Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > સરદાર : ધ ગેમ-ચેન્જર - પ્રકરણ 31

સરદાર : ધ ગેમ-ચેન્જર - પ્રકરણ 31

24 March, 2019 12:23 PM IST |
ગીતા માણેક

સરદાર : ધ ગેમ-ચેન્જર - પ્રકરણ 31

સરદાર પટેલ

સરદાર પટેલ


‘તમે મોકલાવેલા હૈદરાબાદ સાથેના સ્ટૅન્ડસ્ટિલ ઍગ્રીમેન્ટનો ડ્રાફ્ટ મેં જોયો, પરંતુ હું એની બધી કલમો સાથે સહમત થઈ શકતો નથી.’ સરદારના ઘરના દીવાનખંડમાંના સોફા પર બેસતાં જ કનૈયાલાલ મુનશીએ માથા પરની સફેદ ગાંધી ટોપી કાઢીને બાજુમાં મૂકીને માથે વચ્ચોવચ પડેલી ટાલની બન્ને બાજુના વાળ હાથથી સરખા કર્યા.

‘મણિબહેન...’ સરદારે અંગત સચિવ બની ગયેલી દીકરીને બૂમ પાડીને બોલાવ્યાં. દીકરી હોવા છતાં સરદાર તેમને માનપૂર્વક જ સંબોધન કરતા.



‘જી બાપુ...’ મણિબહેન તરત જ હાજર થયાં.


‘લેખક માટે કંઈ ચા-પાણી લાવજો...’ આમ તો સરદાર આ લબ્ધપ્રતિષ્ઠ લેખક અને એટલા જ નિષ્ણાત વકીલને મુનશી કહીને સંબોધતા, પરંતુ વર્ષોથી તેમના સાથી રહેલા કનૈયાલાલ મુનશીને આજે તેમણે સહેજ હળવાશથી લેખક કહીને સંબોધ્યા. આ સંબોધન સાંભળીને કનૈયાલાલ મુનશીના ચહેરા પર પણ સ્મિત આવી ગયું.

મેનન અને મૉન્કટનની ઘણી જહેમત બાદ યથાવત્ કરાર (સ્ટૅન્ડસ્ટિલ ઍગ્રીમેન્ટ)નો મુસદ્દો તૈયાર થયો હતો. એ મુસદ્દાની નકલ સરદારે બૅરિસ્ટર અને તેમના જૂના સાથી કનૈયાલાલ મુનશીને મોકલી આપી હતી.


‘ભારતીય સરકાર હૈદરાબાદમાં લશ્કરની ટુકડીઓ નહીં રાખે અને જે છે એને પણ હટાવી દેશે એવી કલમ કઈ રીતે માન્ય રાખી શકાય?’ મુનશીએ પૂછ્યું.

‘એ સિવાય તમને બીજું શું વાંધાજનક લાગે છે?’

‘આમ તો હું આખા કરારનામા સાથે જ સહમત થઈ શકતો નથી, પરંતુ જ્યાં સુધી નવી વ્યવસ્થા અમલમાં ન આવે ત્યાં સુધી બ્રિટન સાથે જે વ્યવસ્થા હતી એ ચાલુ રહેશે એનો અર્થ તો એ થયો કે એક રીતે આપણે હૈદરાબાદની સ્વતંત્રતાને માન્ય રાખીએ છીએ. આ કરાર એક વર્ષ માટે છે એટલે એ દરમ્યાન નિઝામ અને તેના મળતિયાઓ કંઈ નમાજ પઢતા બેસી થોડા જ રહેશે? મને તો દાળમાં બધું જ કાળું

લાગી રહ્યું છે.’ કનૈયાલાલ મુનશીએ શબ્દો ચોર્યા વિના કહ્યું.

સરદાર ધ્યાનપૂર્વક કનૈયાલાલ મુનશીની વાત સાંભળી રહ્યા હતા.

‘હું પણ સમજું છું કે આ બધી સમય ખરીદવાની રમતો છે. સ્ટૅન્ડસ્ટિલ ઍગ્રીમેન્ટના નામે આ દિવસોમાં નિઝામ અને તેની ટોળકી આપણી સામે દારૂગોળો ભેગો કરવાનું કામ જ કરવાનાં છે.’ સરદારે મુનશી સાથે સંમતિ દર્શાવી.

‘તો પછી હૈદરાબાદને આવી વિશેષ સવલતો શા માટે?’

‘આપણા ગવર્નર જનરલ માઉન્ટબેટન અને તેમના મિત્ર મૉન્કટનને લાગે છે કે તેઓ પોતાના અઝીઝ દોસ્ત નિઝામને સમજાવી લેશે. તેમણે મને વિનંતી કરી કે અમને થોડો સમય આપો તો અમે બધું બરાબર કરી દઈશું. તો મેં કહ્યું, ભલે ભાઈ કોશિશ કરી જુઓ. તેમના હાથે જો આ પાર પડતું હોય તો સારી વાત છે. આપણને શું વાંધો હોવો જોઈએ. આપણે તો આમ પણ રોટલાથી મતલબ છે, ટપ-ટપથી નહીં.’

‘પણ નિઝામ માનશે?’

‘માઉન્ટબેટનના બધા પ્રયાસો વ્યર્થ જવાના છે એની મને ખબર છે. જવાહર પણ મને આ બધાથી દૂર રાખવા માગે છે. તેમના બ્રિટિશ મિત્ર હૈદરાબાદની સમસ્યા ઉકેલી શકશે એવું તે માને છે. તો સારી વાત છે.’

‘ત્યાં હિન્દુઓની સ્થિતિ વણસી રહી છે એ તમે ક્યાં નથી જાણતા?’

‘હૈદરાબાદ માટે મારા દિલમાં પણ બહુ દદર્‍ છે, પણ તેમને આ ઍગ્રીમેન્ટ કરી લેવા દો. પછી તેઓ એવો આરોપ નહીં કરી શકે કે હિન્દુસ્તાને ઉદારતા નહોતી દાખવી. બાકી જૂનાગઢની જે સ્થિતિ થવા જઈ રહી છે એ જ હૈદરાબાદની થશે એ વિશે મારા મનમાં કોઈ શંકા નથી.’

‘મને તો અણસાર સારા નથી દેખાઈ રહ્યા.’ મુનશીથી કહ્યા વિના ન રહેવાયું.

‘આ તો થયું કરારનામું. નિઝામ ખાનગીમાં માઉન્ટબેટનને લેખિત બાંયધરી આપવાના છે કે કમસે કમ આ એક વર્ષ તો તેઓ પાકિસ્તાનમાં નહીં જોડાય. તો સામે માઉન્ટબેટને તેમની એ શરત માન્ય રાખી છે કે જો ભારત કૉમનવેલ્થમાંથી બહાર નીકળી જશે તો નિઝામ પોતાનો નિર્ણય લેવા મુક્ત રહેશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થાય તો હૈદરાબાદ નિષ્પક્ષ રહેશે એવું પણ નિઝામે કહ્યું છે.’ ચાનો કપ પૂરો કરીને સરદારે સોફાના હૅન્ડલ પર રાખેલી પોતાની બંડી ઉપાડીને પહેરવા માંડી.

‘અત્યારે મારે એક મીટિંગમાં જવાનું છે. આ વિષય પર વાત કરવા આપણે ફરી થોડાક દિવસમાં ભેગા થઈશું.’ કહીને સરદાર ઊભા થયા અને મુનશી પણ તેમની સાથે જ બંગલાની બહાર નીકળ્યા. સ્ટૅન્ડસ્ટિલ ઍગ્રીમેન્ટની કલમો વિશે પોતાનો અભિપ્રાય મેળવવા ઉપરાંત સરદારના મનમાં બીજું પણ કંઈક આકાર લઈ રહ્યું હતું એનો અંદાજ મુનશીને ન આવ્યો.

સરદાર પટેલ અને મુનશી વચ્ચે સ્ટૅન્ડસ્ટિલ ઍગ્રીમેન્ટના જે મુસદ્દા વિશે ચર્ચા થઈ એ સરદારે ગણતરીપૂર્વક માન્ય રાખ્યો અને વડા પ્રધાન નેહરુની તો તાબડતોબ મંજૂરી મળી ગઈ એટલે એને સત્વર હૈદરાબાદ મોકલી આપવામાં આવ્યો. માઉન્ટબેટન, મૉન્કટન, જવાહરલાલ નેહરુ, છત્તારીના નવાબ સહિત બધા જ માનતા હતા કે નિઝામ આ ઍગ્રીમેન્ટ માન્ય કરીને એના પર તરત દસ્તખત કરી દેશે અને હૈદરાબાદનું કોકડું ઉકેલવામાં એક મહત્વનું પગથિયું લેવાશે.

***

‘યૉર એક્ઝાલ્ટેડ હાઇનેસ, વી હૅવ પ્રિપેર્ડ ધ સ્ટૅન્ડસ્ટિલ ઍગ્રીમેન્ટ ઍન્ડ એવરીબડી ઇન ઇન્ડિયન ગવર્નમેન્ટ હેઝ ઍગ્રીડ ટુ ઇટ (અમે સ્ટૅન્ડસ્ટિલ ઍગ્રીમેન્ટ તૈયાર કર્યું છે અને ભારતીય સરકારમાં બધા જ એના માટે સંમત થઈ ગયા છે).’ નિઝામના રાજકીય સલાહકાર મૉન્કટને ઉત્સાહપૂર્વક કહ્યું અને આખો મુસદ્દો વાંચી સંભળાવ્યો.

‘આ ઉપરાંત હૈદરાબાદ અને હિન્દુસ્તાન પોતપોતાના એજન્ટ નીમશે. મતલબ કે હિન્દુસ્તાન પોતાનો પૉલિટિકલ એજન્ટ હૈદરાબાદમાં રાખશે અને આપણો એજન્ટ દિલ્હીમાં રહેશે.’ મૉન્કટને ઍગ્રીમેન્ટની નકલ નિઝામ સામે ધરી. થોડી વાર તો નિઝામ દસ્તાવેજનાં પાનાં ફેરવતા રહ્યા. તેમના ચહેરા પર કોઈ ભાવ નહોતા.

‘નહીં, મૈં ઇસ પર દસ્તખત નહીં કર સકતા.’ ખખડધજ ખુરસી પર બેઠેલા વિશ્વના સૌથી તવંગર માણસે ઘસીને ના પાડી દીધી. આ સાંભળીને ત્યાં હાજર રહેલા પ્રતિનિધિમંડળના સભ્યોના મોં પડી ગયા.

‘પરંતુ તમારો વાંધો કઈ કલમ સામે છે?’ દિવસોની મહેનત પર એક જ મિનિટમાં પાણી ફરતું જોઈને મૉન્કટનથી બોલી પડાયું. વી. પી. મેનન સાથે આ કરારનામાનો મુસદ્દો ઘડવા માટે મૉન્કટને ઘણા ઉજાગરા કર્યા હતા.

‘હું એકલો આના પર નિર્ણય ન લઈ શકું. મારે હૈદરાબાદની એક્ઝિયુક્યુટિવ કાઉન્સિલના સભ્યોને પૂછવું પડે.’ નિઝામે હાથ ખંખેરી નાખ્યા.

ત્યાર પછીના ત્રણ દિવસ કિંગ કોઠીમાં સવારથી મોડી સાંજ સુધી બેઠકો ચાલી. મૉન્કટન, છત્તારીના નવાબ, અલી યાવર જંગ ઉપરાંત નિઝામના લશ્કરના કમાન્ડર ઇન ચીફ જનરલ અલ-અદ્રુસ, હિન્દુઓના પ્રતિનિધિ તરીકે રાજા બહાદુર વેન્કટરામન રેડ્ડી તેમ જ અરવામદુ આયંગરને વિશેષ આમંત્રણ આપીને બોલાવવામાં આવ્યા. આ ત્રણ દિવસોમાં કરારનામાના એક-એક શબ્દનાં ચીંથરાં ઊડી જાય એટલી ચર્ચાઓ થઈ.

આ ચર્ચાઓ દરમ્યાન એક તબક્કે નિઝામે ત્યાં હાજર બધાને કહ્યું, ‘આ કરાર અંગે દરેક વ્યક્તિ પોતપોતાનો વ્યક્તિગત અભિપ્રાય આપે.’

‘એક્ઝાલ્ટેડ હાઇનેસનો જે અભિપ્રાય છે એ જ મારો પણ છે.’ નિઝામનો ખોફ વહોરવા ન માગતા હૈદરાબાદના હિન્દુ કોતવાલ (પોલીસ-કમિશનર) પિંગલે વેન્કટરામન રેડ્ડી તરત જ બોલ્યા.

આ સાંભળીને નિઝામનો પિત્તો ગયો. તેમણે જોરથી બરાડો પાડ્યો, ‘મેં તમને અહીં મારો પડઘો પાડવા નહીં પણ તમારો મત જાણવા બોલાવ્યા છે.’

થોડીક વાર તો નિઝામની કિંગ કોઠીના દરબાર હૉલમાં સન્નાટો છવાઈ ગયો.

થોડીક ક્ષણો બાદ હિન્દુઓના પ્રતિનિધિ તરીકે ખાસ આમંત્રણથી હાજર રહેલા એ. અરવામદુ આયંગરે પૂછ્યું, ‘હિઝ એક્ઝાલ્ટેડ હાઇનેસ, મારો અભિપ્રાય આપતા પહેલાં જો તમારી ઇજાજત હોય તો હું થોડાક પ્રશ્નો પૂછવા માગું છું.’

નિઝામે ઇશારાથી હા પાડી એટલે તેમણે પૂછ્યું, ‘હૈદરાબાદ ક્યારેય ઇંગ્લૅન્ડ, ફ્રાન્સ કે જર્મનીની જેમ સ્વતંત્ર હતું ખરું?’

‘ના.’ નિઝામે એકાક્ષરી ઉત્તર આપ્યો.

‘હું આપણા લશ્કરના કમાન્ડર ઑફ ચીફને પૂછવા માગું છું કે માની લો કે કોઈ તબક્કે હિન્દુસ્તાન અને હૈદરાબાદ વચ્ચે જંગ છેડાઈ જાય તો આપણે કેટલો સમય ટકી શકીએ?’

‘ચાર દિવસથી વધુ નહીં.’ અલ-અદ્રુસને જવાબ આપતાં વાર ન લાગી.

‘ચાર નહીં, બે દિવસથી વધુ પણ ન ટકી શકીએ.’ નિઝામે કમાન્ડર ઇન ચીફની ભૂલ સુધારી.

‘તો આ સંજોગોમાં સ્ટૅન્ડસ્ટિલ ઍગ્રીમેન્ટ સહી કરવું ડહાપણ ગણાશે એવું મને લાગે છે, કારણ કે અન્ય કોઈ રાજ્યોને મળ્યું છે એના કરતાં આપણને વધુ મળી રહ્યું છે.’ આયંગરે બેધડક કહી નાખ્યું.

‘હું આયંગર સાથે સહમત થાઉં છું.’ એવું નિઝામે કહ્યું ત્યાર બાદ ત્યાં હાજર રહેલી નવ વ્યક્તિઓનો મત લેવામાં આવ્યો. છ મત તરફેણમાં અને ત્રણ વિરોધમાં આવ્યા એટલે બધાએ માની લીધું કે હવે આ મુદ્દે સમંતિ સધાઈ ચૂકી છે. એ દિવસે બધા એવી આશા સાથે છૂટા પડ્યા કે નિઝામ દ્વારા સહી થયેલું સ્ટૅન્ડસ્ટિલ ઍગ્રીમેન્ટ લઈને આવતી કાલે પ્રતિનિધિમંડળ દિલ્હી જવા રવાના થશે.

બીજા દિવસે નિઝામે નાના-નાના સુધારાઓ સૂચવ્યા અને એ મુજબ ફેરફાર પણ કરવામાં આવ્યા. ત્રીજા દિવસે સવારે ૮.૩૦ વાગ્યે પ્રતિનિધિમંડળ કિંગ કોઠી પહોંચી ગયું જેથી ઍગ્રીમેન્ટ લઈને દિલ્હી જવા રવાના થઈ જાય, પરંતુ અચાનક નિઝામે એલાન કરતા હોય એમ કહ્યું, ‘હું અત્યારે નહીં કાલે સહી કરીશ.’

આ પણ વાંચો : સરદાર : ધ ગેમ-ચેન્જર - પ્રકરણ 30

બીજા દિવસે પરોઢ થતાં પહેલાં જ એટલે કે રાત્રે ત્રણ વાગ્યે નાગી તલવારો સાથે આવેલા કાસિમ રાઝવીના ૨૫,૦૦૦ અનુયાયી રઝાકારોએ લાઉડસ્પીકર પર ’હરામજાદાઓને દિલ્હી નહીં જવા દઈએ’ના નારા સાથે મૉન્કટનના હૈદરાબાદ ખાતેના લેક વ્યુ નામના બંગલાને, છત્તારીના નવાબ તેમ જ પ્રતિનિધિમંડળના અન્ય સભ્ય સુલતાન અહમદના ઘરને ઘેરો ઘાલ્યો. ઊંઘમાંથી ઝબકીને જાગી ગયેલા મૉન્કટન આ અચાનક બનેલી ઘટનાથી ગભરાઈ ગયા. તેમણે હૈદરાબાદના લશ્કરના મુખ્ય મથક પર ફોન કરીને મદદની માગણી કરી. બ્રિટિશ બ્રિગેડયર લશ્કરની એક ટુકડી લઈને આવ્યા અને મૉન્કટન તેમ જ અન્ય સભ્યોને સલામત બહાર કાઢવામાં આવ્યા. નિઝામે પ્રતિનિધિમંડળના સભ્યોને ખાતરી આપી કે ‘કોઈ કંઈ પણ કહે હું આ ઍગ્રીમેન્ટ સહી કરવા કટિબદ્ધ છું, પરંતુ આજનો દિવસ મામલો જરા થાળે પડે ત્યાં સુધી થોભી જાઓ.’

પરંતુ બીજા દિવસે નિઝામ ફરી ગયા અને તેમણે સેક્રેટરીને ફરમાન કર્યું, ‘કાસિમ રાઝવીને બોલાવી લાવો.’ અને પછી પ્રતિનિધિમંડળ તરફ જોઈને કહ્યું, ‘રાઝવીની સાથે મસલત કર્યા વિના હું ઍગ્રીમેન્ટ પર સહી નહીં કરું.’ (ક્રમશ:)

Whatsapp-channel Whatsapp-channel

24 March, 2019 12:23 PM IST | | ગીતા માણેક

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK