કથા-સપ્તાહ - સાસુ-વહુ (સંબંધનાં તેજ-તિમિર - ૨)

Published: Nov 25, 2014, 04:50 IST

‘કૉન્ગ્રેચ્યુલેશન્સ!’અન્ય ભાગ વાંચો

1  |  2  |  3  |


સખી-સહેલીઓની અભિનંદન-વર્ષા નિરાલી કંઈક ગુરૂરપૂવર્‍ક ઝીલી રહી. થયું કે મનમાં તો બધી સગલીઓ બરાબર જલતી હશે... આશ્લેષને જોઈ! મારા અપ્સરા જેવા રૂપ સાથે શોભી ઊઠે એવા સોહમણા છે આશ્લેષ. ટૉલ, ફેર ઍન્ડ હૅન્ડસમ... ઇરરેઝિસ્ટેબલી હૅન્ડસમ!

અને જે કોઈ દેખાવને ખાસ મહત્વ ન આપતું હોય તેનો જીવ બળવાનાં અન્ય કારણો પણ મોજૂદ છે : આશ્લેષને પરણીને હું જોગેશ્વરીથી સીધી વરલી મૂવ થવાની! લક્ઝુરિયસ ફ્લૅટ, આલીશાન કાર... મેકૅનિકલ એન્જિનિયર થઈ મલ્ટિનૅશનલમાં જોડાયેલા આશ્લેષ વરસે પાંત્રીસ લાખનું તો પૅકેજ રળે છે! પાછો એકનો એક. ન દિયર-જેઠની લપઝપ, ન નણંદની કટકટ!

અરેન્જ્ડ મૅરેજમાં પોતાને જોઈતું પાત્ર મળ્યું એના ગુમાનમાં મહાલવાને પોતાનો હક માનતી હતી નિરાલી.

‘યુ ડિઝર્વ ધ બેસ્ટ.’

માના શબ્દો દિમાગમાં કોતરાઈ ગયેલા.

આમેય ઘરમાં તિલોત્તમાનું ચલણ હતું. ગાર્મેન્ટ્સનો બિઝનેસ કરતા પિતા પણ માને અનુસરતા એ જોઈને બાળકી નિરાલીનું માના શરણે રહેવું સ્વાભાવિક હતું. મા કહે એ સાચું, મા કરે એ ખરું. ઉછેરભેગી આ ગ્રંથિ દૃઢ થતી ગઈ. બેબી નિરાલીએ કયા રંગનો નાઇટસૂટ પહેરવાથી માંડીને તેણે દોરેલા ચિત્રમાં કયા રંગ પૂરવા એ બધું તિલોત્તમા નક્કી કરતી અને સમજ કેળવાયા પછી નિરાલીને લાગતું કે મા બધું શ્રેષ્ઠતમ કરતી. પરિણામે તે માની ચુસ્ત ફૉલોઅર બની રહી.

‘તારા પપ્પા જોડે મેં તો પરામાં જિંદગી કાઢી લીધી - અફકોર્સ આઇ ઍમ હૅપી વિથ હિમ, આપણે ફાઇનૅન્શિયલી પણ સધ્ધર છીએ. બટ યુ વૉન્ટ સ્ટે ઇન સબર્બ. યુ ડિઝર્વ ધ બેસ્ટ. તારા માટે સાઉથ મુંબઈનો જ હીરો શોધવો છે મારે. સો ડોન્ટ ગેટ ઇન્વૉલ્વ વિથ એની મિડિયોકર બૉય.’

કૉલેજ જતી થયેલી નિરાલીને આટલી ટકોર પૂરતી હતી. પુરબહાર યૌવનને નિખારતી જુવાનિયાઓને જલાવવા. અલબત્ત, મોં પર મીઠા રહેવાનું પણ માએ શીખવ્યું હતું એટલે ભીતરનો પડઘો કોઈને સંભળાતો નહીં : મૂરખાઓ, આ હુશ્ન તમારા જેવા લલ્લુપંજુ માટે નથી!

‘ગોખી રાખ. છોકરો એવો પસંદ કરવાનો જે એકનો એક હોય...’

મુરતિયા જોતી વેળા તિલોત્તમાએ દીકરીને નવા પાઠ ભણાવ્યા, ‘જૉઇન્ટ ફૅમિલી, ભાઈ-બહેનનો સંઘ - આ બધું ન જોઈએ. આપણે શું કામ બધાના ઢસરડા કરવાના!’

હાસ્તો વળી. પપ્પાનેય ક્યાં ભાઈ-બહેન છે!

‘જોકે મા-બાપ તો હોવાનાં...’ કહેતાં તિલોત્તમા ચૂપ થઈ ગયેલાં. નિરાલીને થયેલું કે માને પૂછી લઉં કે ‘આપણા ઘરમાં દાદા-દાદીનો ફોટો સુધ્ધાં કેમ નથી? પપ્પા પણ કદી તેમને સાંભરતા નથી.’

‘એની કથા લાંબી છે, ફરી ક્યારેક કહીશ...’ પતિ પર અછડતો દ્રષ્ટિપાત કરી તિલોત્તમા વ્યંગમાં મલકેલાં, ‘તારા પપ્પા એ સાંભળી નહીં શકે.’

મહાદેવભાઈની ગરદન ઝૂકી ગયેલી. કંઈક તો બન્યું છે ભૂતકાળમાં... દાદા-દાદીનું નિરાલીને વિશેષ સ્મરણ નહોતું. પોતે બહુ નાની હતી ત્યારે તેમના ફ્યુનરલ માટે દક્ષિણ ગુજરાતના ચીખલી ગામે ગયાનું આછુંપાતળું યાદ છે, બસ! મા તો ઠીક, પપ્પા પણ પેરન્ટ્સને નથી સાંભરતા એ એકાએક વિચિત્ર લાગવા માંડ્યું નિરાલીને.

‘કહ્યુંને, એની કથા ફરી ક્યારેક કહીશ. તું આમેય સત્ય જાણવા જેટલી પરિપક્વ થઈ જ ગઈ ગણાય. હાલ પૂરતી એટલી ગાંઠ વાળી લે કે સાસરામાં શું સાસુ કે સસરા, કોઈનોય ભરોસો કરવો નહીં.’

આટલું સાંભળીને મહાદેવભાઈ બેઠકમાંથી ઊઠીને રૂમમાં જતા રહ્યા ત્યારે નિરાલીએ માન્યું કે હમણાં મા પુરાણી કથા ઉખેળી દેશે. એને બદલે પતિ ગયા એ દિશામાં અછડતી નજર ફેંકી ધીમા સ્વરે તિલોત્તમાએ શીખ દીધી હતી, ‘વરને મુઠ્ઠીમાં કરી લેવાનો. પછી મા-બાપનું પત્તું કાપતાં કેટલી વાર! સમજી?’

નિરાલી એટલું સમજી કે પતિને પોતાનો કરવો હોય તો ઘરના બીજા તમામની છુટ્ટી કર્યા વિના છૂટકો નથી!

‘ડોન્ટ યુ વરી. હું કહીશ એ પ્રમાણે કરતી રહેજે.’

આટલું કરવામાં તો નિરાલી પાવરધી હતી જ.

છોકરા જોવાતા ગયા એમાં આશ્લેષ જોડે વાત જામી ગઈ. બે મહિનાના વેવિશાળ પછી આજનું અમારા મૅરેજનું રિસેપ્શન પણ થોડી વારમાં પતી જવાનું... આ દરમ્યાન માની શીખ પ્રમાણે ડાહીડમરી બનીને મેં સાસરિયાનાં દિલ જીતી લીધાં છે. હનીમૂનમાં આશ્લેષને ચીત કરવાના નુસખા જોકે માએ મને શીખવવા પડે એમ નથી. તમને તો હું મારા યૌવનમાં બાંધી દેવાની આશ્લેષ!

ઇરાદો ઘૂંટતી નિરાલીના કાને સખીવૃંદની ચર્ચા અફળાઈ : બીજું બધું તો બરાબર, પણ બિચારીના માથે એક સાસુ કમ હોય એમ વડસાસુની જફા પણ ખરી! એક ઉત્તર ખેંચશે તો બીજી દક્ષિણ!

પોતાના સુખમાં કોઈ ખોટ કાઢે એ સહ્યું નથી જતું. નિરાલી પણ સમસમી ઊઠી, પણ શું થાય! સાસરામાં સાસુ-સસરા ઉપરાંત વિધવા વડસાસુ પણ છે એ હકીકત ઓછી બદલાવાની?

‘આઇ લવ માય ફૅમિલી. સોનલમા જેટલાં જ લાડ મને દેવકીદાદીએ લડાવ્યાં છે. બૅન્કમાં જૉબ કરતા મારા પપ્પાએ અમને સૌને ફૂલની જેમ સાચવ્યા છે. સેટલ થયા પછી મેં તેમને VRS લેવડાવ્યું. કાંદિવલીથી અમે વરલી શિફ્ટ થયા. આખરે આ સુખસાહ્યબી પર પ્રથમ હક તેમનો.’

આજ્ઞાંકિત, લાડકા દીકરા જેવા આશ્લેષે પ્રથમ મુલાકાતમાં જ પોતાની અપેક્ષા નિરાલીને સમજાવી હતી, ‘મારા કુટુંબને એક તાંતણે રાખનારી કન્યાનો મને ખપ છે.’

ત્યારે તો પોતે આદર્શ ભાર્યાને છાજે એવા જવાબ વાળેલા. આજ સુધી એવો ભ્રમ પોસ્યો પણ ખરો, પરંતુ હવે મા કહે છે એમ આશ્લેષને મુઠ્ઠીમાં કરવાની સાથે અંગ્રેજનીતિ પણ અપનાવાની છે - ડિવાઇડ ઍન્ડ રૂલ!

‘તારા શ્વશુર જનકભાઈ સજ્જન છે તો સોનલબહેન અને દેવકીબા વચ્ચે મા-દીકરી જેવાં હેત-પ્રીત છે... લિસન, મને એ લોકો સામે કોઈ જ વાંધો નથી; પણ છેવટે તો એ ત્રણે તારા પતિની કમાણી પર નભી રહ્યાં છે એ અર્થમાં ઘરનો ચાર્જ, સત્તાની ડોર તો તારા હાથમાં જ હોવી જોઈએ.’

પતિથી છાનું દીકરીને પઢાવતી માની ગણતરી નિરાલીને ખોટી લાગી નહોતી. ઊલટું તે ગદગદ થયેલી : માને મારા સુખની કેટલી પરવા છે! પોતાનું દર્દ તે મને દેખાડતી પણ નથી. તેના પર વીતેલું મારા પર ન વીતે એ માટે જ તેની મથામણ છે!

‘આશ્લેષનો પરિવારપ્રેમ જોતાં એમ તને કોઈ ગાંઠશે પણ નહીં... પોતાનો હક મેળવવા થોડી રમત રમવી પડે તો એમાં નીતિમત્તાનું વિચારીને દુ:ખી નહીં થવાનું.’

‘અફકોર્સ નૉટ.’ નિરાલીને દ્વિધા નહોતી, ‘તું કહેતી જશે એમ હું કરતી જઈશ.’

‘મારી સ્ટ્રૅટેજી સ્પષ્ટ છે - ફૂટ પાડો ને રાજ કરો!’

માના સૂત્રે અત્યારે પણ નિરાલીને ખીલવી દીધી. પડખે શોભતો આશ્લેષ ખુશમિજાજ હતો, ઘરેણાંથી લથબથ સાસુમા એકાદ સગા જોડે હસી રહ્યાં છે, વડસાસુ દેવકીબા હીરાનાં લવિંગિયાં ચડાવી ઠસ્સાભેર પહેલા બાંકડે બેઠાં છે, પપ્પાજીના સૂટમાં પણ અસલી હીરા ચમકે છે! સ્ટેજ પરથી નજર દોડાવતી નિરાલીને થયું કે મા કહે છે એમ આ બધો ઠઠારો છેવટે તો મારા વરના જ પૈસેને!

આશ્લેષ તમને આટલું બધું રાખતા હોય તો તેની પત્નીને ઘરની સત્તા સોંપતા તમારે ખચકાવાનું ન હોય, રાઇટ એવરીબડી?

જવાબ પણ નિરાલીએ જ વાળ્યો : રાઇટ!

€ € €

‘હા...શ. આખરે તારો દીકરો પરણીને પાર ઊતર્યો.’

નવદંપતીને શિમલાના હનીમૂન માટે ઍરપૉર્ટ પર છોડીને જનકભાઈ ઘરે આવ્યા કે દેવકીબાએ હરખ જતાવ્યો. મહેમાનોની વિદાય પછી ઘર ખાલી હતું. ગઈ કાલના રિસેપ્શનનો થાક ઊતર્યો ન હોય એમ જનકભાઈએ દીવાનખંડના સોફા પર લંબાવ્યું. ‘હા બા, આપણી ફરજ પૂરી.’

‘ફરજ પૂરી કે શરૂ?’ પાણીનો પ્યાલો ધરતાં સોનલબહેનની અણખટ ઉઘાડી પડી ગઈ.

નિરાલી સૌને એક નજરમાં ગમી ગયેલી. ન્યાત એક હતી, ઘર સારું હતું, વેવાઈને ત્યાં વેવાણનો સિક્કો ચાલતો હાય એનો પણ વાંધો નહોતો. તિલોત્તમાબહેન સ્વભાવનાં સાલસ જ લાગ્યાં હતાં. લગ્ન સુધીમાં નિરાલીએ સૌનાં દિલ જીતી લીધેલાં. સોનલબહેન પોતે ઠાકોરજીનો આભાર માનતાં આવી વહુ મળવા બદલ, પણ...

પણ ગઈ કાલે રિસેપ્શનમાં એવું દૃશ્ય નજરે ચડ્યું જેથી તેમની ભ્રમણા ભાંગી ગઈ. ફંક્શન પત્યા પછી હૉલમાંથી નીકળતી વેળા પોતે નિરાલીવહુને તેડવા પહેલા માળની ચેન્જરૂમ પર ગયાં ત્યારે...

‘મેઘના-વલ્લરી વગેરે કહેતાં હતાં કે બિચારી નિરાલીના માથે સાસુ ઉપરાંત વડસાસુની જફા પણ ખરી! તેમને શી ખબર કે હું આવી કંઈક સાસુ-વડસાસુને પહોંચી વળું એમ છું!’

વેવાણને તાળી ઠોકતી નિરાલીને નજરે જોઈ-સાંભળીને સોનલબહેન થીજી ગયેલાં. ત્યારે તો પોતે ચૂપકેથી સરકી આવ્યાં, પણ અત્યારે તો પતિ-સાસુને કહેવાનું જ હોય, ‘મા-દીકરીનું અસલી રૂપ ઉઘાડું પડી ગયું. જનક, મને તો આશ્લેષની ચિંતા થાય છે.’

‘ચિંતા કરવાનો તારો સ્વભાવ બની ગયો છે વહુ...’ સોનલબહેનની લાક્ષણિકતાની યાદ અપાવી દેવકીબાએ આશ્વાસન શોધી કાઢ્યું, ‘માણસ મસ્તીમજાકમાં પણ આવું બોલે. એને બહુ મન પર લેવાનું ન હોય. બાકી નિરાલી તો કેવી ડાહી છોકરી. તેની નીયતમાં ખોટ? ના-ના, હું નથી માનતી.’

પતિએ પણ આમાં સાદ પુરાવતાં સોનલબહેને એ સમાધાન સ્વીકાર્યું ખરું, છતાં હૈયે ન સમજાય એવી ચુભન તો રહી જ.

€ € €

શિમલા-કુલુ-મનાલીના હનીમૂન દરમ્યાન નિરાલીએ એવી કંઈક કરામતો કરી કે આશ્લેષ તેની કાયાના કેફમાં કેદ થઈ ગયો.

નાઓ નેક્સ્ટ સ્ટેપ!

€ € €

‘કાશ્મીરી શાલ! દાદીમા માટે લઈ લઈએ.’

આશ્લેષને ગમ્યું : શૉપિંગમાં પણ નિરાલી પહેલાં ઘરનાને યાદ કરે છે!

‘એક મૉમ માટે પણ લઈ લે.’

‘નહીં, મૉમ માટે મારે કશુંક એક્સક્લુઝિવ લેવું છે...’

નો... નૉટ ધિસ... આનાથી બેટર... આખું માર્કેટ રખડ્યા, પણ નિરાલીને મા માટે કશું ગમ્યું નહીં. છેવટે થાકી-હારી શાલની દુકાને પહોંચ્યા ત્યારે શટર પડી ચૂકેલું! બીજી સવારનું તો પ્લેન હતું. મા માટે કશું ન લેવાયાનો અફસોસ દાખવતી નિરાલી ભીતરથી હરખાતી હતી.

ખરેખર તો સાસુજી માટે કંઈ ન ખરીદીને તેણે બાજી માંડી દીધી હતી!

(ક્રમશ:)

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK