કથા-સપ્તાહ - સાસુ-વહુ (સંબંધનાં તેજ-તિમિર - ૧)

Published: 24th November, 2014 05:34 IST

વહુ.sas bahuઅન્ય ભાગ વાંચો

1  |  2  |સમીત (પૂર્વેશ) શ્રોફ

વહુ.

બે અક્ષરના આ એક શબ્દમાં ધાર્યું ન હોય એવું બળ છે. જો એ સાચી દિશામાં વપરાય તો કુટુંબનું ઉદ્ધારક નીવડી શકે, પણ જો ખોટા રસ્તે દોરાયું તો દરેક સંબંધના તાણાવાણા છિન્નભિન્ન થઈ જતાં વાર નહીં!

‘એમ તો સાસુ શબ્દ પણ ઓછો ભારેખમ નથી...’ બીનલબહેન પ્રવાસીઓને કહેતાં, ‘અને આ ભાર વર્તાવાનો આશય જ્યાં હોય ત્યાં સંસાર મીઠાશના ખેતરને બદલે રણમેદાન બની જતો હોય છે. જો તમારે ભાવ કેળવવો હોય તો ભાર પોષવાથી દૂર રહો.’

કેટલી સચોટ શિખામણ.

મલાડથી ઊપડતી ‘સાસુ-વહુ સ્પેશ્યર ટૂર’ની આ જ તો ખાસિયત હતી. પંદર દિવસના પ્રવાસને અંતે સંસારના સૌથી અટપટા મનાતા સાસુ-વહુના સંબંધનું સરળીકરણ થયાનું દરેક યાત્રી અનુભવતો, સમજણનો ધબકારો ફૂટતો, સગપણના નિભાવને નવો આયામ સાંપડતો.

‘એ જ અમારી સાચી ફળશ્રુતિ.’ વૃંદા ટહુકતી.

અને એમાં દંભ નહોતો... બીનલ-વૃંદા. સાસુ-વહુની આ જોડી ખરા અર્થમાં ઉદાહરણરૂપ હતી.

‘અવિન સાથે મારી સગાઈ થઈ ત્યારનું મમ્મીજીએ મને કહી દીધેલું : ટ્રીટ મી ઍઝ યૉર ફ્રેન્ડ...’

સાસુ-વહુ મા-દીકરી જેવાં બની રહે એ બહુ આદર્શ સ્થિતિ થઈ, જે પામવી અશક્ય પણ લાગે. એના કરતાં બેઉ મિત્ર થઈને રહે તો સંબંધમાં નિખાલસતા, પારદર્શિતા પ્રવેશશે...

‘મોટા ભાગના લોકોને આ સૂચન અપીલ કરી જાય છે.’ બીનલબહેન મુસ્કુરાતાં, ‘એ વખતે સ્ટ્રાઇક નથી થતું કે જુવાન દીકરી માટે મા પણ મિત્ર જેવી જ હોય છે!’

વાહ. એકમેકનાં મા-દીકરી બની રહેવાનું સાસુ-વહુને સીધું કહો તો મનના કોઈક ખૂણે પ્રતિકાર ઊઠવો સ્વાભાવિક છે. આખરે દીકરી એ દીકરી અને મા એ મા. એનું સ્થાન કોઈ બીજાને દેવાતું હશે! જ્યારે મિત્ર માનવામાં મનને ઝાઝી આનાકાની ન હોય. એક્સેપ્ટન્સ વિધાઉટ રેઝિસ્ટન્સની આ ધરી કેળવાયા પછી સાસુ-વહુની સંબંધ-સફરમાં ક્યારેય કોઈ આડખીલી નથી નડતી.

‘સેમ વે, મારી-મારાં સાસુની દોસ્તી પણ બહુ ઝડપભેર જામી ગઈ...’ વૃંદા વાગોળતી.   

બાવીસની વયે પોતે પરણીને બોરીવલીના ફ્લૅટથી મલાડના બંગલે ડગ મૂક્યો ત્યારે સ્વભાવની અલ્લડતા બરકરાર હતી. પિયરમાં બે ભાઈઓની એકની એક બહેન એટલે ભરપૂર લાડ મળેલાં. પપ્પા પુત્રી માટે ઓવર-પ્રોટેક્ટિવ અને માએ કદી સાણસી પણ ઊંચકવા નહોતી દીધી : સાસરે જઈને આ બધું કરવાનું જ છેને!

સગાંવહાલાંમાં આની ટીકા પણ થતી : છોકરી રૂપાળી છે, હોશિયાર છે એટલે ઘરકામમાં ઢ હોય એ ઓછું ચાલે! કોઈ સાસુ આવી વહુને નહીં સંઘરે, જોજોને...

બન્યું સાવ ઊલટું. મને એવાં સાસુ મળ્યાં જે હું ઊઠું ત્યારે બેડ-ટી લઈને ઊભાં હોય! મારા વાળ ઓળી આપે, હું કહું એ ડિશ ફટાફટ બનાવી તેમના હાથે મને કોળિયા ભરાવે. કદી લાગ્યું જ નહીં કે હું વહુ છું ને તેઓ સાસુ છે!

‘મારી મમ્મીની એ જ તો વિશેષતા છે.’ અવિન ગર્વથી કહેતો. વૃંદા મોં ફુલાવતી, ‘મારી નહીં, આપણી મમ્મી કહો.’

અવિન મલકી પડતો.

‘ભલે, એમ રાખ... સંબંધના મૅનેજમેન્ટમાં મમ્મી એક્સપર્ટ છે. વહુ તરીકે, પત્ની તરીકે, મા તરીકે - અરે, પાડોશી તરીકે મેં હંમેશાં મમ્મીને વખણાતી જ જોઈ છે. મૂલ્યોમાં સમાધાન વિના, સ્વમાન ગુમાવ્યા વિના થોડું જતું કરવાનો ગુણ કેળવીએ તો દરેક સંબંધમાં ક્યાંય વધુ પામવાનું બને છે એ મમ્મીની જીવનશીખ છે.’

વૃંદા અંજાતી.

‘તને લાડ લડાવી મમ્મી તારો નિતાંત સ્નેહ પામી છે. જોને, હું માને મારી કહું એય તારાથી સહ્યું ન ગયું... હવે માએ મારી કે ઘરની ચિંતા કરવાની જરૂર ખરી!’

કેટલી સૂઝ, કેવી સિફ્તથી માએ મને જીતી લીધી!

‘ધરતીમાં પડેલા બીજને યોગ્ય પોષણ મળે તો એ વિકસે ને સમય જતાં એનાં મીઠાં ફળ ચાખવા મળે... સંબંધનું પણ એવું જ.’ વૃંદાના અહોભાવ સામે સાહજિકતાથી તેને સમજાવતાં મા બીજી પળે બહેનપણી જેવાં બની જતાં : ચલ, ઘણા દહાડે નાકા પર પાણીપૂરી ઝાપટવા જઈએ!

સુખ જ સુખ મળ્યું છે મને જીવનમાં... મા, અવિન અને હું. ત્રણે એકમેકના થઈને જીવ્યાં છીએ. માની નિશ્રામાં હું ઘડાતી ગઈ. અવિન મને પ્યારમાં તરબોળ રાખે છે. પિયરમાં અમસ્તીયે તેમની કોઈ ટીકા કરે તો હું વાઘ જેવી થાઉં.

‘બાપ રે. તને અમારા કરતાં વર-સાસુનું વધુ દાઝે છે!’ મા કહેતી એમાં જોકે દીકરી સાસરે સુખી હોવાનો જ પડઘો પડતો.

‘અવિનના પિતા હયાત હોત તો તને અદકેરાં લાડ-પ્યાર મળત...’ મૃત પતિને સાંભરતાં બીનલબહેન પાંપણ ભીની થવા દેતાં નહીં : નાહક તેમના જીવને દુ:ખ થાય! ‘દીકરીની તેમને બહુ હોંશ. ઘણા પ્રયત્નો છતાં મને બીજી વાર ગર્ભ ન રહ્યો ત્યારે શ્રીકાંતે મન મનાવેલું : કંઈ નહીં, દીકરાની પરણેતરને દીકરી જેટલા જ દુલારથી રાખીશું...’

અવિન કૉલેજમાં હતો ત્યારે તેમને કૅન્સરનું નિદાન થયું. પોતે નહીં બચે એમ જાણ્યું ત્યારે પત્નીને ખાસ ભલામણ કરતાં ગયેલાં : વહુને મારા વતીનું પણ વહાલ કરજે હોં, બીનલ!

‘એ રીતે તને લાડ લડાવવામાં મારા શ્રીકાંતને રાજી કરવાનો મારો સ્વાર્થ પણ છે...’ મા કહેતાં ને હું તેમને વળગી પડતી. એક સંબંધના ફૂલવા-ફાલવા પાછળ કંઈકેટલાં પરિમાણ રહેતાં હોય છે!

‘હું તો ત્રાસી તારી ભાભીથી.’

દરમ્યાન પિયરમાં મોટા ભાઈનાં લગ્ન લેવાયાં એના ત્રણેક મહિનામાં તો મા-દીકરી સમક્ષ ઊભરો કાઢતી થઈ, ‘કાવ્યાના એક પણ કામમાં ભલી વાર નહીં!’

અને માત્ર કામ જ નહીં, નયનામાને ઝીણી-ઝીણી બાબતમાં કાવ્યા વિશે ફરિયાદ રહેતી. પછી તો ભાભી પણ નણંદને કહેતી : તમારાં મમ્મીને વાંધોવચકો કાઢવાની ટેવ પડી છે!

વૃંદાને પિયરનું વાતાવરણ ડહોળાતું લાગ્યું. બીનલબહેનથી ક્યાં કશું છાનું હતું?

‘મા, તમે જ આનો કોઈ ઉકેલ આણો.’ વૃંદાની અરજે બીજી સાસુ હોત તો કહી દેત કે પરણ્યા પછી તારે પિયરના મામલામાં પડવાની શી જરૂર છે!

‘ઉકેલ માટે સમસ્યાના મૂળમાં જવું પડે...’ બીનલબહેનમાં એ સંકુચિતતા નહોતી. વેવાઈને ત્યાં સુખ-શાંતિ-સંપ જળવાઈ રહે એ માટે ઘટતું કરવાની તેમની તૈયારી હતી. આખરે નયનાબહેનને કાવ્યામાં ખોટ જ ખોટ દેખાય એનું કારણ શું?

કારણમાં એ કે છોકરી જોવાના સમયે જ કાવ્યા તેમને ખાસ ગમી નહોતી : મારા વિવાનને આનાથી ક્યાંય રૂપાળી છોકરી મળી રહે! જ્યારે તેમની ધારણાથી વિપરીત ઘરમાં વિવાન સહિત સૌને કાવ્યા એક નજરમાં ગમી ગઈ!

પરિણામે પહેલી ગ્રંથિ તેમનામાં એ બંધાઈ કે આવતાંવેંત કાવ્યાએ મને એકલી પાડી દીધી! દીકરાની ખુશી ખાતર તેમણે મન મનાવ્યું, પરંતુ કાવ્યા બાબત પોતે ખોટાં નહોતાં એ પુરવાર કરવા માગતાં હોય એમ જાણે કાવ્યાની ખોડ કાઢવાની તેમને આદત થઈ પડી છે. સાસુના કમળાને વહુ પીળી જ દેખાવાની. વેવાણના વલણે કાવ્યાને આળી બનાવી દીધી : માને હું ગમતી જ ન હોઉં તો મને પણ તેમની પરવા શું કામ હોવી જોઈએ?

બીનલબહેનનાં નિરીક્ષણ-નિષ્કર્ષ યથાર્થ હતાં. અત્યારે નાની દેખાતી સાસુ-વહુ વચ્ચેની તિરાડને ઝટ ન સાંધી તો કુટુંબમાં મોટી ખાઈ સર્જા‍ઈ જવાની...

એવું ન થાય એ માટેની યોજના વિચારીને બીનલબહેને સત્યનારાયણની કથા નિમિત્તે નાનકડું ફૅમિલી ગૅધરિંગ યોજ્યું, જમી પરવારી વરંડાની બેઠકે અવનવી રમતો રમાડી. પાસિંગ ધ બૉલમાં કાવ્યા હારે એવો કારસો ગોઠવી તેમણે સ્પર્ધાના નિયમ પ્રમાણે સજા ફરમાવી : તારી સાસુના બે-ચાર અવગુણ બોલી નાખ!

નયનાબહેન કંપી ઊઠ્યા. રમતરમતમાં વેવાણ આ શું બોલી ગયાં! વાંદરીના હાથમાં નિસરણી આપી દીધી તેમણે તો. કાવ્યા જેવી છોકરી આવો મોકો ચૂકે? અરે, મારામાં ન હોય એવા પણ અવગુણોનો ચોપડો ખોલી બેસી જશે...

બીનલબહેન-વૃંદા પણ ટેન્સ હતાં. હવે સઘળો આધાર કાવ્યાની પ્રતિક્રિયા પર હતો અને -

‘મારાં સાસુમાં સૌથી મોટો અવગુણ એ છે કે...’ સહેજ વિરામ લઈને કાવ્યાએ વાક્ય પૂરું કર્યું, ‘તેમનામાં કોઈ અવગુણ જ નથી.’

હેં!

બીજા લોકો તાળી પાડતા હતા ત્યારે નયનાબહેન ચકળવકળ નેત્રે વહુને તાકી રહ્યાં.

‘આનું નામ સંસ્કાર.’ માત્ર વેવાણને સંભળાય એમ બીનલબહેન બોલ્યાં ને નયનાબહેનની દ્વિધા ન રહી. પછી સાસુ-વહુના સંબંધમાં અણખટ પણ ન રહી! ‘અને ધારો કે કાવ્યાએ આપણી ધારણાથી વિપરીત માના અવગુણ કહ્યા હોત તો...’

‘તો આપણે તેને સમજાવત કે જેનામાં આટલા અવગુણ સાચે જ હોત તો તેણે જણેલો તને જચ્યો ન હોત!’

કેટલી દીર્ઘદ્રષ્ટિ. સંબંધને, માણસને પારખવાની કેવી પીઢતા. ‘મા, તમે મૅજિશ્યન છો. મારાં મમ્મી-ભાભીને મળ્યોએવો લાભ દરેક સાસુ-વહુને મળવો જોઈએ.’ 

વૃંદાના આ તર્કમાંથી ‘સાસુ-વહુ સ્પેશ્યર ટૂર’નાં મંડાણ થયાં હતાં.

ટૂર-ઑર્ગેનાઇઝર તરીકે અવિનનો બિઝનેસ જામી ચૂકેલો. આર્થિક સધ્ધરતા આમેય હતી. સાસુ-વહુ માટે જ ટૂર ઉપાડવાનો નવતર આઇડિયા તેને ગમ્યો ને આજે ત્રણ-ત્રણ વરસથી દર ઉનાળુ અને નાતાલ વેકેશનમાં પંદર દિવસની ગુજરાત-યાત્રાનો પ્રવાસ મુંબઈના ગુજરાતી સમાજમાં સુપરહિટ નીવડ્યો છે. દિવાળીમાં તહેવારને કારણે બીનલબહેન-વૃંદા માટે ટૂર કરવી શક્ય નહોતી. ટૂર-મૅનેજર ઉદેશી સહિતનો અવિનનો સ્ટાફ કેળવાયેલો હતો એટલે વાંધો ન આવતો. ત્રીસ જોડી સાથે પ્રવાસ ખેડવામાં બીનલ-વૃંદાની હથોટી કેળવાઈ છે ને સૌથી વિશેષ સાસુ-વહુની દરેક જોડીને ટૂરથી લાભ જ થયો છે... હરતા-ફરતા સંબંધનું એવું જ્ઞાન પીરસાતું જાય જે મગજનાં બંધ દ્વાર ખોલી નાખે. અલબત્ત, યાત્રામાં જોડાનારી તમામ જોડીને પ્રૉબ્લેમ હોય એ જરૂરી નહોતું, એમ બીજાની સમસ્યાથી પોતાની સમજશક્તિ ભ્રક્ટ ન થાય એટલી સૂઝ તો બીનલબહેન-વૃંદામાં કેળવાઈ હોય જ... ટૂર પાછળ આમેય આર્થિક લાભની ગણતરી નહોતી એટલે સાસુ-વહુનો સંબંધ ખીલતો થાય એ જ અમારું વળતર... આવું માનનારાં બીનલ-વૃંદા આવનારી ચૅલેન્જથી જોકે અજાણ જ હતાં.

(ક્રમશ:)

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK