સમસમી ગયાં. વહુ જાણી જોઈને મને ટાળી રહી છે કે ટટળાવી રહી છે? પતિ અને સાસુ પર નજર ગઈ : બેઉ પોતાની ગિફ્ટ લઈ કેવા અહોભાવથી વહુને તાકી રહ્યાં છે! મારા માટે કંઈ ન આવ્યું એની તેમનેય ખબર ન પડી?

‘તારી મમ્મી હવે હું પણ ખરી નિરાલી, બીજી વાર મારે એ યાદ અપાવવું ન પડે.’

તેમના રણકાએ પળભર તો નિરાલી ઘા ખાઈ ગઈ. પછી થયું કે સહેમી જઈશ તો જીતી નહીં શકું. એટલે ચહેરો રડમસ બનાવ્યો, ‘સૉરી મમ્મીજી... મને થયું કે તમે મારા પેરન્ટ્સની કૅર કરી...’

સોનલબહેને વિના કારણ ગિલ્ટ અનુભવી ઉતાવળે ખુલાસો કરવો પડ્યો, ‘તેમના માટે પણ તારે ગિફ્ટ લાવવાની જ હોય વહુ.’

‘બસ સોનલ...’ દેવકીબા કૂદ્યાં, ‘જોરથી બોલીને તેં બિચારીને ડરાવી દીધી. તેણે પોતાની મા માટે ખરીદી નથી કરી પછી તું તારી ગિફ્ટ માટે શું કામ જીવ બાળે છે!’

એટલે? દીકરા-વહુની ગિફ્ટ પહેલાં મને હોય કે તિલોત્તમાને! સોનલબહેનના હોઠ સળવળ્યા, પણ બાની આમન્યાનું વિચારી ચૂપ રહ્યાં.

સાસુ સાથે તેમના સંબંધ સુમેળભર્યા હતા. આટલાં વરસોમાં કદી મનદુ:ખ થયું હોય એવું યાદ નથી. હવે ૭૦નાં થયેલાં દેવકીબા તંદુરસ્ત હતાં, નીરોગી પણ ખરાં એટલે પરિવારભેગા હોટેલ-સિનેમાના પ્રોગ્રામમાં પણ સામેલ થતાં. સવારે દીકરા-વહુ ભેગાં નજીકની હવેલીએ પણ જવાનું.

મૂડી કરતાં વ્યાજ વધુ વહાલું હોય એ સાંભળેલું, પણ પુત્રવધૂ કરતાં પૌત્રવધૂ વધારે વહાલી હોય એમ બા રાતોરાત નિરાલીની તરફેણમાં કેમ બેસી ગયાં? સોનલબહેનને ચોક્કસપણે ખોટું લાગ્યું.

અને આ તો હજી શરૂઆત હતી!

‘જુઓ મમ્મી, તમને આશ્લેષના સમ; તેમને કશું કહેતાં-પૂછતાં નહીં...’ બપોરના એકાંતમાં નિરાલીએ અંગારો ચાંપ્યો, ‘સાચું માનજો, તમારી ગિફ્ટ માટે અમે આખું માર્કેટ ફરેલાં, એમાં વખતનો ખ્યાલ ન રહ્યો...’

‘ઠીક છે વહુ...’

‘નહીં મા, સાંભળોને.’ આસપાસ જોઈને નિરાલીએ અવાજ ધીમો કર્યો, ‘મેં તો આશ્લેષને કહ્યું પણ ખરું કે શાલ દાદીને બદલે મૉમને આપીશું, દાદી માટે ફરી ક્યારેક કંઈ લઈ લઈશું. તો તે કહે કે ના, દાદી-મમ્મીમાંથી કોઈ એકને જ ગિફ્ટ આપવી પડે એમ હોય તો દાદીને જ આપવાની.’

હેં! પંડના દીકરાએ આવું કર્યું? ઘવાયેલી સંવેદનાને કળ વળે એ પહેલાં થયેલા બીજા ઘાએ સોનલબહેનનું મન આળું થયું. નહીંતર બીજા સંજોગોમાં મા પહેલાં દાદીને ભેટ ધરવાની દીકરાની વિવેકબુદ્ધિ પર પોરસ અનુભવ્યો હોત. આજે ખટકો જાગ્યો : દીકરાને વહાલી દાદી, દાદીને વહાલી પૌત્રવધૂ... મારી તો ઘરમાં કિંમત જ કોને છે!

તેમના હાવભાવે નિરાલી સમજી ગઈ કે તીર નિશાને લાગ્યું છે!

€ € €

અઠવાડિયા પછી...

‘તું ભીંડા સમારી દે વહુ, હું પૂજામાંથી પરવારું એટલે રસોઈ કરીએ.’

નિરાલીએ ધીરે-ધીરે રસોડામાં પગપેસારો કરવા માંડ્યો હતો. પાકકલામાં પોતે બહુ નિષ્ણાત નહોતી. સોનલમા શીખવતાં એ પ્રમાણે કરતી રહેતી. આજે એમાં બ્રેક પાડી બીજો દાવ ખેલવાનો હતો.

‘ભીંડા! વાઉ, આશ્લેષની ફેવરિટ સબ્ઝી. બટ મૉમ, આજે મને દાદી શીખવે તો તમને વાંધો ખરો?’

શમવા આવેલો જખમ ફરી કોતરાયો. કહી દેવું હતું વહુને કે ભીંડાની સબ્ઝી બનાવતાં મનેય આવડે છે...

‘યુ નો, આશ્લેષ એક વાર બોલી ગયેલા કે રસોઈ દાદીની વધુ સારી બને...’

‘વાહ રે મારો પોતરો.’ દાદીએ તરત ઓવારણાં લીધાં. માથી શું થઈ શકે?

‘જેવી તારી ને તારા ભરથારની મરજી.’

€ € €

‘મા, કરિયાણાનો સામાન હું લઈ આવું?’ એક સાંજે નિરાલી જાણીને ડાહી થઈ.

‘જરૂર નથી,’ ઇચ્છા ન હોવા છતાં સોનલબહેનના સ્વરમાં ધાર આવી ગઈ, ‘એટલી આવડત તો છે મારામાં.’

નિરાલી સહેમી ગઈ. દેવકીબાએ મોં બગાડ્યું : વહુ પણ ખરી છે!

જોકે ખરો ખેલ તો સોનલબહેનના આવ્યા પછી જામ્યો. રસોડામાં સામાન ગોઠવતી વેળા સિફતથી પોતે પહેલેથી લાવી રાખેલા કઠોળના પૅકેટની અદલાબદલી કરી તે સાદ પાડતી બહારની રૂમમાં ગઈ, ‘મા, આ જુઓ તો. પૅકેટની એક્સપાયરી ડેટ - બે માસ જૂની છે.’

હેં! સોનલબહેનના કપાળે કરચલી ઊપસી : પોતે ચેક તો કરેલું... તો પછી આમ કેમ!

‘એ તો મારું ધ્યાન ગયું. એક્સપાયરી ચેક કરવાની મને શરૂથી ટેવ.’ નિરાલી ગાઈ-વગાડીને કહી રહી હતી એટલે સોનલબહેન વધુ ઓછપાયાં.

‘શાબાશ બેટા,’ દેવકીબાને નવી વહુ સાથે ફાવી ગયું હતું. તેને બિરદાવવાની એક તક ન ચૂકતાં, ‘જોયું વહુ, આને કહેવાય આવડત!’

એ પળે એવું લાગ્યું સોનલબહેનને જાણે મારાં બધાં વરસો પાણીમાં ગયાં!

€ € €

‘જનક, તમને પણ એવું નથી લાગતું?’

એ રાત્રે પહેલી વાર સોનલબહેને રૂમના એકાંતમાં પતિ સમક્ષ વેદના ઠાલવી. ‘મને મા સામે ફરિયાદ નથી, નિરાલીનો વાંધો નથી... પણ આખો દિવસ નિરાલી એવું જતાવતી રહે છે કે જાણે બા મારાથી વધુ કેળવાયેલાં ને બા જેવા બા પણ એ મતલબનું કહી નાખે કે તારા કરતાં તારી વહુ વધુ હોશિયાર! મારો દીકરો પણ દાદીને વધુ માર્ક આપે છે એની મને હવે ખબર પડે છે... મારામાં બધાને ઊણપ જ દેખાય છે? હવે તો મને થાય છે કે મારામાં સહેજે આવડત, હોશિયારી છે ખરાં!’ તેમના રુદનનો બંધ તૂટ્યો.

‘શીશ. જાણું છું સોનલ, ઘરમાં જે ઘટી રહ્યું છે એનાથી હું અજાણ નથી....’ જનકભાઈએ ઊંડો શ્વાસ લીધો, ‘દીકરાનું મન ન ડહોળાય એ માટે તું આશુને કંઈ કહેતી, પૂછતી નથી; નિરાલી સમક્ષ બાનો માનભંગ ન થાય એથી ત્યાં પર ચૂપ રહે છે... એ જ તારી પરિપક્વતા સૂચવે છે. આઇ ઍમ પ્રાઉડ ઑફ યુ.’

ત્યારે સોનલબહેનને શાતા વળી. ઘરના મોભીની નજર બધે પહોંચતી હોય એનો આ દાખલો.

‘મે બી, વહુ તરીકે નવી વ્યક્તિ ઘરમાં આવે ત્યારે આવા ઉતારચડાવ બધે જ સર્જાતા હશે...’ આમ કહીને જનકભાઈએ પત્નીનું મન મનાવ્યું, પરંતુ તેમની ભીતર અલાર્મ જાગી ચૂક્યું હતું. આમ જુઓ તો દરેક પ્રસંગ સામાન્ય હતો અને છતાં એમાં કશીક ગૂઢતા હતી. જાણે-અજાણે મા-પત્નીમાં દૂરી સર્જા‍ઈ રહી હતી. દીકરો વધુ ને વધુ વખત પત્ની જોડે વ્યસ્ત રહેતો... ઘરની એકસૂત્રતા માટે ક્યાંક કશુંક જોખમ હતું એ ચોક્કસ. અને આ તર્ક વારે ઘડીએ તેમને યાદ અપાવતાં સોનલે નિરાલીના મુખે સાંભળેલા શબ્દો : આવી તો કંઈક સાસુ-વડસાસુને હું પહોંચી વળું એમ છું!

- તો શું જે કંઈ થઈ રહ્યુ છે એ આ ‘પહોંચી વળવા’ના ઇરાદે? એવું હોય તો આ ઇરાદાને ઊગતો ડામવો રહ્યો. બટ હાઉ?

€ € €

‘સાસુ-વહુની સ્પેશ્યલ ટૂર!’

‘મિડ-ડે’માં છપાયેલો ફીચર આર્ટિકલ જનકભાઈ રસપૂવર્‍ક વાંચી ગયા. બીનલબહેન-વૃંદાના ફોટો સાથે છપાયેલા ઇન્ટરવ્યુથી પ્રેરણા મળી : તેમના કહેવા પ્રમાણે પંદર દિવસની ગુજરાત-યાત્રા તમામ સાસુ-વહુ માટે હંમેશાં પૉઝિટિવ રહી છે... ઘરની ત્રણે સ્ત્રીઓને આ ટૂરમાં મોકલી હોય તો? સુધરવાનો એક મોકો નિરાલીને પણ મળવો જોઈએ!

€ € €

‘નો... યુ વોન્ટ ગો...’ તિલોત્તમા ટૂરની વાતે ભડકી ગયાં. ‘મિડ-ડે’નો લેખ તેમણે પણ વાંચ્યો હતો. બીનલ-વૃંદાની જોડી નિરાલીનું બ્રેઇનવૉશ કરી દે એવું શું કામ થવા દેવું? મારી દીકરી મારા જ કહ્યામાં રહેવી જોઈએ!

જોકે વિચાર માગતો મુદ્દો બીજો જ છે. નિરાલી ભલે કહે કે ક્રિસમસ નિમિત્તે પપ્પાજીએ ટૂરની ગિફ્ટ આપી, વાત જુદી હોવી જોઈએ. સાસુ-વહુ વચ્ચે કોઈ સમસ્યા વર્તાઈ હોય તો જ વેવાઈએ આવું સમાધાન શોધ્યું હોય... દેવકીબા-વેવાણ વચ્ચે ફૂટ પડાવવાનું કાવતરું ચાલુ છે એટલે તેમની વચ્ચેના ટેન્શનને કારણે એ બેઉને ભલેને તેઓ મોકલે, નિરાલીને જોડે મોકલવાનો આગ્રહ શું કામ?

તેમને વહેમ તો નથી પેઠોને કે ઘરમાં જે થઈ રહ્યું છે એમાં નિરાલી કારણભૂત છે? ચોક્કસ એમ જ હોય. સાસુ-વહુ વચ્ચે મનમેળ કરાવતી ટૂરમાં નિરાલીને મોકલવાનો બીજો કોઈ અર્થ નીકળતો નથી. તિલોત્તમાએ સ્વીકારી લીધું.

આવું જ હોય તો ખેલ લંબાવવાનો અર્થ નથી.

ફરી એ જ ટ્રમ્પ કાર્ડ વાપરવું રહ્યું જે હું વરસો અગાઉ વાપરી ચૂકી છું!

(ક્રમશ:)

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK